

સાંકરોળાના યુવા સરપંચ લગ્ન સમયે લેશે 3 વાતોના શપથ !
સ્ત્રીભૃણ હત્યા નહિ કરું, વ્યસનો મુકાવીશ,
માતા-પિતાને સદાય સાથે રાખીશ !
(કશ્યપ જોશી) જેતલસર તા.26
નાની વયેજ ગામના મુખી તરીકે ચૂંટાયેલા અને નાની મોટી ફરજો-સેવાઓ માટે કાયમી ખડે પગે રહેનાર સાંકરોળાના યુવાન સરપંચ પ્રવીણભાઈ કરશનભાઈ સોજીત્રા આવતીકાલે ગળથ ખાતે લગ્નગ્રંથીથી જોડાશે ત્યારે ત્રણ વાતોના તેમના સપથ સમાજને રાહ ચિંધનાર નીવડશે તેવું કહેવું ઉચિત જણાય છે.
ભેસાણ તાલુકાના સાંકરોળાના ગામના ખેડૂત કરશનભાઈ ધરમશીભાઈ સોજીત્રાના પુત્ર પ્રવીણભાઈ સોજીત્રાના આવતીકાલ તા.28.4.2015 ના રોજ ગળથ(બરવાળા) ખાતે હરસુખભાઈ શંભુભાઈ ડોબરિયાની પુત્રી સોનલબેન સાથે લગ્ન ગોઠવાયા છે.
ગુજરાત યુનીવર્સીટીમાં પોલીટીક્સ સાયન્સનો અભ્યાસ કરી રહેલા અને સાંકરોળાના વર્તમાન સરપંચ તરીકેની 3 વર્ષની સુપેરે ફરજ-સેવા અદા કરી ચુકેલા પ્રવીણભાઈ પોતાનો લગ્ન પ્રસંગ અન્યો માટે રાહ ચિંધનારો બની રહે તે માટે ચોરીના ફેરા ફરતા ફરતા 3 વાતો-સેવાના સપથ લેશે !
એક..બેટી બચાવો સરકારના અભિયાનને સમર્થન આપતી વાત એટલેકે...જીવન પર્યત સ્ત્રીભ્રુણ હત્યા નહિ કરું, અને સદાય દીકરો-દીકરીને સમાન ગણીશ., બીજી.. પોતે તો નિર્વ્યસની છે, સાથે સાથે તેમના પરિવારજનો ઉપરાંત સમસ્ત ગામમાંથી વ્યસનને તિલાંજલી આપવાના સતત પ્રયાસો કરશે..
જ્યારે ત્રીજી સેવા એ અદા કરશે કે આજે સાંપ્રત સમાજમાં દરેક વર્ગના ઘણા માતા પિતાઓ વૃધ્ધ્શ્રમોમાં પીડાઈ રહ્યા છે, તે વાતનું દુખ બતાવતા આ યુવા સરપંચ કહે છે કે જેમણે તમને પાળ્યા-પોષ્યા ને મોટા કર્યા તે ચાર ધામ સમાન માં-બાપને આવી હાલતમાં મુકવા સંસ્કૃતિના અધઃપતનની વાત ગણાવી પોતે માતા-પિતાને સદાય પોતાની સાથે રાખશે !
આ ત્રણેય સેવાઓના સપથ પ્રવીણભાઈ ચોરીના ફેરા દરમિયાન લઈને સમાજ તેમજ અન્યોને રાહ ચિંધશે. ત્યારે આ ખેડૂતપુત્ર અને સરપંચ પ્રવીણ સોજીત્રાની સેવા ભાવનાને બિરદાવવી ઉચિત જણાય છે.
બોક્સ: ગામના વિધવાને રાશન અપાશે !!
જેતલસર: સાંકરોલાના સરપંચ પ્રવીણ સોજીત્રાએ એવું પણ જણાવેલ છે કે પોતાના ગામમાં બીમારી સબબ મોતને ભેટલા પતિ પાછળ વિધવા તરીકે જીવન ગાળતા એક ચાર સંતાનોના માતાને બાળકોના લાલન-પાલનમાં થોડી મદદ કરવાના હેતુસર દર મહીને તેમને પુરતું રાશન પહોંચાડવાનો નિર્ણય પણ લગ્નમંડપ વચ્ચે લેવાશે..
ફોટો અને સમાચાર-કશ્યપ જોશી જેતલસર જેતપુર
9974262812