મેરી ટાઇમ બોર્ડના ઉપાધ્યક્ષશ્રી પંકજકુમાર
વાલીઓ-ગ્રામજનોએ ગુરૂજનોમાં મૂકેલો વિશ્વાસ ટકી રહે બલ્કે તે વધુ મજબૂત બને તે રીતે બાળકોમાં સંસ્કાર સિંચન કરવા શ્રી પંકજકુમારનો અનુરોધ
ચોટીલા તાલુકાના ૧૫ જેટલાં ગામોમાં ભૂલકાંઓને રંગેચંગે શાળા પ્રવેશ કરાવાયો
સુરેન્દ્રનગર,તા.૧૮/૬- ગુજરાતના મેરી ટાઇમ બોર્ડના ઉપાધ્યક્ષશ્રી અને ચીફ એકઝીકયુટીવ ઓફિસરશ્રી પંકજકુમારે ગઇકાલે શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ચોટીલા તાલુકાના દુધેલી, સાંગાણી, મધરીખડા, નાના કાંધાસર અને મોટા કાંધાસર ગામોએ ધોરણ-૧ માં પ્રવેશપાત્ર ભૂલકાંઓને કુમકુમ તિલક કરી-ચોકલેટ આપી મોઢું મીઠું કરાવીને આનંદ હર્ષોલ્લાસના માહોલમાં બાળકોને હસતા મુખે શાળા પ્રવેશ કરાવ્યો હતો.
ચોટીલા તાલુકાના મધરીખડા ગામે ગ્રામજનો અને વાલીઓની હાજરીમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણીના કાર્યક્રમને દીપ પ્રાગટય દ્વારા ખૂલ્લો મૂકતાં ગુજરાત મેરી ટાઇમ બોર્ડના ઉપાધ્યક્ષશ્રી પંકજકુમારે જણાવ્યું હતું કે, રાજય સરકારના પાછલા વર્ષોના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ફલશ્રુતિરૂપે જિલ્લાના પછાત એવા ચોટીલા તાલુકામાં સાક્ષરતા દરની નોંધાયેલી ટકાવારીને જોતાં આ વિસ્તારમાં પણ હવે શિક્ષણની ભૂખ જાગી છે, જે વાલીઓની જાગૃતિને આભારી છે.
શ્રી પંકજકુમારે શાળા પ્રવેશોત્સવના આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનો અને વાલીઓ સાથે સીધો સંવાદ કરી પ્રશ્નોત્તરી કરી પૃચ્છા કરી હતી કે અહીં હાજર રહેલા પૈકી કેટલાં વાલીઓ ભણેલા છે ? ત્યારે મોટાભાગના વાલીઓ પોતે ભણેલા હોવાનું જણાવતાં તુરત જ તેમણે કહયું હતું કે, ભણતરથી શું લાભ થાય છે ? અને તે બાબતથી આપ સૌ સુપરિચિત અને વાકેફ છો, ત્યારે આ બાબત પરથી ગામમાં ચોકકસ જાગૃતિ હોવાનું જણાઇ આવે છે. અને જયારે ગામલોકોમાં જાગૃતિ હોય ત્યારે વાલીઓ પણ તેમના બાળકોને નિયમિતપણે શાળાએ જાય તેની કાળજી રાખતા હશે. આ સંજોગોમાં બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે માટે વાલીઓએ ગુરૂજનોમાં મૂકેલા દ્દઢ વિશ્વાસને સાર્થક કરી તેને બરકરાર રાખવા માટે શાળાની અનેકગણી જવાબદારી વધી જાય છે. ત્યારે વાલીઓ અને ગ્રામજનોએ ગુરૂજનોમાં મૂકેલા આ વિશ્વાસને ટકાવી રાખવા બલ્કે તે વધુ મજબૂત બને તે રીતે કાર્ય કરી શાળામાં અભ્યાસ કરતાં પ્રત્યેક બાળકને યોગ્ય ન્યાય મળે તેવા નિષ્ઠાપૂર્વકના સામૂહિક પ્રયાસોની તેમણે હિમાયત કરી હતી.
શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમને અનુરૂપ ગ્રામ પંચાયત દ્વારા ગામની સામાન્ય માહિતીને આવરી લેતી પત્રિકામાં “બંધારણ ન હોય - પણ વ્યવસ્થા હોય” “સૂચન ન હોય પણ - સમજણ હોય” જેવા સદ્દવિચારોનો ઉલ્લેખ કરતાં શ્રી પંકજકુમારે જણાવ્યું હતું કે, “સાચુ પરિવાર” માટેના આ વિચારો ખૂબ જ ઉત્તમ છે જેની અમલવારી કરવાનું કાર્ય શિક્ષકોનું છે અને આ આદર્શો જીવનમાં ઉતારીને જ સાચા પરિવારની ભાવના ચરિતાર્થ કરી શકાશે.
શ્રી પંકજકુમારે આ પ્રસંગે બાળકોને અપાતા શિક્ષણની ગુણવત્તાલક્ષી સમીક્ષા અર્થે શાળાના તમામ શિક્ષકગણને બાળકોની વચ્ચે હાજર રાખી શિક્ષકગણને એ-બી-સી એમ ત્રણ ગૃપમાં વહેંચીને બાળકો સાથે સીધો સંવાદ કરી, કયા ગૃપના શિક્ષકો પાસે તમને ભણવાની વધુ મજા આવે છે અને કયા ગૃપના શિક્ષકો પાસે તમને ભણવાની ઓછી ઇચ્છા થાય છે તેવો સીધો પ્રશ્ન કર્યો ત્યારે વિદ્યાર્થીઓએ આ અંગે આપેલા પ્રત્યુત્તર-મંતવ્યને બિરદાવતા તેમણે જણાવ્યું હતું કે, શિક્ષકોનું આ સાચું મૂલ્યાંકન છે અને બાળકોના મૂલ્યાંકન મુજબ “બી” ગૃપના શિક્ષકોને “એ” ગૃપની જેમ અને “સી” ગૃપના શિક્ષકોને “બી” ગૃપની જેમ સજજ થવાની જરૂર હોવાની તેમણે ટકોર કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતની સિંચાઇ સમિતિના અધ્યક્ષશ્રી રાધવજીભાઇ મેટાલીયાએ તેમના પ્રાસંગિક ઉદ્દબોઘનમાં સરકારશ્રીના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને ગામના ઉત્સવની જેમ વધાવી લેવા અને વિશાળ મેદાન ફરતે વૃક્ષારોપણ અને ફૂલછોડ વાવીને આ જ્ઞાન મંદિરને ઘર કરતા પણ વિશેષ રળિયામણું બનાવવા જણાવ્યું હતું વાલી મીટીંગમાં પરામર્શ કરીને શાળાની ભૌતિક સુવિધામાં પણ વધારો થાય તે માટેના સહિયારા પ્રયાસો થકી બાળકોનો માનસિક-શારીરિક વિકાસ સાધવા પણ તેમણે ખાસ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે શ્રી પંકજકુમાર અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાના આચાર્યશ્રી બાબુજી ઠાકોર અને ગામ આગેવાન શ્રી પ્રવિણભાઇ જાંબુકીયા તરફથી પુરસ્કૃત કરાયેલ શૈક્ષણિક કિટ્સ ભૂલકાંઓને એનાયત કરાઇ હતી તેમજ આંગણવાડીની બહેનોને રમકડાં તથા ગત વાર્ષિક પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર પ્રથમ ત્રણ વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો વિતરણ કરી પુરસ્કૃત કરાયાં હતાં
આ પ્રસંગે લીંબડીના પ્રાંત અધિકારીશ્રી જે. કે. પટેલ, ગામના આગેવાનો શ્રી પ્રવિણભાઇ જાંબુકીયા, સરપંચશ્રી હરજીભાઇ સરવૈયા, તલાટી શ્રીમતી સુનીતાબેન પટેલ, વિદ્યાર્થીઓ-વાલીઓ, વડીલો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયાં હતાં.
પ્રારંભમાં શાળાની બાલિકાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજુ કર્યું હતું અને અંતમાં શ્રી પ્રવિણભાઇ જાંબુકીયાએ આભારદર્શન કર્યું હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે શાળા પ્રવેશોત્સવના આ ત્રિદિવસીય કાર્યક્રમના પ્રારંભે શ્રી પંકજકુમારે ચોટીલા તાલુકાના ચાણપા, ભીમગઢ, કાળાસર, લાખચોકીયા અને રેશમીયા ગામોએ તથા અંતિમ દિવસે વાવડી, ગુગલીયાણા, જામવાળી, ખાખરાવાળી અને દેવળીયા ગામોની પ્રાથમિક શાળાઓમાં પણ ભૂલકાંઓને શાળા પ્રવેશ કરાવી પ્રોત્સાહિત કર્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો