અનુયાયીઓ

શનિવાર, 12 ડિસેમ્બર, 2015

જેતપુર અડવાણ રૂટની બસ બસસ્ટેન્ડમાં ૧૦ મિનીટ મોડી આવતા વિદ્યાર્થીઓએ બસ રોકો અંદોલન છેડી દીધું !

જેતપુર અડવાણ રૂટની બસ બસસ્ટેન્ડમાં ૧૦ મિનીટ મોડી આવતા 
વિદ્યાર્થીઓએ બસ રોકો અંદોલન છેડી દીધું !
એસટી સુત્રોએ કહ્યું કે છાત્રોની ધમાલ ખોટી હતી, બસ ચેકઅપ માટે વર્કશોપમાં ગઈ હતી !
જેતપુર તા.૧૨  (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરમાં આજે જેતપુર અડવાણ રૂટની એક બસ અહીના ધોરાજી રોડ પર આવેલા વર્કશોપ ખાતે ચેકઅપ માટે ગયા બાદ દશેક મિનીટ મોડી બસસ્ટેન્ડમાં પહોંચતા આ રૂટની બસનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓએ સમજ્યા વગર ખોટી રીતે બસ રોકો આંદોલન છેડી દીધાની વિગતો મળી હતી.

મળતી વિગતો મુજબ જેતપુરના એસટી બસસ્ટેન્ડમાંથી બપોરે ૧-૦૦ વાગ્યે ઉપડતી  જેતપુર - અડવાણ રૂટની બસને આજે ડેઈલી મેઇન્ટેનન્સ સબબ અહીના ધોરાજી રોડ પર આવેલ એસટી વર્કશોપમાં મોકલાઈ હતી. દરમિયાન આ બસને પુનઃ બસસ્ટેન્ડમાં પહોંચવાનું દસેક મિનીટ મોડું થતા આ બસનો અપડાઉન માટે ઉપયોગ કરતા વિદ્યાર્થીઓએ બસસ્ટેન્ડમાં જ બસરોકો આંદોલન જેવી ધમાલ આદરી દીધી હતી.

આ બાબતે એસટી સુત્રોએ જણાવેલ કે વિદ્યાર્થીઓના ઉતાવળા નિર્ણયે આવી સ્થિતિ પેદા કરી હતી. સામાન્યતઃ હાલ જેતપુરના જુનાગઢ રોડ પર સરદાર ચોક ખાતે રોડનું કામ ચાલી રહ્યું હોય અને ડ્રાઈવર્ઝન કાઢયું હોય, રોડ પર ટ્રાફિક જામ થતો હોવાની વાત ઉપરાંત કાયમી રૂટ પર ચાલતી બસોને નિયમો મુજબ ચેકઅપ માટે પણ મોકલવી પડતી હોય, રાહતદરે મુસાફરી કરતા છાત્રોએ ધમાલ કરવાને બદલે સાથ અને સહકાર આપવો જોઈએ.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨૬૨૮૧૨ 

નવાગઢમાં મામાને ત્‍યાં અભ્‍યાસાર્થે આવેલ કિશોરને ભાદર કેનાલ ગળી ગઈ ! કરુણ મોત

કેનાલ ફરતે રેલીંગ ઉભી કરવાની વાત માત્ર કાગળ ઉપર !?
નવાગઢમાં  મામાને ત્‍યાં અભ્‍યાસાર્થે આવેલ 
કિશોરને ભાદર કેનાલ ગળી ગઈ ! કરુણ મોત 
છેલ્લા બે મહિનામાં જેતપુરમાંથી પસાર થતી ભાદર કેનાલ ૪ ને ગળી ગઈ, તંત્રની 
કાગળ ઉપર દોડાદોડી ! હજુ કેટલાનો ભોગ લેવાશે ? શહેરીજનોમાં દહેશત 

 
જેતપુર તા.૧૨(કશ્યપ જોશી દ્વારા)
ટંકારા સ્થિત બનેવીના આકસ્મિક અવસાન બાદ કિશોરવસ્થા ધરાવતા ભાણેજને પોતાના ઘરે અભ્યાસાર્થે લઇ આવનાર નવાગઢના દિલીપભાઈ સોલંકીને વધુ એક કરુણાંતિકાનો ભોગ બનવું પડ્યું હોય તેમ ગઈ કાલે તેમનો ભાણેજ ભાદર કેનાલમાં લપસીને પડી ગયા બાદ મોતને ભેટતા નવાગઢના વણકર સમાજમાં શોક ફેલાયો છે.

મળતી વિગતો મુજબ અહીના નવાગઢના  દાસી જીવણપરા વિસ્તારમાં  રહેતા દિલીપભાઇ દાનાભાઇ સોલંકીના સગા બનેવી પ્રવિણભાઇ જાદવ ટંકારા ખાતે  રહેતા હોય અને  અકસ્‍માતમાં મૃત્‍યુ પામતા તેના એકના એક પુત્ર સુનિલ (ઉ.વ.૧૧) ને નવાગઢ ખાતે અભ્‍યાસ માટે લાવ્યા હતા. 

સુનીલ શહેરની ગંગોત્રી સ્‍કુલમાં ધોરણ-૪માં અભ્‍યાસ કરતો હતો. ગઇકાલે સવારે સ્‍કુલે ગયેલ પરંતુ બપોરે પરત નહિ ફરતા તેના મામ દિલીપભાઇએ શોધખોળ શરૂ કરેલ. દરમ્‍યાન કોઇ અજાણ્‍યા વ્‍યકિતનો ફોન આવેલ કે કેનાલ કાંઠે એક સ્‍કુલ બેગ પડેલી  છે. જેમાં સુનીલ પ્રવિણભાઇ જાદવ અને મોબાઇલ નંબર લખેલ છે. તેવું જણાવતા દિલીપભાઇ મોબાઇલમાં બતાવેલ જગ્‍યા પર પહોંચતા જે સ્‍કુલ બેગ તેમના ભાણેજ  સુનીલની જ હોવાનું જણાવી  આજુબાજુમાં તપાસ કરતા સુનીલ કયાય જોવા ન મળતા કેનાલના પાણીમાં પડી ગયો હોવાનું અનુમાન લગાવી કેનાલમાં શોધખોળ ચાલુ કરેલ હતી. અને આ અંગે પોલીસને જાણ કરવા પોલીસે મૃતદેહ નહી મળતા ગુમસુધાની ફરીયાદ નોંધાવી  હતી.
   
દરમ્‍યાન તેની શોધખોળ આજે સવારે કેનાલમાં ચાલુ રાખતા નવાગઢ વિસ્‍તારમાં સરધારપુર ગામ નજીક આવેલ દરગાહ પાસેથી કેનાલમાંથી સુનીલનો મૃતદેહ મળી આવતા  પી.એમ. માટે અહીની સરકારી હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મામાના ઘરે અભ્‍યાસ માટે આવેલ સુનીલનું મોત નિપજવાથી તેના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્‍યું છે. પતિ ગુમાવ્‍યા બાદ પોતાના વૃદ્ધાવસ્થાના ટેકા સમાન પુત્ર સુનીલનું પણ અકાળે  મોત  થતા સુનીલની માતા ઉપર આભ ફાટી પડયું છે.   

અત્રે એ નોંધનીય છે કે જેતપુર શહેરની મધ્યમાંથી પસાર થતી ભાદર કેનાલ મોસમમાં બેકાંઠે વહેતી હોય, અકસ્માત સર્જાવાના ભયસ્થાનો વધી જતા કહેવાય છે કે સરકારે કેનાલની બંને બાજુ રેલીંગ ઉભી કરવાની ગ્રાન્ટ પાસ કરી દીધી છે. પણ આ કામગીરીની વાતો માત્ર કાગળ ઉપર જ રહેલી હોવાનું જણાતું હોય તેમ છેલ્લા બે મહિનામાં ૨ કિશોર અને ૨ યુવાનો કેનાલમાં ગબડી પડીને મોતને ભેટ્યા હોય શહેરીજનો માં વધુ દહેશત ફેલાઈ છે. તંત્ર આ વાતને તાકીદે ધ્યાને લઇ કેનાલની ફરતે તાત્કાલિક રેલીંગ ઉભી કરવાની પ્રજામાં માંગ છે.
કશ્યપ જોશી જેતપુર જેતલસર 9974262812

પુરવઠાના ગોદામમાંથી બારોબાર પગ કરી ગયેલ ઘઉંનો ૧.૩૨ લાખનો જથ્થો પકડાયો....

વરસો થયા આ જગ્યાએથી સસ્તા અનાજનો જથ્થો પગ કરી જાય છે, 
પણ તંત્રને ફરિયાદ મળે તો જ કાર્યવાહી થતી હોવાલો તાલ !
પુરવઠાના ગોદામમાંથી બારોબાર પગ કરી 
ગયેલ ઘઉંનો ૧.૩૨ લાખનો જથ્થો પકડાયો....
જેતપુર તા.૧૨ (કશ્યપ જોશી દ્વારા)
ગઈકાલે મોડી રાત્રીના જેતપુરના નવાગઢ વિસ્તારમાં આવેલ સસ્તા અનાજના સરકારી ગોદામમાંથી જે તે ગામોની દુકાનો પર ઘઉંનો જથ્થો પહોચાડવાને બદલે ગોંડલની માર્કેટ યાર્ડમાં વેંચી નાખવાનો કારસો નિષ્ફળ બન્યો હોવાની વિગતો મળી છે.

મળતી વિગતો મુજબ ગઈકાલે મોડી રાત્રીના અહીના નવાગઢ વિસ્તારમાં આવેલ પુરવઠા તંત્રના સરકારી ગોદામમાંથી સસ્તા અનાજના પરવાનેદારોની દુકાને પહોચાડવાના ૨૨૧ કટ્ટા ભરીને નીકળેલ મેટાડોર ચાલકે આ ઘઉંનો જથ્થો એક બીજા ટ્રકમાં ફેરવી, જેતપુરની હદ છોડી ગોંડલ તરફ જતો  હોવાની અહીના પુરવઠા તંત્રને માહિતી મળતા સંબંધિતોએ ગોંડલની યાર્ડમાં તપાસ કરી હતી. પણ ટ્રક  વીરપુર નજીક દેખાતા તેને રોકવામાં આવતા ટ્રક ચાલક નાશી છૂટ્યો હતો. દરમિયાન ટ્રક તપાસાતા તેમાંથી સસ્તા અનાજના ૨૨૧ કટ્ટા મળી આવતા પુરવઠા તંત્રએ ટ્રક સમેત ૧.૩૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. તંત્રએ વધુમાં જણાવેલ કે ઘઉંનો આ જથ્થો તાલુકાના લુણાગરા અને થોરાળા તરફ લઇ જવાનો હતો. પણ બારોબાર કાળાબઝારમાં વેન્ચાતો અટકાવી દેવાયો છે.


અત્રે એ નોંધનીય છે કે જેતપુરના નવાગઢમાં આવેલ પુરવઠા તંત્રના આ સરકારી ગોદામમાંથી વર્ષો થયા સમયાંતરે ઘઉં, ચોખા વિગેરે રાશનનો જથ્થો સસ્તા અનાજની દુકાનોને બદલે બારોબાર કાળાબજારમાં વહેચી નાખવાનો કારસો ચાલી રહ્યો છે. આ વાતમાં સંબંધિત તંત્ર સામેલ છે કે કેમ તે રામ જાણે ! પણ વાસ્તવિકતા એ છે કે તંત્રને કોઈ ફરિયાદ કરે તો જ તાબોટા પાડતા સરકારી ગોદામ પર પહોચી તપાસ કરે છે. ભૂતકાળમાં આવા અનેક બનાવો બન્યા છે. સવાલ એ પેદા થયો છે કે ઉપરોક્ત ગામોના ઘઉંનો જથ્થો આમ બારોબાર વેંચી નાખવાનો પ્રયાસ થયો તો શું આ બંને ગામોમાં ભૂતિયા રાશન કાર્ડ હશે ? મામલતદાર તંત્રએ આ વાત તપાસવાની જરૂર છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 




JETPUR AVSAAN NONDH KASHYAP JOSHI 9974262812

અવસાન નોંધ :
જેતપુર: સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ પુષ્પાબેન રમણીકલાલ દવે(ઉ.વ.૯૦) તે પ્રદીપભાઈ અને દર્શનભાઈ સતીશચંદ્ર દવે(મોટી કુંકાવાવ) ના દાદી તા.૧૨ ના રોજ અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા તા.૧૪ ને સોમવારે, બપોરના ૩ થી ૫, કનકેશ્વર મહાદેવ મંદિર, કણકીયા પ્લોટ, જેતપુર ખાતે રાખેલ છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨૬૨૮૧૨



​