અનુયાયીઓ

શુક્રવાર, 19 ઑગસ્ટ, 2011

કેન્દ્રની કોંગ્રેસ શાસિત સરકાર તો ગૌમાંસ માટે સબસીડી વહેંચે છે!!

શાંતિ અને વિકાસની યાત્રામાં પશુધનની સારસંભાળ લેનારા ગોપાલક પરિવારોને ઉશ્કેરીને ગેરમાર્ગે દોરનારા તત્વોના સ્થાપિત હિતો ખૂલ્લા પડી ગયા

રાજ્ય સરકારના પ્રવકતા મંત્રીશ્રીઓનું નિવેદન

સમસ્ત માલધારી-ગોપાલક સમાજ તેના શાણપણ-વિવેક માટે અભિનંદનના અધિકારી

શેરથાના ગોપાલક સંમેલનનો સદંતર ફિયાસ્કો

માલધારી સમાજ દ્વારા જૂઠાણા ફેલાવનારા તત્વોને જોરદાર લપડાક પડી

ગૌવંશ અને અબોલ પશુધનની રક્ષા માટે ગુજરાત સરકારે દાખવેલી પ્રતિબધ્ધતા પથદર્શક છે

સર્વોચ્ચ અદાલતમાંથી ન્યાય મેળવીને ગૌવંશ રક્ષાનો કાયદો મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકારે અમલી બનાવ્યો

દર વર્ષે ર૭૦૦ પશુઆરોગ્ય મેળા પશુઓના મોતીયા અને દંતચિકિત્સાની સારવાર શસ્ત્રક્રિયા કરનારૂં એકમાત્ર ગુજરાત

ગૌવંશ રક્ષા કાનૂનના ભંગના ગૂના માટે ત્રણ વર્ષમાં ૧પ૪ પાસાના કેસો ૪૭રપ ગૂનેગારો જેલના સળીયા પાછળ

રાજ્ય સરકારના પ્રવકતા આરોગ્ય મંત્રીશ્રી જયનારાયણ વ્યાસ અને નાણાં રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલે ગૌરક્ષાના નામે રાજ્ય સરકારને બદનામ કરવાના અને રાજકીય ઇરાદા પાર પાડવા નીકળી પડેલા તત્વોના શેરથામાં યોજાયેલા ગોપાલક સંમેલનની સ્વયંભૂ ઉપેક્ષા કરવા માટે સમગ્ર માલધારી સમાજે દાખવેલા શાણપણ અને વિવેકને અભિનંદન આપ્યા છે.

પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે ગૌરક્ષાના નામે પોતાના સ્થાપિત હિતોની રખવાળી કરવા નીકળી પડેલા કેટલાક તત્વો અને ગૌમાંસ માટે સબસિડી આપનારી કેન્દ્રની કોંગ્રેસ શાસિત સરકારના એજન્ટોએ ગુજરાત સરકાર સામે જૂઠાણાં ફેલાવવાનું જે તોફાન ઉભૂં કર્યું હતું, તેવા માલધારી સમાજના નામે શેરથાના મહાસંમેલનનો મહાફિયાસ્કો કરીને સમગ્ર ગોપાલક-માલધારી સમાજે આવા તત્વોને જોરદાર લપડાક લગાવી દીધી છે. એક લાખ માલધારીઓ શેરથાના સંમેલનમાં ઉમટી પડીને ગુજરાત સરકારને ગૌવંશ સામે ભીડવશે એવી શેખી મારનારા બની બેઠેલા આગેવાનો અને તેમને પોષનારા તત્વોની સાન માલધારી સમાજે ઠેકાણે લાવી દીધી છે.

શ્રી જયનારાયણ વ્યાસ અને શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકારે જ સંપૂર્ણ ગૌવંશ રક્ષા માટેનો કાયદો લાવવા છેક સર્વોચ્ચ અદાલત સુધી જઇને અબોલ ગૌવંશની રક્ષા માટે જીવદયાની પહેલ આખા દેશમાં કરી હતી જ્યારે કેન્દ્રની કોંગ્રેસ શાસિત સરકાર આજે પણ ગૌમાંસ માટે સબસીડી આપી રહી છે. છેલ્લા ત્રણ વર્ષમાં જ ગુજરાત સરકારે ગૌવંશ રક્ષા કાયદાના ઉલ્લંધન અને પશુધનની ક્રુરતા આચરનારા ગૂનાઓ સંદર્ભમાં ૧પ૪ લોકો સામે પાસાનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે. ૧૯૭૧ ગૂનેગારો સામે કાયદા હેઠળ ગૂના દાખલ કર્યા છે અને ૪૭રપ જેટલા ગૂનેગાર આરોપીઓને પકડીને જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે.

પ્રવકતા મંત્રીશ્રીઓએ એમ પણ જણાવ્યું કે, આખા દેશમાં ગૌવંશ રક્ષા ઉપરાંત પશુપાલનના નવતર વૈજ્ઞાનિક આયામો અપનાવવાની પહેલ પણ, મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકારે કરી છે. રાજ્યમાં દરવર્ષે ર૭૦૦ જેટલા પશુઆરોગ્ય મેળાઓ યોજાય છે, પશુઓની આંખના મોતીયાના ઓપરેશનો અને દંતચિકિત્સાની સારવાર કરનારૂં એકમાત્ર ગુજરાત છે. પશુઓને થતા ૧૧ર જેટલા રોગોની સદંતર નાબૂદી કરીને અબોલ પશુઓ અને દૂધાળા ગૌવંશની સૌથી મોટી જીવદયા ગુજરાત સરકાર કરી રહી છે, ત્યારે કેન્દ્રની કોંગ્રેસ સરકાર ગૌવંશ કાયદો લાગુ પાડવાની હિંમત પણ બતાવી શકતી નથી, અને ઉલ્ટું ગૌમાંસ માટે સબસીડી આપીને ગૌવંશ હત્યાના ધોર પાપની ભાગીદાર બની છે. ગુજરાતમાં તો છેલ્લા એક દશકથી પશુપાલન માટેની સેવા-સુવિધાનું ફલક વિકસાવવાના કારણે જ દુધના ઉત્પાદનમાં કુલ ૬૬ ટકાનો વધારો થયો છે.

પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે ગુજરાતમાં કૃષિવિકાસ અને પશુપાલનના વિકાસ ક્ષેત્રે થઇ રહેલી ક્રાંતિનો સીધો લાભ ગામડામાં વસતા ખેડૂતો અને પશુપાલકોને થઇ રહ્યો છે. ગામડાના અર્થતંત્રમાં નવી સમૃધ્ધિ આવી છે, ત્યારે શાંતિ અને વિકાસના વાતાવરણમાં પલીતો ચાંપવા નીકળી પડેલા અને પરિશ્રમપૂર્વક પશુધનની સંવેદનાસભર સ્નેહભરી માવજત કરનારા માલધારી સમાજને ગેરમાર્ગે દોરીને પોતાના સ્થાપિત હિતોને પોષવા નીકળેલા તત્વોના ઉશ્કેરણીજનક જૂઠાણાની વાતો કેટલી પોકળ છે તે સ્વયમ્‍ પૂરવાર થઇ ગયું છે.


સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત સંચાલિત સ્પોર્ટસ હોસ્ટેલોમાં પ્રવેશ મેળવવા કસોટીનું આયોજન

ગાંધીનગર,
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત વિવિધ સ્પોર્ટસ હોસ્ટેલોમાં પ્રવેશ મેળવવા તેમજ એસ.ટી.સી./એસ.પી.ડી.એ. અંગેની કસોટીનું આયોજન તાલુકા અને જિલ્લા કક્ષાએ કરવામાં આવેલ છે. આ કસોટી તા. ર૩-૮-ર૦૧૧ના રોજ કે.જી. હાઇસ્કુલ, ઉચ્ચતર માધ્યમિક શાળા, ચરાડા, તા. માણસા, તા. ર૪-૮-ર૦૧૧ના રોજ ઉચ્ચતર માધ્યમિક શાળા, મુ. છત્રાલ, તા. કલોલ, તા. રપ-૮-ર૦૧૧ના રોજ કે. એચ. સર્વોદય હાઇસ્કુલ, મુ. છાલા, તા. ગાંધીનગર, તા. ર૬-૮-ર૦૧૧ના રોજ મ્યુનિસિપલ બોપર હાઇસ્કુલ, દહેગામ તેમજ તા. ર૭-૮-ર૦૧૧ના રોજ એસ.એ.આઇ.(સાંઈ) રમત સંકુલ, સેકટર-૧૬, ગાંધીનગર ખાતે સવારે ૮-૩૦ કલાકે યોજાશે.

વધુમાં ભાગ લેવા માગતા ખેલાડીઓ તા. ૧-૧-૧૯૯૮ અને ત્યાર પહેલાં જન્મેલા હોય તેઓએ તેમની શાળાના આચાર્યશ્રીના સહિ-સિક્કા સાથેની એન્ટ્રી લઇ કસોટી સ્થળે વ્યાયામ શિક્ષક સાથે ઉપસ્થિત રહેવું તેમ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.


ગ્રાન્ટ ઇન એઇડ છાત્રાલયોના છાત્રોની નિભાવ ગ્રાન્ટમાં વધારો

નિભાવ ગ્રાન્ટ માસિક રૂ. ૬૦૦ લેખે ચુકવાશે


ગાંધીનગર
રાજ્યમાં આવેલ જિલ્લા પંચાયતો હસ્તકની જિલ્લા શિક્ષણ સમિતિઓ સંચાલિત ગ્રાન્ટ-ઇન એઇડ છાત્રાલયોના છાત્રોની નિભાવ ગ્રાન્ટની રકમમાં રાજ્ય સરકારે વધારો કર્યો છે.

શિક્ષણ વિભાગના તા. પ મી ઓગસ્ટ, ર૦૧૧ના ઠરાવથી આ નિભાવ ગ્રાન્ટમી રકમ માસિક રૂ. ૩પ૦ ચૂકવવામાં આવતી હતી તેના બદલે માસિક રૂ. ૬૦૦ લેખે તા. ૧-૭-ર૦૧૧થી ચુકવવાનું ઠરાવ્યું છે.





સર્વોચ્ચ અદાલતના નિવૃત ન્યાયાધિશ શ્રી એમ બી શાહના અધ્યક્ષપદે તપાસ પંચની નિમણુંકની જાહેરાત

દેશના સાર્વજનિક જીવનમાં શાસનની પારદર્શિતા માટે ગુજરાત સરકારની ઐતિહાસિક પહેલ

કોંગ્રેસે વર્તમાન રાજ્ય સરકાર સામે કરેલા આક્ષેપોના બધા ૧૭ મૂદાઓ સૂચિત તપાસ પંચના કાર્યક્ષેત્રમાં આવરી લીધા

દેશના અન્ય રાજ્યોની સરકારો અને ગુજરાતમાં ભૂતકાળની સરકારોએ ૧૯૮૦ કે તે પછી ઉઘોગોને કેવા

લાભો આપ્યા તેની તુલના અને તટસ્થ મૂલ્યાંકન તપાસપંચ કરશે

લોકતાંત્રિક ઢબે ચૂંટાયેલી સરકાર સામે થયેલા કથિત આક્ષેપોમાં સાચું સત્ય જાહેરજનતા જાણી શકે અને રાજ્ય સરકારની નીતિ અને નિયત સાફ અને પારદર્શી છે તેવી પ્રતીતિ કરાવવાનો ઉમદા ઉદેશ

વિપક્ષ કોંગ્રેસે રાષ્ટ્રપતિશ્રી સમક્ષ ગુજરાત સરકાર સામે કરેલા કથિત આક્ષેપોના આવેદનપત્રની બાબતમાં સંપૂર્ણ ન્યાયીક તપાસ સામે ચાલીને કરાવવાનો ગુજરાત સરકારનો પથદર્શક નિર્ણય

ગુજરાત સરકારે વિપક્ષ કોંગ્રેસ પાર્ટીએ રાજ્ય સરકાર સામે ૧૭ મૂદાના આક્ષેપો કરતું જે આવેદનપત્ર રાષ્ટ્રપતિશ્રીને સુપરત કર્યું હતું તે અંગે સાચું સત્ય જનતા સમક્ષ રજૂ થાય અને જાહેર જનતા આવા આક્ષેપોમાં કેટલું તથ્ય છે તે સ્વયંસ્પષ્ટ રીતે જાણે તેવા વ્યાપક જાહેરહિતમાં, સામે ચાલીને, કમિશન ઓફ ઇન્કવાયરી એકટ-૧૯પર હેઠળ સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત પૂર્વ ન્યાયમૂર્તિશ્રી એમ. બી. શાહના અધ્યક્ષસ્થાને તપાસ પંચની નિમણુંક કરી છે.

ગુજરાત સરકારના પ્રવકતા આરોગ્ય મંત્રીશ્રી જયનારાયણ વ્યાસ અને નાણાં રાજ્ય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે દેશના જાહેરજીવનમાં શાસનની પારદર્શિતાની પ્રેરક અને ઐતિહાસિક પહેલરૂપ રાજ્ય સરકારના મહત્વના નિર્ણયની જાહેરાત કરતા, ન્યાયમૂર્તિ શ્રી એમ. બી. શાહના તપાસ પંચની રચના અંગે સર્વગ્રાહી પાસાઓ સાથેની ભૂમિકા આપી હતી.

પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું છે કે ગુજરાત કોંગ્રેસે રાષ્ટ્રપતિ સમક્ષ રાજ્ય સરકારની કામગીરી અને કહેવાતી ગેરરીતિઓ સંદર્ભમાં, જે ૧૭ મૂદાના આક્ષેપો સાથેનું આવેદનપત્ર આપ્યું હતું તે અંગે સરકાર સંપૂર્ણ પારદર્શી ધોરણે તટસ્થ ન્યાયિક તપાસ કરાવવા, સ્વેચ્છાએ સામે ચાલીને પ્રતિબધ્ધ બની છે.

કારણ કે સરકાર માને છે કે લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારની કામગીરી સંપૂર્ણ શંકારહિત અને પ્રમાણિક હોવી જોઇએ અને ગુજરાતની જનતાને હકિકતની પ્રતીતિ થવી જોઇએ, એવા ઉમદા ઉદેશથી ન્યાયમૂર્તિશ્રી એમ. બી. શાહના તપાસ પંચની રાજ્ય સરકારે સ્વયંપ્રેરણાથી રચના કરી છે.

પ્રવકતા મંત્રીશ્રીઓએ એમ પણ જણાવ્યું કે હાલ આખા દેશમાં, જાહેર જીવનમાં ભ્રષ્ટાચાર સામે જનતાનો તીવ્ર જનમત ઉભો થયો છે અને ગુજરાત સરકાર પણ પ્રમાણિકપણે તેની સામેના કહેવાતા એકેએક આક્ષેપોમાં સાચું સત્ય બહાર આવે તેને જનતા સમક્ષ મૂકવા માટે પ્રતિબધ્ધ છે. ઉદેશથી તપાસ પંચની રચના કરીને તેના કાર્યક્ષેત્રની ટર્મ્સ ઓફ રેફરન્સ સુનિતિ કરી છે.

શ્રી જયનારાયણ વ્યાસ અને શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું કે છેલ્લા છ-છ વર્ષથી ગુજરાતમાં ""લોકાયુકત''ની નિમણુંક કરવા માટે રાજ્ય સરકારે વિપક્ષ કોંગ્રેસનો સહયોગ મેળવવા સાતત્યપૂર્વક પ્રયાસો કર્યા છે. ગુજરાત લોકાયુકત અધિનિયમની જોગવાઇ મુજબ લોકાયુકતની રાજ્યમાં નિમણુંક માટે ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતાશ્રીનો પૂર્વ પરામર્શ જરૂરી હોવાથી અંગે તેમની સાથે પરામર્શ બેઠકો યોજવાના સતત પ્રયાસો કર્યા હતા. પરંતુ જ્યાં સુધી પોતાની ઇચ્છા પ્રમાણેની વ્યકિતનું નામ પસંદ થાય નહીં ત્યાં સુધી લોકાયુકતની નિમણુંક માટેની પ્રક્રિયામાં અનેક વિધ્નો સર્જીને, તદ્‍ન અનુચિત મૂદા ઉભા કરીને, વિપક્ષ કોંગ્રેસે નકારાત્મક વલણ દાખવ્યું છે એટલું નહીં, પરોક્ષ રીતે મહામહિમ રાજ્યપાલશ્રી સમક્ષ પણ વિપરીત રજૂઆતો કરીને, લોકાયુકતની જગા ભરાય નહીં તેવી રીતરસમો અને દુરાગ્રહ રાખીને કોંગ્રેસે ""ચોર કોટવાલને દંડે'' એવું તદ્‍ન લોકહિત વિરૂધ્ધનું બેવડું ધોરણ અપનાવ્યું છે. આમ, લોકાયુકતની નિમણુંકની પ્રક્રિયામાં રૂકાવટો ઉભી કરનારા કોંગ્રેસ પક્ષે, જે કાંઇ આક્ષેપો સરકાર સામે કર્યા છે તે તમામે તમામ ૧૭ આક્ષેપોની તલસ્પર્શી તપાસ, સામે ચાલીને સર્વોચ્ચ અદાલતના નિવૃત ન્યાયમૂર્તિશ્રી એમ. બી. શાહના અધ્યક્ષપણા હેઠળ ઉચ્ચ તપાસ પંચ નીમીને કરવાની પારદર્શીતાનું ઉત્તમ ઉદાહરણ દેશ સમક્ષ રાજ્ય સરકારે પુરૂં પાડયું છે.

સર્વોચ્ચ અદાલતના નિવૃત ન્યાયમૂર્તિશ્રી એમ. બી. શાહના અધ્યક્ષપણે રચાયેલું તપાસ પંચ જે મૂદાઓની સર્વગ્રાહી તપાસ કરશે તે પ્રમાણે છે.

કોંગ્રેસે રાષ્ટ્રપતિશ્રી સમક્ષ ગુજરાત સરકાર સામે કરેલા ભ્રષ્ટાચારના આક્ષેપો અને કેટલાક પસંદગીના ઔઘોગિક ગૃહોની તરફદારી કરવા અંગેના આક્ષેપોની, તપાસ પંચ તપાસ કરશે.

આવી બાબતોના સંદર્ભમાં ગુજરાત સરકારે કોઇ નિષ્કાળજી કે બેદરકારી દાખવી છે કે કેમ?

એવી અન્ય કોઇ બાબતો જે અંગે કોઇ આક્ષેપ થયો છે એવું તપાસપંચના અભિપ્રાય અનુસાર તપાસને યોગ્ય હોય.

ઉપરોકત ત્રણેય મૂદાઓ અંગે, તપાસ પંચ નીચેના સંદર્ભે પણ, તટસ્થ મૂલ્યાંકન કરશે જેમાં (અ) દેશના અન્ય કોઇ પ્રમુખ રાજ્યએ, જમીન ફાળવણી, વેચાણવેરા / વાણીજ્ય વેરા, સ્ટેમ્પ ડયુટી કે તેવી અન્ય કોઇ બાબતમાં કોઇ ઉઘોગ ગૃહને વેરા મૂકિત, રાહત અથવા વિલંબીત ચૂકવણીના લાભો આપેલા છે કે કેમ તેની તુલના કરશે. (બ) ગુજરાત રાજ્યની અગાઉની કોઇ સરકારોએ સને ૧૯૮૦ અને તે પછી, ઉઘોગ ગૃહોને જમીન ફાળવણી, વેચાણવેરા / વાણીજ્ય વેરા, સ્ટેમ્પડયુટી કે અન્ય કોઇ બાબતે વેરામૂકિત, વેરામાં રાહત કે વિલંબીત ચૂકવણીના લાભો જેવી ખાસ છૂટછાટો આપેલી છે કે કેમ?

ન્યાયૂમર્તિશ્રી એમ. બી. શાહનું તપાસ પંચ તેની તપાસ સંપૂર્ણ પૂરી કરીને તા.૩૧મી માર્ચ ર૦૧ર સુધીમાં રાજ્ય સરકારને તેનો અહેવાલ સુપરત કરશે એમ તેમણે જણાવ્યું હતું.

પ્રવકતા મંત્રીશ્રીઓએ હકિકતનો સ્પષ્ટ નિર્દેશ કર્યો છે કે ન્યાયમૂર્તિશ્રી એમ. બી. શાહના તપાસ પંચને, રાષ્ટ્રપતિશ્રી સમક્ષ કોંગ્રેસ દ્વારા અપાયેલા આવેદનપત્રનાં જે મૂદાઓ રજૂ કરવામાં આવ્યા છે તે તમામ મૂદાઓની સર્વગ્રાહી તપાસ, સુપરત કરવામાં આવી છે. તેમાં જે બે મુદાઓ અદાલતોમાં હાલ ""ન્યાયાધિન'' છે તે સિવાયના બધા ૧પ મૂદાઓ તપાસ પંચના કાર્યક્ષેત્રમાં આવરી લીધા છે.

તપાસ પંચ સમક્ષ, કોંગ્રેસે કરેલા કહેવાતા આક્ષેપોના જે ૧પ મૂદાની તપાસ સુપરત કરવામાં આવી છે જે પ્રમાણે છે.

ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં ઉઘોગોને નજીવા દરે જમીન ફાળવી દીધી તેવો આક્ષેપ.

ટાટા નેનો કાર પ્રોજેકટને રૂ. ૩૩,૦૦૦ કરોડના કંસેશનો આપ્યા તેવો આક્ષેપ.

અદાણી ઉઘોગ ગૃહને મૂન્દ્રા પોર્ટ અને મૂન્દ્રા SEZની જમીન ફાળવણીનો આક્ષેપ.

મે. છત્રાલા ગ્રુપ ઓફ હોટેલ્સને ફાઇવ સ્ટાર હોટેલ બનાવવા માટે નવસારી કૃષિ યુનિવર્સિટીની મોકાની કિંમતી જમીન જાહેર હરાજી વગર ફાળવી દીધાનો આક્ષેપ.

એસ્સાર ગ્રુપને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન અને ફોરેસ્ટ લેન્ડની જમીનની ગેરકાયદે ફાળવણી અને બાંધકામ માટેની મંજૂરીનો આક્ષેપ.

ભાજપાના નેતાશ્રી વૈંકયા નાયડુ સંકળાયેલા હોવાનું કહેવાય છે તેવી કંપનીને પાકિસ્તાન સરહદ નજીક કચ્છમાં સોલ્ટ કેમિકલ્સ કંપની સ્થાપવા માટે ખૂબ મોટા પ્રમાણમાં જમીન ફાળવી દીધાનો આક્ષેપ.

અમદાવાદમાં સરખેજ-ગાંધીનગર હાઇવે ઉપર ભારત હોટેલ લી.ને જાહેર હરાજી વગર મોકાની જમીન ફાળવી દીધાનો આક્ષેપ.

મોટા શહેરો નજીક વિવિધ ઉઘોગો / ઉઘોગપતિઓને ઔઘોગિક એકમો માટે જમીન ફાળવી દીધાનો આક્ષેપ.

સુરતમાં હજીરામાં એલ એન્ડ ટી કંપનીને હરાજી વગર પાણીના ભાવે મોકાની જમીનની ફાળવણીનો આક્ષેપ.

કેટલ ફીડ કૌભાંડનો આક્ષેપ.

રાજ્યની આંગણવાડીના કેન્દ્રોમાં ન્યુટ્રીશનલ ફોર્ટીફાઇડ બ્લેન્ડેડ ફૂડના કૌભાંડનો આક્ષેપ.

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન અંગેના આક્ષેપો.

મુખ્યમંત્રીશ્રી દ્વારા, લાભાર્થી ઔઘોગિક કંપનીઓના ભોગે, લકઝરી જેટ એરક્રાફટ અને હેલિકોપ્ટરોનો ઉપયોગ કરવાનો આક્ષેપ.

જળસંસાધન માટેની સુજલા સુફલા યોજનામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ.

કચ્છ જિલ્લામાં ૩૬.રપ એકર ખેતીની જમીનની મુંબઇસ્થિત મે. ઇન્ડીગોલ્ડ રિફાઇનરી દ્વારા ખરીદી અને વેચાણમાં, તમામ કાયદા નેવે મૂકીને, મા. મહેસૂલ મંત્રીશ્રી તથા મુખ્યમંત્રી કાર્યાલયની સીધી દરમિયાનગીરીનો આક્ષેપ.

પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું છે કે રાજ્ય સરકારે સામે ચાલીને, તેની સામેના આક્ષેપોમાં જનતા સમક્ષ સાચું સત્ય બહાર આવે તેવો રાજકીય ઇચ્છાશકિતનો, દેશના સાર્વજનિક જીવનમાં પથદર્શક એવો હિંમતપૂર્વકનો નિર્ણય લઇને આજ ન્યાયમૂર્તિ શ્રી એમ. બી. શાહના તપાસ પંચની રચના કરી દીધી છે.

રાજ્ય સરકાર સંપૂર્ણપણે પારદર્શી શાસન માટે પ્રતિબધ્ધ છે અને રાજ્ય સરકારની નીતિઓ તથા નિયત કેટલી સાફ છે તેની સ્વયંસ્પષ્ટ પ્રતિતી, ન્યાયમૂર્તિશ્રી એમ. બી. શાહનું તપાસપંચ રચીને, વિપક્ષ કોંગ્રેસના કહેવાતા તમામ આક્ષેપોની તટસ્થ ન્યાયિક તપાસ થાય અને સાચું સત્ય જનતા જાણી શકે માટે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.