અનુયાયીઓ

શનિવાર, 12 ડિસેમ્બર, 2015

પુરવઠાના ગોદામમાંથી બારોબાર પગ કરી ગયેલ ઘઉંનો ૧.૩૨ લાખનો જથ્થો પકડાયો....

વરસો થયા આ જગ્યાએથી સસ્તા અનાજનો જથ્થો પગ કરી જાય છે, 
પણ તંત્રને ફરિયાદ મળે તો જ કાર્યવાહી થતી હોવાલો તાલ !
પુરવઠાના ગોદામમાંથી બારોબાર પગ કરી 
ગયેલ ઘઉંનો ૧.૩૨ લાખનો જથ્થો પકડાયો....
જેતપુર તા.૧૨ (કશ્યપ જોશી દ્વારા)
ગઈકાલે મોડી રાત્રીના જેતપુરના નવાગઢ વિસ્તારમાં આવેલ સસ્તા અનાજના સરકારી ગોદામમાંથી જે તે ગામોની દુકાનો પર ઘઉંનો જથ્થો પહોચાડવાને બદલે ગોંડલની માર્કેટ યાર્ડમાં વેંચી નાખવાનો કારસો નિષ્ફળ બન્યો હોવાની વિગતો મળી છે.

મળતી વિગતો મુજબ ગઈકાલે મોડી રાત્રીના અહીના નવાગઢ વિસ્તારમાં આવેલ પુરવઠા તંત્રના સરકારી ગોદામમાંથી સસ્તા અનાજના પરવાનેદારોની દુકાને પહોચાડવાના ૨૨૧ કટ્ટા ભરીને નીકળેલ મેટાડોર ચાલકે આ ઘઉંનો જથ્થો એક બીજા ટ્રકમાં ફેરવી, જેતપુરની હદ છોડી ગોંડલ તરફ જતો  હોવાની અહીના પુરવઠા તંત્રને માહિતી મળતા સંબંધિતોએ ગોંડલની યાર્ડમાં તપાસ કરી હતી. પણ ટ્રક  વીરપુર નજીક દેખાતા તેને રોકવામાં આવતા ટ્રક ચાલક નાશી છૂટ્યો હતો. દરમિયાન ટ્રક તપાસાતા તેમાંથી સસ્તા અનાજના ૨૨૧ કટ્ટા મળી આવતા પુરવઠા તંત્રએ ટ્રક સમેત ૧.૩૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. તંત્રએ વધુમાં જણાવેલ કે ઘઉંનો આ જથ્થો તાલુકાના લુણાગરા અને થોરાળા તરફ લઇ જવાનો હતો. પણ બારોબાર કાળાબઝારમાં વેન્ચાતો અટકાવી દેવાયો છે.


અત્રે એ નોંધનીય છે કે જેતપુરના નવાગઢમાં આવેલ પુરવઠા તંત્રના આ સરકારી ગોદામમાંથી વર્ષો થયા સમયાંતરે ઘઉં, ચોખા વિગેરે રાશનનો જથ્થો સસ્તા અનાજની દુકાનોને બદલે બારોબાર કાળાબજારમાં વહેચી નાખવાનો કારસો ચાલી રહ્યો છે. આ વાતમાં સંબંધિત તંત્ર સામેલ છે કે કેમ તે રામ જાણે ! પણ વાસ્તવિકતા એ છે કે તંત્રને કોઈ ફરિયાદ કરે તો જ તાબોટા પાડતા સરકારી ગોદામ પર પહોચી તપાસ કરે છે. ભૂતકાળમાં આવા અનેક બનાવો બન્યા છે. સવાલ એ પેદા થયો છે કે ઉપરોક્ત ગામોના ઘઉંનો જથ્થો આમ બારોબાર વેંચી નાખવાનો પ્રયાસ થયો તો શું આ બંને ગામોમાં ભૂતિયા રાશન કાર્ડ હશે ? મામલતદાર તંત્રએ આ વાત તપાસવાની જરૂર છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 




ટિપ્પણીઓ નથી: