અમોને બુટ પહેરીને ચાલવાની ના જ કેમ પડાય તેવું કહી..
જેતપુરના હરીપર ગામે ગરબી સંચાલક ઉપર
૯ શખ્શોએ હુમલો કરતા ગરબી બંધ કરાઈ !
જેતપુર તા.૧૯(કશ્યપ જોશી દ્વારા)
ગઈકાલે રાત્રે જેતપુર તાલુકાના હરીપર ગામે એક ગરબી સંચાલક પર તે જ ગામના ૯ શખ્શોએ હિચકારો હુમલો કર્યાની વીરપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાયોટનો ગુનો નોંધી નવેયની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી વિગતો મુજબ ગઈકાલે રાત્રીના જેતપુર તાલુકાના હરીપર ગામે ચાલતી એક ગરબીમાં નજીકના રબારીકા ગામના નવ શખ્શો ગરબીના મંડપમાં બુટ પહેરીને ચાલતા ગરબી સંચાલક દિનેશભાઈ કાળુભાઈ મકવાણા નામના યુવાને આ તમામને ટપાર્યા હતા. પણ ઉશ્કેરાયેલા મેવસનો વિશાલ, રબારીકાના કમલેશ, જલ્લો, પ્રતાપ, ધર્મેન્દ્ર, રવિ, દીપુ, જયદીપ, કુલદીપ વિગેરેએ દિનેશભાઈ ઉપર તલવાર તેમજ લાકડી વતી હુમલો કરી ગરબી બંધ કરાવતા ભાવિકોમાં નાશભાગ મચી ગઈ હતી. વીરપુર પોલીસે દિનેશની ફરિયાદના આધારે ઉપરોક્ત નવેય શખ્શો સામે રાયોટીંગનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જેતપુરના મેવાસા ગામે ગૌ રક્ષક ઉપર ૬ શખ્શોનો હુમલો, ઈજાગ્રસ્ત જુનાગઢ દવાખાને....
જેતપુર તા.૧૯ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર તાલુકાના મેવાસા ગામે એક ગૌ રક્ષક ઉપર તે જ ગામના ૬ ભરવાડ યુવાનોએ એકસંપ કરી હુમલો કરતા ગૌ રક્ષકને સારવાર માટે જુનાગઢ ખસેડેલ છે. વીરપુર પોલીસે આ બનાવમાં પણ રાયોટીંગનો ગુનો નોંધ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જેતપુરના મેવાસા ગામે રહેતા અને ગૌ રક્ષક તરીકે સેવા કરતા હિરેન ભનું ભરવાડે ગામનાજ ભરવાડ યુવાનો દ્વારા પશુની ભરેલી બોલેરો કાર તપાસવા ગયાનો ખાર રાખી ગઈકાલે હરી વશરામ, રમેશ વશરામ, વાલા વશરામ, જગા રાજા, ગાભા રાજા, અને નાઝા સુરા એમ તમામે એકસંપ કરી હિરેન ઉપર લાકડી વતી હુમલો કરી ઈજા પહોચાડતા હિરેનને સારવાર માટે જુનાગઢ ખસેડાયો છે. વીરપુર પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જેતપુરમાં વૃદ્ધાના ગળા પર ત્રાટકેલી ત્રિપલ સવારો રૂ.૧ લાખનો સોનાનો ચેઈન ઝુંટવી છું !
જેતપુર તા.૧૯ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરમાં ગઈકાલે સાંજે એક વૃધાના ગળામાં પહેરેલ રૂપિયા ૧ લાખનો સોનાનો ચેઈન ઝૂંટવી છું થઇ ગયાની ઘટના શહેર પોલીસ દફતરે નોંધાઈ છે.
અહીના જુના પાંચ પીપળા રોડ પર રહેતા નિર્મલાબેન અશ્વિનભાઈ ભીમજીયાણી ગઈકાલે સાંજે હટાણું કરીને પોતાના ઘર તરફ જતા હતા ત્યારે અચાનક તેમની પાસે ઘસી આવેલ ત્રિપલ સવારી બાઈક ચલાકોમાંના વચ્ચે બેસેલા યુવાને ઝોંટ મારી નીર્માંલાબેનનો સોનાનો ચેઈન ઝૂંટવી છું થઇ જતા આ વૃદ્ધ મહિલાએ રાડારાડ કરી મૂકી હતી. પણ તેટલી વારમાં ચીલઝડપકારો હવામાં ઓગળી ગયા હતા. જો કે પોલીસ તંત્ર એ વૃદ્ધાના સોનાના ચેઈનની કીમત ખુબ ઓછી આંકી હોવાનો
વૃદ્ધાનો વસવસો બઝારમાં સંભળાયો હતો.
જેતપુરમાં સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ પર
કચરાના ઢગલા હટવાનું નામ લેતા નથી !
જેતપુર તા.૨૦
જેતપુર શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગલાથી પ્રજા પરેશાન થઇ ગઈ છે. અહી સ્વચ્છતા અભિયાન જાણે માત્ર કાગળ પરજ આટોપી લેવાયું હોય તંત્ર ગંદકી હટાવવા ભારે બેદરકારી દાખવતું હોવાની ચાડી ખાતી તસ્વીરો કેમેરામાં કેદ થઇ ગઈ છે.
જાણકાર લોકો કહે છે કે અહી સ્વચ્છતા અભિયાન દરમિયાન માત્ર ફોટો શેશન કરી ચુકેલા સત્તાધીસો પાછળથી ગંદકી મટી કે વધી તે અંગેની દરકાર લેવામાં ઉણા ઉતર્યા છે. કારણ અહીના કણકિયા પ્લોટ સહીત અનેક જગ્યાએ ગંદકી જમા થતી રહેતી હોય રસ્તે આવતી જતી પ્રજાને નાકે રૂમાલ રાખી નીકળવું પડે તેવી હાલત સર્જાઈ છે. સૌથી દુખની વાત તો એ છે કે એકબાજુ ભયંકર રોગચારો અનેક શહેરોમાં પ્રવેશી રહ્યો છે, ત્યારે જેતપુરના સત્તાધીસો જાણે કોઈ રોગચાળો જન્મે તેની રાહ જુએ છે કે શું તેવા પ્રજાએ સવાલ ઉઠાવ્યા છે. પ્રસ્તુત તસવીરોમાં ગંદકીયુક્ત કચરાના ઢગલા વચ્ચે મહાલતા પશુ-પ્રાણી દેખાય છે.
ફોટો : કશ્યપ જોશી જેતપુર જેતલસર