અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા નાણાંકીય વર્ષ 2013-14 માટેનું અંદાજપત્ર સામાન્ય સભામાં બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું. અંદાજપત્રમાં સ્વભંડોળમાં ઉઘડતી સિલક સહિતની આવક રૂા.3692.52 લાખ અને ખર્ચ રૂા.1802.52 લાખ અંદાજવામાં આવ્યો છે અને બંધ સિલક રૂા.1890.52 લાખની પુરાંત દર્શાવે છે. આ બજેટની વિશિષ્ટતા તરીકે ગુજરાત રાજ્યમાં જિલ્લા પંચાયતો પૈકી પ્રથમ વખત જિલ્લા પંચાયત અમદાવાદે જેન્ડર રીસ્પોન્સવી બજેટ પણ તૈયાર કરી સભામાં રજૂ કર્યું છે. જેસ્ત્રી સશકિતકરણની દિશામાં પ્રથમ પગથિયું બની રહેશે.
સામાન્ય સભામાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઇ પટેલે બજેટ રજૂ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી બંછાનિધિ પાની, જિલ્લા પંચાયતના સદસ્યો હાજર રહ્યા હતા.
હવે રાજ્યની સહકારી મંડળીઓની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીઓ સુધારા વિધેયકની જોગવાઇઓને લક્ષમાં રાખી કરવાની રહેશે
રાજ્યની તમામ સહકારી મંડળીઓને તેમની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચૂંટણીઓ 97મો બંધારણીય સુધારો તથા ગુજરાત વિધાનસભા દ્વારા ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ, 1961માં સુધારા વિધેયક જ્યારથી અમલમાં આવે તે જોગવાઇઓને લક્ષમાં લઇને જ કરવા અધિક રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, ગાંધીનગર દ્વારા જણાવાયું છે.
મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન ખાતે સંકલિત બાળ સુરક્ષા અંગે જિલ્લા કક્ષાની કાર્યશિબિર યોજાઇ
ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેકશન સોસાયટી, ગાંધીનગરના સંયુકત ઉપક્રમે સંકલિત બાળ સુરક્ષા યોજના અંતર્ગત જિલ્લા બાળ સુરક્ષા એકમ, અમદાવાદ, સેન્ટર ફોર ડેવલપમેન્ટ, સેવ ધ ચિલ્ડ્રન અને સાથ સંસ્થાના સંયુકત સંકલનથી બાળ સુરક્ષા અંગે એક દિવસ કાર્યશિબિર યોજાઇ હતી.
મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન ખાતે યોજાયેલ કાર્યશિબિરને સંબોધતા અધિક નિવાસી નાયબ કલેકટર શ્રી કે.કે.દૂધાતે જણાવ્યું હતું કે, બાળ ઉછેર મા-બાપ કેન્દ્રિતના રહેતા બાળ વિકાસલક્ષી બનવો જોઇએ. બાળ સુરક્ષા અંગે સમાજમાં જનજાગૃતિ આવે તે માટે સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી સંયુક્ત પ્રયાસ કરવા પડશે. બાળ મજૂરીના દૂષણને દૂર કરવા સમાજ સાથે સૌએ સહિયારા પ્રયાસો કરવા પડશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
એડિશનલ ડી.સી.પી., અમદાવાદ શ્રી ર્ડા. મીરા શ્રીનિવાસે જણાવ્યું હતું કે, બાળ સુરક્ષા અંગે સૌએ સચેત રહેવું પડશે. બાળ તસ્કરી અને બાળકોના શારીરિક માનસિક શોષણ અંગે વધુ જનજાગૃતિ કેળવવી પડશે.
નાયબ શ્રમ આયુકત શ્રી એમ.એસ.પરમારે બાળ મજુરી પ્રથા દૂર કરવાના કાયદાકીય પગલાં તેમજ બાળ મજુર પુનઃવસન સંદર્ભે વિગતવાર માહિતી આપી હતી.
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી એ.એફ.પટેલે સ્વાગત પ્રવચન કરતાં બાળ સુરક્ષા અંગે કાર્યશિબિરનો ચિતાર રજૂ કર્યો હતો.
આ શિબિરમાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી (ગ્રામ્ય) ભાવનાબેન પટેલ, ચાઇલ્ડ હેલ્પ લાઇન પ્રયાસ સાથ, સેવ ધ ચાઇલ્ડ સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ જિલ્લા બાળ સુરક્ષા કોર ગ્રુપ અને ધોળકા, ધંધુકા, બાવળા, વિરમગામ તાલુકા બાળ સુરક્ષા કોરગ્રુપના પ્રોગ્રામ અધિકારી તેમજ નરોડા ભિક્ષુક ગૃહના સંરક્ષક અધિકારી શ્રી દિવ્યાક પરમાર, રમેશભાઇ, જિલ્લા અને તાલુકાના બાળ સુરક્ષા સંદર્ભે જોડાયેલા વિભાગો, કર્મીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો