અનુયાયીઓ

શુક્રવાર, 29 મે, 2015

જેતલસર ખૂન કેશના ચોથા આરોપીને ઝડપી લેતી તાલુકા પોલીસ 
જેતલસર તા.29
જેતલસરના દલિત યુવાનની હત્યા કેશમાં સંડોવાયેલ ચોથા આરોપીને પણ જેતપુર તાલુકા ફોજદાર કરમટીયાએ ઝડપી લઇ તેને પણ રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે. જયારે અગાઉ પકડાયેલા અને 3 દિવસના રિમાન્ડ પર લેવાયેલા ત્રણેય આરોપીઓએ આજે રીમાન્ડના બીજા દિવશે પણ કઈ નવી વિગતો ઓકતા ના હોય પોલીસ મુંજવણ ભરેલી સ્થિતિમાં તપાસ આગળ ધપાવી રહી છે.
આ અંગે મળતી વિગતો મુજબ જેતલસર ના દલિત યુવાન મહેશ જેન્તી ગોહેલની જુના મન દુઃખને કારણે તેનાજ કૌટુંબિક બે ભાઈ સમાન મિત્રો જેતલસરના જીતેશ હીરા ગોહેલ અને કિરણ ભલા ગોહેલ ના સહારે જુનાગઢના સાગર બાબુ રાઠોડ અને સમીર ઉર્ફે જયેશ ઉર્ફે ભૂરો દેવશી ચાંડપ્પા એમ ચારેયે હત્યા કરી નાંખતા જેતલસર પંથકમાં ચકચાર જાગી હતી. 
બીજીબાજુ જેતપુર તાલુકા પીએસઆઈ  આર.એન.કરમટીયાએ માત્ર્રા મૃતક મહેશ ગોહેલના લોહીવાળું ટીશર્ટ અને ચપલને આધારે ગણતરીની કલાકોમાં મહેશને ઢાળી દેનારા 2 જેતલસરના સહીત 3 ને પકડી પાડ્યા હતા. જયારે ભૂરિયો દેવશી (રહે. મૂળ વેરાવળ તાલુકાના ઉમવાળા) નાશી છૂટ્યો હતો. પોલીસે ભૂરિયાની શોધખોળ વચ્ચે જીતેશ, સાગર, અને કિરણને જેતપુરની કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માંગણી કરતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. જે રીમાન્ડના આજે બીજા દિવશે પણ ઉક્ત ત્રિપુટીએ જેતપુર તાલુકા પોલીસને કોઈ અસરકારક વિગતો કે કબુલાત આપી નથી.
પરંતુ મહેશની હત્યા બાદ ભાગતો ફરતો ભૂરિયો જૂનાગઢમાં હોવાની બાતમી પરથી આજે તાલુકા ફોજદાર કરમટીયાએ સ્ટાફના ગૌત્તમભાઈ ત્રીવેદી , અનિલભાઈ વિગેરેને સાથે રાખી આજે જુનાગઢના રાજીવનગરમાં ત્રાટકી ત્યાં રહેતા ભૂરિયાને દબોચી લઇ જેતપુર લઇ આવ્યા હતા. ભુરીયાએ પોલીસ ટ્રીટમેન્ટ વચ્ચે મહેશના ખૂનમાં વપરાયેલ મૂળ લોહીવાળી છરી આજે રોડ પરના રસિકભાઈના મકાનની કંપાઉંડ વોલ પાસે દાટી હતી તે કાઢી આપી હોવાનું ફોજદાર કરમટીયા જણાવે છે. 
તાલુકા પોલીસે આજે પકડાયેલા ભૂરિયાને પણ રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.
તાલુકા પોલીસે એમ પણ જણાવેલ કે ચારેય ખૂનીઓ પકડાઈ ગયા છે પણ મહેશની લાશનું લોકેશન બતાવવામાં ચારેય ગલ્લા તલ્લા કરતા હોય, મહેશની લાશ મળવી મુશ્કેલ હોવાનું ખુદ પોલીસને સ્વીકારવું પડે તેવી હાલત ઉભી થઇ છે.
કશ્યપ જે. જોશી જેતલસર 9974262812

અમરનગર જૈન દેરાસરમાં ધ્વજારોહણ કરાયું 
જેતપુર તા.29
તાજેતરમાં જેતપુરના અમરનગર ગામે જૈન દેરાસરમાં દેવળકીના વયોવૃદ્ધ વણિક બટુકલાલ મહેતાના અધ્યક્ષસ્થાને ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધર્મપ્રેમી જનતા, જેતપુર ટેલીફોન એક્ષચેન્જના અધિકારી સોનીગ્રા, વડીયા બ્રહ્મસમાજના અશ્વિનભાઈ મહેતા, દેરાસરના પુજારી ભીખુભાઈ, બેંકસુત્રો વિગેરેની હાજરીમાં મહાવીર ભગવાનની પૂજા અર્ચના બાદ ધામધૂમથી ધ્વજારોહણ કાર્યક્રમ સંપન્ન કરાયો હતો. આ તકે ઉપસ્થિત ભાવિકોને બટુકભાઈ મહેતાએ પ્રસાદ અને પ્રભાવના આપી હતી.
ફોટો : કશ્યપ જોશી જેતપુર - 9974262812

જેતપુરમાં બ્રહ્મ છાત્રોને મફત પાઠ્ય પુસ્તકો વિતરણ કરાશે

શ્રી પરશુરામ સેના દ્વારા 
જેતપુરમાં બ્રહ્મ છાત્રોને મફત 
પાઠ્ય પુસ્તકો વિતરણ કરાશે
જેતપુર તા.29
જેતપુર શહેર અને તાલુકા વિસ્તારમાં વસતા અને ધો.1 થી 12 માં અભ્યાસ કરતા બ્રહ્મસમાજના વિદ્યાર્થી બાળકોને પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ વિના મુલ્યે પાઠ્ય પુસ્તકો આપવાનું આયોજન શ્રી પરશુરામ સેના જેતપુર દ્વારા આયોજન કરાયું છે. જેનો લાભ લેવા ઈચ્છાતા છાત્રોના વાલીઓએ ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ 5-6-2015 ધ્યાને લઇ, જરૂરી ફોર્મ્સ, જેતપુરમાં જુના પાંચ પીપળા રોડ પર આવેલ જ્ઞાન જ્યોત વિદ્યાલય ખાતેથી મેળવી લેવા તેમજ વધુ વિગતો માટે 98258 11278 / 99981 94790 મો. ઉપર સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

જેતપુરમાં અખિલ સૌરાષ્ટ્ર ઝાલોરી પિંજારા 
મુસ્લિમ પરિવારના પ્રથમ સમુહલગ્નનું આયોજન 
જેતપુર તા.29
ઝાલોરી પિંજારા મુસ્લિમ સમાજ એજ્યુકેશન-ચેરીટેબલ ટ્રસ્ટ, જેતપુર દ્વારા તા.31.5. ને રવિવારે અહીના મહાત્મા ગાંધી રોડ પર આવેલ તાલુકા શાળા ખાતે અખિલ સૌરાષ્ટ્ર ઝાલોરી પિંજારા મુસ્લિમ પરિવારના સૌ પ્રથમ સમૂહલગ્નોત્સવનું આયોજન કરાયું છે. 
જેતપુરના ઉપરોક્ત  આયોજક સંસ્થા સાથે બાગે મુસ્તુફા યંગ કમિટી-જેતલવડ, બાગે મુસ્તુફા કમિટી-રાણપુર, બાગે મુસ્તુફા કાદરીયા યંગ ગ્રુપ ધોરાજી, બાગે મુસ્તુફા યુવા સર્કલ જુનાગઢ, બાગે મુસ્તુફા યુવા મંડળ  બાગે મુસ્તુફા યંગ કમિટી મોણવેલ એમ તમામ કમિટીઓની સેવા અને મુસ્લિમ સમાજના અગ્રણીઓની હાજરીમાં 11 નવયુગલો નિકાહ પઢનાર હોય, ઝાલોરી પિંજારા મુસ્લિમ સમાજના લોકોએ સમૂહલગ્નનો લાભ લેવા સમૂહ લગ્ન સમિતિ જેતપુરના પ્રમુખ મહેબુબભાઈ પઠાણ, મંત્રી રફીકભાઈ તર્ખેસા વી. નો અનુરોધ છે.
કશ્યપ જે. જોશી જેતપુર 99742 62812



જેતપુર પાલિકાએ દેરડી રોડ પર બનાવેલ

ધર્મપ્રેમી જનતાની માંગને ધ્યાને લઈને 
જેતપુર પાલિકાએ દેરડી રોડ પર બનાવેલ 
મૃત પશુના ઓરડાનું 8મીએ લોકાર્પણ 
જેતપુર તા.29 જેતપુરના દેરડી રોડ પર નગર પાલિકાએ સ્વભંડોળમાંથી મૃત પશુઓને ખોલવા માટે બનાવેલા 2 ઓરડાનું આગામી 8.6.2015 ના રોજ લોકાર્પણ થનાર હોવાનું પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા જણાવે છે.
મળતી વિગતો મુજબ જેતપુરના સારણના પુલ વિસ્તારમાં ખુલી જગ્યાએ મૃત પશુઓને ખોલવાનું કામ થતું હોય, આ વાત ધર્મપ્રેમી જનતા માટે કાયમ માથાના દુખાવા સમાન બની રહેતી. આ વાતનું તાકીદે નિવારણ લાવી આ પ્રકિયા કોઈ બંધ મકાનમાં કરાઈ તેવી અવારનવારની માંગોને ધ્યાને લઇ, જેતપુર નવાગઢ નગર પોલીકાએ સ્વભંડોળમાંથી દેરડી રોડ પર 2 રૂમ બાંધી આપ્યા છે. જે બાંધકામની ચકાસણી માટે તાજેતરમાં પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, પાલિકા ઉપપ્રમુખ, વણકર સમાજના પ્રમુખ માધાભાઈ ડાયાભાઇ વેગડા,હરિભાઈ મંગાભાઈ બગડા, સોમાભાઈ બારોટ અને સિંઘલ, જેઠાભાઈ વાઘેલા વી. એ મુલાકાત લીધી હતી.
ફોટો : કશ્યપ જોશી જેતપુર 9974262812
 

દુવિધા બસસ્ટેન્ડની :

દુવિધા બસસ્ટેન્ડની :
જેતપુર-સોમનાથ ફોરલાઈન કામગીરી કરતી કંપનીએ જેતલસરમાં બસસ્ટેન્ડ ઉભું કર્યું છે. પણ સંબંધિત તંત્રએ આ બસસ્ટેન્ડમાં કોઈ પણ પ્રકારની બેઠક વ્યવસ્થા ઉભી કરી ના હોય, પ્રસ્તુત તસ્વીરમાં દેખાઈ રહ્યા મુજબ લોકોને બેસવું પડે છે. આ બાબતે તત્કાલીલ ઘટતું કરવા ગામના ખોડિયાર પાનવાળા શૈલેશ(ગીધો)વલ્લભભાઈ ઠુંમર સહિતના જાગૃત માણસોએ માંગ કરી છે.
ફોટો લાઈન : કશ્યપ જોશી જેતલસર