૧૫ કલાક પછી ''કાળજા કેરો કટકો મૃતાવસ્થામાં મળતા પરિવારજનો ભાંગી પડ્યા !
જેતપુરમાં ભાદર કેનાલમાં ગરક જેતલસર જંકશનના કિશોરનો
મૃતદેહ ધોરાજી નજીકથી મળ્યો ! સેવાભાવીઓની અનન્ય સેવા !!
(કશ્યપ જોશી દ્વારા) જેતલસર તા.૫
બુધવારની સાંજે જેતપુરમાં ધોરાજી રોડ પરની કેનાલમાં અકસ્માતે ગબડી પડેલ જેતલસર જંકશનના વાલ્મીકી કિશોરનો મૃતદેહ આજે સવારે ધોરાજી નજીકથી કેનાલમાંથી મળી આવતા આખી રાત મહેનત કરનાર સેવાભાવીઓએ દુઃખાવસ્થા વચ્ચે મૃતકના સ્વજનોને સાચવવાની વધુ કે કપરી પરિસ્થિતિને પાર પાડી હતી.
મળતી વિગતો મુજબ જેતલસરના રેલ્વે કોલોનીમાં રહેતા નરેશભાઈ મંગાભાઈ પરમારનો એકનો એક પુત્ર દીપેશ ઉ.વ.૧૩ ગઈકાલે જેતપુરના ધોરાજી રોડ નજીકથી પસાર થતી ભાદર કેનાલમાં અકસ્માતે પડી જતા તે કેનાલના પાણીમાં ગરક થઈને તણાઈ ગયો હતો.
આવા સમયે દીપેશ સાથે રહેલા તેમના બે મિત્રો ભાવેશ સોલંકી અને શ્રવણ પરમારની વિગતો પરથી જેતલસરના સરપંચ હનીફ બલોચ, અન્ય સેવાભાવીઓ શૈલેશ રણછોડ કયાડા, સંજય સામજી સોલંકી, મોહન પ્રેમજી પરમાર, ભારત શાર્દુલ વાઘેલા, રાજુ બાબુ ગડીયલ, જેતપુરના હારૂનભાઈ રફાઈ, ગોંડલના કિશોરભાઈ વિગેરે રાત આખી ભાદર કેનાલના પેઢલા, ગુંદાળા, ધોરાજી, મોટીમારડ સુધીના વિસ્તારો ખુંદી નાખ્યા હતા. પણ રાત્રીના દીપેશનો ક્યાય પત્તો લાગ્યો નહોતો.
બીજીબાજુ આજે ગુરુવારે સવારે દીપેશનો મૃતદેહ ધોરાજી થી જુનાગઢ જવાના રસ્તે, તોરણીયાના પાટીયાથી આગળ ભાદર કેનાલમાંથી મળી આવ્યો હોવાનું અને ધોરાજી હોસ્પીઅલ ખાતે દીપેશની લાશનું પીએમ કરાયું હોવાનું જંકશનના સરપંચ બલોચે આ લખનારને જણાવ્યું હતું.
બોક્સ: દીપેશનો મૃતદેહ ડોક્ટર વાડીની માઈનોરમાં ફસાયો !
જેતલસર : રાત આખી અંધારા ઓઢી દીપેશને શોધવાની પ્રશંશનીય જહેમત ઉઠાવનાર જેતલસર, જેતપુર અને ગોંડલના સેવાભાવીઓએ એવું જણાવેલ કે ભાદરની કેનાલના ઘસમસતા પાણીમાં જેતપુરથી ૧૪-૧૫ કિમી દુર ધોરાજી સુધી તણાઈને મોતને ભેટેલ દીપેશની લાશ મૂળ કેનાલમાંથી ડોક્ટર દુધાતની વાડીમાં જતી માઈનોર કેનાલમાં ફસાઈ જતા તે આગળ તણાતા બચી ગઈ હતી. જો આમ ના થયું હોત તો દીપેશની લાશ ઘણું દુર તણાઈ ગઈ હોત અને શોધવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડત. ટૂંકમાં આ બનાવમાં જે જે સેવાભાવીઓએ દીપેશને શોધવા અનન્ય જહેમત ઉઠાવી તે તમામ અન્ય પ્રજામાં સરાહના પાત્ર બન્યા હોવાનું જોવા મળ્યું હતું.
ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર
ફોટોની વિગતો :
મૃતક દીપેશની ફાઈલ તસ્વીર અને તેમની ડેડબોડી,
૧૫-૧૫ કલાક સુધી દીપેશને શોધવા સેવા કરનાર યુવાનોની ટીમો
સરકારી તંત્રનું વાહન, તથા ગામલોકો નજરે પડે છે.











