મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો દબદબાભર્યો પ્રારંભ
અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા આયોજીત આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આજે સવારે અમદાવાદના રિવરફ્રન્ટ પર મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ વખતે પતંગોત્સવમાં ૧૫૦ જેટલા વિદેશી અને ૨૨૮ દેશી પતંગબાજો ભાગ લીધો હતો. ગુજરાત સરકાર આ વખતે ૨૭ મો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજવા જઈ રહી છે. જો કે અગાઉની માફક આ વખતે ગુજરાત સરકાર દિલ્હી અને મુંબઈ ખાતે પતંગોત્સવનું આયોજન નહીં કરે. સાબરમતી રિવરફ્રન્ટ પર ખુલ્લો મુકાનાર પતંગોત્સવ આગામી તા.૧૩ સુધી ચાલશે. આ મહોત્સવમાં કુલ ૨૯ દેશોના ૧૫૦ વિદેશી પતંગબાજો તથા ગુજરાત સહિત ૧૦ રાજ્યોના ૨૨૮ પતંગબાજો સામેલ થયા છે . આંતરરાષ્ટ્રીય પતંગબાજો તેમની અવનવી પતંગોને ચગાવીને અમદાવાદના આકાશને આજે રંગીન બનાવી દીધું હતું. આ પતંગબાજોને જોવા આજે ભારે મેદની જોવા મળી હતી. આ કાર્યક્રમમાં અમદાવાદની વિવિધ શાળાઓના 2000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગુજરાતમાં પતંગોત્સવની શરૂઆત પૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. આ પહેલીવાર છે જ્યારે તેમના વિના પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પતંગમહોત્સવની સાથે સાથે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અનેક આકર્ષણો રાખવામાં આવ્યા છે જેમાં આદિત્ય સ્તુતિ, સૂર્યનમસ્કાર, થિમ પવેલિયનનો સમાવેશ થાય છે. સાબરમતી નદીના કિનારે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ પર્વે ૨૦૦૦ બાળકોનો સૂર્યનમસ્કારનો અભિનવ કાર્યક્રમ રહ્યો હતો. સવારે બે હજાર બાળકો દ્વારા સુર્ય નમસ્કાર કાર્યક્રમે આકર્ષણ જમાવ્યું હતુ. આ પ્રસંગે દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગની થીમ પણ આપણી સંસ્કળતિની ઝલક સાંસ્કૃતીક કાર્યક્રમ દ્વારા રજુ કરાઇ હતી આ મહોત્સવનું આયોજન રાજ્યપાલ ઓ.પી.કોહલી, મુખ્યમંત્રી, પ્રવાસન મંત્રી સૌરભ પટેલ, રાજ્યકક્ષાના પ્રવાસન મંત્રી જયેશ રાદડિયા અને પ્રવાસન નિગમના ચેરમેન કમલેશ પટેલની ઉપસ્થિતિમાં આ પતંગોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ વિદેશી પતંગબાજો જૂથમાં તા.૧૩ મીએ રાજકોટ, ભાવનગર, સુરત ખાતે પતંગોત્સવ ઉજવશે. જ્યારે તા.૧૪મીએ આ પતંગબાજો અમદાવાદની પોળોમાં જઈને ઉજવણી કરશે.








