અનુયાયીઓ

મંગળવાર, 30 એપ્રિલ, 2013

સાધુ સંતો થકી જ આપણી સંસ્‍કૃતી બચી છે કૃષિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી બાબુભાઇ બોખિરીયા વંથલી સ્‍વામિનારાયણ ગુરૂકુળ ખાતે ધર્મજોગી દિક્ષા શતાબ્‍દિ મહોત્‍સવ યોજાયો

જૂનાગઢ:

વંથલીના સ્‍વામિનારાયણ ગુરૂકુળ ખાતે ધર્મજોગી સ્વામીના દિક્ષા શતાબ્‍દિ મહોત્‍સવમાં સ્‍વામીનારાયણ સંપ્રદાયના સાધુ-સંતોના આશિર્વાદ મેળવી જિલ્‍લા પ્રભારી અને કૃષિ તથા પાણી પુરવઠા મંત્રીશ્રી બાબુભાઇ બોખિરીયાએ જણાવ્યું  હતું કે, વિદેશની ઘણી  સંસ્‍કૃતિઓ બચી નથી જ્યારે ભારતની મહાન સંસ્‍કૃતિ બચી છે તેનુ કારણ આપણા સાધુ સંતો છે.

આપણા સાધુ સંતોએ નવી પેઢીમાં સંસ્‍કાર, શિક્ષણ અને સદગુણો કેળવાય તે માટે ભગીરથ પ્રયાસો કર્યા છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, બાળક જન્‍મે ત્‍યારે ઇશ્‍વર સ્‍વરૂપ હોય છે અને મોટું થાય ત્‍યારે સારો કે નઠારો માણસ કહેવાય. તેનું કારણ તેની આસપાસનું વાતાવરણ છે. આ વાતાવરણ પવિત્ર હોય તો તે માણસ ગુણવાન થાય છે અને માણસને ગુણવાન બનાવવામાં માતાપિતા ઉપરાંત સાધુ સંતોના આશિર્વાદ પણ મહત્‍વના છે. કોઇના પ્રત્‍યે ઇર્ષા ભાવ કે નકારાત્‍મકતા નહીં રાખતા કોઇ તમારૂ ખરાબ કરે તો પણ જતુ કરવાની ભાવના રાખવા મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું.

દિક્ષા મહોત્‍સવના અધ્‍યક્ષ વંથલીના સ્‍વામી સાધુ શ્રી દેવપ્રસાદ સ્‍વામીએ મંત્રીશ્રી બાબુભાઇ બોખીરીયાનું વિશેષ સન્‍માન કર્યુ હતું. આ પ્રસંગે સ્‍વામી માધવપ્રિયદાસજી, સ્‍વામી બાલક્રિષ્‍ના સ્‍વામી ઉપરાંત અગ્રણીઓમાં માજી કૃષિ રાજયમંત્રીશ્રી કનુભાઇ ભાલાળા, ડો. ડી. પી. ચીખલીયા, રાજય મહિલા સુરક્ષા સમિતીના ઉપાધ્‍યક્ષ શ્રીમતી જયોતીબેન વાછાણી, રામશીભાઇ ભેટારીયા વિગેરે ઉપસ્‍થીત રહયા હતા.                          

 

કૃષિ મહોત્‍સવ અંતર્ગત ૩,૮૧૦ બાગાયત કિટ્સનું વિતરણ ૧૮૧ પશુ સારવાર કેમ્‍પ, ૩૩ વિવિધલક્ષી તાલીમ અને બાગાયતી પાકો અંગે શિબિર યોજાશે

કૃષિ મહોત્‍સવ-૨૦૧૩નું આયોજન કરવામાં આવ્‍યુ છે ત્‍યારે રાજ્ય સરકાર તરફથી ખેડુતોને વિવિધ માર્ગદર્શન અને કિટ્સ મળી રહે તે માટે વ્‍યવસ્‍થા કરવામાં આવે છે.

કૃષિ મહોત્‍સવ દરમિયાન બાગાયાત ખાતા દ્વારા સ્‍થાનિક બાગાયતી પાકોની વૈજ્ઞાનિક ખેતી પર માર્ગદર્શન આપવામાં આવશે. અનુસૂચિત જાતિના ૮૧૦ ખેડુતો સહિત ૩,૮૧૦ કિટ્સનું વિતરણ કરવામાં આવશે. દરેક તાલુકામાં એક-એક એમ કુલ ૧૧ શિબિરનું આયોજન કરવામાં આવશે. દરેક તાલુકાઓમાં કિચન ક્રેનિંગના તાલીમ ક્લાસનું આયોજન કરવામાં આવશે. પ્રગતિશીલ બાગાયતી ખેડુતોના ખેતર પર વૈજ્ઞાનિક પધ્‍ધતિથી ઉછેર કરેલ બાગાયત પાકોનું નિદર્શન કરવામાં આવશે.

પશુપાલન ખાતા દ્વારા ૧૮૧ પશુ સારવાર કેમ્‍પનું આયોજન કરવામાં આવશે. રસીકરણ તથા કૃત્રિમ બીજદાનનો સમાવેશ કરવામાં આવશે. પશુપાલકોને પશુપાલનની વૈજ્ઞાનિક પધ્‍ધતિઓથી માહિતગાર કરવામાં આવશે. દરેક ગામ દીઠ પાંચ-પાંચ કિટ્સનું વિતરણ કરવામાં આવશે. સફળ પશુપાલકો દ્વારા સફળ પશુપાલનની વાત રજૂ કરવામાં આવશે.

આત્‍મા પ્રોજેક્ટ દ્વારા ૧,૧૦૧ એફઆઇજી ગ્રુપના સભ્‍યોને મહત્તમ ભાગીદારીથી, વધુમાં વધુ ખેડુતો કૃષિરથનો લાભ લે તેવી કામગીરી કરવામાં આવશે. દરેક તાલુકા કક્ષાએ વિવિધ વિષયો પર ૩ તાલીમ કાર્યક્રમોનું આયોજન એમ કુલ ૩૩ તાલીમ ગોઠવવામાં આવશે.

જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સી દ્વારા સમગ્ર જિલ્‍લામાં નરેગા યોજના હેઠળ કુલ ૧૨૬ ચેકડેમોમાં માનવ દિન ૩૧,૮૫૫ને રૂ.૭૧.૧૧ લાખના અંદાજિત ખર્ચે વોટર હાર્વેસ્‍ટીંગ અને ડીશીલ્‍ટીંગ કામગીરી કરવામાં આવશે.

વિવિધ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે નોડલ-લાયઝન અધિકારીની નિમણૂંક

અમરેલી

ગરીબ કલ્‍યાણ મેળા, અછત અંગેની કામગીરી, કૃષિ મહોત્‍સવ, ખેલ મહાકુંભ, રાષ્‍ટ્રીય પર્વની ઉજવણી, શાળા પ્રવેશોત્‍સવ-ગુણોત્‍સવ, કન્‍યા કેળવણી, પલ્‍સ પોલિયો, જાહેર પરીક્ષા અંગેની કામગીરી, સંભવિત કુદરતી-કૃત્રિમ આફતોનો સામનો કરવા અને આગોતરા આયોજન માટે સુવ્યવસ્‍થિત કામગીરી   થાય તથા કાર્યક્રમ સુચારુ અને સફળતાપૂર્વક પાર પડે તે માટે કલેક્ટરશ્રી અજયકુમારે જિલ્‍લાના દરેક તાલુકાઓમાં લાયઝન અધિકારીની નિમણૂંક કરેલ છે.

નોડલ અધિકારી તરીકે જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રીની નિમણૂંક કરવામાં આવેલ છે. જ્યારે અમરેલી તાલુકા-(અમરેલી તથા અમરેલી નગરપાલિકા) પ્રાંત અધિકારીશ્રી, વડીયા-કુંકાવાવ-નાયબ વન સંરક્ષકશ્રી (વિસ્‍તરણ)-અમરેલી, લાઠી- લાઠી પ્રાંત અધિકારીશ્રી, બાબરા-જિલ્‍લા આયોજન અધિકારી, ધારી-ધારી પ્રાંત અધિકારી, બગસરા-નાયબ વન સંરક્ષક-ધારી ગીર(પૂર્વ), ખાંભા-જિલ્‍લા જળસ્‍ત્રાવ વિકાસ એકમ (વોટરશેડ) પ્રોજેક્ટ મેનેજરશ્રી-ડી.આર.ડી.એ.,

સાવરકુંડલા- (સાવરકુંડલા તથા સાવરકુંડલા નગરપાલિકા)-સાવરકુંડલા પ્રાંત અધિકારીશ્રી, લીલીયા-જિલ્‍લા સમાજ કલ્‍યાણ અધિકારી(વિ.જા.), રાજુલા-નાયબ જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી (પંચાયત), જાફરાબાદ-જિલ્લા પછાતવર્ગ કલ્‍યાણ અધિકારીને જે-તે વિસ્‍તારના લાયઝન અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવેલ છે. નિમણૂંક પામેલા લાયઝન અધિકારીઓ તમામ કાર્યક્રમોનું આયોજન, સુપરવિઝન તથા આનુષંગિક તમામ કામગીરી કરી તબક્કાવાર જરૂરી રીપોર્ટીંગ સહિતની ફરજો બજાવશે, તેમ કલેક્ટરશ્રી અજયકુમારની યાદીમાં જણાવાયું છે.

સુરેન્‍દ્રનગર ખાતે સંરક્ષણ ભરતી પૂર્વેના તાલીમ વર્ગની મુલાકાત લેતા કોર્ષ ડાયરેકટરશ્રી પી. કે. સિન્‍હા

સુરેન્‍દ્રનગર:- સુરેન્‍દ્રનગર જિલ્‍લાના પોલીસ ગ્રાઉન્‍ડ ખાતે તા.૮ મી એપ્રિલ-૨૦૧૩ થી રક્ષાશકિત યુનિવર્સિટી - અમદાવાદ દ્વારા સંરક્ષણ સેવાની સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓની તૈયારી માટે તાલીમ વર્ગ કાર્યરત છે, જેની તાજેતરમાં કોર્ષ ડાયરેક્ટરશ્રી પી.કે. સિન્‍હાએ મુલાકાત લઈ તાલીમ વર્ગમાં અપાતી તાલીમને બિરદાવી હતી.

 શ્રી સિન્‍હાએ તા.૨૫ મી એપ્રિલે વહેલી સવારે ૬-૦૦ કલાકે વિદ્યાર્થીઓની ટુંકી દોડને ૧૬૦૦ મીટર લાંબી દોડ નિહાળી હતી.

 અત્રે ઉલ્લેખનિય છે કે, હાલમાં કુલ-૪૫ વિદ્યાર્થીઓ આ તાલીમી કાર્યક્રમમાં જોડાયેલા છે, તથા આ તાલીમના સમયગાળા દરમિયાન અત્યાર સુધીમાં શારિરીક તાલીમ તેમજ સામાન્‍ય જ્ઞાન, સામાન્‍ય બુધ્‍ધિક્ષમતા, ગણિત અને અંગ્રેજી વિષયોના વિવિધ તજજ્ઞોની મુલાકાત લઈ તેમણે તાલીમાર્થીઓને પ્રોત્‍સાહિત કરી માર્ગદર્શન આપી આર્મીમાં જોડાવવા પ્રેરણાપૂરી પાડી છે. તેમ, સુરેન્‍દ્રનગર જિલ્‍લા કો-ઓર્ડીનેટરશ્રી નયનાબેન રાવલે જણાવ્‍યું છે.

સુરેન્‍દ્રનગરના લખતર તાલુકામાં મળેલી અજાણી લાશના વાલીની શોધખોળ

સુરેન્‍દ્રનગર:- સુરેન્‍દ્રનગર જિલ્‍લા પોલીસ અધિક્ષકશ્રીની એક યાદીમાં જણાવ્‍યા અનુસાર તા.૨૪/૪/૨૦૧૩ ના રોજ સાંજે ૭-૩૦ કલાકે લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામ પાસેથી પસાર થતી વિરમગામ તરફથી આવતી નર્મદા કેનાલમાં એક અજાણ્‍યા પુરૂષની લાશ મળી આવી છે.

     આ પુરૂષની ઉંમર આશરે ૩૨ થી ૩૫ વર્ષની હોવાનો અંદાજ છે. તેને શરીરે આછા પીળા કલરનું આખી બાંયનું શર્ટ તથા તેવા જ કલરનું ભૂખરા જેવું પેન્‍ટ પહેરેલ છે. જેના શરીરે આંખો નાક તથા મોઢું પાણીના જનાવરો કોતરી ખાઈ ગયેલ છે, અને લાશ ફુલાઈ ગયેલ છે.

      તો આ અજાણી પુરૂષની લાશ અંગે કોઈપણ પ્રકારની માહિતી ધરાવનારે લખતર પોલીસ સ્‍ટેશન ફોન નંબર- (૦૨૭૫૯) ૨૭૩૦૯૮ તથા સુરેન્‍દ્રનગર પોલીસ કંટ્રોલ રૂમ ફોન નંબર-(૦૨૭૫૨) ૨૮૨૪૫૨ પર સંપર્ક કરવા જણાવાયું છે.

સુરેન્‍દ્રનગર જિલ્‍લામાં રૂપિયા ૬૪.૬૫ લાખના ખર્ચે વિવિધ વિકાસ કામો પ્રગતિ હેઠળ

સુરેન્‍દ્રનગર:- સુરેન્‍દ્રનગર જિલ્‍લા કાર્યવાહક આયોજન સમિતિની તાજેતરમાં મળેલી બેઠકમાં વર્ષ-૨૦૧૨-૧૩માં ધારાસભ્‍યશ્રીની જોગવાઈ હેઠળ જિલ્‍લાના વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા, મુળી અને પાટડી       તાલુકામાં કુલ રૂપિયા ૬૪.૬૫ લાખના ખર્ચે વિવિધ વિકાસલક્ષી કામો હાથ ધરાયા છે.

       જે અન્‍વયે વઢવાણ તાલુકામાં રૂપિયા ૧૪ લાખના ખર્ચે પાંચ સ્‍થળે સી.સી. રોડ બનાવવાનું કામ, ચોટીલા તાલુકામાં રૂપિયા ૨૬ લાખના ખર્ચે ૧૩ (તેર) સ્‍થળે કોઝવે અને કંમ્‍પાઉન્‍ડ વોલ બનાવવાનું કામ, ધ્રાંગધ્રા તાલુકામાં રૂપિયા ૧૧.૮૫ લાખના ખર્ચે ૯ (નવ) સ્‍થળે સી.સી.રોડ બનાવવાનું કામ, મુળી તાલુકામાં રૂપિયા ૧૧. ૩૦ લાખના ખર્ચે ૮ (આઠ) સી.સી. રોડ અને કોઝવે બનાવવાનું કામ અને પાટડી તાલુકામાં રૂપિયા ૧.૫૦ લાખના ખર્ચે વઘાડા ગામે જનસેવા હોસ્‍પિટલ બહાર બસ સ્‍ટેન્‍ડ બનાવવાના કામનો સમાવેશ થાય છે.

‘‘આમકે આમ- ગુટલીયોંકે ભી દામ. . સુકકા જળાશયોમાંથી માટી ખોદીને વિનામૂલ્‍યે ખેડૂતોને આપવી એટલે આફતને અવસરમાં પલટવાનો મોકો રાજયભરના જળાશયોનો અમૂલ્‍ય કાંપ મેળવીને ધન્‍ય થતા ધરતીપુત્રો

            ચાલુ વર્ષે રાજયના મોટાભાગના વિસ્‍તારોમાં અછતની સ્‍થિતિ પ્રવર્તે છે. પીવાના અને સિંચાઇના પાણી માટે વપરાશમાં લેવાતા મોટા ભાગના જળાશયોમાં કાંકરા ઉડે છે. ધરતીપુત્રો પાણી વગર શું પકવવું, એની ચિંતામાં અડધા થઇ રહયા છે. આવી વિપરિત પરિસ્‍થિતિમાંથી માર્ગ કરવા અને આવી પડેલ કુદરતી આફતને અવસરમાં પરિવર્તિત કરવા રાજય સરકારે અનોખું અભિયાન આદર્યુ છે- સુકાભઠ્ઠ પડેલા જળાશયોનું ખોદકામ કરી આ અમૂલ્‍ય કાંપવાળી માટી ખેડૂતોને વિના-મૂલ્‍યે આપવાનુ...

સિંચાઇ અને પીવાના પાણી માટે બનાવાયેલા જળાશયોમાં વરસાદનું પાણી સંગ્રહ કરવામાં આવે છે. જમીનનાં ઉપલા સ્‍તરમાં રહેલા પોષક તત્‍વો અને કુદરતી પદાર્થો આ પાણીમાં ઘસડાઇને જળાશયોના તળિયે જમા થાય છે. ચાલુ વર્ષે જયારે રાજયભરના જળાશયો ખાલી પડયા છે, ત્‍યારે જળાશયોના તળિયે પડેલો આ અમૂલ્‍ય કુદરતી કાંપ રાજય સરકાર પોતાના ખર્ચે ખોદાવીને રાજય-ભરના ખેડૂતોને સાવ મફતમાં આપે છે. આમ કરવાથી એક કાંકરે ચાર પંખી મરે છે.

      ડેમ સાઇટ પરથી કાંપવાળી માટી ખેતરમાં પાથરવાની ક્રિયામાં ગામડાના માણસોને રોજી-રોટી મળે છે અને રોજગારીનું સર્જન થાય છે. ખેડૂતોને આ માટી નિઃશુલ્‍ક મળવાથી મોંઘા ખાતરોનો ખર્ચ બચી જશે અને આ કાંપવાળી માટીમાંથી કૃષિ ઉત્‍પાદન મોટાપાયે થશે એ લટકામાં ! ખોદકામ કરવાથી જળાશય ઉંડુ જવાને લીધે તેની સંગ્રહક્ષમતા પણ વધે છે.

રાજકોટ જિલ્‍લાના ટંકારા તાલુકાના મીતાણા ગામ પાસે આવેલ ડેમી-૧ જળાશય ખાતે રાજય સરકાર દ્વારા રોજના ત્રણ ઘન મીટર લેખે માટી ખોદીને આજુબાજુના છત્તર, હરબટીયાળી, હરિપર, ગણેશપર, ભૂતકોટડા વગેરે ગામોના ખેડૂતોને આપવામાં આવી રહી છે. ૧૩મી માર્ચ-૨૦૧૩થી ચાર જેસીબી મશીન દ્વારા ડેમી-૧ના રીવરબેડ, વિસ્‍તારમાં ખોદકામ કરીને અત્‍યાર સુધીમાં કૂલ ૩૫ હજાર ઘન મીટર માટી ખેડૂતોને અપાઇ ચુકી છે.

ડેમી-૧ સિંચાઇ યોજનાના કાર્યપાલક ઇજનેરશ્રી જી.વી. ઉઘરેજાએ આ અંગેની વિગતો આપતા જણાવ્‍યું હતું કે, ૧૯૫૬માં બનેલા ડેમી-૧ ડેમમાંથી ખોદકામ કરવા માટે નિયમ મુજબની ટેન્‍ડર પ્રક્રિયા હાથ ધરાયા બાદ રૂ. ૬૪ લાખના ખર્ચે ખોદકામ કરવાનો કોન્‍ટ્રેકટ અપાયો છે. સવારના સાત વાગ્‍યાથી રાતના આઠ વાગ્‍યા સુધી આ કામગીરી કરવામાં આવે છે. જે દરમિયાન આસપાસના ૧૩ ગામોના ખેડૂતો અંદાજે ટ્રેકટરના હજારેક ફેરા કરી ખોદેલી માટી લઇ જાય છે. શ્રી ઉઘરેજાના જણાવ્‍યા અનુસાર આ ખોદકામ પૂર્ણ થયા બાદ ડેમી-૧ સિંચાઇ યોજનાની જળસંગ્રહ શકિતમાં સાડા સાત મીટર ઘન ફુટનો વધારો થશે, જેનાથી ડેમમાં વધુ પાણીનો સંગ્રહ થઇ શકશે અને ખેડૂતોને સિંચાઇ માટે વધુ પાણી ઉપલબ્‍ધ બનશે.

સ્‍થાનિક ખેડૂતોએ તેમનો અભિપ્રાય આપતા જણાવ્‍યું હતું કે, અમારા માટે તો આ માટી કાચા સોના જેવી છે, જેને ખેતરમાં નાખવાથી ઊપજ પણ વધશે અને મોંઘા ભાવના ખાતરોનો ખર્ચ પણ ઘટી જશે.

જે ખેડૂતો સધ્‍ધર છે અને માટી ખોદવાનો ખર્ચ ઉઠાવી શકે છે, તેવા ખેડૂતોને ખાતેદારના પુરાવાની ઝેરોક્ષ નકલ રજૂ કરવાથી ખાનગી રીતે ખોદકામ કરવાની મંજૂરી પણ રાજય સરકાર દ્વારા આપવામાં આવે છે. ડેમી-૧ સિંચાઇ યોજના ખાતે હાલ ત્રણેક જગ્‍યાએ આવુ ખાનગી ખોદકામ ચાલી રહયું છે. ખાનગી ખોદકામ કરતા ખેડૂતો આ માટીનો ઉપયોગ ખેતી પૂરતો જ મર્યાદિત રાખે, અન્‍ય કોઇપણ પ્રકારના ઔદ્યોગિક હેતુ માટે આ માટી ન વાપરવામાં આવે તેની ખેડૂતોને તાકીદ કરવામાં આવે છે.

ગાંઠના પૈસે માટી ખોદીને રાજયભરના ધરતીપુત્રોને આપી રાજય સરકાર ડેમોની સંગ્રહક્ષમતા વધારવા અને ખેડૂતોનું ઉત્‍પાદન વધારવા કૃતનિશ્ચયી છે. સાવ નકામી માટીનો બહુમૂલ્‍ય ઉપયોગ થવાથી એ વાતની ચોકકસ પ્રતીતિ થાય છે કે ''આમકે આમ- ગુટલીયોંકે ભી દામ. . .''

ગાર્ડી એવોર્ડ અર્પણ સમારોહમાં ૭ વ્‍યકિતઓનું સન્‍માન


સમાજના ઉત્‍કર્ષમાં યોગદાન આપનારનું સન્‍માન કરવુ ગૌરવપ્રદ પ્રસંગ

થેલેસેમીયાગ્રસ્‍ત ૧૧ બાળકોને વિધાનસભાના અધ્‍યક્ષશ્રી વજુભાઇ વાળા દ્વારા સાયકલો અર્પણ    

રાજકોટ:

સમાજના ઉત્‍કર્ષમાં યોગદાન આપનારનું સન્‍માન કરવુ ગૌરવપ્રદ પ્રસંગ છે.તેમ સમર્પણ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલીત શ્રીમતી રૂક્ષ્‍મણીબહેન દીપચંદભાઇ ગારડી વૃધ્‍ધાશ્રમ દ્રારા રાજકોટ એન્‍જીન્‍યરીંગ એસોશીએશન હોલ ખાતે આયોજીત કાર્યક્રમમાં વિધાનસભાના અધ્‍યક્ષશ્ વજુભાઇ વાળાએ જણાવ્‍યુ હતું

      વજુભાઇએ લેનાર કરતા ત્‍યાગીને ભોગવનાર જ મહાન બને છે. દાન કરવુ, આપવુ આસાન નથી એ તો જેના લોહીમાં હોય તેજ આપી શકે છે. તેમ જણાવી સંતશ્રી રણછોડદાસજી મહારાજે જે લોકો પોતાની સંપતિ અને  ધન દીન દુઃખીઓ માટે વાપરે તેની સંપતી કયારેય ખુટતી નથી તેનો સાર જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે શ્રીવજુભાઇના હસ્‍તે ૧૧ થેલેસેમીયાગ્રસ્‍ત બાળકોને સાયકલ અર્પણ કરવામાં આવી હતી.

     મેનેજીંગ ટ્રસ્‍ટી મુકેશભાઇએ દીપચંદભાઇ ગાર્ડીના ૯૯માં જન્‍મદિવસે સમાજમાં નાના માણસો માટે ૨૪ કલાક પોતાની સેવા આપીને ઉપયોગી કાર્ય કરનારા સર્વ રમેશભાઇ ટીલાળા, નરેન્‍દ્રભાઇ ગંગદેવ, નાથાભાઇ કયાડા, રમેશભાઇ ઠકકર, જયંતભાઇ રાવલ, જીતુભાઇ રહેના તથા શ્રીમતિ ભાવનાબહેન જોષીપુરાને તેમની કામગીરીનો અહેવાલ આપીને બિરદાવ્‍યા હતા. અને ટ્રસ્‍ટ દ્રારા તેમનું શાલ, શીલ્‍ડ અને ચાંદીનો સિકકો અને મોમેન્‍ટો આપીને ગાર્ડી એવોર્ડથી સન્‍માનીત કરીને.તેમની સાથે દાનવીર શ્રી દીપચંદભાઇ ગાર્ડીને પણ  દિર્ઘાયુની શુભકામના પાઠવી હતી.

      આ પ્રસંગે દાતાઓ સર્વ બાબુભાઇ પરસાણા, વલ્‍લભભાઇ સતાણી, હર્ષદભાઇ માલાણી, હંસરાજભાઇ ગજેરા, રમેશ ટીલાળા તથા રમેશ ઠકકર દ્રારા રૂ.૪ લાખની રકમના ચેકો આપવામાં આવ્‍યા હતા. તેમજ સમર્પણ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્રારા કાઠીયાવાડ બાલાશ્રમને રૂ.૧,૧૧,૧૧૧, અંધ અપંગ વૃધ્‍ધાશ્રમને રૂ.૧,૧૧,૧૧૧,  મહાજન પાંજરાપોળને રૂ.૧,૧૧,૧૧૧, અંધ મહિલા વિકાસગૃહને રૂ.૧,૧૧,૧૧૧,,તથા કોઠારી લેબોરેટરીને રૂ.૫૧,૧૧૧ના ચેકો તેમની સેવાકિય પ્રવુતિઓ માટે મહાનુભાવોને હસ્‍તે આપવામાં આવ્‍યા હતા.

આ કાર્યક્રમમાં ધારાસભ્‍યશ્રી ઇન્‍દ્રનીલ રાજયગુરુ, શિક્ષણશાસ્રી શ્રી ડીવી મહેતા ઉતર પાટણ યુનિ.ના કુલપતિ,શ્રી નિદતભાઇ બારોટ વિગેરેએ પ્રાસંગીક પ્રવચનો કર્યા હતા.

આ કાર્યક્રમમાં શ્રીહરીશભાઇ લાખાણી, શ્રીવલ્‍લભભાઇ સતાણી, શ્રી રાજુભાઇ ગોસ્‍વામી, શ્રી મુકેશ દોશી, શ્રી સુનિલ વોરા, પ્રતાપભાઇ પટેલ, હસુભાઇ રાચ્‍છ, હરેશભાઇ પરસાણા તથા શ્રી પ્રવીણભાઇ ગોસ્‍વામી વિગેરે ઉપસ્‍થીત રહયા હતા.

સ્‍વાગત પ્રવચન સુનિલભાઇ વોરાએ અને આભાર વિધી શ્રી મીતલભાઇ  ખેતાણીએ કરી હતી.

રૈયા ચોકડી ખાતે અર્બન રીસોર્સ સેન્‍ટરનું લોકાર્પણ અને નાના મવા ચોકડીખાતે મહિલાઓ માટેના મલ્‍ટી એકિટવિટી સેન્‍ટરનું થયેલ ખાતમૂહૂર્ત ‘‘મલ્‍ટી એકિટવિટી સેન્‍ટર એ મહિલાઓના કલ્‍યાણ માટે સરકારે સેવેલી ખેવનાનો પુરાવો છે’’.- શિક્ષણ, મહિલા ને બાલ વિકાસ રાજયમંત્રીશ્રી વસુબેન ત્રિવેદી

રાજકોટ:ગુજરાતની મહિલાઓ માટે રાજય સરકારે સેવેલી ચિંતા અને ખેવનાનો પુરાવો ખાતમૂહૂર્ત કરાયેલ મલ્‍ટી એકિટવિટી સેન્‍ટર છે એમ રાજયના મહિલા, બાલવિકાસ અને શિક્ષણ રાજયમંત્રીશ્રી વસુબેન ત્રિવેદીએ જણાવ્‍યું હતું.

નાના મવા ચોકડી ખાતે યોજાયેલા સૌજન્‍યપૂર્ણ સમારોહમાં ૧૯૩૫ ચોરસ મીટરમાં બનનારા મહિલાઓ માટેના મલ્‍ટી એકિટવિટી સેન્‍ટરનું ખાતમૂહુર્ત મંત્રીશ્રી વસુબેને કર્યું હતું. આ પ્રસંગે તેમણે અધ્‍યક્ષીય પ્રવચનમાં જણાવ્‍યું હતું કે, ગુજરાત સ્‍થાપના દિન નિમિત્તે રાજયમાંથી ગરીબી, કુપોષણ, નિરક્ષરતાને હટાવી નિર્મળ અને આરોગ્‍યપ્રદ ગુજરાતનું નિર્માણ કરવાની રાજય સરકારની નેમ છે. વીતેલા વર્ષોમાં કરેલા સંકલ્‍પોને ફળીભૂત કરવા સકારાત્‍મક પગલા લઇ રહેલી રાજય સરકારને સહયોગ આપવા તેમણે સુજ્ઞ નાગરિકોને અનુરોધ કરતાં ઉમેર્યું હતું કે, ખાતમુહૂર્ત કરેલા કામોનું લોકાર્પણ પણ રાજય સરકારના શાસન કાળમાં જ થાય તે માટે રાજય સરકાર સદા પ્રયત્‍નશીલ રહી છે. આ મલ્‍ટી  એકિટવિટી સેન્‍ટરના આયોજન બદલ મંત્રીશ્રી વસુબેને મહાનગરપાલિકાને અભિનંદન આપ્‍યા હતાં.

પૂર્વ સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આ પ્રસંગે જણાવ્‍યું હતું કે, જયાં માનવી ત્‍યાં સુવિધાના અભિગમને વરેલી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બહેનોના ઉત્‍કર્ષ માટે બનનાર મલ્‍ટી એકિટવિટી સેન્‍ટર થકી રાજકોટની બહેનો માટે જિમ્‍નેશિયમ, લાઇબ્રેરી, આંગણવાડી, મેરેજ હોલ વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્‍ધ બનાવાશે. રાજકોટ મહાનગરપાલિકાની યશ કલગીમાં ઉમેરાયેલું આ નવું પીછું છે એમ જણાવતા શ્રી રૂપાણીએ આ  મલ્‍ટી એકિટવિટી સેન્‍ટરના નિર્માણ માટે મહાનગરપાલિકાને અભિનંદન પાઠવ્‍યા હતાં. અને બહેનોને આ સેન્‍ટરનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

મંત્રીશ્રી વસુબેન ત્રિવેદીએ રૈયા ચોકડી ખાતે અર્બન રીસોર્સ સેન્‍ટરનું લોકાર્પણ અને નાના મવા ચોકડી ખાતે તકતી અનાવરણ કર્યું હતું.મ્‍યુનિસિપલ કમિશ્નરશ્રી અજય ભાદુ,મેયરશ્રી જનકભાઇ કોટક અને ધારાસભ્‍ય શ્રીમતિ ભાનુબેન બાબરીયાએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતાં.

આ પ્રસંગે પૂર્વ શહેર ભાજપ પ્રમુખશ્રી ધનસુખભાઇ ભંડેરી, શિશુ કલ્‍યાણ સમિતિના ચેરમેનશ્રી બીબબેન સમા, બાંધકામ સમિતિના ચેરમેનશ્રી અરવિંદભાઇ રૈયાણી, શહેર ભાજપ પ્રમુખશ્રી ભીખાભાઇ વસોયા, અગ્રણીશ્રી વલ્‍લભભાઇ દુધાત્રા, ભીખાભાઇ વસોયા, બીનાબેન આચાર્ય, દંડકશ્રી શામજીભાઇ ચાવડા, પૂર્વ મેયર સુશ્રી સંધ્‍યાબેન વ્‍યાસ, વિવિધ વોર્ડના કોર્પોરેટરશ્રીઓ તથા મોટી સંખ્‍યામાં સ્‍થાનિક રહીશો ઉપસ્‍થિત રહયા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી સંજયભાઇ કામદાર તથા આભારદર્શન સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન ડો. જૈમનભાઇ ઉપાધ્‍યાયે કર્યુ હતું.

JETPURMA MAFAT PIVANU PAANI VITARAN KARTA KATHI KSHATRIY SAMAJNA BAAPUNI SARVEMA SARAHNA..PHOTO AND NEWS BY KASHYAP JOSHI, JETALSAR,,jetpur

JETPURMA MAFAT PIVANU PAANI VITARAN KARTA KATHI KSHATRIY SAMAJNA BAAPUNI SARVEMA SARAHNA..PHOTO AND NEWS BY KASHYAP JOSHI, JETALSAR,,jetpur