અનુયાયીઓ

શનિવાર, 29 ડિસેમ્બર, 2018

પગથીયા ઉતરતા ગબડી પડ્યાનો એડીનો બનાવ હત્યામાં ફેરવાયો જેતપુરમાં પુત્રવધુએ પુત્રીના સહારે સાસુનું ઢીમ ઢાળી દીધું


બનાવનું કારણ જાણવા પોલીસ તપાસનો ધમધમાટ શરુ : બનાવ શા માટે બન્યો તે બાબતે સગા સંબંધીઓ અજાણ



જેતપુર શહેરમાં ગઈકાલે અમરનગર રોડ પર અમીધારા એપાર્ટમેન્ટમાં પગથીયા ઉતરતા ગબડીને વૃદ્ધા મોતને ભેટ્યા હોવાનું પોલીસમાં જાહેર થયા બાદ આ બનાવ હત્યાનો હોવાનું બહાર આવતા જેતપુર પોલીસે વૃધ્ધાની પુત્રવધુ અને પૌત્રી સામે ખુનનો ગુનો નોંધાતા ચકચાર મચી છે. વૃદ્ધાની હત્યાનું રહસ્ય હજુ અકબંધ છે. અન્ય પરિવારજનો બનાવ વિષે વધુ કાઈ જાણતા નથી અથવા તો કોઈ વાત છુપાવતા હોય, પીઆઈ વી.આર.વાણીયાએ તપાસનો દૌર શરુ કરી હત્યામાં સંડોવાયેલ માતા પુત્રીની શોધખોળ આદરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ જેતપુરમાં અમરનગર રોડ પર અમીધારા એપાર્ટમેન્ટમાં રહેતા રતનબેન અશોકભાઈ જલુ નામના ૬૨ વર્ષના વૃદ્ધા ગઈકાલે અકસ્માતે પગથીયા ઉતરતી સમયે ગબડી પડતા તેમનું મોત થયાનું જણાવી વૃદ્ધાની લાશને હોસ્પીટલે પહોચાડાઈ હતી. અહી ફરજ પરના તબીબોએ પોલીસને જાણ કરતા પોલીસે વૃદ્ધાના પીએમની વિધિ શરુ કરાવવા કવાયત હાથ ધરી હતી.

પણ વૃદ્ધાની લાશ શંકાશ્પદ જણાતા જેતપુર સિવિલ હોસ્પિટલ સુત્રોએ રતનબેનના મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવવાનું જણાવતા જેતપુર પોલીસ રતનબેનની લાશ લઈને રાજકોટ પહોચી હતી. અહી ફોરેન્સિક રીપોર્ટમાં રતનબેનને કોઈ હાથીયારના માથા પર ઘા ઝીંકવાથી મોત થયાનું બહાર આવતા પોલીસ પણ ચૌંકી હતી.


દરમીયાન જેતપુર શહેર પોલીસના પીઆઈ વી.આર.વાણીયાએ તાત્કાલિક તપાસ શરુ કરતા રતનબેનના પુત્રવધુ રેખાબેન કનુભાઈ અશોકભાઈ જલુ તેમજ તેમની પુત્રી હેતલબેન કનુભાઈ અશોકભાઈ જલુ ભેદી સંજોગોમાં ગુમ હોય, શંકાના દાયરામાં આવી જતા આ માતા પુત્રી સામે રતનબેનના ખુનનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે. માતાપુત્રી પકડાયા ના હોવાનું પોલીસ જણાવે છે પણ બનાવ શા માટે બન્યો
અને કારણ શું ? તે માટેના તથ્ય માટે જેતપુર શહેર પોલિસના પીઆઈ વી.આઈ.વાણિયાનો સંપર્ક થઇ શક્યો ના હોય, બનાવનું કારણ અકબંધ છે.
બીજીબાજુ મૃતક રતનબેનના પુત્રી વર્ષાબેન મુકેશભાઈ નાગદાનભાઈ જાદવ-આહીરની ફરિયાદ પરથી પોલીસે રતનબેનની પુત્રવધુ અને પુત્રવધુની દીકરી સામે ગુનો નોંધી બંનેની શોધખોળ આદરી છે. બનાવ બાબતે જમાઈ મુકેશભાઈ નાગદાનભાઈ આહિરે જણાવેલ કે તેઓ ઘટનાથી અજાણ છે. તો કુટુંબીજન એવા રફાળાના ગીગાભાઈએ પણ બનાવથી અજાણતા વ્યક્ત કરી હતી. પોલીસ કહે છે કે, રેખા અને હેતલ પકડાયે બનાવનું સાચું કારણ જાણી શકાશે. બનાવે જેતપુરના આહીર સમાજમાં ચકચાર જગાવી છે.

ઉત્તરાયણ પર ચાઈનીઝ તુક્કલ, અને દોરાના વેચાણ પર પ્રતિબંધ - રાજકોટ શહેર પોલીસ કમિશ્નરનું જાહેરનામું



- જાહેરમાર્ગ પર ટ્રાફિકને અવરોધ ઉભો થાય તે
રીતે જાહેરમાં ઘાસચારો વેચવાની પણ મનાઈ


ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની મજા લોકો અને પક્ષીઓ માટે સજા ન બને તે માટે રાજકોટમાં ચાઈનીઝ તુક્કલ અને લેેન્ટર્નના ઉત્પાદન, વેચાણ અને ઉડાવવા ઉપર પ્રતિબંધ મુકાયો છે. આ ઉપરાંત ચાઈનીઝ દોરાનો પતંગ ઉડાવા માટે ઉપયોગ કરવા પર મનાઈ ફરમાવાઈ છે.


પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે આ અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરી જણાવ્યું કે, ઉત્તરાયણને લઈને આગામી તા.૩થી લઈ તા.૧૬ સુધી ચાઈનીઝ તુક્કલ કે ચાઈનીઝ લેન્ટર્નના ઉત્પાદન, વેચાણ અને ઉડાવવા પર પ્રતિબંધ મુકાયો છે. આ ઉપરાંત શહેરમાં જાહેરમાર્ગ કે મકાનનાં ભયજનક ધાબા ઉપર ચડી પતંગ ઉડાવવા, જાહેર જનતાને ત્રાસ થાય તે રીતે મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા, પતંગ પર ઉશ્કેરણીજનક લખાણો લખી ઉડાવવા, રસ્તા પર પતંગ ઉડાવવા, કપાયેલા પતંગો અને દોરાઓ મેળવવા માટે હાથમાં લાંબા ઝુંડાઓ, વાસના બાંબુઓ, પટ્ટીઓ સહિતની વસ્તુઓ લઈ જાહેરમાર્ગ, શેરીઓ ગલ્લીોમાં દોડાદોડી કરી ટ્રાફિકને અવરોધ ઉભો કરવા, જાહેર માર્ગ પર ગૌપાલકો દ્વારા જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરવા કે જેના કારણે રસ્તા વચ્ચે ટ્રાફિક અવરોધ થાય તેના પર અને પતંગ ઉડાવવા માટે ચાઈનીંઝ દોરાનો ઉપયોગ કરવા પર તા. ૩ થી તા.૧૬ સુધી આ કૃત્યો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ચાઈનીઝ તુક્કલ સેંકડોની તાદાતમાં લોકો દ્વારા ઉડાવવામાં આવે છે. અને તેને કારણે આગ લાગવાના બનાવો પણ સામે આવે છે.

બોગસ બિલિંગ કૌભાંડ અંતર્ગત ગોંડલમાં છ વેપારી પેઢી પર જીએસટી વિભાગના દરોડા


ગોંડલમાં બોગસ બિલિંગ કૌભાંડનું ભૂત ઘણા મહિનાઓથી ધૂણી રહ્યું છે. એ અન્વયે તપાસ આગળ હાથ ધરતા એસજીએસટી વિભાગે ગોંડલમાં છ વ્યાપારી પેઢી પર દરોડા પાડયા હતા. ભેળવાળાના નામે જીએસટી રજીસ્ટ્રેશન મેળવી બોગસ બિલિંગ કરાતું હોવાનું ધ્યાનમાં આવતા આ કવાયત હાથ ધરવામાં આવી હતી. તેના લીધે કરચોરોમાં ભયનું મોજું ફરી વળ્યું હતું.


જીએસટી વિભાગની ટીમોએ આજે વિષ્ણુજી રીફાઇનરી, જયભોલે ઇન્ડસ્ટ્રીઝ, લક્ષ્મી કોટન જીન પ્રાઇવેટ લિમિટેડ, ગીતા ઓઇલ મીલ, પ્રિયાંશ એન્ટરપ્રાઇઝ તથા એગ્રી કોટન એન્ટરપ્રાઇઝમાં દરોડા પાડવામાં આવ્યા હતા. હિસાબી સાહિત્ય કબજે કરી તેની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. મોટાપાયે કરચોરી બહાર આવવાની આશંકા સેવવામાં આવી રહી છે.

એક અકાઉન્ટન્ટના ઘરે પણ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ભેળના જે ધંધાર્થીના નામે જીએસટી નંબર મેળવીને બોગસ બિલિંગ કરાતું હતું તે યુવાનને અધિકારીઓએ દરોડામાં સાથે રાખ્યો હતો. કરચોરીનો આંકડો કેટલો છે તે અંગે જીએસટી વિભાગ દ્વારા હાલ મૌન સેવવામાં આવી રહ્યું છે.

જીએસટી વિભાગ દ્વારા થોડા સમય પહેલા પાડવામાં આવેલા દરોડામાં એક મેટાડોર ભરાય એટલું સાહિત્ય કબજે કરવામાં આવ્યું હતું. હજુ તો ગણ્યાગાંઠયા સામે જ તપાસ થઈ છે. બીજા કેટલાયનો વારો હજુ બાકી છે. ત્રણ ખૂણિયા પાસે આવેલા દલાલની પેઢીમાંથી જપ્ત કરવામાં આવેલા સાહિત્યમાંથી કોના-કોના નામ બહાર આવશે તે અંગે પણ ચર્ચા અને ચિંતા શરૂ થઈ છે.

જીએસટી તંત્ર દ્વારા હાલ જે કાર્યવાહી કરવામાં આવી છે તે શાક-બકાલાની જેમ વેચાતા બોગસ બિલ પર રોક લગાવશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

ગોંડલ નજીક ઓઈલ ફેકટરીમાં ભીષણ આગ:મગફળી - તેલ ખાખ

- રાજકોટ, ધોરાજી, જેતપુરનાં ફાયર ફાઈટરોની પણ લેવાઈ મદદ

- ૩૦ હજાર ગુણી મગફળીનાં જંગી જથ્થા સાથે તેલ ભરેલો ૨૦૦ ટનનો મોટા ટાંકો પણ આગની ઝપટે ચડતા અફડા - તફડી


ગોંડલ - રાજકોટ નેશનલ હાઈવે પર ભરૂડી ગામના પાટિયા પાસે આવેલી ઓઈલ ફેકટરીમાં અચાનક આગ લાગતા આશરે ૩૦ હજાર જેટલી મગફળીના જથ્થામાં આગ પ્રસરી જવા પામી હતી. જયારે જથ્થાની બાજુમાં જ તેલના ટાંકામાં પણ આગ લાગતા ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવ્યો હતો.


પ્રાપ્ત વિગતો મુજબ, ગોંડલની પટેલ કોલોનીમાં રહેતા અને ભરૂડી ટોલનાકા પાસે શ્રીયા પ્રોટીન્સ પ્રાઈવેટ લિમિટેડ નામે ઓઈલ ફેકટરી ધરાવતા ડાયાભાઈ પટેલના કારખાનામાં આશરે ૩૦ હજાર ગુણી મગફળીના જથ્થામાં આગ લાગતા પળભરમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ ગોંડલ ફાયર ફાઈટરને કરાતા ફાયર ટીમ તુરંત દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો.

આગને કાબૂમાં લેવા માટે રાજકોટ, જેતપુર તેમજ ધોરાજી સહિતના ફાયર ફાયટરોની મદદ લેવાઈ હતી. ઘટનાની જાણ પ્રાંત અધિકારી તેમજ મામલતદારને થતાં તેઓ પણ દોડી ગયા હતાં. તાલુકા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આગ કયા કારણોસર લાગી તે મોડી સાંજ સુધી બહાર આવ્યું ન હતું.
મગફલીના જથ્થાની પાસે જ તેલ ભરવા માટેના ૨૦૦ ટનના ૫ મોટા ટાંકા આવેલા હોય જેમાંના એક

ટાંકામાં પણ આગ લાગવા પામી હતી. પરંતુ ફાયરફાયટરોએ પાણીનો મારો ચલાવતા આગ આગળ વધવા પામી ન હોવાનું પી.એસ.આઈ. અજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું. આગની ઘટના અંગે ઓઈલ મીલ વર્તુળોએ જણાવ્યું હતું કે, ત્રીસ હજાર મગપળીી ગુણી એટલે એક હજાર ટન મગફળી ગણી શકાય જેની કિંમત આશરે ચાર કરોડ આંકી શકાય છે.

ખાખડાબેલા ગામે દાદીમાએ ડામ દિધેલા બાળકનું સારવાર દરમિયાન મોત : અરેરાટી


     
રાજકોટ જીલ્લાના પડધરી તાલુકાના ખખડાબેલા ગામે એક આદિવાસી વૃદ્ધાએ પોતાના રાજ્યની અંધશ્રદ્ધાને અહી પણ પુરવાર કરવા 4 દિવસના પૌત્રને ધગધગતા સળીયાના ડામ દીધા બાદ આ બાળકનું ગઈકાલે સાંજે સારવાર દરમીયાન મોત થતા  જાણકારોમાં હાયકારા સાથે અરેરાટી ફેલાઈ છે. આજે આ બાળકનું ફોરેન્સિક પીએમ કરી પોલીસ ધોરણસરની કાર્યવાહી હાથ ધરશે તેવું જાણવા મળે છે .
પ્રાપ્ત વિગતો મુજબ પડધરી તાલુકાના ખાખડાબેલા ખાતે નંદુભાઈ અરવિંદસિંહ દરબારની વાડીયે  રહીને ખેત મજુરી કરતા આદિવાસી પરિવારના લક્ષ્મીબેનને આઠેક દિવસ પહેલા બાળકનો જન્મ થયો હતો. જન્મ થયા બાદ બાળક  ગુરુશંકા કરતો ના હોય, ઝાડાની તકલીફ હોવાનું માની લઈને ઇન્દરસિંગ સિંગલાસિંગ આદિવાસીના 4 દિવસના બાળકને દાદી ગજરાબેને ધગધગતા સળીયાના ડામ દેતા તેમને સારવાર માટે કે.ટી.ચિલ્ડ્રન હોસ્પીટલમાં દાખલ કરાયો હતો.

જ્યાં ગઈકાલે સાંજે આ બાળકનું સારવાર દરમિયાન મોત થયાનું સિવિલ હોસ્પિટલ સુત્રોએ જાહેર કરતા હોસ્પિટલ પોલીસ ચોકી સ્ટાફે જરૂરી કાર્યવાહી વચ્ચે આજે બાળકનું ફોરેન્સિક પીએમ કરાવવાની વિધિ આદરી છે.જો બાળકનું મોત ડામ દેવાથી થયાનું ફોરેન્સિક રીપોર્ટમાં બહાર આવશે તો દાદી સામે ગુનો નોંધાશે.

તબીબી સુત્રોના કહેવા મુજબ આ બાળક કુદરતી થપાટનો ભોગ બન્યો હોય તેમ ગુરુશંકાની જગ્યાજ ના હોવાની વાત બહાર આવતા તબીબી સુત્રો પણ ચોંકી ગયા હતા. હાલ આ બાળક પર ઓપરેશન ક્રિયા કરી ગુરુશંકા માર્ગ ખુલ્લો કરી બાળકને સારવાર અપાઈ રહી હતી. પણ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
અત્રે એ નોંધનીય છે કે આજે દેશ અને રાજ્યમાં તેમજ રાજકોટ જીલ્લામાં અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમો સમયાંતરે યોજાતા રહે છે. સરકાર પણ કરોડો રૂપિયાના ખર્ચે જાહેરાતો આપી અંધશ્રદ્ધાથી કાયમી દુર રહેવાની ચેતવણી આપતી હોય છે. પણ નીરક્ષર પરિવારો આવી જાહેરાતોથી બિલકુલ દુર હોય, અંધશ્રદ્ધાના બનાવો બનતા રહે છે.

રાજકોટમાં સતના પારખા કરાવવા ધગધગતા તેલમાં મહિલાના હાથ બોળાવ્યા

સિવિલ હોસ્પિટલમાં સિક્યુરીટી વિભાગમાં નોકરી કરતી મહિલા સાથે બન્યો બનાવ
  ;  એક તો પૈસા ઉછીના આપ્યા ને ઉઘરાણી કરતા અંધશ્રધ્ધાના રવાડે ચડાવેલી મહિલા દાઝી  : ધુતારાઓએ મહિલાને પૈસાના વરસાદની લાલચ આપી રૂપિયા 90 હજાર  પડાવી લીધા :5 શખ્શો સામે શારદાબેન થારુંની પ્ર.નગર પોલીસમાં ફરિયાદ અરજી : પોલીસ તપાસનો ધમધમાટ શરુ
:ઈજાગ્રસ્ત મહિલાને જમણા હાથની આંગળીઓમાં પ્લાસ્ટિક સર્જરી કરવી પડશે


"લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે" તેવી કહેવત વધુ એક વખત સાબિત કરતો અંધશ્રદ્ધાનો કિસ્સો રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સલામતિ દળની એક મહિલા સાથ બનવા પામ્યો છે. જો કે ઉછીના રૂપિયાની માંગણી શરુ કરાતા હંબગ વાતો ઉપજાવી કાઢી એક મહિલા સહીત 5 શખ્શોએ સિક્યુરીટી તંત્રની મહિલાને ધગધગતા તેલમાં હાથ બોળાવી,  પૈસાનો વરસાદ થવાની લાલચ આપી રૂપિયા 20 હજાર પાછા દેવાની વાતમાં અંધશ્રદ્ધામાં ભોળવી વધુ રૂપિયા 90 હજાર પડાવી લેવાનો કારસો સફળ બનાવ્યાની એક ફરિયાદ અરજી દાઝી ગયેલી મહિલાએ પ્રદ્યુમણ નગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી છે.


પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટની ઝનાના હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર વિભાગની ઉપર શારદાબેન હરિભાઈ થારું નામની કચ્છી મહિલા સિક્યુરીટી વિભાગમાં નોકરી કરે છે. ગઈ તા.13-12 ના રોજ શારદાબેન સાંજના સમયે ફરજ પર હતા ત્યારે ઝનાનાં વિભાગમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતી રુક્શાનાબેન તેમની પાસે આવી હતી. અને કહેવા લાગી હતી કે "તું મારા અને ઓકસીઝ્નવાળા નિલેશબાપુના સંબંધો બાંટે જે ખોટી વાતો કરે છે તેના સાતકબુલા માટે તારે કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલ સામેના મેલડી માતાજીના મંદિરે ગરમ તેલના તાવમાં હાથ બોળવા આવવું પડશે.

આવી વાતથી શારદાબેન ગભરાઈ ગયા હતા. બીજીબાજુ શારદાબેન નોકરી પરથી છૂટ્યા ત્યારે ત્યાં ઓક્સીઝ્ન પ્લાન્ટમાં નોકરી કરતા નિલેશબાપુ, લાખાભાઈ તેમનો દીકરો સંજય ધાક ધમકી આપી શારદાબેનને મેલડી માતાજીએ મંદિર બળજબરીથી લઇ ગયા હતા. જ્યાં સંજયની પત્ની તેમજ અન્ય એક કર્મચારી હતો. આ સમયે રુક્શાના અને તેમનો પતિ પણ મંદિરે આવીને "તું અમારા સંબંધો બાબતે કેમ હોસ્પીટલમાં ખોટી વાતો કરે છે ? " તેવું કહી ચપલ વડે માર મારવા લાગ્યા હતા.

દરમિયાન નીલેશ, લાખાભાઈ, સંજય અને સંજયની પત્ની તેમજ એક અન્ય મળી તમામે શારદાબેનનો જમણો હાથ ચુલા પર ઉકળતા તેલના તપેલામાં ત્રણ વખત બળજબરીથી બોળાવતા  શારદાબેન સખત રીતી દાઝી જતા સારવાર માટે ઈમરજન્સી વિભાગમાં દાખલ થયા હતા. આ બનાવની કોઈને વાત કરીશ તો નોકરીમાંથી કઢાવી મુકીશું તેવી પાંચેય શારદાબેનને ધમકી આપી હોય ત્યારે પોલીસ ફરિયાદ કરી નહોતી. અહી સારવાર દરમીયા તબીબોના અભિપ્રાય મુજબ શારદાબેનને આંગળીમાં પ્લાસ્ટિક સર્જરી કરવી પડે તેવી ગંભીર ઈજાઓ હાથમાં થઇ હતી.

આ બાબતે પ્રદ્યુમન નગર પોલીસમાં ફરિયાદ અરજી કરી શારદાબેને ન્યાયની માંગણી કરી છે. અરજીમાં શારદાબેને જણાવ્યું છે કે, બનાવનું મૂળ કારણ તો ઉછીના પૈસા પરત નાં આપવા માટે બન્યો છે. પોલીસે અરજી પરથી જરૂરી તપાસ હાથ ધરી છે.