અનુયાયીઓ

શુક્રવાર, 30 સપ્ટેમ્બર, 2011

નવરાત્રિ મહોત્સવ નિહાળવા આવેલા ૧૭ દેશોના રાજદૂતો સાથે સંવાદ કરતા મુખ્ય મંત્રીશ્રી ગુજરાત મૂડીરોકાણનું કેન્દ્ર નહીં, ગ્લોબલ બિઝનેસ હબ બની ગયું છે


વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાના કારણે ગુજરાતને વિશ્વના વિકાસશીલ દેશોનું સમર્થન મળ્યું
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના નવરાત્રિ મહોત્સવની ઝલક માણવા આવેલા ૧૭ જેટલા દેશોના અગ્રણી રાજદૂતો સાથે આજે યોજાયેલા સ્નેહમિલનમાં જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હવે માત્ર ગુજરાતમાં મૂડીરોકાણના હેતુસર નહીં પરંતુ ગુજરાત અને અન્ય દેશો વચ્ચે ""પરસ્પર પ્રગતિની ભાગીદારી''નો સેતુ વિકસાવવા અને ગુજરાત વિશ્વના દેશો માટે તથા ભારતના વિવિધ રાજ્યો માટે ગ્લોબલ બિઝનેસ હબ તરીકેની ભૂમિકા નિભાવવા સક્ષમ બન્યું છે તેની શાખ પૂરી પાડે છે.
આફ્રિકા, દક્ષિણ પૂર્વ અને યુરોપિયન દેશોના આ ૧૭ જેટલા એમ્બેસેડર અને હાઇકમિશનરોએ ગુજરાતના વિકાસના મોડેલ અને ભારત તથા દુનિયાના અર્થતંત્રમાં ગુજરાતે જે ક્ષમતાનું સંવર્ધન કર્યું છે તેની પ્રસંશા કરીને ગુજરાત સાથે વિકાસનો વિનિયોગ કરવાની તત્પરતા વ્યકત કરી હતી.
મુખ્ય મંત્રીશ્રીએ આગામી ર૦૧૩માં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વિદેશી રાજદૂતો અને વ્યાપાર ઉઘોગના પ્રતિનિધિમંડળોને ભાગ લેવાનું આમંત્રણ આપતાં જણાવ્યું કે, ગુજરાતના વિકાસ માટેની ઉત્તમ પર્યાવરણ અને રાજ્ય સરકારના ગુડ ગવર્નન્સ અને નીતિવિષયક અભિગમને વિશ્વના દેશોએ વ્યાપક સમર્થન આપ્યું છે જેનાથી ગુજરાતને ધણું મોટું બળ મળ્યું છે. તેમણે દિલ્હી ખાતે વિવિધ દેશોના રાજદૂતાવાસ કાર્યાલયો સાથેના સંપર્કને વધુ સુદ્રઢ બનાવવાની માહિતી આપી હતી.
ગુજરાતમાં પ્રવાસન અને માનવ સંસાધન વિકાસના ક્ષેત્રે જે વિશ્વને આકર્ષિત કરે તેવા નવા આયામોની રૂપરેખા પણ મુખ્ય મંત્રીશ્રીએ આપી હતી.
આ બેઠકમાં મુખ્ય મંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, ઉઘોગ વિભાગના અગ્ર સચિવ શ્રી એમ. શાહુ, મુખ્ય મંત્રીશ્રીના સચિવ શ્રી એ. કે. શર્મા, દિલ્હીના નિવાસકમિશનર શ્રી ભરતલાલ, ઉઘોગ કમિશનર શ્રી બી. વી. સ્નેહ પણ ઉપસ્થિત હતા.
રાજયની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં રસ્‍તાઓના મજબૂતીકરણ અને વિસ્‍તૃતીકરણ માટે રૂ. ૨૦૭ કરોડની ફાળવણી: શહેરી વિકાસ મંત્રીશ્રી, નીતિનભાઇ પટેલ
મહાનગરપાલિકાઓને રૂ.૧૦૦ કરોડ અને ૧૫૯ નગરપાલિકાઓને રૂ.૧૦૭.૨૫ કરોડની ફાળવણી
રાજયની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં વસતા લાખો નાગરિકોને માન.મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ નવરાત્રીપર્વની અપ્રતિમ ભેટ આપીને તમામ શહેરી વિસ્‍તારોમાં ચોમાસા દરમ્‍યાન રસ્‍તોઓને થયેલ નુકશાનની મરામત, મુજબતીકરણ અને વિસ્‍તૃતીકરણના કામો માટે રાજય સરકારે રૂ. ૨૦૭.૦૦ કરોડની ગ્રાન્‍ટની ફાળવણી કરી છે. એમ શહેરી વિકાસ મંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્‍યું છે.
મંત્રીશ્રી નીતિનભાઇએ ઉમેર્યુ હતું કે, શહેરી વિસ્‍તારમાં વસતાં નાગરિકોને સારામાં સારી માળખાકીય સવલતો પૂરી પાડવીએ રાજય સરકારની નેમ રહેલી છે. મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના સુદ્ઢ માર્ગદર્શન હેઠળ શહેરી વિસ્‍તારોનો સર્વાંગી વિકાસ થઇ રહયો છે, ત્‍યારે ચાલુ ચોમાસાના છેલ્‍લા માસમાં રાજયભરમાં વ્‍યાપક વરસાદ થવાના કારણે શહેરી વિસ્‍તારના માર્ગોને નુકશાન થયું છે. જેના કારણે પ્રજાજનોને પડતી મુશ્‍કેલીઓને નિવારવા માટે માર્ગોના મરામત, મજબુતીકરણ અને વિસ્‍તૃતીકરણના કામો હાથ ધરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
મહાનગરપાલિકાઓમાં અને નગરપાલિકાઓમાં વિકાસના કામોમાં એકસુત્રતા જળવાઇ રહે અને નાગરીક સુવિધાઓમાં વધારો થાય તે હેતુથી રાજયની મહાનગરપાલિકાઓમાં રૂ.૧૦૦.૦૦ કરોડની ફાળવણી કરાઇ છે. જેમાં અમદાવાદને રૂ.૨૫.૦૦ કરોડ, સુરતને રૂ.૨૦.૦૦ કરોડ, વડોદરાને રૂ.૧૫.૦૦ કરોડ, રાજકોટને રૂ.૧૫.૦૦ કરોડ, જામનગરને રૂ.૧૦.૦૦ કરોડ, ભાવનગરને રૂ.૧૦.૦૦ કરોડ અને જુનાગઢને રૂ.૫.૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. તેજ રીતે રાજયની અ,બ,ક,ડ વર્ગની કુલ-૧૫૯ નગરપાલિકાઓને રૂ.૧૦૭.૨૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે. તેમાં અ-વર્ગની ૧૮ નગરપાલિકાઓને પ્રત્‍યેકને રૂ.૨.૦૦ કરોડ લેખે કુલ-રૂ.૩૬.૦૦ કરોડ, બ-વર્ગની ૩૩ નગરપાલિકાઓને પ્રત્‍યેકને રૂ.૧.૦૦ કરોડ લેખે કુલ-રૂ.૩૩.૦૦ કરોડ, ક-વર્ગની ૪૫ નગરપાલિકાઓને પ્રત્‍યેકને રૂ.૫૦.૦૦ લાખ લેખે કુલ-રૂ.૨૨.૫૦ કરોડ, ડ-વર્ગની ૬૩ નગરપાલિકાઓને પ્રત્‍યેકને રૂ.૨૫.૦૦ લાખ લેખે કુલ-રૂ.૧૫.૭૫ કરોડની ફાળવણી રાજયના શહેરી વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ રકમનો ઉપયોગ ફકત રસ્‍તાના કામો માટે જ નગરપાલિકા અને મહાનગરપાલિકાએ કરવાનો રહેશે, અને આ કામો શકય તેટલી વહેલીતકે ચાલુ કરવાના રહેશે તેવી સુચના પણ આપવામાં આવી છે. તેમ મંત્રીશ્રી નીતિનભાઇએ અંતમાં જણાવ્‍યું હતું.
નવરાત્રિ-૨૦૧૧
અમદાવાદમાં યુનિવર્સિટી મેદાન ખાતે નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થતાં જ ઉત્સવપ્રેમી પ્રજાનો ભારે પ્રતિસાદ
સંતનગરી થીમ પેવેલીયન આકર્ષણનું કેન્દ્ર
ગુજરાતના પ્રવાસન વૈવિધ્યની ઝાંખી કરાવતું નયનરમ્ય પ્રદર્શન
કિડઝાનિયા અને એડવેન્ચર સ્પોર્ટસે બાળકોને આકર્ષ્યા
હસ્તકલાકારીગીરીના સ્ટોલ્સ અને ફૂડ કોર્ટમાં લોકોનો ભારે ધસારો
ગાંધીનગરઃ ગુરૂવારઃ ગુજરાતની અનોખી શક્તિપૂજા અને રાસ-ગરબા પરંપરાને રજૂ કરતા નવરાત્રી - ૨૦૧૧નો અમદાવાદમાં યુનિવર્સિટી મેદાન ખાતે પ્રારંભ થતાં જ ઉત્સવપ્રેમી પ્રજાનો ભારે પ્રતિસાદ સાંપડી રહ્યો છે. નવરાત્રી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તૈયાર કરવામાં આવેલાં સંતનગરી અને ગુજરાતના પ્રવાસન વૈભવને રજૂ કરતા કલાત્મક તસવીરી પ્રદર્શનને આજે હજારો લોકોએ માણ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગઇકાલે મોડી સાંજે યુનિવર્સિટી મેદાન ખાતે વિવિધ સંતશીરોમણીઓના તસવીરી પ્રદર્શન અને મૂર્તિઓના અનોખા સંતનગરી થીમપેવેલીયનને ખુલ્લું મૂક્યું હતું. સાથે સાથે ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળોને લગતી ૧૭૦થી વધુ રમણીય તસવીરો રજૂ કરતાં પ્રદર્શનનું પણ ઉદધાટન કર્યુ હતું.
આજે મહોત્સવના બીજા દિવસ દરમિયાન લોકોની ભારે ભીડ રહી હતી અને સંત નગરીમાં લોકોની આસ્થાના કેન્દ્ર સમા અનેક સંતો વિશે વિશેષ માહિતી દ્વારા જાણકારી મેળવતા હતા. આ પ્રદર્શનમાં સંતોની તસવીરો ઉપરાંત ૧૬ જેટલી મૂર્તિઓ અને વીસ જેટલી પુસ્તિકાઓનું નિદર્શન તેમજ સંતોના ભજન કિર્તન પણ સાંભળી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ થીમ પેવેલીયને લોકોમાં અનેરૂ આકર્ષણ જગાવ્યુ છે.
આ નવરાત્રી મહોત્સવમાં દર વર્ષની જેમ હસ્તકલાકારીગીરીના ૧૨૦ જેટલાં સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા છે. સાથે સાથે ગુજરાતની વિવિધ વાનગીઓ પીરસતા ફૂડકોર્ટમાં પણ ગુજરાતની ચટાકેદાર વાનગીઓનો આસ્વાદ માણવા ભારે ધસારો થઇ રહ્યો છે.
આ મહોત્સવનું સૌથી અનેરૂં આકર્ષણ કિડઝાનીયા ગેલરી બની રહી છે. જેમાં વિવિધ ટચ સ્ક્રીન દ્વારા સંચાલિત મેજીક વર્લ્ડ, ભૂલભુલૈયા, સાપસીડી, બોક્સ ગેઇમ વગેરેમાં બાળકો અને કિશોરો ઉત્સાહભેર ભાગ લઇ અનોખું મનોરંજન મેળવી રહ્યા છે. અહીં એડવેન્ચર સ્પોર્ટસ દ્વારા બાળકો કૂતુહલવશ સાહસ સાથે રમતનો આનંદ મેળવી રહ્યા છે.
દુનિયાના આ સૌથી લાંબા નૃત્ય મહોત્સવની ઝાંખી રજૂ કરતા પ્રાચીન અને અર્વાચીન ગરબાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ જિલ્લાના કલાકારો પોતાની કૃતિઓ રજૂ કરશે.
ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ નવરાત્રિ ફેસ્ટીવલ સોસાયટી અને ગુજરાતના પ્રવાસન વિભાગના સંયુકત ઉપક્રમે શરૂ થયેલો આ નવરાત્રિ મહોત્સવ ૫મી ઓકટોબર, ૨૦૧૧ સુધી દરરોજ રાત્રે ૭ થી ૧૨ વાગ્યા સુધી જાહેર જનતા માટે ગુજરાતની ગરિમા અને લોકસંસ્કૃતિને ગરબા રાસના માધ્યમથી વિશ્વનું નજરાણું બનશે.
આઘ શકિતના દીપ પ્રાગટયથી શરૂ થયેલા આ વર્ષના નવરાત્રિ-૨૦૧૧ના મહોત્સવની વિષય થીમ પ્રસીદ પરમેશ્વરીની અદ્‍ભૂત સાંસ્કૃતિક પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી. હજારોની સંખ્યામાં ખેલૈયાઓ રાસ ગરબા રમી શકે તે માટે ખાસ આયોજન કરાયું છે જેમાં રાજ્ય સરકારનો અમૂલ્ય સહયોગ મળ્યો છે.

રાજકોટ જિલ્‍લામાં મતદારયાદીની ખાસ સંક્ષીપ્‍ત સુધારણાનો જાહેર થયેલો કાર્યક્રમ મતદારો મતદાર-યાદીમાં પોતાના નામો જોઇ શકશે-સુધારા-વધારા સૂચવી શકશે

રાજકોટ તા. ૨૯ સપ્‍ટેમ્‍બર – રાજકોટ જીલ્‍લા કલેકટર ડો. રાજેન્‍દ્રકુમારે આજે બપોરે યોજેલી પત્રકાર પરીષદમાં જણાવ્‍યુ હતુ કે ભારતનાં ચૂંટણી પંચના આદેશ અનુસાર તા. ૧/૧/૨૦૧૨ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીની ખાસ સંક્ષીપ્‍ત સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. આ કામગીરી જિલ્‍લા ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરાશે. મતદારો મતદાર યાદીમાં પોતાના નામોની ચકાસણી કરી શકશે અને સુધારાવધારા સૂચવી શકશે.
કલેકટર ડો. રાજેન્‍દ્રકુમારે જણાવ્‍યુ હતુ કે મતદાર યાદીની ખાસ સંક્ષીપ્‍ત સુધારણાનો કાર્યક્રમ આ પ્રમાણે યોજાશે જે મુજબ ફોટાવાળી મતદાર યાદીના મુસદાની પ્રસિધ્‍ધિ તા. ૧/૧૦/૨૦૧૧ના રોજ થશે ત્‍યાર બાદ મતદાર યાદીમાં હકક દાવા અને વાંધા રજુ કરવાની પ્રક્રિયા તા. ૧/૧૦/૧૧ થી તા. ૧/૧૧/૧૧ સુધી ચાલુ રહેશે. તા. ૮/૧૦/૧૧ તથા તા. ૧૧/૧૦/૧૧ના રોજ જિલ્‍લાના ગામોમાં ગ્રામસભામાં તથા શહેરી વિસ્‍તારમાં સ્‍થાનિક સંસ્‍થાઓ અને નિવાસી કલ્‍યાણ સંઘોની બેઠકમાં મતદાર યાદીના સબંધિત ભાગોનું વાંચન કરાશે. તા. ૮ અને ૯ ઓકટોબર-૨૦૧૧ તેમજ બીજા તબક્કે તા. ૧૫ અને ૧૬ ઓકટોબર-૨૦૧૧ના રોજ જીલ્‍લા /શહેરોમાં નિયોજીત સ્‍થળે હક્ક-દાવા-વાંધા સ્‍વીકારવા માટેની ખાસ ઝૂંબેશ હાથ ધરાશે. મતદાર યાદી સુધારણા સબંધમાં હક્ક દાવો અને વાંધાઓનો નિકાલ કરવાની આખરી તારીખ ૧/૧૨/૨૦૧૧ નિયત કરાઇ છે. તા. ૩૧-૧૨-૨૦૧૧ સુધીમાં મતદાર યાદીની પૂરવણી યાદીઓ તૈયાર કરાશે અને છાપકામની તથા એન્‍ટ્રી બાદ તેની ચકાસણી કરાશે. મતદારોના ફોટાવાળી મતદાર યાદીની આખરી પ્રસિધ્‍ધિ તા. ૫/૧/૨૦૧૨ ના રોજ પ્રસિધ્‍ધ કરાશે.
મતદાર યાદીની સંક્ષીપ્‍ત સુધારણા કાર્યક્રમ સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ બી-એલ ઓ સહિતને તા. ૧/૧૦/૧૧ થી મતદાર યાદીની આખરી પ્રસિધ્‍ધિની કામગીરી પૂર્ણ થતાં સુધી અનિવાર્ય ખાસ સંજોગો સિવાય રજા કે બદલી ઉપર બાન મૂકવામાં આવેલ છે.
કલેકટર ડો. રાજેન્‍દ્રકુમારે જણાવ્‍યુ હતુ કે જિલ્‍લાનાં ૧૧ વિધાનસભા મતદાર મંડળના કૂલ ર૩,૭૧,૪૭૬ મતદારો છે. જે પૈકી રર,૮૨,૩૨૧ મતદારોનો ફોટાવાળી મતદાર યાદીમાં સમાવેશ છે. એટલે કે કૂલ મતદારોનાં ૯૬ ટકા મતદારોનો ફોટા પડી ગયા છે.
મતદાર યાદીમાં નામો સુધારવા, ઉમેરવા કે નામો કમી કરવા સહિતના સુધારણા કાર્યક્રમ માટે જિલ્‍લા ચૂંટણી તંત્રે માન્‍ય રાજકીય પક્ષો સાથે બેઠક કરી હતી અને મતદાન મથક દીઠ પક્ષ દ્વારા બી.એલ.એ.ની નિમણૂક કરવા અને આ કાર્યક્રમ દરમ્‍યાન પુરતો સાથ સહકાર આપવા તેઓને અપીલ કરાઇ હતી તેમ કલેકટરશ્રીએ જણાવ્‍યુ હતું.
રાજકોટ જિલ્‍લામાં ૮૨ કોલેજોમાં સબંધિત કોલેજનાં કર્મચારીઓને પદનાપિત અધિકારી તરીકે નિયુકત કરવામાં આવેલ છે. જેઓ સંસ્‍થાના વિદ્યાર્થીઓ મતદાર યાદીમાં નામ નોંધાવાની પાત્રતા ધરાવતા હોય તો તેઓના ફોર્મ મેળવી જિલ્‍લા ચૂંટણી કચેરીને મોકલી આપશે.
સરગમ કલબ દ્વારા નવરાત્રી મહોત્‍સવ ‘‘ગોપીરાસ’’નું નાણામંત્રીશ્રી વજુભાઇ વાળાના હસ્‍તે ઉદધાટન
રાજકોટ તા. ૨૯ સપ્‍ટેમ્‍બર – શહેરની જાણીતી સામાજીક સંસ્‍થા સરગમ કલબે દર વર્ષની જેમ આ વર્ષે પણ મા ના નોરતા સમાજને સથવારે ઉજવવાનું ખુબજ ધામધુમ પુર્વક આયોજન કર્યુ છે.
ચૌધરી હાઇસ્‍કૂલ ગ્રાઉન્‍ડ ખાતે સરગમ કલબ દ્વારા યોજાયેલ માત્ર બહેનો માટેના આ ‘‘ગોપીરાસ’’ કાર્યક્રમનું ઉદધાટન રાજયના નાણામંત્રી અને સરગમ કલબના ચેરમેનશ્રી વજુભાઇ વાળાએ દીપ પ્રગટાવીને કર્યુ હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્‍યુ કે રાજકોટના યુવાધન સમી અને સમાજની ઘરોહર બહેનો નવરાત્રીના નવ દિવસ જે આનંદ, ઉત્‍સાહ અને જોમ અને થનગનાટ પૂર્વક રાસ રમીને ભકિત આરાધના કરે છે તેવો જ જોમ, જુસ્‍સો, આનંદ, ઉત્‍સાહ અને થનગનાટ તેઓના જીવનમાં મા શકિતની કૃપાથી રહે અને રાસ રમતી બહેનો અહીં મોટા સમુહમાં જે પારિવારિક સમુહ ભાવના અને માતૃભાવ સાથે પ્રેમથી રમે છે તેવી જ કુટુંબભાવના, પ્રેમ અને લાગણી તેમના જીવનમાં પણ ઉતારીને આપણા સંસ્‍કાર વારસાને ભકિતરસ સાથે જીવંત રાખે તેવી અભ્‍યર્થના વ્‍યકત કરી હતી.
આ પ્રસંગે જાણીતા કેળવણીકાર, દાનવીર શ્રી જયંતીભાઇ કુંડલીયા, સરગમ લેડીઝ કલબના ચેરમેન ચંદાબેન શાહ ઉપસ્‍થિત રહ્યા હતા.
શરૂઆતમાં સરગમ કલબના પ્રમુખશ્રી ગુણવંતભાઇ ડેલાવાળાએ મહેમાનોનું સ્‍વાગત કર્યુ હતુ અને ચંદાબેન શાહે આભારવિધિ કરી હતી.
પડઘરી તાલુકાની પાંચ સિંચાઇ યોજના દ્વારા પ૪૬૨ હેકટર વિસ્‍તારને સિંચાઇની સુવિધા
૨૬ ગામોને મળતો લાભ
તાલુકામાં એક દશકામાં ૪૬૪ ચેકડેમ બન્‍યા
રાજકોટ તા. ૨૯ સપ્‍ટેમ્‍બર – રાજકોટ જીલ્‍લાનાં પડઘરી તાલુકામાં પાંચ સિંચાઇ યોજનાઓ આવેલી છે. જેમાં આજી-ર, આજી-૩, ન્‍યારી-ર, ખોડાપીપર અને ડોંડીનો સમાવેશ થાય છે. આ યોજનામાં ૩૬૧૨.૫૨ એમ.સી.એફ.ટી. પાણીની સંગ્રહ ક્ષમતા છે. તાલુકાનાં ર૬ ગામોની પ૪૬૨.૮૩ હેકટર જમીન વિસ્‍તારને સિંચાઇની સુવિધાનો લાભ મળી રહ્યો છે. યોજનાવાર જોઇએ તો આજી-ર યોજના હેઠળ સાત ગામોની ૧૮૬૯ હેકટર, આજી-૩માં ૯ ગામોની ૧૭૮૨ હેકટર, ન્‍યારી-રમાં પ (પાંચ) ગામોની ૬૬૧.૮૩ હેકટર, ખોડાપીપર યોજનામાં બે ગામોની ૧૪૦ અને ડોંડી યોજનામાં ૩ ગામોની ૧૦૧૦ હેકટર જમીન વિસ્‍તારનો સમાવેશ થાય છે. આ પાંચ યોજનામાં ૬૫.૭૦ કી.મી.ની કેનાલ દ્વારા ખેડૂતોને સિંચાઇ સુવિધા ઉપલબ્‍ધ બનાવવામાં આવી છે.
આ પાંચ સિંચાઇ યોજના પાછળ રુ. પ૭૭૭.૩૨ લાખનો ખર્ચ થયેલ છે.
તેવી જ રીતે તાલુકામાં સરદાર પટેલ સહભાગી સિંચાઇ યોજના, સિંચાઇ વિભાગ દ્વારા ચેકડેમ, તળાવ અને પુરસંરક્ષણના કામો પણ હાથ ધરવામાં આવ્‍યા છે. છેલ્‍લા એક દશકામાં તાલુકામાં ૪૬૪ ચેકડેમ, નવ તળાવો અને ચાર પૂરસંરક્ષણના કામો પણ થયેલા છે.
હેલ્‍પ લાઇન હેલ્‍પ લાઇન
રાજકોટ જિલ્‍લામાં તા. ૧ ઓકટોબરથી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્‍ત સુધારણા કાર્યક્રમ શરૂ થશે
લોકોને હેલ્‍પલાઇનનો ઉપયોગ કરવા અનુરોધ

રાજકોટ તા. ૨૯ સપ્‍ટેમ્‍બર – ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર તા. ૧/૧/૨૦૧૨ની લાયકાતની તારીખના સંદર્ભમાં રાજકોટ જિલ્‍લામાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્‍ત સુધારણા કાર્યક્રમ તા. ૧/૧૦/૧૧ના રોજ શરૂ થનાર છે. આ મતદાર યાદી કાર્યક્રમ અન્‍વયે મતદાર યાદીમાં લોકોનું નામ છે કે નહીં તે જાણવા માટે હેલ્‍પલાઇનની સુવિધા ઉપલબ્‍ધ કરવામાં આવેલ છે. આ હેલ્‍પ લાઇનના ટેલિફોન નંબરો અનુક્રમે ર૪૫૦૫૭૫, ૨૪૫૦૫૪૮, ૨૪૫૦૫૫૭, ૨૪૫૦૫૬૮ અને ૨૪૫૦૫૬૫ છે.
આ હેલ્‍પલાઇનનો લોકોને ઉપયોગ કરવા જિલ્‍લા ચૂંટણી અધિકારી અને જિલ્‍લા કલેકટર ડો. રાજેન્‍દ્રકુમારે અનુરોધ કરેલ છે.
ધોરાજી તાલુકામાં ૪૪ તળાવો ઉંડા કરાયા-૧૫૭ નવા ચેકડેમો બન્‍યા

રાજકોટ તા. ૨૯ સપ્‍ટેમ્‍બર – ધોરાજી તાલુકાના જુદા જુદા ગામોમાં જળસંચયના હેતૂ માટે ૪૪ તળાવો ઉંડા ઉતારાયા છે. સિંચાઇ અને વોટરશેડ તથા એન.આર.ઇ.જી.એ. યોજના હેઠળ તાલુકામાં ૧૫૭ નવા ચેકડેમો બંધાયા છે. તાલુકામાં વધુ ર૩ તળાવો અને ૪૩ ચેકડેમો સિંચાઇ વિભાગ-એન.આર.ઇ.વી. યોજના હેઠળ બનાવવાનો લક્ષ્‍યાંક રખાયો છે.
હળવદ તાલુકાના સુંદરગઢ તથા શિરોઇ ગામે બોરની સુવિધા ઉપલબ્‍ધ કરાશે

રાજકોટ તા. ૨૯ સપ્‍ટેમ્‍બર – સુરેન્‍દ્રનગર જિલ્‍લાના હળવદ તાલુકાના નવા વસાવાયેલ ગામો સુંદરગઢ તથા શિરોઇ ખાતે પીવાના પાણી માટે અંદાજે રૂ. પ.૧૧ લાખના ખર્ચે બોર તથા સબ મર્સીબલની સુવિધા બ્રાહ્મણી-ર જળસંપતિ યોજના અંતર્ગત ઉપલબ્‍ધ કરવામાં આવશે.
મચ્‍છુ-ર સિંચાઇ યોજના અંતર્ગત ઇન્‍સ્‍પેકશન ગેલેરીનું કામ હાથ ધરાશે
રાજકોટ તા. ૨૯ સપ્‍ટેમ્‍બર – રાજકોટ જિલ્‍લાના મોરબી તાલુકામાં આવેલ મચ્‍છુ-ર સિંચાઇ યોજના અંતર્ગત રેસ્‍ટોરેશન ઓફ ઇન્‍સ્‍પેકશન ગેલેરીનું કામ અંદાજે રૂ. ર૪.ર૮ લાખના ખર્ચે હાથ ધરવામાં આવશે. આ કામ કાર્યપાલક ઇજનેરશ્રી સિંચાઇ અને જાળવણી વિભાગ, રાજકોટ દ્વારા હાથ ધરવામાં આવ્‍યું છે.
એ.પી.જોશી/ ભટ્ટ
બાયોમેડિકલ વેસ્ટના વર્તમાન નિયમો નવેસરથી નક્કી કરવા માટે કેન્દ્ર સરકારના વન અન પર્યાવરણ મંત્રાલયે મંગાવ્યા વાંધા-સુચનો
બાયોમેડિકલ વેસ્ટના વર્તમાન નિયમો નવસેરથી નક્કી કરવા માટે કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયે વાંધા-સૂચનો મંગાવ્યા છે. આ અંગે સૂચિત જૈવિક તબીબી કચરો (વ્યવસ્થાપન અને જાળવણી) નિયમો, ર૦૧૧ શીર્ષક સૂચવ્યું છે. આ નવા નિયમોના મુસદામાં વર્તમાન નિયમો અને તેમાં કરાયેલા સુધારાઓ સહિત નવેસરથી મહત્વના મુદાઓને પણ આવરી લઇને તા.ર૪/૮/ર૦૧૧નાં રોજ અંગ્રેજી જાહેરનામામાં વિગતો આ મંત્રાલયની વેબસાઇટ www.envfor.nic.in પર પ્રદર્શિત કરી છે, એમ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગાંધીનગરનાં સભ્ય સચિવ શ્રી હાર્દિક શાહે જણાવ્યું છે.
આ સૂચિત નિયમોમાં ચિકિત્સાલય, પરિચર્યાગૃહ (નર્સિંગ હોમ), નિદાનગૃહ, દવાખાનુ, પશુ જૈવિક સંસ્થા, પશુગૃહ, રોગ વિજ્ઞાન વિષયક (પૅથોલોજીકલ) પ્રયોગશાળા, રૂધિરાગાર (બ્લડબૅંક) સહિતની તથા અન્ય કોઇપણ નામથી ઓળખાતી બાયોમેડિકલ કચરો ઉત્પન્ન કરતી સંસ્થાના જવાબદાર વ્યક્તિ તેમજ આવો કચરો એકત્ર કરતી, પ્રાપ્ત કરતી, સંગ્રહ કરતી, પરિવહન કરતી, માવજત (ટ્રીટમેન્ટ) કરતી, નિકાલ કરવાની સુવિધા ધરાવતી વ્યક્તિ, સંસ્થા કે સંચાલકો સહિતની ફરજો સ્પષ્ટ કરવામાં આવી છે.
વર્તમાન નિયમોમાં બાયોમેડિકલ વેસ્ટના દર્શાવેલા પ્રકાર દસ (૧૦) ને બદલે નવા સૂચિત નિયમોમાં ૮ કરવાના છે. બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટેના કન્ટેઇનર/પાત્રની રંગસંજ્ઞામાં પણ સ્પષ્ટતા કરી છે. વર્તમાન નિયમ મુજબ પ્રતિમાસ ૧૦૦૦ દર્દીઓથી ઓછાને તપાસતા દાક્તરોને ઑથોરાઇઝેશન ન મેળવવાનો નિયમ રદૃ કરવાનો થાય છે. અર્થાત હવે કોઇને પણ બાકાત ન રાખતા આ નવા થનારા નિયમો હેઠળ ઑથોરાઇઝેશન ફરજિયાત મેળવવાનું રહેશે.
આ સૂચિત નવેસરથી તૈયાર થનારા નિયમોના મુસદાની બાબત જાહેર જનતાના ધ્યાન પર મુકીને આ ક્ષેત્રે રસ ધરાવતી વ્યક્તિ કે સંસ્થાઓ તેઓના વાંધા-સૂચનોને સચિવશ્રી, વન અને પર્યાવરણ મંત્રાલય, પર્યાવરણ ભવન, સીજીઓ કોમ્પ્લેક્ષ, લોધી રોડ, નવી દિલ્હી-૧૧૦ ૦૦૩ના સરનામે પત્ર અથવા secy-moef@nic.in સરનામે ઇ-મેઇલથી તા.ર૪/૮/ર૦૧૧ થી દિન-૬૦માં મોકલી શકે છે, એમ યાદીમાં જણાવાયું છે.
કલ્‍યાણપુર ના રણજીતપર ખાતે રૂ.૧૩ લાખના ખર્ચે વાસ્‍મો દ્વારા પાણી પૂરવઠાના કામો હાથ ધરાશે
કલ્‍યાણપુર તાલુકાના રણજીતપર ગામે વાસ્‍મો યુનિટ જામનગર દ્વારા રૂ.૧૩ લાખના ખર્ચે પાણી પૂરવઠાના વિવિધ વિકાસ કામો હાથ ધરાશે. રણજીતપરના ગ્રામવાસીઓને પીવાના પાણીની સુવિધા માટે હાથ ધરાનાર આ વિકાસ કામોમાં સંપ, પાણી વિતરણ પાઇપ લાઇન, પંપીગ મશીનરી સંપ વીજ કનેકશનનો સમાવેશ થાય છે. રાજય સરકાર દ્વારા રણજીતપરમાં ઘરે-ઘરે પાણી વિતરણ સહિત સુવિધા ઉભી કરાશે. ગ્રામજનોના ૧૦ ટકા લોકફાળાથી આ સુવિધાનું નિર્માણ થશે. તેમ વાસ્‍મો જામનગરની યાદીમાં જણાવાયુ છે.
સેકટર ઓફિસરોને ઇલેકશન કમિશન, ગાંધીનગરની મંજૂરી સિવાય રજા મળી શકશે નહી
જામનગર ખાતે કલેકટરશ્રીના અધ્‍યક્ષસ્‍થાને મતદારયાદી સુધારણા કાર્યક્રમ અન્‍વયે બેઠક મળી
જામનગર કલેકટર કચેરી ખાતે આજે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી સંદિપકુમારના અધ્‍યક્ષસ્‍થાને મતદારયાદી સુધારણા કાર્યક્રમ અન્‍વયે બેઠક મળી હતી.
આ બેઠકમાં કલેકટરશ્રીએ તા. ૧/૧૦/૨૦૧૧ થી તા.૧/૧/૨૦૧૨ સુધી ફોટાવાળી મતદારયાદીની ખાસ સુધારણા કાર્યક્રમ ચાલનાર હોય તે અન્‍વયે જામનગર જિલ્‍લામાં ૧૫૦ જેટલા સેકટર ઓફિસરોની નિમણૂક કરાઇ છે. આ સેકટર ઓફિસરો ઇલેકશન કમિશનના ડેપ્‍યુટેશન ઉપરના કર્મચારીઓ હોય તેઓને મતદારયાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન ઇલેકશન કમિશન, ગાંધીનગરની મંજૂરી સિવાય રજા મળી શકશે નહી કે બદલી થઇ શકશે નહી. નિયંત્રણ અધિકારીઓને પણ આ રજા અને બદલી માટે ઇલેકશન કમિશન, ગાંધીનગરની મંજૂરી લેવી પડશે. અન્‍યથા દંડને પાત્ર ઠરશે.
ગ્રામપંચાયત, તાલુકા પંચાયત સહિતની સ્‍થાનિક સતાએ પણ મતદારયાદીની ખાસ સુધારણા કાર્યક્રમમાં ફરજો બજાવવાની રહેશે. ખાસ ઝુંબેશ સ્વરૂપે તા. ૮ તથા ૯/૧૦/૧૧ને (શનિવાર તથા રવિવાર) તથા તા. ૧૫ તથા ૧૬/૧૦/૧૧ને (શનિવાર તથા રવિવાર) ના રોજ તમામ મતદાન મથકો ઉપર પદનામીત અધિકારીશ્રીઓ સવારના ૯.૦૦ થી સાંજના ૬.૦૦ કલાક સુધી ફરજ બજાવવાની રહેશે.
બેઠકમાં સેકટર્સ ઓફિસરની તાલીમ, ખેલમહાકુંભ-૨૦૧૨ વગેરે વિશેની પણ ચર્ચા કરવામાં આવી હતી. અધિક કલેકટરશ્રી મોદી, અને જિલ્‍લાના વરિષ્‍ઠ અધિકારીશ્રીઓ બેઠકમાં ઉપસ્‍થિત રહયા હતા.
કલ્‍યાણપુર તાલુકાના કુ-પોષિત બાળકોના અપગ્રેડેશન માટે ખાસ સેમિનાર યોજાશે
૫૭૬ અતિ કુ-પોષિત બાળકો માટે વિશેષ પ્રોજેકટ
જામનગર જિલ્‍લા પંચાયત દ્વારા તા.૧/૧૦/૧૧ ના રોજ કલ્‍યાણપુરના ભાટિયા માર્કેટીંગ યાર્ડ ખાતે સવારે ૧૦ કલાકે કુ-પોષિત બાળકોના અપગ્રેડેશન માટે ખાસ સેમિનાર યોજાશે. જેમાં કલ્‍યાણપુરના તમામ ગામના સરપંચ, તલાટીશ્રી, હેલ્‍થ વર્કર, આંગણવાડી વર્કર બહેનો સહભાગી થશે.
સમગ્ર કલ્‍યાણપુર તાલુકાનો ૪૯ મુખ્‍ય સેવિકાની ટીમ દ્વારા સર્વે કરી ૯૫૧૮ બાળકોના વજન – ગ્રેડેશનની કાર્યવાહી કરતા ૫૭૬ બાળકો અતિ કુ-પોષિત જણાયેલ. આ અતિ કુ-પોષિત બાળકોના અપગ્રેડેશન માટે જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી અજયકુમારે ખાસ પ્રોજેકટ તરીકે પસંદગી કરી રૂ.૧૮ લાખની આયોજન મંડળની ગ્રાન્‍ટ મંજૂર કરાવી આ બાળકોની માતાઓને પોષણનું શિક્ષણ આપી કુ-પોષણ તથા અયોગ્‍ય પોષણથી થતી મુશ્‍કેલીઓ જડમૂળથી દૂર કરવાનો પ્રોજેકટનો હેતુ છે.
સેમિનારમાં મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડો. પંડયા, સીડીપીઓ શ્રીમતિ ઇલાબા રાણા તેમજ જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી અજયકુમાર વિશેષ માર્ગદર્શન આપશે. આ બાળકોના અપગ્રેડેશન માટે અત્‍યાર સુધીમાં ૭ કેમ્‍પ પૂર્ણ કરાયા છે. ૪૩૨ બાળકોનું જામનગર જી.જી.હોસ્‍પિટલની નિષ્‍ણાંત ડોકટરોની ટીમ દ્વારા ચેકઅપ કરી ૭૨ બાળકોને જામનર તથા ૯ બાળકોને અમદાવદ સિવિલ તથા વી.એસ હોસ્‍પિટલમાં રીફર કરાયા હતા. આ બાળકોને રહેવા, જમવા તથા આવવા-જવા સહિતની તમામ સુવિધા આપવામાં આવી હતી.
રેડ ઝોન તથા યેલ્‍લો ઝોનમાં આવતા બાળકોને નિયમિત મળતા પૂરક પોષણ ઉપરાંત માતૃમંડળ દ્વારા ફળ તથા પ્રોટિન-કેલરીયુકત ગરમ નાસ્‍તો એક વર્ષ સુધી આપવામાં આવનાર છે. રેડ ઝોનના ૫૭૬ બાળકોનું દર મહિને ગ્રેડિન કરી, નિષ્‍ણાંત ડોકટર દ્વારા નિયમિત આરોગ્‍ય તપાસનું આયોજન કરવામાં આવ્‍યું છે. સાથે સાથે સગર્ભા, ધાત્રી, કિશોરી તથા બાળકોની માતાને જરૂરી આરોગ્‍ય પોષણનું શિક્ષણ આપી કુપોષણ તથા અયોગ્‍ય પોષણથી થતી મુશ્‍કેલી જડમૂળમાંથી દૂર કરવાનો હેતુ સમાયેલ છે. તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્‍લા પંચાયતના પ્રમુખશ્રી ઉપસ્‍થિત રહેશે.
અર્જૂન/પારૂલ
સુરેન્‍દ્રનગર જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્‍ત સુધારણા કાર્યક્રમ
સુરેન્‍દ્રનગર, તા. ૨૯,નવેમ્‍બર :– ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર તા.૧/૧/૨૦૧૨ની લાયકાતની તારીખનાં સંદર્ભમાં મતદારયાદીની સંક્ષિપ્‍ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત હકક દાવા સ્‍વીકારવાનો સમયગાળો તા.૧/૧૦/૨૦૧૧ થી તા.૧/૧૧/૨૦૧૧ સુધીનો છે. આ સમયગાળા દરમ્‍યાન મતદારો હકક દાવા અને વાંધા અરજીઓ રજુ કરી શકશે. ફોટાવાળી મતદાર યાદીના મુસદ્દાની પ્રાથમિક પ્રસિધ્‍ધિ તા.૧/૧૦/૨૦૧૧ના રોજ થી તમામ મતદાન મથકોએ, મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરીએ, મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરીએ, જીલ્‍લા-તાલુકા પંચાયત કચેરીએ તથા સંબંધિત નગરપાલિકા કચેરીએ કરવામાં આવશે.
આ મતદાર યાદીમાં મતદાર પોતાના તેમજ પોતાના કુટુંબીજનોના નામ, સંબંધીના નામ વિગેરેની ખરાઇ કરી શકશે. તા.૧/૧/૨૦૧૨ના રોજ ૧૮ વર્ષ પુરા થતા હોય તેવા લાયક વ્‍યકિતઓ તેમજ જે વ્‍યકતિઓના નામ મતદારયાદીમાં નોંધાયેલા ન હોય તેવા તમામ વ્‍યકિતઓએ મતદાર યાદીમાં નામ દાખલ કરવા માટે નમુના-૬માં હકકદાવા રજુ કરવાના રહેશે. મતદારે ફોર્મનં.-૬ સાથે પાસપોર્ટ સાઇઝનો કલર ફોટો અચુક રજુ કરવાનો રહેશે. મતદારયાદીમાં દાખલ થયેલ મતદારોના નામ સામે વાંધો હોય અથવા મતદાર યાદીમાંથી નામ રદ્દ કરવા માટે પ્રયોગમાં લેવાતા ફોર્મનં. - ૭માં અરજી કરવાની રહેશે. મતદાર યાદીમાં પોતાના નામની વિગતમાં ભૂલ હોય તો સુધારવા માટે ફોર્મ નં. - ૮નો ઉપયોગ કરવાનો રહેશે. મતદાર યાદીમાં એક ભાગમાંથી બીજા ભાગમાં નામ ફેર બદલ કરવા માટે નમુના ૮(ક)માં અરજી રજુ કરવાની રહેશે. આ અંગેના તમામ નિયત ફોર્મ સંબંધકર્તાને વિના મુલ્‍યે મામલતદાર કચેરી અથવા નાયબ કલેકટર કચેરી ખાતેથી મળી શકશે. ભરેલા અરજી ફોર્મ જરૂરી પુરાવાઓ સાથે ઉકત કચેરીઓ ખાતે રજુ કરવાના રહેશે.
ઉપરાંત તા. ૮ અને ૯ ઓક્ટોમ્બર - ૨૦૧૧ તથા તા. ૧૫ અને ૧૬ ઓક્ટોમ્બર - ૨૦૧૧ના ખાસ ઝુંબેશના દિવસો દરમ્‍યાન સવારના ૯-૦૦ કલાકથી સાંજના ૬-૦૦ કલાક સુધી જે તે મતદાન મથકો ઉપર પણ પદનામિત અધિકારીઓ પાસે અરજીઓ/હકકદાવા રજુ કરી શકાય છે. વધુ જાણકારી માટે કલેકટર કચેરી, ચૂંટણીશાખાની હેલ્‍પલાઈન નં. (૦૨૭૫૨) ૨૮૨૭૮૧ તથા સંબંધિત તાલુકા મામલતદાર કચેરીઓ તથા પ્રાંત કચેરીઓનો સંપર્ક કરવા સુરેન્‍દ્રનગર જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
સુરેન્‍દ્રનગર જિલ્‍લા રોજગાર કચેરી દ્વારા ટુંકા ગાળાના તાલીમ વર્ગો યોજાશે
તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને સ્‍ટાઇપેન્‍ડ ચુકવાશે
સુરેન્‍દ્રનગર તા.૨૯ સપ્‍ટેઃ- રાજયમાં બાંધકામ ઉદ્યોગનો ખૂબ જ ઝડપી ગતિએ વિકાસ થઇ રહયો છે. પરંતુ આ ઉદ્યોગોમાં તાલીમબધ્‍ધ કારીગરોની અછત વર્તાય છે, તેના કારણે રાજયના યુવા બેરોજગારોને તાંત્રિક તાલીમ આપી તેઓ રોજગારી ક્ષેત્રે પગભર બને તે હેતુથી રોજગાર કચેરી દ્વારા આઇ.ટી.આઇ. સુરેન્‍દ્રનગર ખાતે ફોર્મ વર્ક, કારપેન્‍ટરી, બાર બેન્‍ડીંગ, પ્‍લમ્‍બીંગ એન્‍ડ સેનીટેશન જેવા એકથી ત્રણ માસના ટુંકાગાળાના તાલીમવર્ગનું આયોજન કરેલ છે. આ તાલીમ વર્ગમાં તાલીમ મેળવનાર અનુ.જાતિ/બી.પી.એલ. ઉમેદવારોને પ્રતિ માસ રૂ.૨૫૦૦/- તથા બક્ષીપંચ અને જનરલ કેટેગરીના ઉમેદવારોને પ્રતિમાસ રૂ.૧૫૦૦/- લેખે રોજગાર કચેરી દ્વારા સ્‍ટાઇપેન્‍ડ શરતોને આધીન ચુકવવામાં આવશે. જેથી જે ઉમેદવારોએ પ થી ૧૦ ધોરણ સુધીનો અભ્‍યાસ કરેલ હોય (ધોરણ-૧૦થી વધારે નહી) તેમજ મહત્તમ ૩૫ વર્ષની વય સુધીના ઇચ્‍છુક ઉમેદવારોએ તા.૧૦/૧૦/૨૦૧૧ સુધી રોજગાર કચેરી, સુરેન્‍દ્રનગર ખાતેથી નિયત અરજી ફોર્મ મેળવી લેવા રોજગાર અધિકારી (વ્‍ય.મા.), સુરેન્‍દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
પંડિત દીન દયાળ ગ્રાહક ભંડારના સંચાલકો જોગ
સુરેન્‍દ્રનગર તા.૨૯ સપ્‍ટેઃ- સુરેન્‍દ્રનગર જિલ્‍લા પુરવઠા અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સુરેન્‍દ્રનગર જિલ્‍લાના તમામ પંડિત દીન દયાળ ગ્રાહક ભંડાર (સરકાર માન્‍ય વ્‍યાજબી ભાવની દુકાન)ના સંચાલકોને જણાવવામાં આવે છે કે, અન્‍ય જિલ્‍લાની પંડિત દીન દયાળ ગ્રાહક ભંડારની આકસ્‍મિક તપાસણીમાં ઘણા ભુતિયા રેશનકાર્ડ મળી આવેલ છે. જેથી જિલ્‍લાના તમામ સંચાલકશ્રીઓને જણાવવામાં આવે છે કે, તેઓની દુકાને ઉપલબ્‍ધ હોય તેવા તમામ ભુતિયા રેશનકાર્ડ દિન-૩માં સંબંધિત મામલતદાર કચેરીએ જમા કરાવવા તાકિદ કરવામાં આવે છે. આ સમયગાળો પુરો થયા બાદ દુકાનોની આકસ્‍મિક તપાસણી હાથ ધરવામાં આવશે, જેમાં ભુતિયા રેશનકાર્ડ મળી આવ્‍યેથી સંબંધિતો સામે ગંભીર શિક્ષાત્‍મક કાર્યવાહી કરવામાં આવશે. જેની તમામ સરકાર માન્‍ય વ્‍યાજબી ભાવની દુકાનના દુકાનદારોએ નોંધ લેવા જણાવવામાં આવે છે.
હેતલ/ડેલા