જેતપુરના મોટાગુંદાળા ગામ નજીક
અકસ્માતે પુલ પરથી બાઈક સમેત
ગબડી પડેલ જેતપુરના કોન્ટ્રાકટરનું મોત..
જેતપુર તા.૩૧ (કશ્યપ જોશી દ્વારા)
ધોરાજીથી જેતપુર આવી રહેલ જેતપુરના કોન્ટ્રાકટર જીગ્નેશ પટેલનું અકસ્માતે મોટાગુંદાળા નજીક બાઈક સમેત પુલ નીચે પટકાવાથી કરુણ મોત થતા અહીની બિલ્ડર લોબી અને પટેલ સમાજમાં શોક ફેલાયો છે.
મળતી વિગતો મુજબ મૂળ ધોરાજીના અને હાલ જેતપુરના જુનાગઢ રોડ પર રહેતા જીગ્નેશભાઈ ચીમનભાઈ કોયાણી પોતાની ધોરાજી વિસ્તારમાં સાઈટ ચાલુ હોય, ગઈકાલે જેતપુર તરફ ધોરાજીથી પરત આવતા હતા ત્યારે મોટા ગુંદાળા નજીક તેમનું જીજે ૩ પીએચ ૫૫૨૧ નંબરનું હોન્ડા અકસ્માતે પુલ નીચે ગબડી પડતા તેમને બેશુદ્ધ હાલતમાં સરકારી એમ્બ્યુલન્સ ૧૦૮ મારફત જેતપુરની સરકારી હોસ્પીટલે લઇ જવાયા હતા. પણ જીજ્ઞેશભાઈનું રસ્તામાંજ પ્રાણપંખેરું ઉડી ગયું હતું. જેતપુર તાલુકા પોલીસના જમાદાર મજનુંભાઈ મનાતે બનાવની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવથી જેતપુરની કોન્ટ્રાકટર આલમમાં અને પટેલ સમાજમાં શોકનું મોજું ફેલાયું છે.
જેસીઆઈ જેતપુર રોયલનો કાલે સપથવિધિ સમારોહ
જેતપુર : કાલે તા.૨ ને શનિવારે, સાંજે ૬-૩૦ વાગ્યે જેસીઆઈ જેતપુર રોયલ નામની સંસ્થાના કાર્યવાહાકોનો ૭ મો સપથવિધિ સમારોહ અહીની નવી લોહાણા મહાજન વાડી ખાતે યોજાનાર હોવાનું પ્રમુખ વિનોદ કપુપરાએ જણાવ્યું હતું.
તેઓના જણાવ્યા મુજબ રાજ્ય મંત્રી જયેશભાઈ રાદડિયાના વરદ હસ્તે ઉદ્ઘાટિત થનાર આ સમારોહના મુખ્ય મહેમાન તરીકે રાજીવ મકવાણા, કીનોટ સ્પીકર તરીકે પ.પુ.પ્રિયાંકરાયજી મહોદય, ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે ધરતી રાઠોડ તેમજ, ચેમ્બર ઓફ કોમર્સ સુત્રો, જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ સુત્રો વિગેરેની હાજરીમાં નવા વર્ષના પ્રમુખ તરીકે કિરણ સાવલિયા સપથ ગ્રહણ કરશે.
કશ્યપ જે. જોશી જેતપુર


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો