અનુયાયીઓ

શુક્રવાર, 19 જૂન, 2015

જૂનાગઢમાં ચાર દિવસ પહેલા 6 શખ્શોએ એસીડ પીવડાવી દિધેલા દેવીપુજક આધેડનું મોત !

રૂપિયા 4 હજાર ગજવામાં જોઈ જતા 
જૂનાગઢમાં ચાર દિવસ પહેલા 6 શખ્શોએ એસીડ 
પીવડાવી દિધેલા દેવીપુજક આધેડનું મોત !
મૃતક આધેડનું પીએમ અને અંતિમવિધિ જેતપુરમાં કરાઈ, જેતપુર પોલીસના જમાદાર ખરાડી કહે છે વધુ વિગતો જુનાગઢ પોલીસ પાસે હોય, અમોએ કાગળો ફોરવર્ડ કરી દીધા છે !! પોલીસ રસ દાખવે તો મારા ધણીની હત્યાની ઘટના બહાર આવે : પત્ની હંસા 
જેતપુર તા.19
આજથી ચાર દિવસ પહેલા જૂનાગઢમાં 5-6 શખ્શોએ એક દેવીપુજક આધેડને એસીડ પીવડાવી તેમના ગજવામાં રહેલા રૂપિયા ચાર હજાર જેવી રકમ સેરવી નાસી ગયાની ઘટના ખૂનના બનાવમાં પરિણમેં તેવી સંભાવનાઓ જન્મી હોવાની સનસનાટી ભરેલી વિગતો મળી રહી છે.
બનાવની મળતી વિગતો મુજબ જેતપુરના ધોરાજી રોડ પર ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતી અને ભંગાર વીણવાનો ધંધો કરતી હંસાબેન રાજુભાઈ વાડોદરિયા જાતે દેવીપૂજક (રહેવાસી રેલ્વે સ્ટેશન, ખોડિયાર મંદિરની બાજુમાં જુનાગઢ તથા ધોરાજી રોડ કેનાલ પાસે જેતપુર)નામની મહિલાએ આજે ચૌકાવનારી બતાવેલી વિગતો એવી છે કે તેમના પતિ રાજુ વશરામ દેવીપુજક પાસે ભંગાર વેચાણના રૂપિયા 4 હજારથી વધુ રકમ જોઈ જતા તેમના રહેણાંક કુબા એવા મકાનની આજુ બાજુ હરતા ફરતા સરદારજી અને એક ડાડો  સહિતના 5-6 શખ્શોએ રાજુભાઈને એસીડ પીવડાવી દેતા રાજુભાઈને છેલ્લાં ચાર દિવસ થયા જુનાગઢ દવાખાને સારવાર અપાઈ રહી હતી.
જ્યાં આજે તબિયતમાં સારું થઇ જતા પતિ રાજુ ને હંસા જેતપુર એક રીક્ષામાં લઈને આવતી હતી. પણ જેતલસર પહોચેલી રીક્ષામાં પતિ રાજુ બેભાન થઇ જતા હંસાબેન બેભાન પતિને જેતપુરની સરકારી હોસ્પીટલમાં લાવી હતી. પણ ફરજ પરના તબીબોએ રાજુભાઈને મૃત જાહેર કરતા તેમનું પીએમ અહી કરાવી પોલીસે આ દેવીપૂજકની લાશને અંત્યેષ્ટિ માટે શહેરના સેવાભાવી એકતા સોશિયલ ગ્રુપના આગેવાનોને સોંપી હતી.
દરમિયાન અંત્યેષ્ટિ વખતે હંસાબેને સ્મશાનઘાટમાં આ ઘટના વર્ણવતા અને આ અંગે પોલીસમાં પણ વિગતો લખાવ્યાની કરુણાંતિકા વર્ણવતા ઉપસ્થિત સેવા મંડળના હારુન સફાઈ, મુકેશ સાંતલપરા સહિતના ડાઘુઓ સ્તબ્ધ થઇ ગયા હતા.
બીજી બાજુ આ ઘટનાના તપાસનીશ જેતપુર શહેર પોલીસના જમાદાર ખરાડીએ જણાવેલ કે કદાચ આવું બન્યું હશે પણ જૂનાગઢનો બનાવ હોય, અમોએ જુનાગઢ કાગળો મોકલી દીધા છે !!
ત્યારે પ્રશ્ન ઈ ઉભો થાય છે કે શું આ બનાવ હત્યામાં પલટાશે ? ભંગાર વીણીને ગુજરાન ચલાવતી હંસાએ તો ભરથાર ગુમાવ્યો, હવે કોઈ તેની વહારે આવશે ? પોલીસ તપાસ કરશે ? કે અત્યંત ગરીબ એવી હંસાની પતિ ગુમાવ્યાની વેદનાઓ રાબેતા મુજબની પોલીસની કાર્યવાહીમાં પોટલામાં બાંધી દેવાશે ? તે સમયજ બતાવશે !!!

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર જેતલસર 9974262812

ફોટો વિગતો : જેતપુરની સેવાભાવી સંસ્થા એકતા સોસીયલ ગ્રુપના આગેવાનોએ પોલીસ અને હોસ્પિટલસુત્રો પાસેથી રાજુભાઈની લાશ અંત્યેષ્ટિ માટે સ્વીકારી તેના દાખલા, અર્થી અને મૃતક રાજુભાઈ દેખાય છે.


વારસાઈ જમીન હડપ કરનાર 3 શખ્શોએ પાર્શીયલ બ્લાઈન્ડ યુવતીને લમધારી !!

જેતપુર તાલુકાના, જેતલસર પંથકના નવી સાંકળી ગામે 
વારસાઈ જમીન હડપ કરનાર 3 શખ્શોએ 
પાર્શીયલ બ્લાઈન્ડ યુવતીને લમધારી !!
યુવતીના પિતા સ્વર્ગે સિધાવ્યા છે, એકનો એક ભાઈ 4 મહિના થયા અકસ્માતનો 
ભોગ બની સારવારમાં ખાટલામાં છે, મેર ટોળકીએ જમાવ્યો જમીન પર કબજો ??

જેતપુર તા.19
જેતપુરના નવી સાંકળી ગામની એક યુવતીને આજે મેર ટોળકીના 3 શખ્શોએ લાકડીવતી ઢોરમાર મારી હાથમાં ફ્રેકચર જેવી ઈજા કર્યાની તાલુકા પોલીસ દફતરે ફરિયાદ નોંધાવાતા જમાદાર મજનુંભાઈએ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના સાંકળી ગામની વનિતા બચુભાઈ વાલાણી નામની 30 વર્ષની યુવતીને આજે સવારે કોઈ અજાણ્યા 3 શખ્શોએ બેરહમીથી લાકડીવતી માર મારી ડાબા હાથમાં ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓ પહોચાડતા એક રીક્ષા ચાલક વનિતાને લોહી નીગળતી હાલતમાં  તેમની માતા સવિતાબેન સાથે જેતપુર સરકારી દવાખાને લાવતા હતા.
પણ તે રીક્ષામાં પંક્ચર પડી જતા આ મામલો જેતલસર જંકશનના રીક્ષા ચાલક જગુભાઈ હરસુરભાઇ વાળાએ સંભાળી વનિતાને સરકારી દવાખાને પહોચાડેલ..જ્યાં ફરજ પરના ડોક્ટર ગજેરાએ તાત્કાલિક વનિતાને સારવાર આપી, ફ્રેકચર સબબ વધુ સારવાર માટે જુનાગઢ રીફર કરી હતી. બીજીબાજુ હોસ્પિટલ સુત્રોની જાણ પરથી દોડી આવેલી તાલુકા પોલીસને વનિતાએ ચૌકાવનારી વિગતો આપી હતી. જે વિગતો મુજબ વનિતાના પિતા બચુંભાઈ વાલાણી લાંબા સમય પહેલા અવસાન પામ્યા છે. તેમના પૂર્વજોની જે જમીન જુનાગઢ થી મંડલીકપૂર જવાના રસ્તે આવી છે તે જમીન કોઈ મેર ટોળકીના સભ્યોએ હડપ કરી લીધી હોય, આજે વનિતા સવારે પોતાના ખેતરે ગઈ ત્યારે ત્રણ અજાણ્યા શખ્શો તેના પર તૂટી પડતા હાથમાં ગંભીર ઈજાઓ પામેલી આ યુવતીને જેતપુર બાદ વધુ સારવાર માટે જુનાગઢ ખસેડાઈ છે. જેતપુર તાલુકા પોલીસના જમાદાર મજનુંભાઈ મનાતે વનીતાની ફરિયાદ પરથી 3 અજાણ્યા શખ્શો સામે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ આદરી છે.
બોક્સ: ભાઈ ઈજાગ્રસ્ત, એકલી યુવતીની હિંમત કાબીલેદાદ !!
જેતપુર : નવી સાંકળીના જાગૃત માણસોએ બે ત્રણ દુઃખદ વાત બતાવતા જણાવેલ કે વનિતા અને તેમની માતા પાર્શીયલ બ્લાઈંડ( પ્રજ્ઞાચક્ષુનો એક પ્રકાર, આંખે ઓછું દેખે તેવું)  છે. પિતા લાંબા સમય પહેલા સ્વર્ગે સિધાવ્યા છે. અને એકનો એક ભાઈ ચાર પાંચ મહિના પહેલા એક મારુતિવાન અકસ્માતમાં હાથે પગે ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓની પીડા ખાટલામા ભોગવી રહ્યો છે. બીજી બાજુ મેર ટોળકીએ તેમની કીમતી જમીન ઉપર કબજો જમાવી લીધો હોય, હવે કોઈ તેમની વહારે આવે તે જરૂરી છે.

