રાજકોટ જીલ્લાના પડધરી તાલુકાના ખખડાબેલા ગામે એક આદિવાસી વૃદ્ધાએ પોતાના રાજ્યની અંધશ્રદ્ધાને અહી પણ પુરવાર કરવા 4 દિવસના પૌત્રને ધગધગતા સળીયાના ડામ દીધા બાદ આ બાળકનું ગઈકાલે સાંજે સારવાર દરમીયાન મોત થતા જાણકારોમાં હાયકારા સાથે અરેરાટી ફેલાઈ છે. આજે આ બાળકનું ફોરેન્સિક પીએમ કરી પોલીસ ધોરણસરની કાર્યવાહી હાથ ધરશે તેવું જાણવા મળે છે .
પ્રાપ્ત વિગતો મુજબ પડધરી તાલુકાના ખાખડાબેલા ખાતે નંદુભાઈ અરવિંદસિંહ દરબારની વાડીયે રહીને ખેત મજુરી કરતા આદિવાસી પરિવારના લક્ષ્મીબેનને આઠેક દિવસ પહેલા બાળકનો જન્મ થયો હતો. જન્મ થયા બાદ બાળક ગુરુશંકા કરતો ના હોય, ઝાડાની તકલીફ હોવાનું માની લઈને ઇન્દરસિંગ સિંગલાસિંગ આદિવાસીના 4 દિવસના બાળકને દાદી ગજરાબેને ધગધગતા સળીયાના ડામ દેતા તેમને સારવાર માટે કે.ટી.ચિલ્ડ્રન હોસ્પીટલમાં દાખલ કરાયો હતો.
જ્યાં ગઈકાલે સાંજે આ બાળકનું સારવાર દરમિયાન મોત થયાનું સિવિલ હોસ્પિટલ સુત્રોએ જાહેર કરતા હોસ્પિટલ પોલીસ ચોકી સ્ટાફે જરૂરી કાર્યવાહી વચ્ચે આજે બાળકનું ફોરેન્સિક પીએમ કરાવવાની વિધિ આદરી છે.જો બાળકનું મોત ડામ દેવાથી થયાનું ફોરેન્સિક રીપોર્ટમાં બહાર આવશે તો દાદી સામે ગુનો નોંધાશે.
તબીબી સુત્રોના કહેવા મુજબ આ બાળક કુદરતી થપાટનો ભોગ બન્યો હોય તેમ ગુરુશંકાની જગ્યાજ ના હોવાની વાત બહાર આવતા તબીબી સુત્રો પણ ચોંકી ગયા હતા. હાલ આ બાળક પર ઓપરેશન ક્રિયા કરી ગુરુશંકા માર્ગ ખુલ્લો કરી બાળકને સારવાર અપાઈ રહી હતી. પણ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
અત્રે એ નોંધનીય છે કે આજે દેશ અને રાજ્યમાં તેમજ રાજકોટ જીલ્લામાં અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમો સમયાંતરે યોજાતા રહે છે. સરકાર પણ કરોડો રૂપિયાના ખર્ચે જાહેરાતો આપી અંધશ્રદ્ધાથી કાયમી દુર રહેવાની ચેતવણી આપતી હોય છે. પણ નીરક્ષર પરિવારો આવી જાહેરાતોથી બિલકુલ દુર હોય, અંધશ્રદ્ધાના બનાવો બનતા રહે છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો