જરૂર કરતા વધારે ઝોન બની જતા જેતપુરમાં એકાંતરા પાણી વિતરણ અશક્ય !
જેતપુરમાં પાણી વિતરણ કરતા ૭૩ ઝોનમાંથી ૪૦ ઝોન
કરાશે હજુ એકાંતરા પાણી વિતરણને ૫ મહિના લાગશે !
જેતપુર તા.૨ (કશ્યપ જોશી દ્વારા )
જેતપુર શહેરમાં અનિયમિત પાણી વિતરણ પાછળ જરૂર કરતા વધારે બની ગયેલા ઝોન જવાબદાર હોવાનું અને હજુ શાહિરમાં એકાંતરા પાણી વિતરણ કરવામાં પાંચેક માસ જેવો સમય થઇ જવાની વાત પાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ, ઉપપ્રમુખ અને વોટર વર્કસ કમિટીના ચેરમેને એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું.
પાણી વિતરણ અને પાણી મેળવવા માટે જેતપુરની જનતાને શા માટે વલખા મારવા પડે છે ? ભાદર ડેમમાં પુરતું પાણી છતાં જેતપુરમાં એકાંતરા પાણી વિતરણ કેમ શક્ય નથી બનાવાતું ? શહેરને ડેમમાંથી કેટલું પાણી મળે છે ? એકાંતરા પાણી વિતરણ માટે શું શું પગલા ભરવા પાલિકા તંત્ર કટિબદ્ધ છે ? વિગરે પ્રશ્નોની સીધી વાતમાં જેતપુર નગર પાલિકાના ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસે જણાવેલ કે જેતપુર શહેરને હાલના દિવસોમાં ભાદર ડેમમાંથી ૧૩ એમેલડી પાણી મળી રહ્યું છે. પાણીનો આટલો જથ્થો શહેરમાં એકાંતરા પાણી વિતરણ માટે પર્યાપ્ત નથી જ, અને તે એટલા માટે કે જેતપુર પાલિકા તંત્ર પાસે હાલમાં પાણી સંગ્રહ શક્તિ ઓછી છે. આ માટે શહેરમાં જુદી જુદી ચાર જગ્યાએ મોટી મોટી પાણીની ટાંકીઓ બનાવવાની પ્રક્રિયા યુધ્ધના ધોરણે હાથ ધરાઈ રહી છે.
પાલિકાના પ્રમુખ શારદાબેન બારોટે જણાવેલ કે, શહેરમાં બને તેટલું વધુ પાણી વિતરણ અને તે માટેના ઉપાયો શોધી કાઢી પાલિકા તંત્ર બને તેટલું વહેલું શહેરમાં એકાંતરા પાણી વિતરણ કરી શકાય તે માટે ઉંધે માથે મહેનત કરી રહ્યું છે.
પાલિકા ઉપપ્રમુખ પ્રમોદભાઈ ત્રાડાએ જણાવેલ કે શહેરમાં જરૂર કરતા વધારે ૭૩ જેટલા પાણી વિતરણ કરતા ઝોન ઉભા થઇ જતા અહી નિયમિત તેમજ એકાંતરા પાણી વિતરણ શક્ય થતું નથી. તો આ માટે શું કરી શકાય ? તેવા સવાલના જવાબમાં પ્રમોદભાઈએ જણાવેલ કે બિનજરૂરી પાણી વિતરણ ઝોન બંધ કરી ૭૩ માંથી ૪૦ ઝોન જ રાખવા તંત્રએ કવાયત શરુ કરી છે. પરિણામે વેડફાતું પાણી અટકશે. આ સિવાય પાણી સંગ્રહ શક્તિ વધારતી ટાંકીઓ ઉભી થશે એટલે એકાંતરા પાણી વિતરણથી પ્રજાની ફરિયાદો હાલ કરી શકાશે.
વોટર વર્કસ કમિટીના ચેરમેન અજીતસિંહ જાડેજાએ જણાવેલ કે સૌ પ્રથમ તો તેઓ અને તેમની ટીમ દ્વારા શહેરમાં આશરે ૫૦૦ જેટલા લીકેજીંગમાના ૩૦૦ લીકેજીન્ગને રીપેર કરાવી કરોડો ગેલન બગડતા પાણીને બચાવી લેવાયું છે. રાત્રીના તેમની એટલેકે પાણી શાખામાં ખોટા બબ્બેવાર ઉધારાતા ડીઝલના બીલો ઉપર બ્રેક મારી દેવાઈ છે. યેન કેન પ્રકારે થતી કે કરાતી પાણી ચોરીની ફરિયાદો હલ થઇ ગઈ છે. હજુ પણ પાણીના લીકેજીન્ગને સદંતર બંધ કરવા પાલિકા તંત્ર જહેમત ઉઠાવી રહ્યું છે.
બોક્સ: ફિલ્ટર પંપ ખાતે સુવિધાઓ વધારાશે !
જેતપુર: ચીફ ઓફિસર સહિતના પાલિકાના પદાધિકારીઓએ જણાવેલ કે હાલના દિવસોમાં ખીરસરા રોડ પર આવેલ પાલિકાના ફિલ્ટર પંપ ખાતે ૩૭ એમેલડી નો પ્રોજેક્ટ ઉભો કરાશે. આ અન્વયે ૪૫ અને ૩૫ લાખ લીટરના બે સંપ પણ બનાવશે. પાણી ની જે સંગ્રહશક્તિ ને લીધે કોઈ વાર ભાદર ડેમમાંથી પાણી મેળવવું શક્ય ના બને ત્યારે એક દિવસનું જેતપુર માટેનું પાણી એકત્ર થઇ શકશે.
આ સિવાય જેતપુર શહેરના બગીચામાંથી એક હિંચકો(ઝૂલો) ગાયબ હોવાની વાતનો પ્રત્યુત્તર આપતા પાલિકા મહિલા પ્રમુખના પતિ હરસુરભાઇ બારોટ, વિગેરે જણાવેલ કે આ વાત ખોટી છે, અજાત શત્રુઓ ખોટા ઉમ્બાડીયા ઉભા કરી પાલિકા પ્રમુખની છબીને ખરડવા પ્રયાશો કરે છે, શહેરના અવાવરું કુવા માલિકીના હોય કે ના હોય, આ બાબતે તાત્કાલિક તપાસ કરાવી સંબંધિતોને નોટીસો આપવા ચીફ ઓફિસરે ઉપસ્થિત પાલિકા પ્રમુખને સૂચનાઓ આપી હતી.
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર



