LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
ગુરુવાર, 22 નવેમ્બર, 2018
રાજકોટ કોર્પોરેશને ખેડૂતોને રૂ.13 પ્રતિ હજાર લિટરના ભાવે ટ્રીટેડ વેસ્ટ વોટર વેંચવાનું ચાલુ કર્યું
આણંદપરના ખેડૂતોને 50 લાખ લીટરથી વધુ શુદ્ધ કરાયેલા પાણીનો જથ્થો અપાયો
રાજકોટ મહાપાલિકા તંત્ર દ્વારા શહેરની ભૂગર્ભ ગટરના ગંદા પાણીને શુદ્ધ કરીને તે પાણી સિંચાઈ માટે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત ગવરીદડ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતેથી આણંદપરના ખેડૂતોને 50 લાખ લીટરથી વધુ પાણીનો જથ્થો આપવામાં આવ્યો છે. ખેડૂતોને સિંચાઈ માટે પ્રતિ એક હજાર લીટરદીઠ રૂા.13ના ભાવથી પાણી આપવામાં આવી રહ્યું છે. જેથી મહાનગરપાલિકાને પ્રતિ હેક્ટરદીઠ રૂ.6,211ની આવક થશે.
આ ઉપરાંત મનપા દ્વારા રૈયાધાર પ્લાન્ટ ખાતેથી હાલમાં ફોરેસ્ટ વિભાગને વૃક્ષારોપણ માટે દરરોજ અંદાજે 15 હજાર લીટર પાણી આપવામાં આવે છે. માધાપર પ્લાન્ટ ખાતેથી ઈશ્વરીયા મહાદેવ પિયત સહકારી મંડળી લિમિટેડ માધાપરને દરરોજ અંદાજે 17-64 હેક્ટર વિસ્તારમાં પાણી આપવામાં આવી રહ્યું છે. રોણકીની જય દ્વારકાધીશ મંડળી તેમજ આણંદપર (બાઘી) ગામના ખેડૂતો પાસેથી પણ ટ્રીટેડ વેસ્ટ વોટરની માગણીની દરખાસ્તો મળી રહી છે.
મ્યુ.કમિશનરે આ અંગે કહ્યું હતુ કે, ટ્રીટેડ વેસ્ટ વોટરના વપરાશથી ખેતીવાડીમાં નર્મદાના પાણીનો વપરાશ ઘટશે. તેનાથી ખેડૂતો અને તંત્ર બન્નેને ફાયદો થશે. નર્મદાનું પાણી લોકોને પીવા માટે મળતું રહેશે અને ખેતીમાં સિંચાઈ માટે ટ્રીટેડ વેસ્ટ વોટરનો ઉપયોગ કરવામાં આવશે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી, ફોરેસ્ટ વિભાગ, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તથા ગાર્ડન શાખા પણ તમામ બગીચાઓમાં પાણી પાવા માટે ટ્રીટેડ વેસ્ટ વોટરનો ઉપયોગ કરશે તેમજ શહેરમાં જુદી જુદી જગ્યાએ ચાલતાં બાંધકામો માટે કોન્ટ્રાક્ટર્સ અને બિલ્ડર્સને પણ ટ્રીટેડ વેસ્ટ વોટર વેચવા માટેના પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવશે.(સાભાર : ફૂલછાબ)
મોબાઈલ ટાવરોના વેરા ઘટાડાનો નિર્ણય બન્યો વિવાદાસ્પદ: કોર્ટમાં પડકારવા વિપક્ષની તૈયારી
મોબાઈલ ટાવરો સંદર્ભે શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ દ્વારા કરાઇ આરટીઆઇ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં મોબાઇલ ટાવરના વેરામાં
ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટેલીકોમ કંપનીઓની તરફેણમાં
લેવાયેલો નિર્ણય હાલ વિવાદાસ્પદ બન્યો છે. ટેલીકોમા કંપનીઓને કરાવેલા
ફાયદાને કોંગ્રેસ હવે હાઇકોર્ટમાં પડકાર આપવા જઇ રહી છે.
આ માટે રાઈટ ટુ
ઈન્ફર્મેશન એક્ટ હેઠળ વિપક્ષ દ્વારા મહાનગરપાલિકા પાસે વિગતો પણ માગવામાં
આવી છે.
તાજેતરમાં સ્ટેન્ડીંગ કમિટિમાં મોબાઈલ ટાવરોના વેરામાં 30 ટકાનો જંગી ઘટાડો
કરવામાં આવ્યો છે. અગાઉ આ જ સ્ટેન્ડીંગ કમિટિએ વેરા ઘટાડાની દરખાસ્ત
નામંજુર કરી હતી અને ત્યાર બાદ જનરલ બોર્ડમાં મોબાઈલ ટાવરના વેરા ઘટાડાની
દરખાસ્ત તરત જ મંજુર કરી દેવાઈ હતી.
આમ મોબાઈલ ટાવરના વેરામાં ઘટાડો
વિવાદાસ્પદ બન્યો છે ત્યારે શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખે આ બાબતે
માહિતી અધિકાર હેઠળ વિસ્તૃત વિગતો માંગી છે.
અગાઉ જનરલ બોર્ડ માટિંગમાં મોબાઈલ ટાવરનો વેરો પ્રતિ ચોરસમીટર દીઠ રૂા.50થી
ઘટાડીને 35 કરવા માટેની દરખાસ્ત મુકવામાં આવી હતી. ત્યાર બાદ તાજેતરમાં
સ્ટેન્ડિંગ કમિટીમાં ટેલિકોમ કંપનીઓના મોબાઈલ ટાવરનો વેરો પ્રતિ ચોરસમીટર
દીઠ રૂા.35થી ઘટાડીને 15 કરવા માટેની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.
વિપક્ષ દ્વારા કરાયેલી આરટીઆઇ
શહેરમાં કુલ કેટલા અને ક્યા-ક્યા પ્રકારના મોબાઈલ ટાવરો છે, કેટલા સમયથી
રાખવામાં આવ્યા છે,
ટાવરોની મંજૂરી તથા માલિકી, મોબાઈલ ટાવરોની વેરા વસૂલ
કરવાની જૂની અને નવી પધ્ધતિ, મોબાઈલ ટાવરોના વેરા કેટલી વખત વધારાયા અને
ઘટાડવામાં આવ્યા, ક્યા ટાવરને કઈ કઈ શાખા દ્વારા મંજૂરી આપવામાં આવી, આ
તમામ મોબાઈલ ટાવર અંગે કોઈ કોર્પોરેટર દ્વારા જનરલ બોર્ડ અને સ્ટેન્ડિંગમાં
પૂછવામાં આવેલા સવાલ અને થયેલા વિરોધની માહિતી,' સ્ટેન્ડિંગ કમિટીના
ચેરમેન દ્વારા લેવામાં આવેલા નિર્ણયની તેમજ તે સમયની મિનીટ્સ બુક ઓફ
રેકોર્ડની વિગતો સહિતની માહિતીઓ પ્રમાણિત નકલમાં આપવી તથા આ તમામ મોબાઈલ
ટાવરો અંગે બજેટમાં જોગવાઈ કરવામાં આવી હોય તો તે છેલ્લા 25 વર્ષના બજેટમાં
કરવામાં આવેલી જોગવાઈઓ અને તેના આવક-જાવક સહિતના હેડવાઈઝ અને સવિસ્તૃત
માહિતીની વિગતો પ્રમાણિત નકલમાં આપવા કોંગ્રેસ દ્વારા માગ કરવામાં આવી છે.(સાભાર : ફૂલછાબ)
રાજકોટની બે દીકરીઓ ડીસેમ્બરમાં સંસાર છોડી સંયમના માર્ગે કરશે પ્રસ્થાન
એસએસસીમાં 99.94 પીઆર લાવનાર આરાધના પણ લેશે દીક્ષા
રાજકોટ, તા. 21 : રાજકોટમાં ચાતુર્માસ માટે આવેલા રાષ્ટ્રસંત શ્રીનમ્રમુનિ મહારાજ સાહેબની નિશ્રામાં રાજકોટની બે દીકરીઓ ઊપાસના સંજયભાઈ શેઠ અને આરાધના મનોજભાઈ ડેલીવાળા સંસારનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરશે અને સંયમના માર્ગે પ્રસ્થાન કરશે. આ બન્ને દીકરીઓનો ભવ્ય દીક્ષા મહોત્સવ આગામી તા.2થી 9 ડિસેમ્બર દરમિયાન ઉજવાનાર છે.
જે દીકરીઓ દીક્ષા ગ્રહણ કરવાની છે, તેમાં ઊપાસના શેઠની ઉંમર 24 વર્ષ છે અને બી.કોમ. સુધીનો અભ્યાસ કર્યો છે. સંજયભાઈ અને હેતલબેન શેઠની દીકરી ઊપાસનાએ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. તેને એક બહેન કિંજલ છે. જ્યારે મનોજભાઈ અને પૂનમબેન ડેલીવાળાની પુત્રી આરાધનાની ઉંમર 17 વર્ષની છે. ધોળકીયા સ્કૂલની વિદ્યાર્થિની આરાધનાએ એસએસસીમાં 99.94 માર્ક મેળવ્યા હોવા છતાં ભવિષ્યમાં કારકિર્દી બનાવવાનું ન વિચારીને નાની ઉંમરમાં જ સંયમના માર્ગે પ્રસ્થાન કરવાનું નક્કી કર્યું છે. આ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતાં ડોલરભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે, તા.2 ડિસેમ્બરે વિરતી વિજય શોભાયાત્રા નીકળશે. તા.3જીએ સંયમ માઁના ખોળે શિક્ષા પ્રસ્તુતિ થશે. તા.4થી એ સવારે હું હતો હું હોઈશ કાર્યક્રમ રજૂ થશે. તા.પમીએ સંયમ વંદનાવલી અને બ્રહ્મદીક્ષાનો કાર્યક્રમ યોજાશે. તા.6ઠ્ઠીએ પ્રવજ્યા શોભાયાત્રા નીકળશે. તા.7મીએ અશ્વિનભાઈ જોશીનો દીકરી વ્હાલનો દરિયો કાર્યક્રમ યોજાશે. તા.8મીએ માતૃ પિતૃ વંદના, બપોરે અનુમોદના, કોળીયા વિધિ થશે. તા.9મીએ રેસકોર્સ મેદાનમાં ‘સંયમ સમવસરણ’ ખાતે ભવ્ય દીક્ષા મહોત્સવ ઉજવવામાં આવશે.
આ પ્રસંગે વિવિધ જૈન સંઘોના શ્રેષ્ઠીઓ ચંદ્રકાન્તભાઈ શેઠ, ઈશ્વરભાઈ ઘોઘા, પ્રવીણભાઈ કોઠારી, કમલેશભાઈ શાહ (એડવોકેટ), જીતુભાઈ બેનાણી, કિરીટભાઈ શેઠ, શિરીષભાઈ બાટવીયા, સુશીલભાઈ ગોડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ગુરુ એ સર્વસ્વ નથી, સહાયક છે : નમ્રમુનિ મહારાજ
પત્રકાર પરિષદને સંબોધન કરતાં રાષ્ટ્રસંત શ્રીનમ્રમુનિ મહારાજે જણાવ્યું હતું કે, જેના હૃદયમાંથી સત્ય પ્રગટ થાય છે તે સંયમનો સ્વીકાર કરે છે. અને સમજ પ્રગટ થાય ત્યારે સંયમ લાવવો પડતો નથી. સહજતાથી આવી જાય છે. ગુરુઓથી કોઈ શિષ્ય દીક્ષા નથી લેતા. અંદર પ્રગટેલા સત્યથી પ્રેરાઈને દીક્ષા લે છે. ગુરુને જૈન દર્શનમાં સર્વસ્વ માનવા છતાં સહાયક માનવામાં આવે છે.
દીક્ષાર્થી દીકરીઓ શું કહે છે ?
24 વર્ષીય દીક્ષાર્થી ઊપાસના શેઠે જણાવ્યું હતું કે, હું મેનેજમેન્ટ પર્સન છું. મને ક્યાંથી કેટલો નફો થાય છે તે જોવાનું છે. સંયમના માર્ગે મારે ગુમાવવાનું કશું જ નથી. માત્ર ને માત્ર આત્મકલ્યાણ મેળવવાનું છે. દીક્ષા ગ્રહણ કર્યા પછી પરિણામ શું આવશે, તેની ચિંતા કરતી નથી. 17 વર્ષીય આરાધના ડેલીવાળાએ કહ્યું કે, મારા દીક્ષા લેવાના ભાવ મક્કમ હતા. ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ સંસારી પક્ષે મારા મામા થાય પણ હવે ગુરુ-શિષ્યાનો સંબંધ થઈ જશે. તેમણે એમ પણ કહ્યું કે, દીક્ષા લેવા માટે કોઈ ઉંમર હોતી નથી. કારણ કે ઉંમર શરીરને હોય છે, આત્માને નહીં. (સાભાર : ફૂલછાબ)
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)








