ગોંડલ નજીક ઓઈલ ફેકટરીમાં ભીષણ આગ:મગફળી - તેલ ખાખ
- રાજકોટ, ધોરાજી, જેતપુરનાં ફાયર ફાઈટરોની પણ લેવાઈ મદદ
- ૩૦ હજાર ગુણી મગફળીનાં જંગી જથ્થા સાથે તેલ ભરેલો ૨૦૦ ટનનો મોટા ટાંકો પણ આગની ઝપટે ચડતા અફડા - તફડીગોંડલ - રાજકોટ નેશનલ હાઈવે પર ભરૂડી ગામના પાટિયા પાસે આવેલી ઓઈલ ફેકટરીમાં અચાનક આગ લાગતા આશરે ૩૦ હજાર જેટલી મગફળીના જથ્થામાં આગ પ્રસરી જવા પામી હતી. જયારે જથ્થાની બાજુમાં જ તેલના ટાંકામાં પણ આગ લાગતા ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, ગોંડલની પટેલ કોલોનીમાં રહેતા અને ભરૂડી ટોલનાકા પાસે શ્રીયા પ્રોટીન્સ પ્રાઈવેટ લિમિટેડ નામે ઓઈલ ફેકટરી ધરાવતા ડાયાભાઈ પટેલના કારખાનામાં આશરે ૩૦ હજાર ગુણી મગફળીના જથ્થામાં આગ લાગતા પળભરમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ ગોંડલ ફાયર ફાઈટરને કરાતા ફાયર ટીમ તુરંત દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો.
આગને કાબૂમાં લેવા માટે રાજકોટ, જેતપુર તેમજ ધોરાજી સહિતના ફાયર ફાયટરોની મદદ લેવાઈ હતી. ઘટનાની જાણ પ્રાંત અધિકારી તેમજ મામલતદારને થતાં તેઓ પણ દોડી ગયા હતાં. તાલુકા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આગ કયા કારણોસર લાગી તે મોડી સાંજ સુધી બહાર આવ્યું ન હતું.
મગફલીના જથ્થાની પાસે જ તેલ ભરવા માટેના ૨૦૦ ટનના ૫ મોટા ટાંકા આવેલા હોય જેમાંના એક
ટાંકામાં પણ આગ લાગવા પામી હતી. પરંતુ ફાયરફાયટરોએ પાણીનો મારો ચલાવતા આગ આગળ વધવા પામી ન હોવાનું પી.એસ.આઈ. અજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું. આગની ઘટના અંગે ઓઈલ મીલ વર્તુળોએ જણાવ્યું હતું કે, ત્રીસ હજાર મગપળીી ગુણી એટલે એક હજાર ટન મગફળી ગણી શકાય જેની કિંમત આશરે ચાર કરોડ આંકી શકાય છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો