કેનાલ ફરતે રેલીંગ ઉભી કરવાની વાત માત્ર કાગળ ઉપર !?
નવાગઢમાં મામાને ત્યાં અભ્યાસાર્થે આવેલ
કિશોરને ભાદર કેનાલ ગળી ગઈ ! કરુણ મોત
છેલ્લા બે મહિનામાં જેતપુરમાંથી પસાર થતી ભાદર કેનાલ ૪ ને ગળી ગઈ, તંત્રની
કાગળ ઉપર દોડાદોડી ! હજુ કેટલાનો ભોગ લેવાશે ? શહેરીજનોમાં દહેશત
જેતપુર તા.૧૨(કશ્યપ જોશી દ્વારા)
ટંકારા સ્થિત બનેવીના આકસ્મિક અવસાન બાદ કિશોરવસ્થા ધરાવતા ભાણેજને પોતાના ઘરે અભ્યાસાર્થે લઇ આવનાર નવાગઢના દિલીપભાઈ સોલંકીને વધુ એક કરુણાંતિકાનો ભોગ બનવું પડ્યું હોય તેમ ગઈ કાલે તેમનો ભાણેજ ભાદર કેનાલમાં લપસીને પડી ગયા બાદ મોતને ભેટતા નવાગઢના વણકર સમાજમાં શોક ફેલાયો છે.
મળતી વિગતો મુજબ અહીના નવાગઢના દાસી જીવણપરા વિસ્તારમાં રહેતા દિલીપભાઇ દાનાભાઇ સોલંકીના સગા બનેવી પ્રવિણભાઇ જાદવ ટંકારા ખાતે રહેતા હોય અને અકસ્માતમાં મૃત્યુ પામતા તેના એકના એક પુત્ર સુનિલ (ઉ.વ.૧૧) ને નવાગઢ ખાતે અભ્યાસ માટે લાવ્યા હતા.
સુનીલ શહેરની ગંગોત્રી સ્કુલમાં ધોરણ-૪માં અભ્યાસ કરતો હતો. ગઇકાલે સવારે સ્કુલે ગયેલ પરંતુ બપોરે પરત નહિ ફરતા તેના મામ દિલીપભાઇએ શોધખોળ શરૂ કરેલ. દરમ્યાન કોઇ અજાણ્યા વ્યકિતનો ફોન આવેલ કે કેનાલ કાંઠે એક સ્કુલ બેગ પડેલી છે. જેમાં સુનીલ પ્રવિણભાઇ જાદવ અને મોબાઇલ નંબર લખેલ છે. તેવું જણાવતા દિલીપભાઇ મોબાઇલમાં બતાવેલ જગ્યા પર પહોંચતા જે સ્કુલ બેગ તેમના ભાણેજ સુનીલની જ હોવાનું જણાવી આજુબાજુમાં તપાસ કરતા સુનીલ કયાય જોવા ન મળતા કેનાલના પાણીમાં પડી ગયો હોવાનું અનુમાન લગાવી કેનાલમાં શોધખોળ ચાલુ કરેલ હતી. અને આ અંગે પોલીસને જાણ કરવા પોલીસે મૃતદેહ નહી મળતા ગુમસુધાની ફરીયાદ નોંધાવી હતી.
દરમ્યાન તેની શોધખોળ આજે સવારે કેનાલમાં ચાલુ રાખતા નવાગઢ વિસ્તારમાં સરધારપુર ગામ નજીક આવેલ દરગાહ પાસેથી કેનાલમાંથી સુનીલનો મૃતદેહ મળી આવતા પી.એમ. માટે અહીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મામાના ઘરે અભ્યાસ માટે આવેલ સુનીલનું મોત નિપજવાથી તેના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પતિ ગુમાવ્યા બાદ પોતાના વૃદ્ધાવસ્થાના ટેકા સમાન પુત્ર સુનીલનું પણ અકાળે મોત થતા સુનીલની માતા ઉપર આભ ફાટી પડયું છે.
અત્રે એ નોંધનીય છે કે જેતપુર શહેરની મધ્યમાંથી પસાર થતી ભાદર કેનાલ મોસમમાં બેકાંઠે વહેતી હોય, અકસ્માત સર્જાવાના ભયસ્થાનો વધી જતા કહેવાય છે કે સરકારે કેનાલની બંને બાજુ રેલીંગ ઉભી કરવાની ગ્રાન્ટ પાસ કરી દીધી છે. પણ આ કામગીરીની વાતો માત્ર કાગળ ઉપર જ રહેલી હોવાનું જણાતું હોય તેમ છેલ્લા બે મહિનામાં ૨ કિશોર અને ૨ યુવાનો કેનાલમાં ગબડી પડીને મોતને ભેટ્યા હોય શહેરીજનો માં વધુ દહેશત ફેલાઈ છે. તંત્ર આ વાતને તાકીદે ધ્યાને લઇ કેનાલની ફરતે તાત્કાલિક રેલીંગ ઉભી કરવાની પ્રજામાં માંગ છે.
કશ્યપ જોશી જેતપુર જેતલસર 9974262812
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો