અનુયાયીઓ

સોમવાર, 14 સપ્ટેમ્બર, 2015

જેતપુરના ભીડભંજન રોડ પરની યુરીનલ વાહનચાલકો સહીત સૌ માટે માથાના દુઃખાવા સમાન !

યુરીનલથી રોડ સાંકડો થઇ જતા રોજ સર્જાતી ટ્રાફિક સમસ્યા, તંત્ર જાણે છે, પણ જાગતું નથી !! 
જેતપુરના ભીડભંજન રોડ પરની યુરીનલ વાહનચાલકો 
સહીત સૌ માટે માથાના દુઃખાવા સમાન !

જેતપુર તા.14
જેતપુરના સ્ટેન્ડ ચોકથી ભીડભંજન મહાદેવ તરફ જવાના રસ્તા પર ઉભી કારાયેલ એક યુરીનલથી સાંકડા  બની ગયેલ આ રોડ પર સર્જાતી રોજની ટ્રાફિક સમસ્યાથી વાહન ચાલકો સહિતના શહેરીજનો ત્રાસી ગયા છે. 
મળતી વિગતો મુજબ જેતપુર શહેરમાંથી પસાર થતા શ્રી ભીડભંજન મહાદેવ રોડ પર તંત્રે થોડા વર્ષો પહેલા એક પે એન્ડ યુઝ ટોઇલેટ-યુરીનલ ઉભી કરી છે. યુરીનલ ઉભી થતા આ રોડ સાંકડો થઇ ગયો છે.
આ યુરીનલની આજુબાજુ શાળાઓ, બેંકો આવેલી હોય, શાળા છુટતા અહી વિદ્યાર્થી ભાઈ બહેનોનો આવન જાવનમાં ઘસારો રહેતો હોય, આ સમયે નીકળતા વાહનચાલકો મોટી ટ્રાફિક સમસ્યા ઉભી કરી રહ્યા છે.
અત્રે એ નોંધનીય છે કે ભીડભંજન રોડ પરની આ યુરીનલ રોજ દિવસ દરમિયાન અનેક વખત ટ્રાફિક જામ જેવી સ્થિતિ પેદા કરતી હોવાની વાત ખુદ પાલિકા તંત્ર જાણતું હોવા છતાં તંત્ર પ્રજાની ફરિયાદની તંત્ર રાહ જોતું હોય તેવો તાલ સર્જાયો છે. એટલુજ નહિ આ જાહેર શૌચાલય પાસે સવારથી સાંજ સુધી બેસુમાર ગંદકીયુક્ત ઉકરડાના થર જામી રહ્યા હોય, અહીંથી પસાર થતી પ્રજા, રાહદારીઓ કોઈ રોગચાળાનો ભોગ નાં બને તે વાતની દહેશત સેવાઈ રહી છે.
બીજી બાજુ પાલિકા તંત્રની સંબંધિત શાખા સુત્રો જણાવે છે કે આ માટે ખરેખર ટ્રાફિક સમસ્યારૂપ યુરીનલ છે કે નહિ ? તે અંગેના સ્થાનિક પોલીસના અભિપ્રાયની રાહ જોવાઈ રહી છે. પોલીસનો ટ્રાફિક સમસ્યા પરત્વેનો સમર્થન આપતો અભિપ્રાય મળશે તો આ મુતરડી દુર કરાશે.

બોક્સ: ભારે વાહન પ્રતિબંધ જાહેરનામાનો બેરોકટોક ભંગ 
જેતપુર : ભીડભંજન રોડ પર મુતરડીએ ટ્રાફિક સમસ્યા ખડી કરી હોવાની વાતને એક બાજુએ રાખીને વાત કરીએ તો પહેલેથી જ સાંકડા આ રોડ પર એટલેકે શહેરના સ્ટેન્ડચોકથી બોખલા દરવાજા સુધીના આ રોડ પર બેંકો, શાળાઓ અને વ્યાપારીઓની ભારે અવર જવરને ધ્યાને લઈને રાજકોટ જીલ્લા કલેકટરે વર્ષો પહેલા આ રોડ પર આવન કે જાવન માટે ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અમલી બનાવ્યું છે. પણ આ જાહેરનામાનો અમલ કરાવવા જેઓની જવાબદારી થાય છે તેઓ પણ ચુપ હોય ઘટતું થાય તેવું જેતપુરના પ્રજાજનો ઈચ્છી રહ્યા છે.
                                                          ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 


જેતપુર કોંગ્રેસના માઈનોરીટી વિભાગમાં ચેરમેન નિમાયા

જેતપુર કોંગ્રેસના માઈનોરીટી 
વિભાગમાં ચેરમેન નિમાયા 
જેતપુર તા.4
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના રાજકોટ માઈનોરીટી સેલના ચેરમેન આરીફ નાથાણીએ નવાગઢ(જેતપુર)ના ફારૂકભાઈ ઇકબાલભાઈ મોદનને જેતપુર કોંગ્રેસ માઈનોરીટી સેલના ચેરમેન તરીકે નિમણુક આપી છે. નવાગઢમાં લોકપ્રશ્નો ઉપરાંત મુસ્લિમ સમાજના નાના મોટા સેવાકીય કામોમાં સદાય રત રહેતા ફારૂકભાઈની નિમણુકને શહેર કોંગ્રેસ પ્રમુખ નીલેશ પંડ્યા, રાજકોટ જીલ્લા ઉપપ્રમુખ જગદીશ પાંભર, યુથ કોંગ્રેસ પ્રમુખ ફિરોજ ખેભર, મહિલા અગ્રણી સહેનાઝબેન બાબી વિગેરેએ આવકારી છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 

જેતપુરનો ગોંદરા વિસ્તાર ગંદકીમાં ગરક માજી પાલિકા પ્રમુખની ફરિયાદ ધ્યાને લેવાશે ?

જેતપુરનો ગોંદરા વિસ્તાર ગંદકીમાં ગરક 
માજી પાલિકા પ્રમુખની ફરિયાદ ધ્યાને લેવાશે ?

જેતપુર તા.14
જેતપુરના ગોંદરા વિસ્તારમાં લાંબા સમય થયા સાફ સફાઈ થઇ ના હોય આ વિસ્તારની પ્રજા વતી માજી પાલિકા પ્રમુખ રમાબેન મકવાણાએ પાલિકા તંત્ર કિન્નાખોરી દાખવતું હોવાનો આક્ષેપ કર્યો છે.
મળતી વિગતો મુજબ જેતપુર પાલિકા પ્રમુખ પદેથી મુદ્દત પૂરી થતા પાલિકા સદસ્ય બની ગયેલા રમાબેને આજે સ્થાનિક પત્રકારોને વિગતો આપી હતી શહેરના ગોંદરા વિસ્તારમાં લાંબા સમય થયા સાફ સફાઈ થતી ના હોય અને ગંદકીના ખડકાયેલા ગંજથી ભયંકર રોગચાળો ફેલાઈ તેવી દહેશત વર્તાઈ રહે છે.
તેઓ કહે છે કે નવા પાલિકા પ્રમુખ જાણી જોઇને રાજકીય કિન્નાખોરી દાખવી રહ્યા છે. અને એટલેજ ગોંદરા વિસ્તારમાં હાર્વે ઘાટ વિસ્તારમાં ગંદકીયુક્ત ઉકરડા ખદબદી રહ્યા છે. પરિણામે અમુક શહેરોમાં પુનઃ પગ પેસારો કરનાર ડેન્ગ્યું રોગનો અજગર ભરડો લેવાય તેવી લત્તાવાસીઓમાં દહેશત ફેલાઈ છે.
આ સિવાય ખીરસરા રોડ પર પણ ગંદકી એ માઝા મૂકી હોવાની પ્રજા  ફરિયાદો ઉઠી છે. જેતપુર પાલિકાના માજી પ્રમુખ રમાબેને ખુલ્લો આક્ષેપ કરતા  જણાવેલ જ્યારથી તેઓ પ્રમુખ પદેથી ઉતર્યા છે ત્યારથી તેઓના વિસ્તારમાં વિકાસના કામો પર બ્રેક મરાવીને સંબંધિતો તેમને હેરાન પરેશાન કરે છે. ત્યારે સંબંધિતો આવું ઓરમાયું વર્તન અને રાજકીય કિન્નાખોરી રાખવાનું બંધ કરાય તેવી મહિલા સદસ્ય રમાબેને માંગ કરી છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 


જેતપુરમાં સિંધી સમાજનો ચાલીસમો ઉત્સવ સંપન્ન વાજતે ગાજતે શોભા યાત્રા નીકળી, નદીમાં વિસર્જન

જેતપુરમાં સિંધી સમાજનો ચાલીસમો ઉત્સવ સંપન્ન 
વાજતે ગાજતે શોભા યાત્રા નીકળી, નદીમાં વિસર્જન 
જેતપુર તા.14
છેલ્લા 40 દિવસ થયા જેતપુરમાં સિંધી સમાજ દ્વારા ઉજવાતા આવતા ચાલીસમો ઉત્સવની આજે ધામધુમથી પુર્ણાહુતી નિમિત્તે શહેરમાં શોભાયાત્રા કઢાઈ હતી.
આ અંગે મળતી વિગતો મુજબ પ્રતિ વર્ષ પવિત્ર શ્રાવણ મહિના પહેલા 10 દિવસથી શરુ થઈને સતત 40 દિવસ થયા શહેરના સિંધી સમાજ દ્વારા અહીના લાદી રોડ અને નાના ચોક ખાતે આવેલ શ્રી ઝૂલેલાલ ભગવાનના મંદિર ખાતે ઉજવાતા આવતા 40મો ઉત્સવની આજે પુર્ણાહુતી નિમિત્તે ઝૂલેલાલ ભગવાનના ફ્લોટ સાથે સિંધી સમાજના આગેવાનો, યુવાનો અને કાર્યકરો તેમજ મહિલા વર્ગે ધૂન-કીર્તન કરતા કરતા 13 મી વિશાળ શોભાયાત્રા મંદિરેથી યોજી હતી. જે શહેરના તમામ રાજમાર્ગો પર ફરી હતી. શોભાયાત્રામાં જેતપુર નગર પાલિકાના દંડક અશોક મંગલાણી સહિતના નાના મોટા આગેવાનો જોડાયા હતા.પત્રકાર દિલીપભાઈ તનવાણીના જણાવ્યા અનુસાર આ શોભાયાત્રાનું અહીની ભાદર નદીમાં વિસર્જન કરાયા બાદ મંદિર ખાતે 40 દિવસ થયા વ્રત કરતા બેહેનો અને ઉત્સાહી યુવા સેવા મંડળના કાર્યકરો સામુહિક પ્રસાદ લીધો હતો.
                                                                                                                               ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર
----------------------------------------