ખેડૂતોને થતા રાત ઉજાગરા બંધ કરવા....આવેદન અપાયું...
ખેતીવાડીનો વીજપુરવઠો રાત્રીના ૧૩-૩૦
ને બદલે રાત્રીના ૮-૦ વાગ્યે આપવા માંગ..
૧૫ દિવસમાં ઘટતું ના કરાય તો થાણાગાલોલના ખેડૂતો આંદોલન છેડશે...
જેતપુર તા.૧ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર તાલુકાના થાણાગાલોળ સહિતના ગામોના ખેડૂતોએ જેતપુર દોડી આવી વીજ તંત્રના નાયબ ઇજનેરને આવેદન આપી ખેતીવાડીના અપાતા વીજપુરવઠાને મોડી રાત્રીના બદલે વહેલી રાત્રીનો કરવા માંગ ઉઠી છે.
આ બાબતે રાજેશભાઈ સતાસિયા, ધીરુભાઈ, અનીલ ઉંધાડ, વિષ્ણુભાઈ સાવલિયા, ચંદુભાઈ ભુવા, વિનોદ ઉંધાડ,રમેશભાઈ માથુકીયા, જયેશ સેંજલિયા વિગેરે થાણાગાલોલના ખેડૂતોએ જેતપુર ખાતે પીજીવીસીએલ ગ્રામ્ય વિસ્તારના નાયબ ઇજનેરને એક આવેદન પાઠવી એવી માંગ દોહરાવી હતી કે, લાંબા સમય થયા થાણાગાલોળ અને મઢી ફીડર પર ખેતીવાડી વીજ પુરવઠો રાત્રીના ૧૨-૩૦ વાગ્યે અપાતો હોય, કડકડતી ઠંડીમાં, રાત ઉજાગરા વચ્ચે છેક સવાર સુધી જાગીને ખેત પાકોને પિયત કરવું પડે છે.
આ સમયને બદલે જો તંત્ર રાત્રીના ૮-૦૦ વાગ્યે વીજ પુરવઠો આપવાનું શરુ કરે તો ખેડૂતો વગર હાલાકીએ પોત પોતાના ખેતરોમાં જંગલી જાનવરોના ભય વગર વહેલાસર ખેતપાકોને પિયત કરી ઘરે જઈને આરામ કરી શકે. પરંતુ હાલ મોડી રાત્રીના મળતા વીજ પુરવઠાને લીધે થાકેલા પાકેલા ખેડૂતો બીજા દિવસે પોત પોતાની દૈનિક ચર્યામાં ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે.
ખેડૂતોએ આવેદનમાં એવી ચીમકી પણ ઉચ્ચારી છે કે જો આ પ્રશ્ન આગામી ૧૫ દિવસમાં હલ નહિ કરવામાં આવે તો ખેડૂતો જેતપુર ખાતે સંબંધિત વીજ કચેરીઓ સામે આંદોલનના મંડાણ કરશે.
(કશ્યપ જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨)


