અનુયાયીઓ

શુક્રવાર, 11 ડિસેમ્બર, 2020

મિચ્છામિ દૂકડમ

મિચ્છામિ દુક્કડમ

કરવાં ખાતર  ના  આ  કાજ  કરજો
સાચે સાચું  જ  સૌને  માફ   કરજો

દુભાવ્યા   હોય  તેને  અશ્રુથી  ધોઈ
એ રીતે નિજ  હૃદયને  સાફ  કરજો

જીતવાં જેવું દિલ જ છે આ જગમાં
સરળ સહજ બની ત્યાં રાજ કરજો

માફી આપવી એ તો  છે વિરનું કામ
માફી માંગી મહાવીર રિવાજ કરજો

જે કર્મની માફી માંગી કર્મ તે ત્યજજો
રાગ દ્વેષ મોહ મત્સરથી લાજ ભરજો

જાણતાં સાથે અજાણતાંય થાય પાપ
ક્ષમા માંગી અશુભોને તારાજ  કરજો

મિચ્છામિ દુક્કડમ નો આજીવન અમલ
આચરણ થકી સદા  આ  જાપ  કરજો

-મિત્તલ ખેતાણી(રાજકોટ,M.9824221999)નાં કાવ્ય સંગ્રહ 'શબ્દ ઘેર આનંદ ભયો' માં થી

જેતપુર નગરપાલીકા વિસ્તારમાં કોરોના વાયરસ મહામારી અટકાવવા અંગે સધન કામગીરી કરાઈ

રેપીડ એન્ટીજન ટેસ્ટ તથા માસ્ક વિતરણ કરાયુ રાજકોટ : - રાજકોટ જિલ્લાના ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં કોરોના મહામારીના નિયંત્રણ માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસીયાના માર્ગદર્શન હેઠળ સધન કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જેતપુર શહેરની મેઇન બજાર, બસ સ્ટેશન તથા આસપાસના વિસ્તારમાં અધિકારીઓની ટીમ બનાવી ચાર દિવસમાં અંદાજિત ૯૯ જેટલા લોકોના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે તમામ ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા.
ઉપરાંત, જાહેર જનતાને યોગ્ય રીતે માસ્ક પહેરવા, વારંવાર સાબુથી હાથ ધોવા, ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવા માટે તથા સોશ્યલ ડીસ્ટસિંગ જાળવી રાખવાની બાબતો અંગે આરોગ્યલક્ષી શિક્ષણ આપવામાં આવ્યુ હતું. જિલ્લાના તમામ લોકોને તાવ, શરદી, ઉધરસ એવા કોઈપણ લક્ષણો જણાય તો તુરંત જ આરોગ્ય કર્મચારીઓનો સંપર્ક કરવા અથવા કોરના હેલ્પલાઇન નં. ૧૦૪ પર ફોન કરવો, તેમ આરોગ્યશાખા-જિલ્લા પંચાયત, રાજકોટની યાદીમાં જણાાવાયું છે.

જેતપુરના બિંદિયાબેન મકવાણાની શહેર ભાજપ મંત્રી તરીકે નિમણુંક

(કશ્યપ જોશી દ્વારા) જેતપુર નવાગઢ નગર પાલિકાના માજી પ્રમુખ રમાબેન રામજીભાઈ મકવાણાના સુપુત્રી બિંદિયાબેન અનેકવિધ મહિલા સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ગરીબ તેમજ મધ્યમ વર્ગના મહિલાઓના તેઓ સતત માર્ગદર્શક તરીકે ફરજ બજાવતા આવે છે. અનેક સરકારી યોજનાઓથી તેઓ મહિલા વર્ગને સતત વાકેફ કરતા રહે છે. એટલુંજ નહીં કોઈ સરકારી કચેરી સુધી અરજદારોને લઇ જઈને સરકારી સુવિધા પુરી પડાવવા તેઓ સતત કાર્યરત રહે છે. સૌથી મહત્વની વાત એ છે કે. માતા-પિતાની ભાજપ પરત્વેની સનિષ્ઠાનો તેઓને લાભ મળ્યો છે. એટલે બિંદિયાબેન પણ ભાજપ સાથે જોડાઈને કાર્યરત છે. નાનકડા જેતપુરમાં તેમની સતત શક્રિયતા જોઈને ભાજપના ઉચ્ચ પદાધિકારીઓએ બિંદિયાબેનને જેતપુર શહેર ભાજપ મંત્રી તરીકે સુકાન સોંપવાનું મુનાસીબ માન્યું છે. બિંદિયાબેનની શહેર ભાજપ મંત્રી તરીકે નિમણુંક થતાજ તેમના રહેણાંક વિસ્તાર વડલી ચોક ઉપરાંત શહેરમાં દલિત સમાજમાં રાજીપો છવાયો છે. સમાજની એક દીકરી આવા પદ પર પહોંચી છે ત્યારે માતા રમાબેન, પિતા રામજીભાઈ, ભાઈ યોગેશભાઈ ઉપરાંત દલિત સમાજના મોભી સમાન આગેવાનોએ બિંદિયાબેનનું સન્માન કરી બિરદાવ્યા છે. પ્રસ્તુત તસ્વીરોમાં બિંદિયાબેનની લત્તાવાસીઓ ઉપરાંત હિતેચ્છુંઓ દ્વારા સન્માન થતું નજરે પડે છે.

મુખ્યમંત્રીશ્રીનો મહેસૂલી પ્રક્રિયા સરળીકરણનો પ્રજાલક્ષી વધુ એક નિર્ણય

જમીન તકરારી નોંધની સૂનાવણી હવે સીધી પ્રાંત અધિકારી કક્ષાએ થઇ શકશે તકરારી અપિલના ત્વરિત નિકાલથી બિનજરૂરી લિટીગેશન નિવારવાનો ધ્યેય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મહેસૂલી પ્રક્રિયા સરળીકરણનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય લઇને જમીન તકરારી નોંધની અપિલ સૂનાવણી હવે સીધી પ્રાંત અધિકારી કક્ષાએ કરવા અંગે આખરી-ફાયનલ મંજૂરી આપી છે. અગાઉ આવી તકરારી નોંધ જમીન મહેસૂલ નિયમો ૧૯૭ર-૧૦૮ અન્વયે પહેલાં મામલતદાર કક્ષાએ સૂનાવણી હાથ ધરાયા બાદ પ્રાંત અધિકારી કક્ષાએ અને તે પછી કલેકટર સમક્ષ અપીલ કરવાની રહેતી હતી. શ્રી વિજયભાઇ રૂપાણીએ હવે આ પ્રક્રિયાને વધુ સરળ બનાવતાં જુદા જુદા ત્રણ તબક્કે મહેસૂલી અધિકારીઓ સમક્ષ કરવાની થતી અપિલને સ્થાને માત્ર બે તબક્કે એટલે કે પ્રાંત અધિકારી અને કલેકટર કક્ષાએ કરવાનો પ્રજાહિતકારી અભિગમ અપનાવ્યો છે. રાજ્યના મહેસૂલ વિભાગે આ અંગેનું આખરી (ફાયનલ) જાહેરનામું જારી કર્યુ છે, હવે રાજ્યમાં આ પ્રક્રિયાનો અમલ શરૂ થશે.
મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયને પગલે હવે જમીન તકરારી નોંધ અંગે સમયમર્યાદામાં નિર્ણય થઇ શકશે અને બિનજરૂરી લીટીગેશન નિવારી શકાશે.અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે હક્કપત્રક એટલે ગામ નમુના નં.૬ જેમાં હક્ક સંપાદન થાય ત્યારે નોંધ કરવામાં આવે છે. સામાન્ય રીતે ૧૧ પ્રકારની નોંધ પાડવામાં આવે છે. આ પ્રકારની નોંધો અંગે નિર્ણય (પ્રમાણિત અથવા નામંજુર)કરવાની સત્તા નાયબ મામલતદારની છે.ઘણી બધી વખત જૂદા જૂદા કારણોસર હક્કપત્રકની નોંધોની નોટિસ આપવામાં આવે તે સમયે પક્ષકારો તરફથી કે ત્રાહિત પક્ષકાર તરફથી પણ વાંધો લેવામાં આવતો હોય છે. તેના કારણે હક્કપત્રકની નોંધો સમય મર્યાદામાં મંજૂર ન થવાથી હુકમની નોંધના કિસ્સાઓમાં રેકર્ડે અસર આવતાં ઘણો બધો સમય પસાર થઇ જાય છે. આ કારણે પક્ષકારને પ્રતિકૂળ અસર થવાની સંભાવના રહે છે. આમ, તકરારના કારણે નોંધની રેકર્ડે અસર લેવામાં વધુ ને વધુ વિલંબ થાય તે કારણે અરજદારને તેનો હક્ક સમયમર્યાદામાં ન મળવાથી સંતોષ થતો નથી તથા કેટલીક વખત બિનજરૂરી લીટીગેશનને પણ નોતરે છે. મુખ્યમંત્રીશ્રીએ મહેસૂલ વિભાગમાં જમીન મહેસૂલને સ્પર્શતી બાબતોમાં વિવિધ કાયદાઓ હેઠળ વખતોવખત તેમાંસુધારા, નિયમો, ઠરાવો-પરિપત્રો બહાર પાડીને મહેસૂલી વહીવટી પ્રક્રિયાઓને સરળ, પારદર્શી અને ઝડપી બનાવી છે. હવે, આ પ્રજાલક્ષી નિર્ણયને પરિણામે પડતર તકરારી અપિલોનો સત્વરે નિકાલ થઇ શકશે.