ગુજકેટ-2013
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા.9-5-2013ના રોજ ગુજરાત રાજ્યમાં મેડીકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટેની લેવાનારી ગુજકેટ-2013ની પરીક્ષાનું એડમીશન કાર્ડ (ફી રસીદ) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર બોર્ડના વિદ્યાર્થીઓ સિવાયના વિદ્યાર્થીઓને ટપાલ દ્વારા મોકલી આપવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના વિદ્યાર્થીઓના એડમીશન કાર્ડ (ફી રસીદ) વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ તા.2-5-13ને ગુરૂવારના રોજ સવારના 11-00થી 16-00 કલાક દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારીને કચેરી ખાતેથી મેળવી લેવાની રહેશે તેની વિજ્ઞાન પ્રવાહની શાળાઓના આચાર્યશ્રીઓએ નોંધ લેવા વિનંતી છે.
જે ઉમેદવારની હોલ ટીકીટ મળેલ ન હોય કે ખોવાઇ ગયેલ હોય તેવા ઉમેદવારોએ બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી હોલ ટીકીટ (પ્રવેશપત્ર)ની પ્રિન્ટ લઇ શકશે અને તે હોલ ટીકીટ તરીકે માન્ય રહેશે એમ બોર્ડના સચિવશ્રીની યાદીમાં જણાવાયું છે.
ગાંધીનગર ખાતે ગૌરવપૂર્ણ અને ભવ્ય રીતે રાજય સ્થાપના દિવસ તા. ૧લી મેની ઉજવણી કરાશે....
રાજયના પાટનગર ગાંઘીનગર ખાતે ગુજરાત રાજયના ૫૩મા સ્થાપના દિવસની ઉજવણીના અવસરે ગુજરાત ગૌરવ દિવસ- ૨૦૧૩ના સમારોહનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સમારોહમાં યોજાનાર પરેડની સલામી નાણાં, આરોગ્ય, તબીબી શિક્ષણ, પરિવાર કલ્યાણ, વાહન વ્યવહાર અને ગાંઘીનગર જિલ્લા પ્રભારી મંત્રી શ્રી નિતીનભાઇ પટેલ લેશે. તેમજ એરફોર્સનું બેન્ડ પોતાની સૂરાવલી રેલાવશે તેવું આજરોજ જિલ્લા કલેકટર શ્રી બી. જે. ભટ્ટે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું. આજરોજ ગાંઘીનગર જિલ્લા સેવા સદનના વિડીયો કોન્ફરન્સ હોલમાં પત્રકારો સાથે ગુજરાત ગૌરવ દિવસ- ૨૦૧૩ના સમારોહની માહિતી આપતાં જિલ્લા કલેકટર શ્રી બી. જે. ભટ્ટે વઘુમાં જણાવ્યું હતું કે, આ સમારોહ નગરજનોના માનસપટ પર છવાઇ જાય તેવો હશે. આ પ્રસંગે શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ, ગૃહ રાજય મંત્રી શ્રી રજનીકાન્તભાઇ પટેલ અને કાયદો અને ન્યાયતંત્રના મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહેનાર છે. આ સમારોહના પ્રારંભે બોર્ડર સિક્યુરીટી ફોર્સ, બોર્ડર સિક્યુરીટી ફોર્સનું બેન્ડ, ચેતક કમાન્ડો યુનિટ- ૪, રાજય અનામત પોલીસ દળ જુથ- ૨, ૩, ૧૨ અને જૂથ – ૧૨નું પોલીસ બેન્ડ, ગાંઘીનગર, બનાસકાંઠા અને અમદાવાદ જિલ્લા પોલીસની પુરૂષ પ્લાન્ટુસ, પોલીસ બેન્ડ રાજય અનામત પોલીસ દળ જુથ- ૨, સૈજપુર અમદાવાદ, ગાંઘીનગર, અમદાવાદ, મહેસાણા જિલ્લા પોલીસ મહિલા પ્લાન્ટુસ, વન વિભાગ ડુગરાડા તાલીમ કેન્દ્ર ડાંગ-આહવાનું પુરૂષ પ્લાન્ટુસ, હોમગાર્ડ પુરૂષ ગાંઘીનગર પ્લાન્ટુસ, અમદાવાદ શહેર મહિલા હોમગાર્ડ પ્લાન્ટુસ, ગાંઘીનગર જી.આઇ.એસ.એફ પુરૂષ પ્લાન્ટુસ, અને અમદાવાદ શહેર માઉન્ટેડ પ્લાન્ટુસ, શ્રી સ્વામિનારાયણ હાઇસ્કુલ, સેકટર-૨૩ના બોયઝ અને શ્રી જે.એમ. ચૌઘરી હાઇસ્કુલ, સેકટર-૭ની ગર્લ્સ એન.સી.સી, જવાહર નવોદય વિઘાલય, સામેત્રી અને માઉન્ટ કાર્મેલ સ્કુલ, સેકટર-૨૧ના વિઘાર્થીઓનું એન.સી.સી બેન્ડ અને જે.એમ.ચૌઘરી હાલસ્કુલના સ્કાઉન્ટ એન્ડ ગાઇડ પરેડ રજૂ કરશે. તેમજ ખાસ વાહનોના નિદર્શનમાં ગાંઘીનગર મહિલા પોલીસ મથકનું હ્મુમન રાઇડઝ વ્હીકલ, ઓલ ટેરાઇન વ્હીકલ, રક્ષક વાહન ચેતક કમાન્ડો, ફોર્ડ ઇન્ડેવર વ્હીકલ, માર્કસમેન વાહન, ટાટા એલ.એ.ટી.સી. વાહન અને રેશ્કયુ વાહન ચેતક કમાન્ડો યુનિટનું વાહન પણ પોતાનું આકર્ષણ જમાવશે. સરકારની વિવિઘ યોજનાઓની જાણકારી અને લોક જાગૃતિ કેળવે તેવા શિક્ષણ, આરોગ્ય, સંકલિત બાળ વિકાસ યોજના, ઇ-ગ્રામ, બાગાયત, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ, જેડા દ્વારા સોલાર પ્રોજેકટ, પાણી પુરવઠા, વન વિભાગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પશુપાલન, લીડ બેન્ક(દેના બેંક), બેન્ક ઓફ બરોડા, અન્ન અને નાગરિક પુરવઠા, ડીઝાસ્ટર મેનેજમેન્ટ, સરદાર સરોવર નર્મદા નિગમ અને એન્ટરપ્રીનૌરશીપ ડેવલોપમેન્ટ ઇન્સ્ટીયુટ ઓફ ઇન્ડિયા દ્રારા પોતાના ટેબ્લોઝ રજૂ કરવામાં આવશે.આ ઉપરાંત પી.ડી.પી.યુ, ગુજરાત નેશનલ ર્લા યુનિવર્સીટી જેવી ગુજરાતની વિવિધ નામાંકિત યુનિવર્સિટીઓ દ્વારા પણ પોતાના ટેબ્લોઝની પ્રથમ વખત પ્રસ્તુતિ યોજાનાર છે. ગુજરાતનાં પરંપરાગત અને ભાતીગળ નૃત્યો જિલ્લાની વિવિઘ શાળાઓના બાળકો અને સાંસ્કૃતિક મંડળો દ્વારા રજૂ કરવામાં આવશે.જેમાં મેવડો, લોકવાઘો, આદિવાસી નૃત્યો, પ્રાચીન ગરબો, ટીપ્પણી, બેડા નૃત્ય, મિશ્ર રાસ, ગરબો, સ્કેટીંગ, લેઝીમ, જમ્પ રોપ અને સિદી ઘમાલ જેવા મનોહર સાંસ્કૃતિક કાર્યક્રમો આકર્ષણ જમાવશે. વઘુમાં તેઓશ્રીએ જણાવ્યું હતું કે, તમામ કાર્યક્રમો નગરજનો નિહાળી શકે તે માટે ચ-૩થી માર્ચ પાસ્ટના પરેડ, ટેબ્લોઝ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની શરૂઆત થશે. ત્યાર બાદ આ તમામ જૂથો ટાઉન હોલ થઇ ઉઘોગ ભવન સર્કલ થી ગ-૪ જશે. તે ઉપરાંત આતશબાજી ઘ – ૪ સર્કલ થી ગાંઘી મંદિર વચ્ચેના સેન્ટ્રલ વિસ્ટા ઝોનમાં કરવામાં આવનાર છે. આ આતશબાજી લગભગ ૧૫ મિનિટ સુઘી લગાતાર ચાલુ રહેનાર છે. ઠેર ઠેર ઠંડા પીવાની પાણીની વ્યવસ્થા અને પાર્કીંગની સુચારું વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ચાર મેડીકલની ટીમો મુખ્ય સ્ટેઝ, ગેટ નંબર-૬, ટાઉન હોલ અને ઘ-૪-મહાત્મા મંદિર માર્ગ પર એમ્બ્યુલન્સ, મેડીકલ ઓફિસર અન્ય સ્ટાફ સાથે ઇમરજન્સી દવા સાથે સજ્જ રહેશે. સિનીયર સીટીઝન્સ માટે અલગથી બસોની વ્યવસ્થા ગુડા અને મહાનગર પાલિકા, ગાંઘીનગર દ્વારા કરવામાં આવી છે. સમગ્ર નગરની સરકારી ઇમારતો ભાતભાતની ડિઝાઇન પાડીને રોશનીથી શણગારવામાં આવશે.
તા.૩૦/૦૪/૨૦૧૩ ગાંધીનગરમાં યોજાનાર તા. ૧લી મે- રાજય સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે વાહન વ્યવહાર પ્રતિબંધ અંગે...
રાજયના પાટનગર ગાંઘીનગર ખાતે ગુજરાત રાજયના ૫૩મા સ્થાપના દિવસની ઉજવણીના અવસરે ગુજરાત ગૌરવ દિવસ- ૨૦૧૩ના સમારોહનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ ઉજવણીમાં વિવિઘ પ્લાન્ટુસ દ્વારા માર્ચ પાસ્ટ પરેડ, ટેબ્લોઝ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાનાર છે. આ માર્ચ પાસ્ટ અને વિવિઘ કાર્યક્રમો તા. ૧ મે, ૨૦૧૩ના રોજ સાંજના ૪.૦૦ કલાકથી શરૂ થશે. જેને ઘ્યાને લઇ જિલ્લા મેજીસ્ટ્રેટ, ગાંઘીનગર દ્વારા વાહન વ્યવહાર બંઘ કરવાનું જાહેરનામુ મુંબઇ પોલીસ અઘિનિયમ- ૧૯૫૧ની કલમ-૩૩ (૧)(ખ)થી મળેલ સત્તાની રૂએ બહાર પાડ્યું છે. જે અંતર્ગત તા. ૧ મે, ૨૦૧૩ના રોજ સાંજના ૪.૦૦ કલાકેથી શરૂ થનાર માર્ચ પાસ્ટ પરેડ પૂર્ણ ન થાય ત્યાં સુઘી અને આ માર્ચ પાસ્ટ પરેડમાં કોઇ અવરોઘ ઉભો ન થાય તે માટે ચ- રોડના ચ-૩ થી ચ-૫, ઘ- રોડના ઘ-૩ થી ઘ-૫ અને ગ-રોડના ગ-૪ થી ઘ-૪ ઉપર વાહન વ્યવહાર બંઘ કરવાનો હુકમ કર્યો છે.
ગાંઘીનગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર શ્રી બી. જે. ભટ્ટના અઘ્યક્ષ સ્થાને મળી
ગાંઘીનગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર શ્રી બી.જે.ભટ્ટના અઘ્યક્ષ સ્થાને મળી હતી. નાગરિક અઘિકારપત્ર અન્વયે મળેલી અરજીઓ અંગે નિયત સમય મર્યાદાની અંદર સત્વરે કામગીરી કરી, તેનો નિકાલ કરવા તેમજ પડતર તુમારોનો ઝડપી નિકાલ કરવા તેઓશ્રીએ ખાસ જણાવ્યું હતું. આ બેઠકમાં સરકારી બાકી લહેણાં-વસુલાત અંગે પણ ખાસ ઝુંબેશ યોજી વસુલાત કરવા સંબંઘિત અઘિકારીઓને સુચના આપી હતી. તાબાની કચેરીઓના લક્ષ્યાંક મુજબ નિરીક્ષણની કામગીરી કરવા પણ ખાસ જણાવ્યું હતું. બેઠકમાં સરકારી કર્મચારીઓ – અઘિકારીઓના પગાર નિયત કરવા, પેન્શન કેસો સમયસર તૈયાર કરી રજૂ કરવા, સીસીસીની તાલીમ અને પરીક્ષા બાબત, માહિતી અઘિકાર અન્વયે મળેલ અરજીઓના સમયસર નિકાલ, તકેદારી આયોગના કેસો અંગે જરૂરી કાર્યવાહી કરવા, બાકી એ.જી.ઓડિટ પેરાની પૂર્તતા વગેરે અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગાંઘીનગર(ઉત્તર)ના ઘારાસભ્ય શ્રી અશોકભાઇ પટેલ, કલોલના ઘારાસભ્ય શ્રી બળદેવજી ઠાકોર, માણસાના ઘારાસભ્ય શ્રી અમીતભાઇ ચૌઘરી,નિવાસી અઘિક કલેકટર શ્રી ર્ડા.એમ.ડી.મોડિયા, ગાંઘીનગર પ્રાંત અઘિકારી શ્રી પ્રકાશભાઇ મકવાણા, શ્રી હિમાંશુ પટેલ અને જિલ્લા વહીવટી ત્રના સંબંઘિત અઘિકારીશ્રીઓ ઉપસ્થિત રહયાં હતાં
તા.૩૦/૦૪/૨૦૧૩ ગાંઘીનગર જિલ્લા કલેકટરશ્રીના અઘ્યક્ષસ્થાને કૃષિ મહોત્સવના આયોજન અંગેની બેઠક યોજાઇ
રાજયમાં કૃષિ ક્ષેત્રમાં લોકભાગીદારીથી ગ્રામ્ય કક્ષાએ આઘુનિક ઓજારો, કૃષિ પઘ્ઘતિઓ, જળ સંચય અને વીજળી સંચયના કાર્યક્રમો ખેડુતો સુઘી પહોંચે તે માટે રાજય સરકારનો આગવો અભિગમ રહ્યો છે. વર્ષ-૨૦૦૫થી સમગ્ર રાજયમાં કૃષિ મહોત્સવ થકી કૃષિ લક્ષી અને ગ્રામ વિકાસને લગતા કાર્યક્રમોનું આયોજન કરી કૃષિ સહાય, વૈજ્ઞાનિક માર્ગદર્શન સ્થાનિક કક્ષાએ ઉપલબ્ઘ કરાવવામાં આવે છે.ચાલુ વર્ષ સમગ્ર રાજયમાં નવમાં કૃષિ મહોત્સવનો પ્રારંભ તા. ૧૪મી મે, ૨૦૧૩ ના રોજ થનાર છે. નવમો કૃષિ મહોત્સવ ૧૮ દિવસનો રહેશે. આ કૃષિ મહોત્સવ તા.૩૧મી મે, ૨૦૧૩ના રોજ પૂર્ણ થશે.જિલ્લામાં કૃષિ મહોત્સવના સુઆયોજન માટે આ રોજ જિલ્લા કલેકટર શ્રી બી. જે. ભટ્ટના અઘ્યક્ષ સ્થાને જિલ્લાના અઘિકારીશ્રીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી બી. જે. ભટ્ટે કૃષિ મહોત્સવ, ૨૦૧૩ વઘુ લોકભોગ્ય બને, વઘુ ખેડુતો અને ખાસ કરીને મહિલાઓ ભાગ લે તેવું સુચારું આયોજન કરવા પર ખાસ ભાર મુક્યો હતો. કૃષિ મહોત્સવ- ૨૦૧૩ની માહિતી આપતાં જિલ્લા ખેતી અઘિકારી શ્રી કે. કે. પટેલે જણાવ્યું હતું કે, આ કૃષિ મહોત્સવમાં કૃષિ વિકાસની આઘુનિક તકનીક, વૈજ્ઞાનિક કૃષિ પઘ્ઘતિઓ, જમીન સુઘારણા, જળ સંચય, ગ્રામ વિકાસના કાર્યક્રમોને આવરી લેવામાં આવનાર છે. તે ઉપરાંત યાંત્રિક સાઘનોની ખરીદીમાં કૃષિ મહોત્સવમાં ભાગ લેનાર ખેડૂતોને ખાસ વળતર મળે તે વ્યવસ્થા કરવામાં આવી છે. સખી મંડળની રચના અંગેની માહિતી આપવામાં આવશે. કૃપોષણ વિષે લોક જાગૃતિ કેળવાય તેવા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવનાર છે. તેમજ ખેડૂતોને તાજેતરમાં અમલી બનેલ સિંચાઇ અંગેના કાયદાની વિસ્તૃત માહિતી પણ આપવામાં આવનાર છે. એ.પી.એમ.સી દ્વારા ખેડૂત શિબિરોનું પણ આયોજન કરવામાં આવનાર છે. ગ્રામ સુશોભન-વિઘાર્થીઓ માટે નિબંઘ સ્પર્ઘાનું પણ આયોજન કરવામાં આવનાર છે. તેની સાથે સાથે કૃષિ સંલગ્ન યોજનાઓ અને અન્ય રાજય સરકારની યોજનાઓની માહિતી આપતું નાટક રજૂ કરવામાં આવશે. વઘુમાં શ્રી પટેલે જણાવ્યું હતું કે, આ વખતે પણ કૃષિ મહોત્સવ તાલુકા પંચાયતની બેઠક મુજબ કલ્સ્ટરવાઇઝ બેઠકના ગામમાંથી ગતૂ વર્ષના ગામ સિવાયનું એક ગામ પસંદ કરવામાં આવ્યું છે. કૃષિ મહોત્સવ અંતર્ગત દરરોજ સવારના ૮.૩૦ થી ૧૩.૩૦ કલાક દરમ્યાન બે વિભાગોમાં વિવિઘ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિભાગ-૧માં સવારના ૮.૩૦ થી ૧.૩૦ કલાક દરમ્યાન પશુ આરોગ્ય કેમ્પ અને પશુ સારસંભાળ માટેનું જરૂરી માર્ગદર્શન પશુપાલન ખાતાના અઘિકારીશ્રીઓ અને પશુપાલન વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા આપવામાં આવશે.વિભાગ-૨માં સવારના ૮.૩૦ થી ૯.૩૦ કલાક દરમ્યાન જળ સંચય, કેનાલ સફાઇ, માઇક્રો ઇરીગેશન વિષયો પર પરિસંવાદ અને કામગીરીના આયોજનની ચર્ચા તથા સિંચાઇના કાયદા અંગેની માહિતી અને વકતવ્ય જળ સંપતિ વિભાગ, જી.જી.આર.સી., જી.એલ.ડી.સી અને ડી.આર.ડી.એ.ના તજજ્ઞો દ્વારા આપવામાં આવશે. તે પછી ૯.૩૦ થી ૧૦.૩૦ કલાક દરમ્યાન સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતોના અનુભવોનું આદાન-પ્રદાન કરવામાં આવશે. સવારના ૧૦.૩૦ થી ૧૨.૦૦ કલાક દરમ્યાન માન. મુખ્યમંત્રીશ્રીનું સંબોઘન અને ખેત ઉત્પાદન વઘારવા જે તે વિસ્તારને અનુરૂપ સી.ડી મારફતે પ્રસારણ કરાશે. બપોરના ૧૨.૦૦ થી ૧.૩૦ કલાકના સમયમાં કૃષિ વિષયક પ્રદર્શન અને નિદર્શન અંગે માર્ગદર્શન, કિટ વિતરણ તેમજ કૃષિ વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા ખેડૂતોપયોગી સ્થાનિક પ્રશ્નો અંગેનું માર્ગદર્શન કૃષિ રથ ટીમ અને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવશે. કૃષિ મહોત્સવ-૨૦૧૩ અંતર્ગત રૂપિયા ૨૮૦૦/-ની કૃષિ કિટૂસ ગામ દીઠ અનુસૂચિત જાતિના ૩, અનુસૂચિત જનજાતિના ૧૦ અને સામાન્ય વર્ગના ખેડૂતોને કૃષિ કિટૂસનું વિતરણ કરાશે. રૂપિયા ૧ હજારની બાગાયત ઇનપુટ કિટૂસ ગામ દીઠ મહત્તમ સામાન્ય વર્ગના ૫, અનુસૂચિત જનજાતિના ૫ અને અનુસૂચિત જાતિના ૨ થી ૫ ખેડૂતોને વિતરણ કરવામાં આવનાર છે. તેમજ પશુપાલન કિટૂસ ગામ દીઠ ૫ લાભાર્થીઓને કરવામાં આવનાર છે. જિલ્લા પશુપાલન અને નાયબ બાગાયત નિયામકશ્રીઓ કૃષિ મહોત્સવ અંતર્ગત પશુપાલન અને બાગાયત વિભાગની કામગીરીની રૂપરેખા આપી હતી. આ બેઠકમાં નિવાસી અઘિક કલેકટર શ્રી ર્ડા.એમ.ડી.મોડિયા, ગાંઘીનગર પ્રાંત અઘિકારી શ્રી પ્રકાશભાઇ મકવાણા, શ્રી હિમાંશુ પટેલ અને જિલ્લા વહીવટી તંત્રના સંબંઘિત અઘિકારીશ્રીઓ ઉપસ્થિત રહયાં હતાં
ભાવનગર ખાતે જિલ્લાના ઇન્ચાર્જ પ્રભારી સચિવ સુશ્રી મોનાબેન ખંધારના અધ્યક્ષસ્થાને રાહત સમીક્ષા બેઠક યોજાઇ
ભાવનગર ખાતે જિલ્લાના ઇન્ચાર્જ પ્રભારી સચિવ સુશ્રી મોનાબેન ખંધારના અધ્યક્ષસ્થાને રાહત સમીક્ષા બેઠક યોજાઇ હતી.
જિલ્લાના ઇન્ચાર્જ પ્રભારી સચિવ સુશ્રી મોનાબેન ખંધારે બેઠકમાં ઉપસ્થિત પદાધિકારીઓને અનુરોધ કરતા જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લામાં અન્ય જિલ્લા કરતા અછતની પરિસ્થિતિ મહદ અંશે સારી છે. સાથે સાથે ગ્રામ્યકક્ષાએ પદાધિકારીઓની બનેલ પાણી સમિતિને નિષ્પક્ષ અને ન્યાયી વલણ દાખવી પાણી વિતરણ વ્યવસ્થા ગોઠવાય તે ખાસ જોવા અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં જિલ્લાના વલ્લભીપુર, તળાજા, મહુવા, ગારીયાધાર તાલુકાના કેટલાક ગામોના તથા ઘોઘાના પાણીના પ્રશ્નો પદાધિકારીઓ દ્વારા રજુ કરાયા હતા. જેનો હકારાત્મક અભિગમથી ઉપલબ્ધ પાણી સ્ત્રોતનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી ઉકેલ લાવવા સંબંધિત વિભાગના અધિકારીને ઇન્ચાર્જ પ્રભારી સચિવસુશ્રી મોનાબેન ખંધારે સુચના આપી હતી.
આ બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા કલેકટરશ્રી વી.પી.પટેલે જિલ્લાના અછત તથા અર્ધઅછતગ્રસ્ત ૬૭૦ ગામો માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલા પગલાઓની પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા રજુઆત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા કેનાલ આધારીત પાઇપ લાઇનમાંથી પાણી મેળવતા ૫૭૧ ગામો છે. જયારે સ્વૈચ્છિક રીતે પાણી ન લેતા ૧૯૭ ગામો છે. ભાવનગર જિલ્લામાં અપૂરતા વરસાદને કારણે પીવાના પાણીની તંગી નિવારવા ટૂંકાગાળાના તેમજ લાંબાગાળાના વિશેષ આયોજન હાથ ધરાયા છે. ટૂંકાગાળાના આયોજનમાં પાણીની સમસ્યાવાળા કુલ ૨૭૫ ગામોમાંથી ૧૦૪ ગામોમાં ૧૩૨ બોરના કામો ૧૫૪.૬૫ લાખના ખર્ચે, ૧૫૫ ગામોમાં ૧૬૯ બોરના કામો ૫૦૭ લાખના ખર્ચે, અન્ય સોર્સ સુધારણા તથા મશીનરી ૩૪ ગામો માટે કામો ૧૩૨.૪૮ લાખના ખર્ચે, કુલ ગ્રામ્ય વિસ્તારના ૨૭૫ ગામો માટે ૩૩૫ કામો રૂા.૭૯૫.૯૩ લાખના ખર્ચે ટૂંકાગાળાનું આયોજન હાથ ધરાયું છે.
જયારે લાંબાગાળાના વિશેષ આયોજનમાં વલ્લભીપુર કેનાલ બ્રાંચ આધારીત નાવડાથી બોટાદ સુધીની પાઇપ લાઇન મારફતે પાણી શરૂ છે. નાવડાથી બુધેલ સુધીની હયાત પાઇપલાઇનને સમાંતર નવીન પાઇપ લાઇન રૂા.૪૧૨ કરોડના ખર્ચે નાખવાનું કામ પ્રગતિમાં છે. ગારીયાધાર શહેર માટે નર્મદા કેનાલ આધારીત પાણી આપવાની યોજનાની કામગીરી અંદાજી રૂા.૨૧.૫૪ કરોડના ખર્ચે પ્રગતિમાં છે. અને આ કામગીરી મે-૨૦૧૩ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. ભાવનગર શહેર માટે ભાગ-૧ યોજના હેઠળ શેત્રુંજી જળાશય આધારિત શેત્રુંજી જળાશયથી બી.પી.ટી. સુધીની પાઇપ લાઇનનું કામ માર્ચ -૨૦૧૩માં પૂર્ણ થયેલ છે. પાણી પુરવઠો શરૂ કરેલ છે. ભાવનગર શહેર માટે ભાગ-ર યોજના હેઠળ ટાણા બી.પી.ટી.થી શહેરના હયાત ફીલ્ટર સુધીની ૩૪૫૦૦ મીટર લંબાઇની પાઇપ લાઇન રૂા.૫૪.૬૦ કરોડના ખર્ચે નાખવાનું કામ તા.૧૫-૫-૨૦૧૩ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. મહુવા શહેરી પાણી પુરવઠા યોજના રૂા.૧૫૯૭ લાખના ખર્ચે મહદ અંશે પૂર્ણ કરવામાં આવેલ છે.
જિલ્લામાં ૨૫૬૪૮ ઘાસ કાર્ડનું વિતરણ થયેલ છે. જયારે ૩૫૪૧ પડતર અરજીઓનો સત્વરે ઉકેલ લાવવામાં આવશે. હાલ જીલ્લામાં ૪૦ લાખ કિલો ઘાસ ઉપલબ્ધ છે. જરૂર પડયે રેલ્વે વિભાગના સહયોગથી દક્ષિણ ગુજરાતમાંથી ભાવનગર ખાતે ઘાસ લાવવામાં આવશે. મનરેગા યોજના હેઠળ રૂા.૧૮ કરોડથી વધુ રકમના કામોનું આયોજન હાથ ધરાશે.
આ બેઠકમાં જિલ્લા પંચાયત ભાવનગરના પ્રમુખ શ્રીમતિ વિમળાબેન બગડીયા, નિવાસી નાયબ કલેકટરશ્રી જે.એચ.ત્રિવેદી, જિલ્લા પોલીસ વડા શ્રી મનીન્દર પવાર, ડીઆરડીએના નિયામકશ્રી બી.પી.ચૌહાણ, પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ ભાવનગરના કાર્યપાલક ઇજનેરશ્રી એચ.સી.ચૌહાણ, જિલ્લાના તમામ પ્રાંત અધિકારી સહિત અમલીકરણ અધિકારીઓ તથા પદાધિકારીઓ હાજર રહયા હતા.
પ્રારંભમાં ઇન્ચાર્જ જિલ્લા કલેકટરશ્રી વી.પી.પટેલે સ્વાગત પ્રવચન તથા અંતમાં આભાર દર્શન કર્યુ હતું.
રાજયના આરોગ્ય મંત્રીશ્રી નિતિનભાઇ પટેલનો ભાવનગર જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ
રાજયના આરોગ્ય મંત્રીશ્રી નિતિનભાઇ પટેલ ભાવનગર જિલ્લાના પ્રવાસે આવી રહયા છે. તદઅનુસાર તેઓ જિલ્લાના મહુવા ખાતે તા.૧-૫-૧૩ના રોજ સવારે ૯-૪૫ કલાકે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે મહુવા નગરપાલિકા સંચાલિત ૨૦૦ પથારીવાળી હોસ્પીટલ સરકારશ્રી હસ્તક લેવાના કાર્યક્રમ તથા રૂા.૨૭૭૧ લાખના વિવિધ લોકઉપયોગી કામોના ખાતમુહૂર્ત તેમજ ભૂમિ પૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બપોરે ૧૨-૩૦ કલાકે મહુવાથી ગાંધીનગર જવા રવાના થશે.
ખાધપદાર્થોનો કચરો જાહેરમાં નિકાલ કરવાની પ્રવૃતિ બંધ કરવા હુકમ જારી થયો
સિધ્ધપુર શહેરના વેપારીઓ દ્રારા જાહેર માર્ગો ઉપર માંસ, મચ્છી, ચીકન, ઈંડા, જેવા ખાધપદાર્થોનો વેપાર કરવામાં આવે છે.આ વેપાર દરમિયાન ઉત્પન્ન થયેલ કચરાનો નિકાલ પણ જાહેર જગ્યાઓમાં કરવામાં આવે છે. જેના કારણે આમ જનતાની લાગણી દુભાય છે તથા જાહેર આરોગ્ય તેમજ શારીરીક સુખાકારી માટે નુકશાન કર્તા બને છે. સિધ્ધપુર શહેર માતૃશ્રાધ્ધનું પવિત્ર યાત્રાધામ હોવાથી લોકહિતમાં આવી ત્રાસ દાયક પ્રવૃતિ અનિચ્છિનિય છે.યાત્રાળુઓ તેમજ સ્થાનિક લોકોની લાગણીઓ દુભાતી હોવાથી આ ત્રાસદાયક પ્રવૃતિ બંધ કરવી જરૂરી હોય સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ સિધ્ધપુરે માંસ, મચ્છી, ચીકન, ઈંડા, જેવા ખાધપદાર્થોનો કચરો જાહેરમાં નિકાલ કરવાની પ્રવૃતિ બંધ કરવા હુકમ કરેલ છે.તેથી આ પ્રકારનો કચરો બાયોડીગ્રેબલ હોવાથી તેનો નિકાલ સિધ્ધપુર નગરપાલિકાના મ્યુનિસિપલ સોલીડ વેસ્ટ રૂલ્સ ૨૦૦૦ની ગાઇડલાઇન મુજબ કરવાનો રહે છે. આ હુકમનો અનાદર કરવા બદલ ભારતના ફોજદારી અધિનિયમની જોગાવાઇ હેઠળ શિક્ષાને પાત્ર થશે.