કશ્યપ જે. જોશી જેતપુર 9974262812



ભાદર ડેમ-1 સ્થિત જેતપુર પાલિકાના પંપ હાઉસનો વીજ પુરવઠો ખોરવવાનું બંધ કરો તો સારું !! બાપ !

જેતપુરની પાણી વિતરણ વ્યવસ્થા ખોરંભે પાડવાની સાઝીશ કે ફોલ્ટ સર્જાય છે ?
ભાદર ડેમ-1 સ્થિત જેતપુર પાલિકાના પંપ હાઉસનો 
વીજ પુરવઠો ખોરવવાનું બંધ કરો તો સારું !! બાપ !
છેલ્લા 2 મહિના થયા પંપ હાઉસનો અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો હોય જેતપુરમાં 
પાણી વિતરણ વ્યવસ્થા ખોરંભે પડે છે. જેતપુર પાલિકાની રાજ્ય મંત્રી રાદડીયાને રજૂઆત...
જેતપુર તા.19
ભાદર ડેમ-1 ઉપર જેતપુર પાલિકાના પંપ હાઉસના વારંવાર ખોરવાતા વીજ પુરવઠાની તપાસ કરાવી, આ સમસ્યાનું પુનરાવર્તન ના થાય તેમ ઘટતું કરવા જેતપુર પાલિકાસુત્રોએ સ્થાનિક ધારાસભ્ય અને પ્રવાસન રાજ્ય મંત્રી જયેશભાઈ રાદડીયાને રજૂઆત કરી છે.
રજુઆતમાં જેતપુર નવાગઢ નગર પાલિકા સુત્રો એ જણાવેલ છે કે ભાદર ડેમ-1 દ્વારા જેતપુર નવાગઢ શહેરમા પીવાના પાણીનું વિતરણ થઇ રહ્યું છે. આ માટે એટલેકે જરૂરી વીજળી માટે આ ડેમ ખાતે જેતપુર પાલિકાનો પંપ હાઉસ ઉભો કરાયો છે. જેનો વીજ પુરવઠો, વીજ તંત્રના લીલાખા ફીડરમાંથી સ્પેશિયલ અલગ લાઈનથી મેળવાઈ રહ્યો છે.
પરંતુ છેલ્લા 2 માસ થયા પંપ હાઉસનો વીજ પુરવઠો કોણ જાણે જાણી જોઇને ખોરવી નાખવામાં આવે છે કે કોઈ ફોલ્ટ સર્જાય છે ? તે વાતની તપાસ કરાવી ઘટતું કરાવવા રાજ્યમંત્રીને રજૂઆત કરાઈ છે. પાલિકા સુત્રો કહે છે કે વીજ તંત્રની આ સમસ્યાથી ભાદર ડેમમાં પુરતો જળ જથ્થો હોવા છતાં જેતપુરમાં પાણી વિતરણ વ્યવસ્થામાં ભારે હાલાકી સર્જાતી હોય, પાણી વગર ટળવળતી પ્રજાને ના છૂટકે આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરવા મજબુર થવું પડે છે.
જેતપુર પાલિકા સુત્રોએ વીજ તંત્રને અમુક એવી પણ વણમાંગી સલાહો આપી છે કે લીલાખા ફીડરમાંથી જેતપુરના પંપ હાઉસની જે વીજ લાઈન છે તેમાં સારી ગુણવત્તાવાળા વીજ તાર અથવા કેબલ બદલાવી નવા નાખવા જોઈએ, વારંવાર થતા વીજ ફોલ્ટની સમસ્યા કાયમી હલ કરવા વીજ પોલને અર્થિંગ તાર તેમજ તાણીયા મારવા જોઈએ..
બોક્સ: વીજ પુરવઠો બંધ રાખવાની જાણ કરો..
જેતપુર : જેતપુર પાલિકા સુત્રો કહે છે કે તેઓના ડેમ સ્થિત પંપ હાઉસમાં વીજ ફોલ્ટ સર્જાતા હોય તો તાકીદે કારણો શોધી તે હલ કરવા જાગવું જોઈએ. અને જો વીજ પુરવઠો બંધ કરવાની નોબત ઉભી થતી હોય ત્યારે જો વીજ તંત્ર અગાઉ જેતપુર પાલિકાને જાણ કરે તો પાલિકાસુત્રો પણ આ વાતથી જેતપુરના શહેરીજનોને વાકેફ કરી શકે. અને વિલંબિત પાણી વિતરણ બાબતે પ્રજાજનોનો સહકાર માંગી શકે.
કશ્યપ જોશી જેતપુર જેતલસર 9974262812

AVSAAN NONDH JETALSAR BY KASHYAP JOSHI