અનુયાયીઓ

બુધવાર, 1 મે, 2013

જિલ્લાનો કૃષિ મહોત્સવ નજીક આવી રહ્યો છે - ખેડૂતો યોજનાકીય સાધન સહાય મેળવવા સત્વરે અરજીઓ મોકલી આપે


વડોદરા 

સન ૨૦૧૩નો જિલ્લાનો કૃષિ મહોત્સવ ૧૪મી મે થી ૩૧મી મે સુધી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેને અનુલક્ષીને ખેડૂતોને કૃષિ વિકાસ યોજનાઓ હેઠળ સાધન સહાય મેળવવા સત્વરે અરજીઓ મોકલી આપવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે. અરજદારોમાંથી લાભાર્થીઓની પસંદગી "વહેલો તે પહેલો'ના ધોરણે કરવામાં આવશે તે ઉલ્લેખનીય છે.

કૃષિ વિકાસ યોજનાઓ હેઠળ કૃષિ મહોત્સવ દરમિયાન માપદંડો પ્રમાણે લાયક લાભાર્થીઓને પ્રમાણિત બિયારણો, પાક સંરક્ષણના સાધનો, સુધારેલા ખેત ઓજારો, પાઇપ લાઇન (એચડીપીઇ, પીવીસી), ઓઇલ એન્જીન, ટ્રેકટર, સીડ ડ્રીલ, રોટાવેટર, કલ્ટીવેટર જેવી સાધન સામગ્રી યોજનાઓની જોગવાઇઓ અનુસાર આપવામાં આવે છે. હાલમાં સાધન સહાયનો લાભ મેળવવા માટેની અરજીઓ જે તે વિસ્તારના ગ્રામસેવકોના માધ્યમથી તાલુકા કક્ષાએ તાલુકા અમલીકરણ અધિકારી (ખેતી) દ્વારા સ્વીકારવામાં આવી રહી છે.

જિલ્લા ખેતીવાડી અધિકારીએ સાધન-સામગ્રી ઉત્પાદક માન્ય કંપનીઓના ઇનપુટ ડિલર્સને / કંપની વિક્રેતાઓને કૃષિ મહોત્સવના સહયોગી બનીને તેમના ઉત્પાદનોની ઉપયોગીતાના વ્યાપક પ્રચાર-પ્રસારની તક ઝડપી લેવા અનુરોધ કરવાની સાથે રાહતભાવે વેચાણનો લાભ આપવા અનુરોધ કર્યો છે. કૃષિ મહોત્સવને લગતી બાબતો માટે જિલ્લા પંચાયત, વડોદરાની ખેતીવાડી શાખાનો ફોન નં. ૦૨૬૫-૨૪૩૩૬૪૧ પર સંપર્ક થઇ શકે છે.

વર્ષના કૃષિ મહોત્સવમાં તાલુકા પંચાયત બેઠકોના કલસ્ટરના ગામોમાં કૃષિ રથો ફરશે જેમાં જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો પણ જોડાશે.

જિલ્લામાં પોલીસ આવાસો અને પોલીસ મથક માટે ભવનની નવી સુવિધાઓ મળી

વડોદરા 

સન ૨૦૧૨-૧૩ના પૂરાં થયેલા વર્ષમાં જિલ્લામાં નવા પોલીસ આવાસો, પોલીસ મથક ભવન અને અન્ય સુવિધાઓના નિર્માણથી કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરીમાં સરળતા થઇ છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે બનાવેલા પોલીસ આવાસ નિગમ દ્વારા સતત પોલીસ તંત્રની જરૂરિયાતો પ્રમાણેના મકાનોના નિર્માણ અને જાળવણીની ગુણવત્તાસભર કામગીરી કરવામાં આવી રહી છે.

જિલ્લા પોલીસ દળ પાસેથી મળેલી જાણકારી પ્રમાણે વિગત વર્ષમાં રૂા.૨.૬૪ કરોડથી પણ વધુ રકમના ખર્ચે દળ માટે નવા બાંધકામો કરવામાં આવ્યા હતા. તેના ભાગરૂપે જિલ્લાના ભાદરવા પોલીસ મથકના જવાનો / અધિકારીઓ માટે બી અને સી કક્ષાના કુલ ૨૫ મકાનો રૂા.૧.૨૬ કરોડના ખર્ચે બાંધવામાં આવતા, ફરજના સ્થળે નિવાસની સુવિધાઓ મળી છે. ઉપરાંત વહીવટી સરળતા અને નાગરિક સુવિધા માટે સંખેડા પોલીસ મથકનું નવું મકાન રૂા.૩૭ લાખના ખર્ચે બનાવવામાં આવ્યું છે. વડોદરા ગ્રામ જિલ્લાના છાણી વડા મથક ખાતે દળના જવાનો / અધિકારીઓને સુવિધાજનક રીતે તાલીમ આપવા માટે રૂા.૧ કરોડ 0 લાખના ખર્ચે તાલીમ કેન્દ્ર બાંધવા ઉપરાંત અશ્વદળની કામગીરીને સરળ બનાવવા ધોડાઓનો તબેલો (હોર્સ સ્ટેબલ) બનાવવામાં આવ્યો છે. તમામ બાંધકામો પોલીસ આવાસ નિગમ દ્વારા કરવામાં આવ્યા છે.

પાણી પુરવઠા યોજનાઓના અમલીકરણમાં નબળી કામગીરી કરનારા અને ગ્રામ પાણી સમિતિઓને બાનમાં રાખવાનો પ્રયત્ન કરનારા કોન્ટ્રાક્ટર્સ સામે પોલીસ ફરિયાદ કરવા કલેકટરશ્રીની સૂચના

૨૦ ગામોની પાણી સમિતિઓને જિલ્લા વિકાસ અધિકારી નોટિસ આપશે

વડોદરા

જિલ્લા કલેકટરશ્રી વિનોદ રાવની અધ્યક્ષતામાં મળેલી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં કેટલાંક કોન્ટ્રાક્ટર્સ અને એજન્સીઓ દ્વારા સ્વજલધારા કાર્યક્રમ અંતર્ગત ગ્રામીણ પાણી પુરવઠા યોજનાઓના અમલીકરણમાં નબળી કામગીરી કરવાની અને તેમ છતાં, ચુકવણી માટે દબાણ લાવવાના હેતુસર ગ્રામ પાણી સમિતિઓને કાયદેસરની કાર્યવાહીની નોટિસ પાઠવવાની અનિચ્છનીય પ્રવૃત્તિઓ તરફ સભ્ય સચિવ દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું હતું.

અધ્યક્ષ અને જિલ્લા કલેકટરશ્રી વિનોદ રાવે ધટનાક્રમ પ્રત્યે ગંભીર નારાજગી વ્યક્ત કરવાની સાથે કસુરવાર કોન્ટ્રકટર્સ / એજન્સીઓ સામે સખ્તાઇપૂર્વક કામ લેવાની ભલામણ કરી હતી. તેમણે સંદર્ભમાં પંચાયતો પાસેથી વિગતવાર ફરિયાદો મેળવીને, આવા કોન્ટ્રાકટર્સ / એજન્સીઓ સામે પોલીસ ફરિયાદો નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી હતી.

શ્રી રાવે જણાવ્યું હતું કે, જિલ્લાના પ્રભારી મંત્રીશ્રીએ પણ વિકાસ કાર્યોના અમલીકરણમાં ગેરરીતિઓ અને નબળી કામગીરી જણાય તો પાસા સહિતના પગલાં લેવાનો અનુરોધ કર્યો છે. તેવા સંજોગોમાં ગેરવાજબી રીતરસમો અપનાવતા કોન્ટ્રાકટર્સ/એજન્સીઓ સામે પણ પાસા હેઠળ અટકાયત સહિતના કડક પગલાં ભરવામાં તંત્ર કોઇની શેરશરમ નહીં રાખે.

બેઠકમાં કેટલીક ગ્રામ પાણી સમિતિઓ તરફથી યોગ્ય સહકાર મળવાને કારણે સંબંધિત ગામોની સ્વજલધારા યોજનાઓનું ઓડીટ થઇ શકતું હોવાનો મુદ્દો ચર્ચાયો હતો. તેના અનુસંધાને સમિતિના ઉપાધ્યક્ષ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી રવિકુમાર અરોરાએ પ્રથમ તબક્કે આવા ૨૦ ગામોની પાણી સમિતિઓને નોટિસ આપવાનું સ્વીકાર્યું હતું. તેમણે આદિજાતિ વિસ્તારના ગામોમાં લોકફાળો ભરાયાની ફરિયાદોના નિરાકરણમાં પણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.

જિલ્લા પોલીસ દળે ભાગ ૧થી ૬ના ૪૫૨૧ ગુનાઓ નોંધ્યા અને ૩૯૬૭ ગુનાઓ ઉકેલ્યા

પ્રજા મિત્ર પોલીસનો અનુભવ કરાવવા ૬૦૧ લોક દરબારો યોજવામાં આવ્યા 

વડોદરા 

વડોદરા જિલ્લા પોલીસ દળે વિગત વર્ષમાં સન ૨૦૧૨-૧૩ દરમિયાન ભાગ ૧થી ૬ના કુલ ૪૫૨૧ ગુનાઓની નોંધણી કરી હતી જે પૈકી ૩૯૬૭ ગુનાઓ ઉકેલવામાં સફળતા મળી હતી. ઉપરાંત નશાબંધી કાયદાનો ભંગ કરવા માટે ૧૬૧૮૩ ગુનાઓમાં કસુરવારોને ઝડપવામાં આવ્યા હતા.

જિલ્લા પોલીસ દળ પાસેથી મળેલી જાણકારી પ્રમાણે વિગત વર્ષમાં જિલ્લામાં ભાગ ૧થી ૫ના ૨૨૩૯ ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. તે પૈકી ૧૭૦૫ ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. ઉપરાંત ભાગ-૬ના કુલ નોંધાયેલા ૨૨૮૨ ગુનાઓમાંથી ૨૨૬૨ ગુનાઓ શોધવામાં આવ્યા હતા. તદુપરાંત, વર્ષ દરમિયાન અગાઉ નોંધાયેલા અને વણઉકલ્યા ગુનાઓ પૈકી ૭૭ જેટલાં ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી જેમાં ચોરીના ૩૩, ધરફોડ ચોરીના ૧૭, જિલ્લા બહારના ધરફોડ ચોરીના અને ચોરીના ૦૫ તેમજ ખૂન, ધાડ અને લૂંટના ૧૨ ગુનાઓનો સમાવેશ થાય છે.

પોલીસ અને પ્રજા વચ્ચેનું સંકલન મજબૂત બને, વિશ્વાસ કેળવાય, નાગરિકોમાં સુરક્ષાની ધરપત બંધાય અને પોલીસ કામગીરીમાં નાગરિક સહયોગ વધે તે માટે જિલ્લા પોલીસ વડાથી લઈને વિભાગીય પોલીસ અધિકારીઓની કક્ષા સુધી અવાર-નવાર ગ્રામજનો સાથે લોક દરબારો યોજવામાં આવે છે. વિગત વર્ષ દરમિયાન આવા ૬૦૧ લોક દરબારો યોજીને, પ્રજાની સાથે પોલીસનો અનુભવ કરાવવામાં આવ્યો હતો.

ગુજકેટ-૨૦૧૩ના ઉમેદવારોના એડમીશન કાર્ડસ ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ મેળવી લેવા

વડોદરા 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદી જણાવે છે કે, તારીખ ૯/૫/૨૦૧૩ના રોજ ગુજરાત રાજ્યમાં મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટેની લેવાનારી ગુજકેટ-૨૦૧૩ની પરીક્ષાનું એડમીશન કાર્ડ (ફી રસીદ) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના વિઘાર્થીઓ સિવાયના વિઘાર્થીઓને ટપાલ દ્વારા મોકલી આપવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના વિઘાર્થીઓના એડમીશન કાર્ડ (ફી રસીદ) વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ તારીખ ૨/૫/૨૦૧૩ને ગુરુવારના રોજ ૧૧-૦૦થી ૧૬-૦૦ કલાક દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતેથી મેળવી લેવાની રહેશે. તેની વિજ્ઞાન પ્રવાહની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓએ નોંધ લેવા જણાવાયું છે.

જે ઉમેદવારની હોલ ટીકીટ મળી હોય કે ખોવાઇ ગઇ હોય તેવા ઉમેદવારો બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી હોલ ટીકીટ (પ્રવેશપત્ર) ની પ્રિન્‍ટ લઈ શકશે અને તે હોલ ટીકીટ તરીકે માન્ય રહેશે તેમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

વડોદરા જિલ્લાના યુવાનો માટે લશ્કરમાં જોડાવાની તક

વડોદરા 

વડોદરા જિલ્લાના ઉમેદવારો માટે તા.૨૦/૦૫/૨૦૧૩ના રોજ પોલીસ હેડ કવાર્ટર પરેડ ગ્રાઉન્ડ, ભરૂચ ખાતે લશ્કરી ભરતી મેળો યોજવામાં આવ્યો છે. ભરતીમાં જવા ઇચ્છતા ધોરણ-૧૦ પાસ ૧૭ વર્ષ માસ થી ૨૧ વર્ષ અને ધરોણ-૧૨ પાસ ૧૭ વર્ષ માસ થી ૨૩ વર્ષ તેમજ મીકેનીકલ / ઇલેકટ્રીકલ / ઓટોમોબાઇલ્સ / કોમ્પ્યુટર સાયન્સ/ ઇન્સ્ટ્રુમેન્ટેશનનો વર્ષનો ડિપ્લોમા પાસ ૧૭ વર્ષ માસ થી ૨૩ વર્ષની વય ભરતીની તારીખે ધરાવતા હોય તેવા અપરણિત પુરુષ ઉમેદવારોને પોલીસ હેડ કવાર્ટર પરેડ ગ્રાઉન્ડ, ભરૂચ ખાતે સવારે ૫.૦૦ કલાકે હાજર રહેવા જણાવવામાં આવે છે. વધુ વિગત માટે રોજગાર કચેરી, વડોદરા તથા નગર રોજગાર કચેરી, છોટાઉદેપુરનો સંપર્ક કરવા જણાવાયું છે.

