જેતપુરમાં ધૂમ મચાવતા મનોરંજક લોકમેળાનો આજે છેલ્લો દિવસ
જેતપુર તા.7
છેલ્લા ચાર દિવસ થયા જેતપુરના જીમખાના મેદાનમાં ચાલતા લાયન્સ કલબ જેતપુર આયોજિત મનોરંજક લોકમેળાનો આજે તા.8 છેલ્લો દિવસ છે. લોકમેળામાં પ્રજાપિતા બ્રહ્માકુમારી સહિતની સંસ્થાઓ દ્વારા રજુ કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોથી મેળાપ્રિય જનતા મોડીરાત્રી સુધી મેળાના મેદાનમાંથી નીકળવાનું નામ લેતી નથી. જેતપુર શહેર ઉપરાંત તાલુકાના 52 ગામોની મનોરંજન પ્રિય જનતાનો માનવ મહેરામણ મેળામાં જોવા મળી રહ્યો છે. પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત બતાવી પ્રજાની સલામતીની બખૂબી દેખરેખ રાખી છે. સ્ટોલ સંચાલકો પાસેથી અવનવા રમકડા માટે રંગીન જનતામાં પડાપડી થઇ રહી છે. અમુક જગ્યાએ ફજર અને ચકરડીઓના સંચાલકોએ બેફામ પૈસા વસુલ્યાની ફરિયાદો ઉભી થઇ હતી પણ અંતે પેટ માટે સૌ કમાવા અહી આવ્યા હોવાની લાગણીઓ પણ વ્યક્ત થતી સાંભળવા મળી છે. મેળાનું આયોજન કરનાર સંસ્થા લાયન્સ ક્લબ આ વર્ષના મેળાની આવકમાંથી પશુ દવાખાનામાં પશુઓની સોનોગ્રાફી માટેનું મશીન ખરીદનાર છે. ઉપરાંત વર્ષ દરમિયાન ગરીબોને ટ્રાઈસિકલ, સિલાઈ મશીનો, નાની મોટી ચીજ વસ્તુઓની સેવાઓ તેમજ અનેકવિધ રોગોના સારવાર કેમ્પો, પશુ સારવાર અને ઓપરેશન કેમ્પોના સતત આયોજન કરતી હોવાનું લાયન પ્રમુખ અતુલ પટેલે જણાવ્યું હતું.
ફોટો અને સમાચાર કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર






