જેતપુરના યાર્ડમાં શરુ થયેલ સીસીઆઈ કેન્દ્રના અધિકારીઓ દ્વારા કપાસની ખરીદીમાં વ્હાલાદવલાની નીતિ
વપરાતા ખેડૂતોમાં રોષ
યાર્ડ ચેરમેન દિનેશ ભુવાની ચીમકી : તો પછી ખેડૂતો હાથમાં નહિ રહે
જેતપુર તા.20
જેતપુરની યાર્ડમાં કપાસની ખરીદી માટે રાજ્યમંત્રી જયેશ રાદડિયા, સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા તેમજ યાર્ડના ચેરમેન દિનેશ ભૂવાના સંગીન પ્રયાસો વચ્ચે સીસીઆઈનું કેન્દ્ર શરુ થતા ખેડૂત આલમ ખુશ છે. પણ કપાસની ખરીદી માટે જેઓને જવાબદારી સોંપાઈ છે તેવા સીસીઆઈના અધિકારીઓ કપાસની ખરીદીમાં ભેદભાવની નીતિ અખત્યાર કરતા હોવાની ફરિયાદ બાદ ચેરમેન દિનેશ ભુવાએ ચીમકી ઉચ્ચારી છે કે આ બાબતે ઘટતું નહિ કરાય તો ખેડૂતો આંદોલનાત્મક માર્ગો શરુ કરતા રોકી નહિ શકાય..
મળતી વિગતો મુજબ જેતપુરની યાર્ડમાં હાલના દીવસોમાં જેતપુર, ભેસાણ, વડીયા, કુંકાવાવ, બગસરા, ધોરાજી, જામકંડોરણા, ઉપલેટા વિગેરે તાલુકાઓમાંથી બહોળી સંખ્યામાં ખેડૂતો પોતાનો કપાસ સીસીઆઈ કેન્દ્રમાં વેંચવા આવી રહ્યા છે. પણ સીસીઆઈ કેન્દ્રના અધિકારીઓ પત્તીવાળા, પીળી ટચવાળા તથા કોડીવાળા કપાસ તરફથી મોઢું ફેરવી આ કપાસ નબળી ગુણવત્તાવાળો છે તેવા બહાના ધરી કપાસ ખરીદીમાં વ્હાલાદવલા અને ભેદભાવ ભરેલી નીતિ અખત્યાર કરી રહ્યા હોય, દુર દુરથી કપાસ વેંચવા જેતપુર આવતા ખેડૂતોમાં ભારે રોષ સાથે અસંતોષ ફેલાઈ રહ્યો છે.
ચેરમેન દિનેશ ભુવા જણાવે છે કે ચાલુ વર્ષે કપાસનું ઉત્પાદન 50 ટકા થયું છે. કપાસની નબળી ગુણવત્તા એ કુદરતી આફત છે. લગ્નસરાની મોસમ પૂરબહારમાં ખીલી છે. ખેડૂતોને પોતાના ભાગીયાઓને છુટા કરવાનો સમય છે.
આવા સમયે કપાસ ખરીદીમાં સંબંધિતોની આવી નીતિ ખેડૂતોને આર્થિક સંકટ અને પાયમાલી તરફ ધકેલશે તો ખેડૂતોને જીવવું હરામ થઇ જશે. ખેડૂતોની આવી કફોડી હાલતને ધ્યાને લઇ જેતપુર યાર્ડમાં સીસીઆઈ કેન્દ્રના કાર્યવાકો નબળી ગુણવત્તાવાળો કપાસ પણ ખરીદ કરીને ખેડૂતોને સહકાર નહિ આપે તો ખેડૂતો નાં છૂટકે આંદોલનનો માર્ગ અપનાવશે તેવી ચીમકી કૃષિમંત્રી બાબુભાઈ બોખીરીયા, રાજ્ય મંત્રી જયેશ રાદડિયા, સાંસદ તથા સીસીઆઈ કેન્દ્રના ઉચ્ચ અધિકારીઓને કરેલી રજુઆતમાં દિનેશ ભુવાએ ચીમકી ઉચ્ચારી છે.
કશ્યપ જોશી જેતપુર જેતલસર 99742 62812