રાજકોટમાં મહિલા સંમેલનની તડામાર તૈયારીઓઃ
કામગીરીની સ્થળ પર થયેલી સમીક્ષા
મહિલા શક્તિને સન્માનવા યોજાયેલા સંમેલનની તૈયારીને અપાતો આખરી ઓપ
રાજકોટ
સમગ્ર રાજ્યમાં આવતી કાલ તા.૨૩મીના રોજ વિશ્વ મહિલા દિનની ઉજવણી નિમિતે સરકારશ્રી દ્વારા માતા યશોદા એવોર્ડ, મહિલા ખેલાડીઓનું સન્માન તેમજ મુખ્યમંત્રીશ્રીની કન્યા કેળવણી નિધિની સહાય આપવા રેસકોર્ષ મેદાનમાં યોજાનાર કાર્યક્રમની જિલ્લા વિકાસ અધિકારી ડો. ધવલ પટેલે સ્થળ પર બેંઠક યોજી કામગીરીની સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં મંડપ, લાઇટ, પાણી, પ્રાથમિક સારવાર, સાંસ્કૃતિક કાર્યક્રમ, સન્માનાર્થી મહિલાઓ માટેની બેઠક વ્યવસ્થા વગેરે અંગે વિસ્તૃત જાણકારી મેળવી ડો. પટેલે સબંધિત વિભાગના અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.
આ મહિલા સંમેલનમાં આંગણવાડી ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા ૩૫ સંચાલક અને વર્કરને માતા યશોદા એવોર્ડ આપવામાં આવશે. જ્યારે, ખેલકૂદની વિવિધ સ્પર્ધાઓમાં પોતાનું કૌવત દેખાડનારી ૮૬ મહિલાઓને પુરસ્કાર આપવામાં આવશે. એ જ પ્રકારે, ૨૭ છાત્રાઓને મુખ્યમંત્રીશ્રી કન્યા કેળવણી નિધિમાંથી લેપટોપ સહિત આર્થિક સહાય આપવામાં આવશે. આ સંમેલનમાં ઉપસ્થિત વિવિધ ક્ષેત્રના મહિલા અગ્રણીઓ ઉપરાંત સ્ત્રીસશક્તિકરણ ક્ષેત્રે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓને મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી વિડીઓ કોન્ફરન્સના માધ્યમથી સંબોધશે. બાદમાં રાજકોટ જિલ્લાની મહિલા શક્તિને સન્માનવામાં આવશે. શ્રેષ્ઠ આંગણવાડી કાર્યકરોને સન્માનવાની આ સરકારની નવતર પહેલ છે.
આ બેઠકમાં નાયબ પોલીસ કમિશનરશ્રી ચોધરી, અધિક જિલ્લા કલેકટરશ્રી અતુલ ગોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી બી.એન.ચૌધરી, રાજકોટ પ્રાંત અધિકારીશ્રી રાજેન્દ્ર ગઢવી, સંયુકત માહિતી નિયામકશ્રી એન.એ.પરમાર, કાર્યપાલક ઇજનેરશ્રી એમ.પી. ત્રિવેદી, પાણી પુરવઠા, મહાનગર પાલિકા, સંકલિત બાળ વિકાસ યોજના વિભાગના અધિકારીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
રાજકોટમાં ખેડૂત તાલીમ કેન્દ્ર દ્વારા કૃષિ મેળો યોજાયો
મહિલા કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ પરિસંવાદમાં રાજકોટ જિલ્લા
પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન પારેઘીની વિશેષ ઉપસ્થિતિ
રાજકોટ
રાજકોટ શહેરમાં રિડ ક્લબના મેદાનમાં ખેડૂત તાલીમ કેન્દ્ર દ્વારા મહિલા કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ અંતર્ગત આજે કૃષિ મેળા અને પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ખેડૂત એવી મહિલાઓને સંબોધતા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે અનેક પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે. મહિલાઓ આર્થિક રીતે પગભર બની સ્વમાનભરે જીવે એ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.
શ્રીમતી પારેઘીએ વધુમાં ઉમેર્યું હતું કે ખેતી એવું ક્ષેત્ર છે, જેમાં મહિલાઓની કામગીરી વધુ રહે છે. ખેતીથી ૬૦થી ૭૦ ટકા જેટલી કામગીરી મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. એટલે, મહિલાઓ જેટલી જાગૃત અને સુશિક્ષિત હશે, એટલી જ ખેતી સમૃદ્ધ બનશે. રાજ્ય સરકાર દ્વારા આવી પહેલ કરવામાં આવી છે અને મહિલાઓને તેના ક્ષેત્ર માટે સુસજ્જ કરવામાં આવે છે, વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવે છે. આવી તાલીમના કારણે મહિલાઓ વધુ સારી રીતે ખેતી કરી શકે છે અને ઘરના પુરુષને મદદરૂપ બનશે. તેમ તેમણે અંતે જણાવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી ડો. ધવલ પટેલે કહ્યું કે કૃષિ વ્યવસાય હોવાથી ખેડૂતે ક્યાં પાકમાંથી વધુ આવક થશે એ બાબત વધુ વિચારવી જોઇએ. રોકડિયા પાકો, ફળફળાદી પાકોનું વાવેતર કરી વધુ આવક થાય એ દિશામાં પ્રયત્નો કરવા જોઇએ. મહિલાઓ પાસે કોઠાસુઝ હોય છે, એમાં માત્ર વૈજ્ઞાનિક અભિગમ ભળે એટલે સારી રીતે ખેતી થઇ શકે છે, એવી તેમણે મહિલાઓને શીખ આપી હતી.
સંયુક્ત ખેતી નિયામક શ્રી એમ. કે. કુરેશીએ વિવિધ ઉદારણો આપી ખેતી કેવી રીતે કરી શકાય એ બાબત સમજાવી હતી. ખેતીવાડી વિભાગના નાયબ નિયામક શ્રી ડી. બી. ગજેરાએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં બાગયતી ખેતીને કેવી સરળતાથી અપનાવી શકાય એનું મહત્વ સમજાવ્યું હતું.
કૃષિ મેળામાં વિવિધ સંશોધનોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. તેનો લાભ મહિલા ખેડૂતોને મળ્યો હતો. કૃષિ વૈજ્ઞાનિકોએ મહિલાઓને કૃષિલક્ષી સમસ્યાનું માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં કૃષિ વૈજ્ઞાનિક ડો. કાબરિયા, ડો. સુતરિયા, ડો. અકબરી, ખેતીવાડી વિભાગના અધિકારી શ્રી જીગર ભટ્ટ, ખેડૂત તાલીમ કેન્દ્રના સુ.શ્રી વર્ષાબેન ઉપરાંત મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી.
સંરક્ષણ સેવાની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે રાજકોટ ખાતે ૮ એપ્રીલથી તાલીમ વર્ગ શરૂ થશે
રાજકોટ જિલ્લામાંથી ૬૪૦ અરજીઓ પૈકી ૨૭૬ અરજીઓ પાત્રતા ધરાવતી
રાજકોટ
સંરક્ષણ સેવાની સ્પર્ધાત્મક પરિક્ષાઓની પૂર્વ તૈયારીના ભાગરૂપે રક્ષા શકિત યુનિવર્સિટી- અમદાવાદ દ્વારા રાજકોટ ખાતે તા. ૮ મી એપ્રીલ- ૨૦૧૩થી ચાર અઠવાડીયાનો એક તાલીમ વર્ગ શરૂ થનાર છે તેમ યુનિ. રજિસ્ટ્રારશ્રી ધીરજ પારેખ ની યાદીમાં જણાવાયું છે.
આ સ્પર્ધાત્મક પરિક્ષાની તાલીમમાં શારિરીક, સામાન્ય જ્ઞાન, બુધ્ધીક્ષમતા, ગણીત અને અંગ્રેજી વિષયોનો સમાવેશ કરાયો છે. આ સ્પર્ધાત્મક પરિક્ષાઓની તાલીમ માટે રાજકોટ જિલ્લા માંથી કૂલ ૬૪૦ અરજીઓ આવી હતી જે પૈકી ૨૭૬ અરજીઓ પાત્ર જણાયેલ અને પાત્રતા ધરાવતા ઉમેદવારોની શારિરીક તપાસણી તેમજ દોડની પરીક્ષા ટુંક સમયમાં યોજાનાર છે. આ માટે જિલ્લા કોર્ડિનેટર તરીકે શ્રી બિહારીલાલ ચીમનલાલ પુરોહિતની નિમણૂંક કરવામાં આવી છે. જે સબંધિત પાત્રતા ધરાવતા ઉમેદવારોને એસ.એમ.એસ./ ફોનથી જાણ કરશે. દોડમાં પાસ થયેલ ઉમેદવાર માંથી ધોરણ-૧૦ માં મેળવેલ ટકાના આધારે આખરી પસંદગી કરવામાં આવશે આ અંગે વધુ જાણકારી માટે કોર્ડિનેટરશ્રીપુરોહિતના મોબાઇલ નંબર- ૯૦૯૯૯૪૬૯૨૪નો સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.
રાજકોટ આરટીઓમાં તા.૨૮ના ડ્રાઇવિંગ ટેસ્ટ મુલતવી
રાજકોટ
રાજકોટ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા મોટરિંગ પબ્લિકને જણાવાયું છે કે વહીવટી કારણોસર .૨૮ માર્ચના રોજ પાકા લાઈસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ મુલતવી રાખવામાં આવી હોવાનું આર.ટી.ઓ. શ્રી ડી.આર. પટેલની યાદીમાં જણાવાયું છે..
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કારોબારી સમિતિની બેઠક મળી
રાજકોટ
રાજકોટ જિલ્લા પંચાયતના સભા ખંડમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કારોબારી સમિતિની બેઠક જિલ્લા વિકાસ અધિકારી ડો. ધવલ પટેલની અધ્યક્ષતામાં મળી હતી. તેમાં નિયામક શ્રી બી.એન. ચૌધરીએ વિવિધ યોજનાની નાણાકીય સમીક્ષા રજૂ કરી હતી. નિર્મળ ગુજરાત, ઇન્દિરા-સરદાર આવાસ, મિશન મંગલમ અને મનરેગા યોજનાની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં સંબંધિત યોજનાના અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.
કૃષિલક્ષી તાલીમ લઇ લાલાવદરના લીલાબેન લખતરિયા થયા પગભર
રાજકોટ શહેરમાં ખેડૂત તાલીમ કેન્દ્ર દ્વારા મહિલા કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ અંતર્ગત યોજવામાં આવેલા પરિસંવાદમાં જસદણ તાલુકાના લાલવદર ગામના લીલાબેન લખતરિયાએ પોતાની સાફલ્ય ગાથા વર્ણવી હતી. તેમણે કહ્યું હતું કે થોડા વર્ષો પહેલા અમે ગામની કેટલીક બહેનોએ ખેડૂત તાલીમ કેન્દ્રમાં તાલીમ લીધી હતી અને એમાં ફળ પરિરક્ષણ ઉપરાંત દૂધની બનાવટ, શરબત, પશુ પાલન કેવી રીતે કરી શકાય તેની તાલીમ લીધી હતી. તે અમને વ્યહવારૂ જીવનમાં ખૂબ જ ઉપયોગી નિવડી છે.
તેમણે પોતાના અનુભવો વર્ણવતા કહ્યું કે અમારી આર્થિક સ્થિતિ નબળી હતી, એટલે કોઇ પ્રવૃત્તિ કરવી જરૂરી હતી અને ઘરમાં મદદરૂપ થવું જરૂરી હતું. આવા કારણે અમે ગામની બહેનોએ મળી સખી મંડળની રચના કરી અને તેના દ્વારા અહીં તાલીમ લીધી હતી. તેમાં ગામની બહેનોને વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવી હતી. જેના થકી અમે આજે હાથલિયા થોરના ફંડલાનું શરબત બનાવીએ છીએ અને અમદાવાદ જેવા શહેરમાં એની ખાસ માંગ છે. અમારા શરબતના ગ્રાહકો તો એની રાહ જોતા હોય છે. એવી લોકપ્રિયતા આ શરબતની ઉભી થઇ છે. તેમાંથી આવક પણ સારી થતાં હવે અમે અમારા પરિવારનું ગુજરાત સારી રીતે ચલાવી શકીએ છીએ.
કોટડાસાંગાણી તાલુકાના સવિતાબેન સોળિયા બન્યા આધુનિક સદીના ખેડૂત
કોટડા સાંગાણી તાલુકાના સવિતાબેન સોળિયા ખેડૂત તાલીમ કેન્દ્રમાં તાલીમ લઇ આધુનિક ખેડૂત બન્યા છે. તેમણે આજે રાજકોટ શહેરમાં યોજાયેલા મહિલા કૃષિ કૌશલ્ય વિકાસ પરિસંવાદમાં પોતાની સફળતાની વાત બહેનો સમક્ષ રજૂ કરી હતી.
તેમણે કહ્યું કે થોડા વર્ષો પહેલા અમે સાવ જૂની પદ્ધતિથી ખેતી કરતા હતા. તેમાં કાંઇ ખાસ આવક થતી નહોતી. એટલે ઘરનું ગાડુ આગળ ઉલાળ અને પાછળ ધરાળ જેવી સ્થિતિમાં હતું. ગામની બહેનોએ મળી એક બચત મંડળ શરૂ કર્યું. અમે બહેનો પ્રતિ માસ રૂ.૩૦ની બચત કરી સખી મંડળની રચના કરી. તાલુકા પંચાયત અને સખી મંડળના માધ્યમથી અમને ખેડૂત તાલીમ કેન્દ્રમાં પશુપાલન, ટપક સિંચાઇ પદ્ધતિ, ફૂવારા પદ્ધતિ, જૈવિક ખાતર જેવી બાબતોને તાલીમ આપવામાં આવી અને તેનો ઉપયોગ ખેતીમાં કર્યો. આજે ગામના ઘણા ખેડૂત આ રીતે ખેતી કરી આધુનિક બન્યા છે. જૈવિક ખાતરનો પણ ઉ૫યોગ કરવા લાગ્યા છે. અમને મહારાષ્ટ્રના જલગાંવમાં પ્રવાસમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાં ડુંગરાળ વિસ્તારમાં ફળની ખેતી થતી જોઇને અમને પ્રેરણા મળી હતી. જો ત્યાં ડુંગર પર ખેતી થઇ શકતી હોય તો આપણે ત્યાં તો સપાટ જમીન છે, આસાની ખેતી થઇ શકે છે. ક્યુ ખાતર વાપરવું, જમીનનો મહત્તમ ઉ૫યોગ કેવી રીતે કરવો, દવાનો વપરાશ સહિતની બાબતોની તાલીમ અમને ખૂબજ ઉપયોગી નિવડી છે અને તેના કારણે અમે આધુનિક સદીના ખેડૂત બન્યા છીએ.
વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચુંટણીઓ બંધારણીય સુધારાની જોગવાઇ મુજબ જ કરવા સહકારી મંડળીઓને સૂચના
રાજકોટ
૯૭માં બંધારણીય સુધારાને અનુલક્ષીને હવે સહકારી મંડળીઓની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચુંટણીઓ, તેમાં કરેલ જોગવાઇઓ અને ગુજરાત વિધાનસભામાં વિધેયક પસાર કરીને, ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ, ૧૯૬૧ માં જે સુધારાઓ કરે, તેવી જોગવાઇઓને લક્ષમાં લઇને કરવાની થશે, તે સંજોગોમાં રાજયની તમામ સહકારી મંડળીઓને અત્રેથી જણાવવામાં આવે છે કે, તેમની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચુંટણીઓ ૯૭માં બંધારણીય સુધારો તથા ગુજરાત વિધાનસભા દ્રારા ગુજરાત સહકારી મંડળીઓ અધિનીયમ, ૧૯૬૧ માં સુધારા વિધેયક જયારથી અમલમાં આવે, તે જોગવાઇઓને લક્ષમાં લઇને જ કરવા અધિક રજિસ્ટ્રાર(વહીવટ અને અપીલ), સહકારી મંડળીઓ, ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા સુચના અપાઇ છે.
વાંકાનેર તાલુકાના ઠીકરીયાળી ગામના અપહૃત ૧૧ વર્ષના બાળક વિષે માહિતી આપવા દર્દભરી અપીલ
રાજકોટ
વાંકાનેર તાલુકાના ઠીકરીયાળી ગામના લાલભાઇ હમીરભાઇ નાકીયાનો તા.૧.૬.૨૦૦૨ના રોજ જન્મેલ ૧૧ વર્ષના માસુમ પુત્ર આશિષ ઉર્ફે કાળુને ગત તા.૧૩ માર્ચના સાંજના ૪.૦૦ વાગ્યાથી તા.૧૪મી માર્ચના સવારના ૮.૦૦ વાગ્યા દરમ્યાન ઠીકરીયાળી ગામની સીમમાં વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા નજીક આવેલ શ્રી દેવાબાપાના મંદિરમાંથી કોઇ અજાણ્યો શખ્સ બાળકના વાલી હોવાનો દાવો કરી અપહરણ કરી લઇ ગયેલ છે. આ બાળક ગુજરાતી ભાષા સમજી અને વાંચી શકે છે. અને ગોળ મોઢાનો અને મજબૂત બાંધાનો છે. તેની ઉંચાઇ સાડા ચાર ફુટ છે. તથા ઝીણો સાદ કાઢે છે. જમણા હાથના કાંડા ઉપર લાલ સફેદ દોરા બાંધેલ છે. ગુમ થતી વખતે આ બાળકે કાળી સફેદ ઉભી લીટીનો શર્ટ અને કાળા ભૂખરા રંગનું પેન્ટ પહેરેલ છે. આ બાળક વિષે કોઇને કંઇ પણ પત્તો મળે તો વાંકાનેર તાલુકા પોલિસ સ્ટેશન ફોન નં-૦૨૮૨૮ ૨૨૦૬૬૫, અથવા મોબાઇલ નંબર ૯૯૨૫૦૩૩૨૨૮ અથવા રાજકોટ ગ્રામ્ય પોલિસ કંટ્રોલ રૂમના ફોન નંબર ૦૨૮૧ ૨૪૭૭૩૩૪ નંબર પર સત્વરે જાણ કરવા વાંકાનેર તાલુકા પોલિસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે.
૨૯મી માર્ચની રજામાં રાજકોટ જીલ્લાની તિજોરી કચેરીઓ ચાલુ રહેશે
રાજકોટ
રાજકોટ જિલ્લા તિજોરી કચેરી અને જિલ્લામાં આવેલી તમામ પેટા તિજોરી કચેરીઓ તા.૨૯મી માર્ચની ગુડ ફ્રાઇડેની જાહેર રજાના દિવસે પણ રાબેતા મુજબ ચાલુ રહેશે, અને તમામ પ્રકારની કામગીરી બજાવશે. નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩ની નાણાકીય કામગીરી સમયસર અને સરળતાથી ચાલુ રહે, તે માટે આ નિર્ણય લેવાયો હોવાનું રાજકોટના શ્રેયાન તિજોરી અધિકારીની યાદીમાં જણાવાયું છે.
સોનલ
ટી.બી. અંગે ભ્રામક માન્યતાઓ છેઃ સરળતાથી મટી શકે છે.
પોરબંદર
દાયકાઓ પહેલાં ગંભીર ગણાતો ટી.બી. રોગ હવે સરળ ઉપચારો થી મટાડી શકાય છે. આ રોગ અંગે લોકોમાં પ્રર્વતતી ભ્રામક માન્યતાઓ નિર્મૂળ કરવા વ્યાપક જનજાગૃતિની જરૂર છે. તેવો મત વિશ્વક્ષય દિને યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન નિષ્ણાંતોએ વ્યકત કર્યો હતો.
ક્ષય નિવારણ કેન્દ્ર-પોરબંદરના ઉપક્રમે વિશ્વ ક્ષય દિન નિમિતે પોરબંદર માં જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.સી.પટ્ટણી એ પોરબંદર જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે થઇ રહેલી કામગીરીને બીરદાવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી અશોકભાઇ લાખાણીએ ટી.બી. અંગે પ્રવર્તતી ભ્રામક માન્યતાઓ દૂર કરવા જનજાગૃતિ માટે વ્યાપક પ્રચાર-પ્રસાર ની પ્રવૃતિઓની માહિતી આપી હતી. જિલ્લા ક્ષય અધિકારી શ્રી સાદિયાએ પોરબંદર જિલ્લામાં ક્ષય નિવારણ ક્ષેત્રે થયેલી નોંધપાત્ર કામગીરીની વિગતો આપી હતી. દર્દી ને કોઇ ખાસ પરેજી વિના ડોટ કાર્યક્રમ હેઠળ કાળજી પુર્વક દવાનો કોર્ષ પુરો કરવાથી ટી.બી. તદ્દન મટી જાય છે. દવાઓ નિયત મુદ્દત સુધી પુરેપુરી કે નિયમિત લેવામાં ના આવે, તો જ આ રોગ ગંભીર સ્વરૂપનો બને છે. આથી ટી.બી. ને નાબૂદ કરવા ડોટ કાર્યક્રમ હેઠળ ડોકટરે જણાવેલા સમયગાળા સુધી નિયમિત દવાઓ દર્દીઓ લે તે માટે ગ્રામ્યસ્તર સુધીના આરોગ્ય કાર્યકરો અને આશાવર્કરો ને માનવીય ભાવનાથી જાગૃતિપુર્વક ના પ્રયાસો કરવાની તાલીમ પણ આ કાર્યક્રમ દરમિયાન આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ભાવસિંહજી હોસ્પિટલ સીવીલ સર્જન શ્રી મંજરીબેન મંકોડી, આયુર્વેદ એશોસીયેશનના પ્રમુખ શ્રી પંડયા, રેડ ક્રોસના શ્રી હરિશભાઇ રૂઘાણી, સાયન્સ કોલેજના પ્રો.જોશી, બ્લોક હેલ્થ ઓફીસર શ્રી કુરકુરરિયા, મેડીકલ ઓફીસરો તથા આરોગ્ય કર્મયોગી ભાઇ બહેનોએ ભાગ લીધો હતો
જિલ્લા કલેકટર શ્રી જયંતકુમાર સેવક ના સૂચન મુજબ ટી.બી. રોગ અને તેના ઉપચારોના વિષયે કવીઝ સ્પર્ધા યોજાઇ હતી.
જેમાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની ટીમો એ સારો દેખાવ કર્યો હતો. પ્રથમ ત્રણ આવેલા બીલેશ્વર, બખરલા અને
રાણાકંડોરણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની ટીમોને માહાનુભાવોના હસ્તે ઇનામો એનાયત કરાયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાની ૭ કન્યાઓને મુખ્યમંત્રીશ્રીના કન્યા કેળવણી નિધિ પુરસ્કાર અપાશે
સુરેન્દ્રનગર
મુખ્યમંત્રીશ્રીની કન્યા કેળવણી નિધિ પુરસ્કાર યોજના અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાની ૭ કન્યાઓને શિક્ષણ માટે કન્યા કેળવણી નિધિ પુરસ્કાર આપવામાં આવશે. કન્યાઓમાં શિક્ષણનો વ્યાપ વધે તે હેતુથી આ ખાસ યોજના અમલમાં મુકવામાં આવી છે.
જેમાં કોમ્પ્યુટર એન્જીનીયરીંગ માટે ખુશ્બુ કિશોરભાઇ, રાઠોડ કીંજલ પ્રવિણભાઇને એન્જીનીયરીંગ, રાવલ ખુશ્બુ જીજ્ઞેશભાઇને કોમ્પ્યુટર એન્જીનીયરીંગ માટે, પરમાર આશા રૂપેશકુમારને સિવિલ એન્જીનીયરીંગ માટે, સોલંકી કાજલબેન કનૈયાલાલને બી.ડી.એસ. માટે, સમાણી હેતલ રમેશભાઇને બી.એ.એન.એસ. માટે તથા પટેલ હીનાબેન શંકરભાઇને નર્સીંગ માટે પુરસ્કાર આપવામાં આવશે.
શિક્ષણ રાજ્ય મંત્રી પ્રો શ્રીમતી વસુબેન ત્રિવેદીના હસ્તે તા.૨૩ મી માર્ચ-૨૦૧૩ના રોજ સુરેન્દ્રનગર ખાતે યોજાયેલા માતા યશોદા એવોર્ડ કાર્યક્રમમાં આ પુરસ્કાર આપવામાં આવશે.
ગુમ થયેલી વ્યકિતની ભાળ મળ્યેથી પોલીસને જાણ કરો
સુરેન્દ્રનગર:- સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે મુળી તાલુકાના જશાપર હાલ સડલા ગામે રહેતા કાજલબેન ઈશ્વરભાઇ ડાભી (ઉંમર વર્ષ આશરે-૧૯) ગઇ તા.૭/૨/૨૦૧૩ ના રોજ રાત્રીના ૯.૦૦ કલાક દરમિયાન કોઇને કહયા વગર ઘરેથી ચાલ્યા ગયેલ છે. આ વ્યક્તિ શરીરે એકવડા બાધાની, ઘઉં વર્ણની, તેમજ ઉચાઇ આશરે પાંચ ફુટ ધરાવે છે.
આ વ્યકિત અંગે કોઇપણ પ્રકારની માહિતી મળ્યે જિલ્લા પોલીસ કંન્ટ્રોલ રૂમ ફોન નંબર- (૦૨૭૫૨) ૨૮૨૪૫૨ ઉપર જાણ કરવા અનુરોધ કરાયો છે.
પંચાયત રાજય મંત્રીશ્રી જયંતિભાઇ કવાડીયાનો તા.૨૪ મીએ હળવદ ખાતે લોકસંપર્ક
સુરેન્દ્રનગર:– ગુજરાત રાજયના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજય મંત્રીશ્રી જયંતિભાઇ કવાડીયા તા.૨૪ મી માર્ચ-૨૦૧૩ને રવિવારે સવારે ૯-૦૦ કલાકે સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ ખાતે લોકસંપર્ક કરશે. ત્યારબાદ તેઓશ્રી અનુકુળતાએ ગાંધીનગર જવા રવાના થશે.
દવે
ઓદ્યોગીક માગદર્શન સેમીનાર થકી ઉદ્યોગ સાહસીકોને પ્રેરણા મળે છે.
સ્વામિ શ્રી હરિપ્રસાદજી
જૂનાગઢ ખાતે ઐાદ્યોગીક નીતિ -૨૦૦૯ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર–જુનાગઢ તથા ફેકટરી ઓનર્સ એશોસીયેશન જી.આઇ.ડી.સી.-૨ સંયુક્ત ઉપક્રમે આયોજીત નવી ઐાદ્યોગીક નીતિ-૨૦૦૯ માર્ગદર્શન સેમિનાર આજે અક્ષરવાડી સભાખંડમાં કોઠારી સ્વામીશ્રી ધર્મકીર્તિ સ્વામીની અધ્યક્ષતામાં યોજાયો હતો. સેમિનારને દિપપ્રાગટ્યથી પ્રારંભ કરાવતા સ્વામિ હરીપ્રસાદજીએ જણાવ્યુ હતુ કે રાજ્યનો સર્વાંગી વિકાસ થાય અને ઉદ્યોગ સાહસીકો અને ઉદ્યોગકારોને જરુરી માર્ગદર્શન મળી રહે, નવા ઉદ્યોગ સાહસીકો ઉદ્યોગ શરુ કરવા પ્રેરણા મેળવે અને સરકારશ્રીની નવી ઉદ્યોગનીતિ-૨૦૦૯ અનુસાર સામાજીક અને આર્થીક વિકાસની સાથે વધુને વધુ રોજગારીનું નિર્માણ થાય, ઉદ્યોગોની રોજગારલક્ષીતા વધે, ઉત્પાદીત માલની ગુણવત્તામાં સુધારો થયા તેવા અભિગમ સાથે આજનાં સેમિનારમાં તજજ્ઞોનાં માર્ગદર્શન થકી જુનાગઢનાં ઉદ્યોગકારોને લાભ થશે. અને જુનાગઢ જીલ્લામાં પણ નવા ઉદ્યોગો સ્થાપવા યુવાનોને પ્રોત્સાહન મળશે.
બેંક ઓફ બરોડા જુનાગઢ શાખાનાં ચિફ મેનેજર શ્રી એલ.એમ. વિઠ્ઠલાણીએ ઉદ્યોગકારો અને નવા ઉદ્યોગ સાહસીકો માટે ઉદ્યોગ માટે બેંકોની ધીરાણની નીતિ બાબતે માર્ગદર્શન આપ્યુ હતુ. રાજકોટથી પધારેલ ચાર્ટર એકાઉન્ટન્ટ શ્રી બકુલભાઇ ગણાત્રાએ ઉદ્યોગનું કરનુ માળખુ વિષયે વિસ્તૃત સમજણ પુરી પાડી હતી. મોટીવેશન ટ્રેઇનર શ્રી કેયુરભાઇ બુચે સફળ ઉદ્યોગ માટેનાં જરુરી પાસા વિષયે જાણકારી પુરી પાડી હતી. કાર્યક્રમ દરમ્યાન ઐાદ્યોગીક તાલીમનાં તાલીમાર્થી ભાઇ બહેનોને ઉપસ્થીત મહાનુભાવોનાં હસ્તે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. વિવિધ ફેકલ્ટીનાં નિષ્ણાંતો પાસેથી ઉદ્યોગકારો અને નવોદિત ઉદ્યોગ સાહસીકોએ પ્રશ્નોતરી દરમ્યાન ઉદ્યોગનીતિ બાબતે અને ઉદ્યોગ કર માળખા અને માર્કેટીંગ તેમજ બેંકેબલ યોજનાઓથી માહિતગાર થયા હતા. કાર્યક્રમનાં અંતે જીલ્લા ઉદ્યોગ કેન્દ્રનાં જનરલ મેનેજર શ્રી કે.આર. ડામોરે નવી ઉદ્યોગનીતિ-૨૦૦૯ની સમજણ આપી આભાર દર્શન કર્યુ હતુ. કાર્યક્રમનું સંચાલન સી.ઇ.ડી.નાં ખાસ ફરજ પરનાં અધિકારીશ્રી દિલીપભાઇ વાડોદરીયાએ કર્યુ હતુ. કાર્યક્રમને સફળ બનાવવા મેનેજર(કામા) શ્રી ચૈાહાણ તથા વી.બી. વાઘમશીએ જહેમત ઉઠાવી હતી.
જૂનાગઢ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે નક્કી થયેલ કાર્યક્રમ
જૂનાગઢ,તા.૨૨ઃ-રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા જૂનાગઢ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવા માટે નીચે મુજબનો ચૂંટણી કાર્યક્રમ યોજવામાં આવેલ છે.
આ ચૂંટણીનો તબક્કો જોઇએતો ચૂંટણીની નોટીસ/જાહેરનામુ બહાર પાડવાની તા.૮/૪/૨૦૧૩,ચૂંટણી અધિકારીશ્રીએ ચૂંટણી નોટીસ પ્રસિધ્ધ કરવાની તા.૮/૪/૧૩,ઉમેદવારી પત્ર રજુ કરવાની છેલ્લી તા.૧૭/૪/૧૩, ઉમેદવારી પત્રોની ચકાસણીની તા.૧૫/૪/૧૩,ઉમેદવારી પરત ખેંચવાની તા.૧૬/૪/૧૩(બપોરના ૩-૦૦ કલાક સુધી),મતદાન તા.૨૮/૪/૧૩(રવિવાર) સવારના ૮-૦૦ થી સાંજના ૫-૦૦ કલાક, જરૂર જણાયતો પુનઃમતદાન તા.૨૯/૪/૧૩ અને મતગણતરી તા.૩૦/૪/૧૩ના રોજ યોજાશે. તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી જૂનાગઢની યાદીમાં જણાવાયુ છે.