મૃતક જીવતભાઇના સ્વજનો સંપર્ક કરે

વડોદરા 

પ્રતાપનગર રોડ પર નાની શાક માર્કેટ નજીક આવેલી સાંઇ ચેમ્બર્સના ધર નં. ૩ના નિવાસી, ૬૮ વર્ષના જીવતભાઇ જેઠમલભાઇ બાંનીને બીમારીની સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનું સારવાર દરમિયાન તા. ૨૭/૦૪/૨૦૧૩ના રોજ મરણ થયું છે. એકલવાયા વૃદ્ધના પરિવારજનોને વાડી પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.

અજાણ્યા પુરુષનું મરણ

વડોદરા - મંગળવાર - ડભોઇ રોડ પર આવેલા સોનપાલ પેટ્રોલ પંપની બાજુમાં આજરોજ સવારના સમયે એક અજાણ્યા પુરુષનું કુદરતી મરણ થયું છે. મૃતકે શરીર પર સફેદ રંગનું આખી બાંયનું શર્ટ અને કાળા રંગનો પેન્ટ પહેર્યો છે. તેના વાલીવારસોને વાડી પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.

અકસ્માતમાં ઇજા પામેલા અજાણ્યા પુરુષનું મરણ

વડોદરા 

તા. ૨૫/૦૪ના રોજ મુંબઇ-અમદાવાદ નેશનલ હાઇવે નં. પર સયાજીપુરા માર્કેટની સામેના રસ્તા પર, બપોરના સમયે અંદાજે ૫૫ વર્ષની ઉંમરનો અજાણ્યા પુરુષ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા, સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકના જમણા હાથે અમરી એવું લખાણ ત્રોફાવેલું છે. મૃતકે શરીર પર સફેદ-વાદળી રંગનું આખી બાંયનું શર્ટ, લીલા રંગની બંડી અને ભૂખરા રંગનું પેન્ટ પહેરેલા છે. તેના વાલીવારસોને સત્વરે કિસનવાડી પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.

યાકુતપુરા વિસ્તારમાં અજાણ્યા પુરુષનું મરણ

વડોદરા 

ગઇકાલ તા. ૨૯/૪/૨૦૧૩ના રોજ સાંજના સમયે યાકુતપુરા પટેલ પાર્ક પાસે અંદાજે ૪૦ વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષનુ઼ મરણ થયું છે. મૃતકે ડાબા હાથ ઉપર રમીલાનું લખાણ ત્રોફાવેલું છે. તેણે શરીર પર ક્રીમ રંગની ઝીણી ચોકડીવાળું શર્ટ અને કમરના ભાગે કથ્થાઇ રંગનું પેન્ટ પહેર્યું છે. તેના વાલીવારસોને રાવપુરા પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.

 દાહોદ જિલ્લામાં ૧૦૮ ઈમરજન્સી એ માનવજીવન રક્ષા સેવાના પાંચ વર્ષમાં ૮ હજારથી વધુ જીંદગીઓ બચાવી

કલેક્ટર કચેરી ખાતે નોંધપાત્ર યોગદાન આપનાર કર્મીઓનું સન્માન કરાયું

દાહોદ,મંગળવાર: ગુજરાતની સંજીવની ગણાતી ૧૦૮ ઈમરજન્સી આરોગ્ય સેવાને દાહોદ જિલ્લામાં તા.૨૭ એપ્રિલ-૨૦૦૮થી શરૂ કરવામાં આવેલ અને સેવાને પાંચ વર્ષ પુરા થતાં તેની ઉજવણી કરવાનો એક કાર્યક્રમ તાજેતરમાં અધિક જિલ્લા કલેક્ટરશ્રી આર.કે.રાઠોડની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડમાં યોજવામાં આવ્યો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં અમદાવાદ સ્થિતજી.વી.કે.ઈ.એમ.આર.આઈ ૧૦૮ સેવાના ઓપરેશન હેડશ્રી હીરેનભાઈ ભટ્ટે આ અંગે વિસ્તૃત માહિતી આપ્તા જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં ૫૨૫ એમ્બ્યુલન્સ દ્વારા રાજ્યની ૬.૦૩ કરોડથી વધુ વસ્તીમાં કાર્યરત છે. અત્યાર સુધીમાં ૩૬ લાખ કરતા વધારે ઈમરજન્સીને પ્રતિસાદ આપી જીવલેણ પરિસ્થિતીમાં ૨૪૨૮૯૦ થી વધુ માનવ જીંદગીઓ બચાવી છે.જેમાં દાહોદ જિલ્લામાં તા.૨૭/૪/૨૦૦૮ના રોજ પાંચ એમ્બ્યુલન્સથી શરૂ કરવામાં આવેલ ૧૦૮ સેવામાં હાલ ૨૬ એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરી સેવા પુરી પાડવામાં આવી રહી છે. અતિ પછાત અને છેવાડાના વિસ્તારની ગરીબ આદિવાસી પ્રજા માટે ખુબ ઉપયોગી પુરવાર થઈ રહેલ આ ઈમરજન્સી સેવા દવારા છેલ્લા પાંચ વર્ષમાં આકસ્મિક સમયે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી ૭૮૦૬ માનવ જીંદગીઓને નવજીવન બક્ષ્યુ છે. તથા ૨૮૪૩ સગર્ભ મહિલાઓને સ્થળ તેમજ એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ કરાવી છે.આ ઉપરાંત ગર્ભવતી માતાને પ્રસુતિ પછી બાળક સાથે ઘરી મુકવા માટે અમલી બનાવેલ ખીલખીલાટ વાનની યોજનાની જાણકારી આપી હતી. 

કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી અધિક કલેક્ટરશ્રી આર.કે.રાઠોડે દાહોદ જિલ્લામાં આ સેવાને આશીર્વાદરૂપ ગણાવીને વિશેષ જાગૃતી કેળવી ઈમરજન્સી સમયે તેનો લાભ લેવા જણાવ્યું હતુ. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મોદીએ રાજ્ય સરકારની સામાજિક સેવામાં ૧૦૮ની સેવાને શિરમોર ગણાવી હતી.  

આ પ્રસંગે ૧૦૮ ઈમરજન્સી સેવામાં નોંધપાત્ર કામગીરી કરનાર આરોગ્ય કર્મચારીઓ અને આ સેવાનો લાભ લીધેલ લાભાર્થીઓનું અધિક કલેક્ટરશ્રી રાઠોડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મોદી સહિત મહાનુભાવોના હસ્તે મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.રાઠોડ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પાઠક,દાહોદ જિલ્લાના ઈમરજન્સી મેનેજમેન્ટ એક્ઝીક્યુટીવશ્રી બીપીન બેટરીયા, ૧૦૮ સેવાના કર્મીઓ, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગણોતીયાઓ ગણોત હક્કની જમીનની ખરીદ કિંમત ભરપાઇ કરી દે -  છેલ્લી તક

આણંદ - 

મુંબઇ ગણોતધારા ૧૯૪૮ અન્વયે ગણોણિતીયાઓને સરકારશ્રી તરફથી જમીન અને ગણોત હક્ક આપવામાં આવ્યા છે  છતાં ગણોત હક્કમાં મળેલ જમીનની ગણોતધારા હેઠળ નક્કી થયેલ ખરીદ કિંમત ભરપાઇ કરેલ ન હોઇ, તે માટે ખરીદ કિંમત ભરપાઇ કરવાની મુદત તા.૩૧/૮/૨૦૧૩ સુધી ગુજરાત સરકાર દ્વારા લંબાવવામાં આવી છે.

આથી જે ગણોતિયાએ આજદિન સુધી ખરીદ કિંમતની રકમ ભરપાઇ કરવાની બાકી હોઇ, તેઓએ તાત્કાલિક સંબધકર્તા મામલતદાર અને કૃષિપંચશ્રીની કચેરીનો સંપર્ક સાધી ખરીદ કિંમતની રકમ તાત્કાલિક સમય મર્યાદામાં ભરપાઇ કરવા જણાવવામાં આવે છે. ભવિષ્યમાં આ મુદત વધારવામાં આવશે નહિ. ગણોતધારા હેઠળ નક્કી થયેલ ખરીદ કિંમત ભરપાઇ નહિ કરનાર ગણોતિયાની જમીન અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમ કલેક્ટર કચેરીની યાદીમાં જણાવાયું છે.

અકીક ઉઘોગોમાં કામ કરતાં ઇસમો અને જોબવર્કથી કામ આપતા માલિકો માટે સૂચના

ડસ્ક માસ્ક, સેફટી ગોગલ્સ, ઇયર પ્લગ જે તે માલિકો કે જોબવર્કથી કામ આપતા હોય તેમણે પુરા પાડવા

આણંદ - 

સીલીકોસીસ નામના વ્યવસાયજન્ય રોગના અટકાયતી પગલા અન્વયે આણંદ જિલ્લામાં તમામ વિસ્તારોમાં અકીક ઉઘોગમાં કામ કરતા તમામ સેલ્ફ એમ્પ્લોઇડ ઇસમોને અકીક ધસવાની કામગીરી દરમ્યાન જરૂરી સલામતીના સાધનો જેવા કે ડસ્ક માસ્ક, સેફટી ગોગલ્સ, ઇયર પ્લગ જે તે માલિકો કે જોબવર્કથી કામ આપતા હોય તેમણે પુરા પાડવા અને મજુરો/કારીગરોએ તેમના સ્વાસ્થ્યને થતું નુકસાન અટકાવવા માટે આવા સલામતીના સાધનોનો ઉપયોગ કરવા જિલ્લા મેજીસ્ટ્રેટ-આણંદે ફોજદારી કાર્યરિતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ હૂકમ કરેલ છે. આ હૂકમ તા.૦૫-૦૬-૨૦૧૩ સુધીના સમયગાળા માટે અમલમાં છે.

આ હૂકમનો ભંગ અથવા ઉલ્લંધન કરવા બદલ મદદનીશ નિયામક, ઔઘોગિક સલામતી અને સ્વાસ્થ્ય-આણંદ તથા આ અર્થે અધિકૃત કરાયેલ કોઇપણ સરકારી અધિકારી જરૂરી પોલીસ કાર્યવાહી કરી શકશે તથા ભારતના ફોજદારી અધિનિયમ (સને ૧૮૬૦ ના ૪૫ માં) ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. 

આણંદ શહેરની જાહેર જનતા જોગ

ગામડીવડ થી બેઠક મંદીર સુધીના રસ્તે ડ્રેઇનના નવીનીકરણ અંગે રસ્તો તા.૩૧/૫/૨૦૧૩ સુધી બંધ

આણંદ 

બાજપાઇ નગર વિકાસ યોજના અંતર્ગત ડી.એન. હાઇસ્કુલ થી બેઠક મંદીર તરફના રસ્તા પરની જુની સ્લેબ ડ્રેઇનના નવીનીકરણની કામગીરી મંજુર થયેલ છે. ડી.એન. હાઇસ્કુલ થી નગરપાલિકા ભવન સુધીની કામગીરી પૂર્ણ થયેલ છે. હવે ગામડીવડથી બેઠક મંદીર સુધીના  જુની સ્લેબ ડ્રેઇનના નવીનીકરણની કામગીરી બાકી હોઇ તેમજ નવીનરોડ બનાવવાનો હોઇ  ગામડીવડ થી બેઠક મંદીર સુધીનો રસ્તો તા.૩૧/૫/૨૦૧૩ સુધી બંધ રહેશે. આ અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ,આણંદશ્રી આર.જી.ગોહિલે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧) (બી) મુજબ આ માર્ગો ઉપરથી પસાર થતા વાહનોએ જુના રસ્તા પરથી વાળવા હુકમ કરેલ છે.

ટાવર વિસ્તારથી ગામડીવડથી જુના રસ્તાથી આઇસ ફેક્ટરીથી યોગી પેટ્રોલ પંપ ભાલેજ રોડ, ટાવર વિસ્તારથી જુના રસ્તા કલ્પના ટોકીઝ થઇ પેટ્રોલપંપ ભાલેજ રોડ તરફ, નવા બસ સ્ટેન્ડથી  ભાલેજ રોડ, ગામતળ વિસ્તાર તરફથી સરદાર બાગ નવા બસસ્ટેન્ડ ભાલેજ રોડ તરફનો રસ્તો,ગામતળ વિસ્તાર તરફથી બેઠક મંદીર થી પેટ્રોલ પંપ ભાલેજ રોડ તરફનો રસ્તો,ગામતળ વિસ્તાર તરફથી બેઠક મંદીર થી આઇસ ફેકટરીથી જુના રસ્તા તરફ, ગામતળ વિસ્તાર તરફથી બેઠક મંદિર કલ્પના ટોકીઝથી જુના રસ્તા તરફ ડાયવર્ઝન અંગેના સુચિત રસ્તાઓ નકકી કરવામાં આવ્યા છે.

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

આણંદ જિલ્લાના સાયબર કાફેના માલિક સંચાલકોને સુચના

આણંદ - 

આણંદ જિલ્લાના વિસ્તારમાં આવેલ સાયબર કાફેના માલિક, સંચાલક કે નોકરે સાયબર કાફેની મુલાકાત લેતા દરેક વ્યકિત/બ્રાઉઝરરની જરૂરી માહિતી ધરાવતું રજિસ્ટર નિભાવવા આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, આર.જી.ગોહીલે આદેશ કર્યા છે.

તદ્દઅનુસાર આણંદ જિલ્લામાં કાર્યરત દરેક સાયબર કાફેમાં આવતા પ્રત્યેક વ્યકિત / બ્રાઉઝરર પાસેથી સાયબર કાફેમાં કરેલ ઇ-મેઇલ, સહી, સાયબર કાફેમાં દાખલ થયાનો અને બહાર નીકળ્યાનો સમય, ફોટા સાથેની ઓળખની વિગતો (જેવા કે ચૂંટણી કાર્ડ/ ડ્રાઇવીંગ લાયસન્સ/બેંકની પાસબુક/પાનકાર્ડ/ પાસપોર્ટ/ સ્કુલ કે કોલેજનું ઓળખપત્ર(ઓળખના પુરાવા)/રિમાર્કસ વગેરે સાથેનું રજીસ્ટર ફરજીયાત જાળવવાનું રહેશે. સાયબર કાફે માલિકે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરનું પ્રમાણપત્ર, ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ, કુલ બેન્ડ વીડ્થ, ઇન્ટરનેટ દ્વારા અપાતી બીજી સેવાઓ જેવી કે વીડીયો કોન્ફસન્સીગ,ઇન્ટરનેટ પ્રોટોકોલ ટેલીફોનની વિગત પણ તૈયાર કરવાની રહેશે. કોમ્પ્યુટરના સ્ટોરેજ મીડીયા/હાર્ડવેરની ઓળખને લગતી માહિતીનો સંગ્રહ કરવાનો રહેશે, સાયબરકાફેના માલિકોએ બેક-અપ ની સાચવણી તથા જાળવણી કરવાની રહેશે જેમાં ઇન્ટરનેટ બ્રાઉઝર, વેબસાઇટનો ઇતિહાસ, ઇન્ટરનેટ કુકિઝ, મોર્ડન લોગ્સ, ઇન્ટરનેટ ડાઉન લોક,પ્રોક્સી લોગ અને નેટવર્ક સોફટવેરના ઉપયોગથી ઉદભવતા બીજા લોગ્સની માહિતી   જિલ્લા મેજિસ્ટ્રેટ કે પોલીસ અધિક્ષક અથવા સત્તાધિકારી ઉક્ત વિગતો માગે ત્યારે તેઓને અવશ્ય આ માહિતી આપવાની રહેશે. સાયબર કાફે સવારના ૬-૦૦ કલાકથી રાત્રિના ૧૨-૦૦ કલાક સુધી જ ખુલ્લા રાખવાના રહેશે.

આ હુકમ તા.૨૫/૦૫/૨૦૧૩ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

વિકલાંગતા પ્રમાણપત્ર મેળવવા કેમ્પનો લાભ લો

આણંદ -

રાજ્ય સરકાર ની વિવિધ વિકલાંગ કલ્યાણકારી યોજનાઓનો લાભ વિકલાંગ વ્યક્તિઓને મળી રહે તે માટે મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન, એસ.એસ.હોસ્પીટલ,પેટલાદ, જિ. આણંદ દ્વારા તા.૧૧-૧૨-૨૦૧૩ સુધી વિકલાંગ વ્યક્તિઓને વિકલાંગતા પ્રમાણપત્ર આપવા માટેના કેમ્પનું આયોજન આણંદ જિલ્લામાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે કરવામાં આવ્યું છે.

ક્રમ

કેમ્પની તારીખ

કેમ્પનું સ્થળ

કેમ્પનો સમય

૦૮/૦૫/૨૦૧૩

સામૂહિક આરોગ્ય કેન્દ્ર, આંકલાવ

૧૨-૦૦ થી ૧૬-૦૦

૨૨/૦૫/૨૦૧૩

સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ધર્મજ

૧૨-૦૦ થી ૧૬-૦૦

૧૨/૦૬/૨૦૧૩

સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સોજિત્રા

૧૨-૦૦ થી ૧૬-૦૦

૨૬/૦૬/૨૦૧૩

સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ઉમરેઠ

૧૨-૦૦ થી ૧૬-૦૦

૧૦/૦૭/૨૦૧૩

સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સારસા

૧૨-૦૦ થી ૧૬-૦૦

૨૪/૦૭/૨૦૧૩

સામૂહિક આરોગ્ય કેન્દ્ર, તારાપુર

૧૨-૦૦ થી ૧૬-૦૦

૧૪/૦૮/૨૦૧૩

સામૂહિક આરોગ્ય કેન્દ્ર, રાસ

૧૨-૦૦ થી ૧૬-૦૦

૧૧/૦૯/૨૦૧૩

સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ઓડ

૧૨-૦૦ થી ૧૬-૦૦

૨૫/૦૯/૨૦૧૩

સામૂહિક આરોગ્ય કેન્દ્ર, મહેળાવ

૧૨-૦૦ થી ૧૬-૦૦

૧૦

૦૯/૧૦/૨૦૧૩

સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ધર્મજ

૧૨-૦૦ થી ૧૬-૦૦

૧૧

૨૩/૧૦/૨૦૧૩

સામૂહિક આરોગ્ય કેન્દ્ર, આંકલાવ

૧૨-૦૦ થી ૧૬-૦૦

૧૨

૧૩/૧૧/૨૦૧૩

સામૂહિક આરોગ્ય કેન્દ્ર, વાસદ

૧૨-૦૦ થી ૧૬-૦૦

૧૩

૨૭/૧૧/૨૦૧૩

સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ખંભાત

૧૨-૦૦ થી ૧૬-૦૦

૧૪

૧૧/૧૨/૨૦૧૩

સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ઉમરેઠ

૧૨-૦૦ થી ૧૬-૦૦

વિકલાંગતા પ્રમાણપત્ર મેળવેલ હોય તેવા વિકલાંગ ભાઇ-બહેનોએ કેમ્પનો લાભ લઇ પ્રમાણપત્ર મેળવી લેવા જણાવાયું છે. લાભાર્થીએ સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમિયાન નોંધણી કરાવવાની રહેશે. દરદીને તપાસવાનો સમય બપોરે ૧૩-૦૦ થી ૧૫-૦૦ કલાક દરમિયાનનો રહેશે તથા પ્રમાણપત્ર આપવાનો સમય બપોર બાદ ૧૬-૦૦ થી ૧૭-૦૦ કલાક દરમિયાનનો રહેશે.

દ્રષ્ટિહિન, મંદબુધ્ધિ, બહેરા-મુંગા, અસ્થિ વિષયક જે વિકલાંગજનોએ ડોક્ટરનું વિકલાંગ પ્રમાણપત્ર મેળવેલ હોય તેઓએ રેશનકાર્ડ તથા તેની ઝેરોક્ષ, પાસપોર્ટ સાઇઝના બે ફોટા અને જન્મતારીખનો દાખલો લઇ રૂબરૂ હાજર રહેવા જણાવાયું છે.

આણંદ જિલ્લાની સહકારી સંસ્થાઓ જોગ

સહકારી મંડળીઓ ચૂંટણીની કાર્યવાહી હાથ ધરી શકશે નહી

આણંદ -

આણંદ જિલ્લાની કોઇપણ રાજ્યકક્ષા, જિલ્લાકક્ષા, તાલુકા કક્ષા/એકથી વધુ જિલ્લાનું કાર્યક્ષેત્ર ધરાવતી સંસ્થા, પ્રાથમિક સહકારી મંડળીઓ કે જે અન્ય કોઇપણ સહકારી મંડળીની ચૂંટણીની કાર્યવાહી તેમના પેટાનિયમ કે નિર્દિષ્ટ ચૂંટણીના નિયમો-૧૯૮૨ અન્વયે હાથ ન ધરવા ૯૭ માં બંધારણીય સુધારાને અનુલક્ષીને સહકારી મંડળીઓની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચૂંટણીઓતેમાં કરેલ જોગવાઇઓ અને ગુજરાત વિધાનસભામાં વિધેયક પસાર કરીનેગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ, ૧૯૬૧ માં જે સુધારાઓ કરે, તેવી જોગવાઇઓને લક્ષમાં લઇને કરવાની થશે. એ સંજોગોમાં રાજ્યની તમામ સહકારી મંડળીઓ તેમની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચૂંટણીઓ ૯૭મો બંધારણીય સુધારો તથા ગુજરાત વિધાનસભા દ્વારા ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ, ૧૯૬૧માં સુધારા વિધેયક જ્યારથી અમલમાં આવે તે જોગવાઇઓને લઇને જ ચુંટણી કરવા અધિક રજિસ્ટ્રાર (વહિવટ અને અપીલ) સહકારી મંડળીઓ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા એક યાદીમાં જણાવાયું છે.

વર્ષ ૨૦૧૨-૧૩માં  શૈક્ષણિક યોજનાઓમાં આણંદ જિલ્લામાં અનુસુચિત જાતિના ૯૩૩૭ વિઘાર્થીઓને  રૂા.૭૩૨.૧૨ લાખની શિષ્યવૃતિની ચૂકવણી

આણંદ - 

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના નિયામકશ્રી,અનુ.જાતિ કલ્યાણ ગુ.રા.ગાંધીનગર હસ્તકની જિલ્લા પછાત વર્ગ કલ્યાણ અધિકારી,આણંદની કચેરી દ્વારા અનુ.જાતિઓના કલ્યાણ માટે વર્ષ ૨૦૧૨-૧૩માં શૈક્ષણિક યોજનાઓમાં ધો.૧ થી ૧૦ સુધીની પ્રી મેટ્ીક શિષ્યવૃતિ યોજનાઓમાં ૩૧૨૯ વિઘાર્થીઓને રૂા.૩૧.૪૧લાખની સહાય,ધો.૧૧/૧૨થી કોલેજ કક્ષાના પોષ્ટ મેટ્રીક અભ્યાસક્રમમાં ૫૮૩૩ વિઘાર્થીઓને રૂા.૬૮૮.૮૨ લાખની શિષ્યવૃતિ, ઇજનેરી અને તબીબી વિઘાર્થીઓને ભોજન બીલ સહાય યોજનાઓમાં ૫૪ વિઘાર્થીઓને રૂા.૩.૩૩ લાખની સહાય,એમ.ફીલ./પી.એચ.ડી. ફેલોશીપ યોજનાઓમાં ૧૩ વિઘાર્થીઓને રૂા.૩.૪૦ લાખની સહાય,તબીબી ડીપ્લોમાં અને ઇજનેરીના વિઘાર્થીઓને અભ્યાસના સાધન ખરીદવા માટે ૭૨ વિઘાર્થીઓને રૂા.૨.૧૬ લાખની સહાય,તકનિકી અને વ્યવસાયિકઅભ્યાસક્રમ યોજના હેઠળ આઇ.ટી.આઇ.માં અભ્યાસ કરતા ૨૩૬ વિઘાર્થીઓને રૂા.૩.૦૦ લાખની સહાય ચુકવવામાં આવી  હોવાનું જિલ્લા પછાતવર્ગ કલ્યાણ અધિકારી,આણંઘ્ શ્રીમતી નયનાબેન શ્રીમાળીએ જણાવ્યું છે.

જિલ્લા પંચાયત-આણંદ દ્વારા હેલ્પ લાઇન ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૭૬૩૫ ની સેવા શરૂ

આણંદ - 

આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને ગામના કાર્યક્ષેત્રમાં આવતી રાજય સરકારશ્રીની શ્રેષ્ઠતમ વહીવટી સેવાઓ અને સુવિધાઓ જેવી કે પ્રાથમિક શિક્ષણ, પંચાયત વિષયકની સેવાઓ બાબતે જરૂરી માર્ગદર્શન /સુચનો માટે આણંદ જિલ્લા પંચાયત દ્વારા હેલ્પ લાઇન ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૭૬૩૫ નંબર પર કોઇ પણ નાગરિક તેમનું નામ-સરનામું જણાવી માર્ગદર્શન કે સૂચનો આપી શકશે. આ હેલ્પ લાઇન (જાહેર રજા  સિવાય ) દરરોજ સવારે ૧૦/૩૦ કલાક થી સાંજના ૧૮/૧૦ કલાક સુધી કાર્યરત રહેશે.

મફત ફરજીયાત પ્રાથમિક શિક્ષણને લગત સેવાઓ રાઇટ ટુ એજયુકેશન એકટ હેઠળ ૬ થી ૧૪ વર્ષની ઉંમરના શાળાએ ન જતાં બાળકોની માહિતી, શાળા છોડી દીધેલ હોય તેવા બાળકોની માહિતી, કદી શાળાએ ન જતાં બાળકોની માહિતી, ગ્રામ્ય વિસ્તારમાં ઇટભઠૃા-તમાકુની ખળીમાં આવતાં ૬ થી ૧૪ વર્ષના બાળકોને શિક્ષણથી વંચિત રહેતા બાળકોની માહિતી, મધ્યાહન ભોજન યોજના અંતર્ગત માહિતી, ગ્રામ પંચાયત વિષયક સેવાઓ - ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રીની હાજરી બાબતે, ગ્રામ પંચાયતના વેરા વસુલાત, જમીન મહેસુલ, કર સમયસર ભરવા બાબતે, ગામે ગામ સેવકની અઠવાડીક કાર્યક્રમ મુજબની ગામ મુલાકાત બાબતે કોઇપણ પ્રકારની જાણકારી મેળવવા કે આપના સુચનો આપવા આ હેલ્પ લાઇનનો ઉપયોગ કરવા  જણાવાયું છે.

આધાર નંબર વિના મેરીટ  કમ મિન્સ/પોષ્ટમેટ્રીક શિષ્યવૃતિ હવે મળી શકશે નહી

જુન-૨૦૧૩ સુધીમાં આધારકાર્ડ નંબર અચૂક મેળવી લેવા સુચના

કોલેજના વિઘાર્થીઓ માટે પી.એમ.પટેલ કોલેજ- આણંદ ખાતે સુવિધા ઉપલબ્ધ

આણંદ -

ભારત સરકાર દ્વારા લધુમતીજાતિ માટેની મેરીટ કમ મિન્સ અને પોષ્ટ મેટ્રીક શિષ્યવૃતિ યોજના અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪માં સંપુર્ણપણે ઓનલાઇન કરવામાં આવેલ છે. અત્યાર સુધી વિઘાર્થીઓની ઓનલાઇન અરજી મેળવી તેની સંપુર્ણ ચકાસણી કરી તે મંજુર થયેથી જિલ્લા કક્ષાએ ગ્રાન્ટ ફાળવણી થયેથી વિઘાર્થીઓના નામનો ચેક મોકલી ચૂકવણી કરવામાં આવતી હતી.જે પધ્ધતિમાં સુધારો કરવામાં આવ્યો છે અને આ સુધારા મુજબ હવે દરેક વિઘાર્થીઓની શિષ્યવૃતિની રકમ ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર (ડી.ટી.બી.)દ્વારા સીધી વિઘાર્થીઓના બેંક ખાતામાં જમા કરાવવાની રહેશે અને તે માટે વિઘાર્થીઓના આધાર નંબર ફરજીયાત છે.જેથી આવી શિષ્યવૃતિ મેળવવાને પાત્ર વિઘાર્થીઓ તથા તેઓના વાલીઓએ આધારકાર્ડ નંબર માહે જુન-૨૦૧૩ સુધીમાં અચૂક મેળવી લેવાના રહેશે અન્યથા બેંક એકાઉન્ટ ન ખોલવાના કારણે કે આધારકાર્ડ ન મેળવવા બદલ શિષ્યવૃતિ પ્રાપ્ત કરી શકશે નહી જેની સબંધકર્તા તમામને નોધ લેવા તથા કોલેજના વિઘાર્થીઓ માટે આધારકાર્ડની સુવિધા પી.એમ.પટેલ કોલેજ નવા બસસ્ટેન્ડ સામે, આણંદ ખાતે શરૂ કરવામાં આવી છે જેનો લાભ લેવા  જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતિ) આણંદ દ્વારા જણાવાયું છે.

ધર વપરાશના સબસીડાઇઝ ગેસના બોટલ માટે આધારની નોધણી ફરજીયાત

આધારકાર્ડની નોંધણી બાકી હોય તેવા તમામ નાગરીકો નોધણી કરાવે

આણંદ 

આણંદમાં ચાલી રહેલા યુનિક આઇડેન્ટીફિકેશન હેઠળના આધારના પ્રોજેક્ટ અંતર્ગત આણંદ શહેરમાં જુદા જુદા સ્થળોએ પાંચ સેન્ટર કાર્યરત છે. જેમાં (૧) કલેકટર કચેરી,આણંદ (૨) જુની મામલતદાર કચેરી, રેલ્વે ગોદી પાસે (૩) નગરપાલિકા,આણંદ (૪) કુમાર શાળા-આણંદ (૫) જિલ્લા પંચાયત-આણંદ (૬) નગરપાલીકા વિઘાનગર (૭) પીએમ પટેલ કોલેજ (૮) પટેલ ગેસ એજન્સી (૯) ચંદન ગેસ એજન્સી ખાતે કેન્દ્રો કાર્યરત છે. ૧.૫૦ લાખ ઉપરાંત નાગરીકોએ આ યોજના હેઠળ પોતાની નોંધણી કરાવી લીધેલ છે. જે નાગરીકોની આધાર નોંધણી બાકી હોય તે તમામને આ કેન્દ્રો ખાતેથી નોધણી કરાવી શકશે.

ભારત સરકારની સુચના મુજબ ધર વપરાશના સબસીડાઇઝ ગેસના બોટલ માટે આધારની નોધણી ફરજીયાત બનાવેલ છે જે કિસ્સામાં જેઓ ગેસનો બોટલ ધરાવે છે અને આધારની નોધણી આજદિન સુધી કરાવેલ નથી તે તમામને ઇલાયદી  સુવિધા સારૂ ગેસ ધારકો અલગથી નોંધણી માટે જુની મામલતદાર કચેરી ખાતે સોમવાર થી શનિવાર આધારની નોંધણીની કામગીરી સવારે ૧૦-૩૦ કલાકથી સાંજના ૬-૧૦ કલાક સુધી કરવામાં આવે છે. આ યોજનાઓનો લાભ લેવા તમામ બાકી રહેલ નાગરીકોને વહેલી તકે પોતાની આધાર માટેની નોંધણી કરાવી લેવા મામલતદાર (શહેર) આણંદ દ્વારા અનુરોધ કરાયો છે.

તારાપુર તાલુકામાં  ઇસનપુર(દરગાહ)થી કાનાવાડા ક્રોસીંગ સુધીનો રસ્તો  જાહેર વાહન વ્યવહાર માટે ૩૧/૫/૨૦૧૩ સુધી બંધ   

વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અનુરોધ

આણંદ -

તારાપુર તાલુકામાં ઇસનપુર (દરગાહ) થી કાનાવાડા ક્રોસીંગ સુધીના રસ્તાની મજબૂતીકરણ સાથે નવી ડામર સપાટી માટેની કામગીરી કરવાની  હોઇ આ રસ્તાઓ પૈકી જીણજ, ખાખસર, કનેવાલ, ઇસનપુર, કાનાવાડા રસ્તા પૈકીની તારાપુર વટામણ સ્ટેટ હાઇવે અને તારાપુર કાનાવાડા સ્ટેટ હાઇવે વચ્ચેના ધોરીમાર્ગને જોડતી ઇસનપુર (દરગાહ) થી કાનાવાડા ક્રોસીંગ લંબાઇ ૫.૩૦ કી.મી.ની ડામર રસ્તાની સપાટી સ્કેરીફાયિંગ કરી નવેસરથી મેટલીંગ કરી ડામર કામગીરી કરવાનું કામ તા.૫/૪/૨૦૧૩ થી શરૂ કરવામાં આવ્યું છે. જે તા.૩૧/૫/૨૦૧૩ સુધી પૂર્ણ કરવાનું આયોજન છે.

ચાલુ મરામતની કામગીરીમાં વાહન વ્યવહાર નડતરરૂપ ન થાય  તે માટે ઉપર મુજબના રસ્તાનો ટ્રાફીક (૧) કસ્બારા ચિતરવાડા, ચાંગડા-કાનાવાડા (૨) કસ્બારા ફતેહપુરા પચેગામ-દુગારી-કાનાવાડા અને (૩) તારાપુર ચાંગડા-કાનાવાડા ક્રોસીંગ ચીતરવાડા તરફ વાળવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.જી.ગોહીલે હુકમો કર્યા છે.

આ હુકમોનો ભંગ  અથવા ઉલ્લંધન કરનાર સને ૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.

આણંદ જિલ્લાના લાભાર્થીઓ ધ્યાન આપે

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીનું જુની કલેક્ટર કચેરી ખાતે સ્થળાંતર

કચેરીનો નવો નંબર ૨૫૩૨૧૦ ઉપર સંપર્ક કરવા અનુરોધ

આણંદ -

આણંદ જિલ્લાની બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીનું સ્થળાંતર થયેલ છે.  હવેથી આ કચેરીને લગતા કામકાજ માટે તથા સામાજિક કાયદાઓના નવા અરજદારો, જુના  લાભાર્થીઓ અને જાહેર જનતાને જણાવવાનુંકે  કચેરીનું  સ્થળાંતર થયેલ હોઇ નવું સરનામું બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, પ્રોટેકશન અધિકારી, દહેજ પ્રતિબંધક અધિકારી,જિલ્લા સમાજ સુરક્ષા મેનેજરની કચેરી,અમૂલડેરી રોડ,સરકીટ હાઉસની બાજુમાં ,જુની કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત પાછળ, આણંદના નામે પત્ર વ્યવહાર કરવા તથા રૂબરૂ સંપર્ક કરવા અથવા કચેરીના ફોન નંબર-૦૨૬૯૨-૨૫૩૨૧૦ ઉપર સંપર્ક કરવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડી.એમ.દેસાઇએ જણાવ્યું છે.

સૈજપુરના હિતેશ્રીબેન પટેલ ગુમ થયેલ છે

આણંદ - 

વિરસદ પોલીસ સ્ટેશન  દ્વારા જાણ થયા મુજબ હિતેશ્રીબેન અલ્પેશકુમાર પટેલ તા.બોરસદ જી. આણંદ, જેઓ તા.૨/૩/૨૦૧૩ના રોજ અગમ્ય કારણોસર કોઇને કહ્યા વગર જતા રહેલ છે.તેમની ઉ.વર્ષ ૨૫, ઉચાઇ પ.૫ ફૂટ, મધ્યમ બાધો, રંગે ધઉંવર્ણી, ડાબા હાથના બાવળા ઉપરડીઝાઇન કોતરાવેલ છે,શરીરે પંજાબી ડ્રેસ પહેરેલ છે.

આ ગુમ થયેલ સૈજપુરના હિતેશ્રીબેન પટેલ મળી આવ કે તરતજ વિરસદ પોલીસ સ્ટેશનનો ફોન નંબર  ૦૨૬૯૭-૨૪૪૪૩૩ તથા એલ.સી.બી. આણંદ નો ફોન નંબર ૨૬૯૨-૨૫૫૭૦૦ ઉપર જાણ કરવા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી દ્વારા જણાવાયું છે.

ટ્રેનની અડફેટે કપાયેલ હિન્દુ માણસના વાલીવારસો જોગ

આણંદ - 

આણંદ રેલવે પોલીસ સ્ટેશન ની યાદીમાં જણાવ્યા  મુજબ તા. ૨૦-૦૪-૨૦૧૩ ના રોજ  ૫-૩૦ કલાકે અજાણ્યો હિન્દુ માણસ કોઇપણ ટ્રેનની અડફેટે આવી જવાથી મરણ પામેલ હાલતમા મળી આવેલ છે. જેની ઉંમર આશરે ૪૦ વર્ષ, ઉચાઇ ૫.૫ ફૂટ, રંગે ધઉં વર્ણ, મધ્યમ બાધાનો, શરીરે કાળા રંગની ટી શર્ટ લાઇન વાળી ભુરાકલરનુ જીન્સ પેન્ટ કાળા કલરનો જાંગીયો ભુરા કલરના મોજા પહેરેલા છે અને માથે ટકલો છે. આ બિનવારસી પુરૂષની લાશના વાલી વારસોએ રેલવે પોલીસ સ્ટેશન-આણંદ નો સંપર્ક કરવો.

બિનવારસી લાશના વાલીવારસો જોગ

આણંદ - 

- આણંદ રેલવે પોલીસ સ્ટેશન ની યાદીમાં જણાવ્યા  મુજબ તા. ૧૦-૦૪-૨૦૧૩ ના રોજ  અજાણ્યો ઇસમ આણંદ રેલ્વે સ્ટેશને અમદાવદ મડગાવ  ટ્રેનની ટક્કર લાવવાથી આવી જવાથી મરણ પામેલ હાલતમા મળી આવેલ છે. જેની ઉંમર આશરે ૪૦ વર્ષ, ઉચાઇ ૫.૫ ફૂટ, રંગે શ્યામ, મધ્યમ બાધાનો, શરીરે આછા પીળા રંગની લાબી બાંયનું શર્ટ તથા જાંબલી કલરની લંગી જુની પહેરેલ છે અને માથે ટકલો છે. આ બિનવારસી પુરૂષની લાશના વાલી વારસોએ રેલવે પોલીસ સ્ટેશન-આણંદ નો સંપર્ક કરવો.

મેડીકલ અભ્‍યાસક્રમોમાં પ્રવેશ માટેની ગુજકેટ-૨૦૧૩ની પરીક્ષાઓ લેવાશે

 ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્‍તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના જણાવ્‍યા મુજબ તારીખ-૦૯/૦૫/૨૦૧૩ના રોજ  ગુજરાત રાજયમાં મેડીકલ અભ્‍યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટેની લેવાનારી ગુજકેટ-૨૦૧૩ની પરીક્ષાનું એડમીશન કાર્ડ(ફી રસીદ) ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્‍તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર બોર્ડના વિદ્યાર્થીઓ સિવાયના વિદ્યાર્થીઓને ટપાલ દ્વારા મોકલી આપવામાં આવી છે. ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્‍તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડના વિદ્યાર્થીઓના એડમીશન કાર્ડ (ફી રસીદ) વિજ્ઞાન પ્રવાહની ઉ.મા. શાળાઓએ તારીખ ૦૨/૦૫/૨૦૧૩ને ગુરુવારના રોજ ૧૧/૦૦ થી ૧૬/૦૦ કલાક દરમ્‍યાન જિલ્‍લા શિક્ષણાધિકારીની કચેરી, નડિયાદ ખાતેથી મેળવી લેવાની રહેશે. તેની ખેડા જિલ્‍લાની વિજ્ઞાન પ્રવાહની તમામ ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓના આચાર્યશ્રીઓએ નોંધ લેવા જિલ્‍લા શિક્ષણાધિકારીશ્રી, નડિયાદની યાદીમાં જણાવાયું છે.

જે ઉમેદવારની હોલ ટીકીટ મળેલ ન હોય કે ખોવાઇ ગયેલ હોય તેવા ઉમેદવારોએ બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી હોલ ટીકીટ (પવેશપત્ર)ની પ્રિન્‍ટ લઇ શકશે અને તે હોલટીકીટ તરીકે માન્‍ય રહેશે.

 

ટિપ્પણીઓ નથી: