


જેતપુરના મહાત્મા ગાંધી રોડ પર આવેલ એકમાત્ર સરદાર પાર્ક..ફૂલોની ખુશબુ વચ્ચે પ્રેમીઓનું આશ્રય સ્થાન ?
અહી રોજ સુરજ ઉગેને અનેક વિદ્યાર્થી ભાઈ બહેનો પોતપોતાના પ્રેમીઓને લઈને બેઠા હોવા
છતાં શાળા સંચાલકો અને વાલીઓ ઘોર નિંદ્રામાં !? જાગો વાલીઓ જાગો, તમારો ગગો કે ગગી
શાળએજ જાય છે કે અહી બગીચામાં પડ્યા પાથર્યા રહે છે ? ગાર્ડન સંચાલકો પણ ઘોર નિંદ્રામાં ?
-------------------------
(કશ્યપ જોશી ) જેતપુર તા.31
લાંબા સમય થયા જેતપુરના એમજી રોડ પર આવેલા એકમાત્ર બગીચામાં પડ્યા પાથર્યા રહેતા યુવાન પ્રેમી પંખીડાઓ પરત્વે સ્થાનિક શાળા સંચાલકો અને વાલીઓએ જાગવાનો સમય પાકી ગયો હોવાની એક દુખદ વાત એક ઉત્સાહી અને સંતાનો પ્રત્યે ચિંતિત વાત રજુ કરી હતી.
મારે, તમારે, જેતપુરની તમામ શાળા સંચાલકો, પાલિકા તંત્રની સંબંધિત બાગ બગીચા સમિતિ અને વાલીઓ પણ ધ્રુજી જાય તેવી એવી વિગતો મળી છે કે, જેતપુરના એમજી રોડ પર આવેલ શહેરની શોભા સમાન સરદાર પાર્ક(બગીચામાં) રોજ સુરજ ઉગેને અનેક નવલોહિયા યુવાન યુવતીઓ પોત પોતાના વાલીઓની આંખમાં(અભ્યાસ કરવા જતા હોવાનું જણાવી) ધૂળ નાખી અભ્યાસને બદલે આ બગીચામાજ ભણવાની ઉમરે, પ્રણયફાગ ખેલતા હોય, અહીનો બગીચો ફૂલોની સુવાસ સાથે પ્રેમી પંખીડાઓનું આશ્રય સ્થાન બની ગયું હોવાનું કહેવું અનુચિત નથી !
દુખની વાત તો ત્યારે જાણવા અને જોવા મળી રહી છે કે જેતપુરની બંને કોલેજ ઉપરાંત મોટાભાગની શાળાઓના વિધાર્થી ભાઈ બહેન પોત પોતાની શાળાઓના ગણવેશ (ડ્રેસ) પહેરેલી અવસ્થામાં જ અહી ભણવાને બદલે રોમાન્સ કરતા મહાલતા હોય, આ બાબતે વાલીઓ ચિંતિત બની પોત પોતાના ગગા કે ગગીઓ ખરેખર શાળા કોલેજે જાય છે કે કેમ ? તે તપાસવું જોઈએ ! અન્યથા પોતાના સંતાનો પાછળ શિક્ષણ માટે લાખો, હજારો રૂપિયા ખર્ચતા વાલીઓને સંતાનો સાથે આબરૂ, પ્રતિષ્ઠા ખોવાનો પણ વારો આવશે તેવું કહેવું જરાય અતિશયોક્તિભર્યું નથી !
બોક્સ: સંતાનોને બગડતા અટકાવવા
વાલીઓના મૂંગા મોં એ સુચારુ ઉપાયો !
જેતપુર: જેતપુરના એકમાત્ર બગીચામાં પ્રેમક્રિડા ખેલતા સંતાનો પરત્વે જાગૃતતા લાવવા અમુક જાગૃત વાલીઓના મૂંગા મોં એ થી એવા સુચારુ ઉપાયો મળી રહ્યા છે કે,(1) પ્રત્યેક વાલીએ શાળામાં ગણવેશ ના પહેવાના દિવસ ઉપરાંત મહિનામાં ચાર પાંચ વાર પોતાના બાળકોની તપાસ કરવી જોઈએ કે બાળક શાળએજ જાય છે કે પછી શહેરના આજુબાજુના કોઈ ધાર્મિક સ્થાનો, બગીચાઓમાં ભણવાને બદલે કૈક અજુગતું કરી રહ્યા છે ? (2) શાળા સંચાલકો કે શિક્ષકોએ પોત પોતાની શાળામાં ગેરહાજર વિદ્યાર્થીઓ બાબતે પ્રથમ વાલીઓ અને પછી ખાનગી રાહે તપાસ કરવી, કરાવવી જોઈએ કે આજે ફલાણી છાત્રા કે ફલાણો છાત્ર કેમ શાળાએ નથી આવ્યો ? (3) બાગ બગીચો સંભાળવાની જેઓની જવાબદારી છે તેવા પાલિકાના સ્ટાફે કોઈ શાળાના ગણવેશ સાથે બગીચામાં પ્રવેશતા છોકરા-છોકરીઓને રોકી જરૂરી પુંછપરછ કરવી જોઈએ કે આજે તેઓ શાળાને બદલે અહી કેમ આવ્યા ? ઉચિત જણાય તો શાળાનો પણ સંપર્ક કરી શિક્ષકોને જાણ કરવી જોઈએ કે તમારા વિધાર્થીઓ અહી કેમ આવ્યા છે ? (4) શહેરના એમજી રોડ પર પોલીસ સ્ટેશનથી ખુબ નજીક આવેલા આ સરદાર પાર્કમાં પોલીસ જવાનોએ પણ સમયાંતરે બગીચામાં લટાર મારી કોઈ સગીર વયના છોકરા છોકરીઓ, વિદ્યાર્થી બાળકો બેઠેલા જોવા મળે તો તેઓની શાંતિથી પૂછપરછ કરી યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ કે જેથી સંતાનો બગડતા અટકે !
જો કે આ બાબતે જે હોય તે, "એક હાથે તાળી ના પડે" એ કહાવાતને બરાબર ધ્યાને રાખી જો વાલીઓ, શાળા સંચાલકો, બાગ સંચાલકો અને પોલીસ "જાગ્યા ત્યાંથી સવાર" સમજી થોડા જાગૃત બની પોતપોતાની સુપેરે ફરજ બજાવે તો ગેરમાર્ગે જઈ રહેલા સંતાનોને બેશક બગડતા અટકાવી સુધારી શકાય તેવું પણ કહેવું ઉચિત જણાય છે.
નોંધ : આ સમાચાર સાથેનો ફોટો પ્રતીકાત્મક ચિત્ર છે.
કશ્યપ જે. જોશી જેતપુર(જેતલસર) 9974262812