અનુયાયીઓ

શનિવાર, 27 જૂન, 2015

જેતપુરમાં અસરગ્રસ્તોની મદદ માટે સેવાભાવી સંસ્થાઓ સાથે બેઠક યોજાતા રાજ્ય મંત્રી રાદડિયા

જેતપુરમાં અસરગ્રસ્તોની મદદ માટે 
સેવાભાવી સંસ્થાઓ સાથે બેઠક યોજાતા રાજ્ય મંત્રી રાદડિયા 
જેતપુર તા.27
જેતપુરના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી જયેશ રાદડીયાએ ગઈકાલે ડાઈંગ એશોશીયેશનની ઓફીસ ખાતે શહેરની તમામ સેવાભાવી સંસ્થાના કાર્યવાહકો સાથે બેઠક યોજી, અસરગ્રસ્તોને કઈ રીતે બને તેટલી વધુ મદદ કરી શકાય તેની ચર્ચાઓ કરી હતી.
મળતી વિગતો મુજબ જેતપુરના ઘણા વિસ્તારોમાં વરસાદી પાણીએ ખાસ્સું નુકશાન કરતા આવા અસરગ્રસ્તોને કેવી રીતે મદદ કરી શકાય ? અથવાતો કઈ કઈ રાહત સામગ્રીની મદદ કરાઈ અને હવે કેવી રાહત સામગ્રીની અસરગ્રસ્તોને જરૂરીયાત છે ? વિગેરેની ચર્ચા વિચારણા માટે રાજ્ય મંત્રી જયેશ રાદડિયાએ ઉદ્યોગપતિઓ રાજુભાઈ પટેલ, જેન્તીભાઈ રામોલીયા સહીત સેવાભાવી સંસ્થાઓ માર્કેટીંગ યાર્ડ, ચેમ્‍બર્સ ઓફ કોમર્સ, રોયલ જેસીઝ,  રોટરી કલબ , સીટી કાઉન્‍સીલ, જુનિયર ચેમ્બર, સહિતની સંસ્‍થાઓના હોદ્દેદારોની હાજરીમાં રાહત સામગ્રી ડાઈંગ એશોશીયેશનની ઓફિસમાં એકત્ર કરી ક્રમશઃ જરૂરીયાતમંદ ગામડાઓ તરફ મોકલવા નક્કી કરાયું હતું..

કશ્યપ જોશી જેતપુર જેતલસર 

 
   
   

બીયરના 24 ટીન સાથે જેતપુરના ડ્રાઈવર-ક્લીનર પકડાયા


બીયરના 24 ટીન સાથે જેતપુરના ડ્રાઈવર-ક્લીનર પકડાયા 

જેતપુર તા.27
ગઈકાલે રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાંચના સ્ટાફે એક ટ્રક ના ડ્રાઈવર અને કલીનરને રૂપિયા 2400 ના બીયરના ટીન અને ટ્રક સાથે પકડી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 
મળતી વિગત મુજબ ગઈકાલે  એલસીબીની ટીમે ભાદર નદિના પુલ પર રાજકોટ તરફથી આવતો ટ્રક નં.જીજે ૩-એજેડ-૪૧૭૭ને રોકી તલાસી લેતા તેમાંથી બીયરના નંગ-૨૪ કિ.રૂ.૨૪૦૦નો મળી આવ્યા હતા. દરમિયાન નવાગઢના ટ્રક ડ્રાઇવર જાવીદ તારમહમદ ઠેબા તેમજ કલીનર કાદર મજીદ ગાંધી પકડી પુછપરછ કરતા આ બીયરના ટીન તેઓ ભીવંડીથી કાપડની ગાંસડીભરી પરત આવતી વખતે લીધેલ હોવાનું જણાવ્યુ હતું. એલસીબી પોલીસે બંન્‍ને શખ્‍સોને બીયર  ટીન રૂ.૨૪૦૦ તેમજ ટ્રક કિ.૫ લાખ મળી રૂ.૫,૦૨,૪૦૦ના મુદામાલ સાથે અટક કરી વધુ તપાસ માટે શહેર પોલીસ હવાલે કાર્ય હતા.
ફોટો અને સમાચાર કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 

જેતપુર શહેરમાં ફરી વળેલા વરસાદી પાણીથી અસરગ્રસ્ત લોકોની મુલાકાત લેતા જેતપુર પાલિકા પ્રમુખ

દિલ્હીથી પ્રવાસ ટૂંકાવી જેતપુર દોડી આવ્યા, અમુક વિસ્તારોમાં પાણીના ટાંકા પહોચાડ્યા 
જેતપુર શહેરમાં ફરી વળેલા વરસાદી પાણીથી અસરગ્રસ્ત
લોકોની  મુલાકાત લેતા જેતપુર પાલિકા પ્રમુખ  
જેતપુર તા.27 
જેતપુર શહેરમાં વરસાદી પાણીએ તારાજી સર્જી હોવાના અહેવાલો મળતાજ જેતપુર પાલિકા પ્રમુખ રમાબેન રામજીભાઈ મકવાણાએ પોતાનો દિલ્હીનો પ્રવાસ ટૂંકાવી જેતપુર દોડી આવી અસરગ્રસ્તોની મુલાકાત લઈને બને તેટલી મદદ કરાવવાની ખાતરી આપી હતી.

મળતી વિગતો મુજબ દેશના વડાપ્રધાન મોદીએ દિલ્હી સ્થિત વિજ્ઞાનભવન ખાતે અમૃત યોજના - સ્માર્ટ સીટી પ્રોજેક્ટ બાબતે તા.25-26-6. ના રોજ બેઠક યોજી હતી. જેમાં ગુજરાતની જેતપુર સહીત 24 નગરપાલિકાના મુખ્ય અધિકારીઓ અને પાલિકા પ્રમુખને બોલાવ્યા હતા. દેશના પીએમની આ બેઠકમાં હાજરી આપવા જેતપુર નવાગઢ નગર પાલિકા પ્રમુખ પણ જોડાયા હતા.

બીજીબાજુ જેતપુરમાં આજુબાજુના ગામોના વરસાદી પાણીએ તારાજી સર્જ્યાની જાણ થતાજ પાલિકા પ્રમુખે પોતાનો 29.6. સુધીનો પ્રવાસ ટૂંકાવી ત્રણ દિવસ વહેલા જેતપુર આવી શહેરના ગોંદરા વિસ્તાર, ખીરસરા રોડ, ભાદરના સામા કાંઠા વિસ્તાર, શારણના પુલ, ફિલ્ટર પ્લાન્ટ વિસ્તાર, વિગેરે વિસ્તારોની મુલાકાત લઇ અસરગ્રસ્તોને સાંભળી, તારાજીનું દુખ વ્યક્ત કરી, પોતાની કક્ષાએથી બનતી મદદ કરાવવાની અસરગ્રસ્તોને ખાતરી આપી હતી. 

જેતપુર પાલિકા પ્રમુખ રમાબેને એમ પણ જણાવેલ કે પાલિકાના ફિલ્ટર પ્લાન્ટમાં વરસાદી પાણીથી થયેલી નુકશાની પૂર્વવત કરવા પાલિકાસુત્રો મહેનત કરી રહ્યા છે. સંપૂર્ણ શહેરમાં બધા વિસ્તારોમાં પાણી પહોચાડવું હાલ થોડા દિવસ અશક્ય હોય. અત્યંત જરૂરીયાતવાળા ઉપરોક્ત વિસ્તારોમાં પાણીના ટેન્કરો મોકલીને અસરગ્રસ્તોની પાણી પરત્વેની સમસ્યા મહદઅંશે હળવી કરવા પ્રયત્ન કરાયો છે. પ્રજાનો સહકાર જરૂરી છે. 

ફોટો અને સમાચાર-કશ્યપ જે.જોશી જેતપુર જેતલસર 

જેતપુરમાં મણકા, હાડકા-ચામડીના દર્દોના કેમ્પનું આયોજન

જેતપુરમાં મણકા, હાડકા-ચામડીના 
દર્દોના કેમ્પનું આયોજન
જેતપુર તા.27
જેતપુરની સેવાભાવી સંસ્થા સમર્પણ ગ્રુપ દ્વારા આગામી 5-7-2015  મણકા, હાડકા તેમજ ચામડીના દર્દોના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 
સ્વ.મનસુખલાલ રતનજી કાલીદાસ માંડલિયા(સુદાન) સ્મરણાર્થે તથા ભાનુબતીબેનના આર્થિક સહયોગ વચ્ચે, અહીની ફૂલવાડી રોડ સ્થિત લોહાણા મહાજન વાડી ખાતે યોજાનાર  આ કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ તેમના નામો પરાગ પુસ્તકાલય-ખોડ્પરા, આનંદ બુક-કણકિયા, વિદ્યા બુક અને નવાગઢ ખાતે ધનવંતરી કલીનીક ખાતે નોંધાવી દેવા સંસ્થા પ્રમુખ હરીશ મણીયારે અનુરોધ કર્યો છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 

અવસાન નોંધ : 27-6-2015

અવસાન નોંધ :

જેતપુર: બંધીયા(તા.જામકંડોરણા) હિતેશભાઈ અનિરુદ્ધભાઇ ત્રિવેદી(ઉ.વ.30) તે યુગાંતર, સચિનના મોટાભાઈ તા.25.6.15 નારોજ અવસાન પામેલ છે.

જેતલસર: બાવાપીપળિયા નિવાસી વાણંદ હસમુખભાઈ મગનભાઈ પાડલીયાના પત્ની ચંદ્રિકાબેન, તે રવિ અને પુજાના માતા, વિપુલભાઈના ભાભી તથા જાય અને તન્વીના ભાભુ તા.23.6. ના રોજ અવસાન પામેલ છે. 


કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812