મિલકતની લે-વેચનાં નાણાંનો વહેવાર ચેકથી જ કરવો
અમદાવાદ :
ધ પ્રીવેન્શન ઑફ મની લૉન્ડરિંગ એક્ટમાં ૧૫મી ફેબુ્રઆરીથી કરવામાં આવેલા સુધારાને કારણે મિલકતની લેવડદેવડમાં રોકડના વહેવારો કરનારા બિલ્ડરો પણ ગમે ત્યારે સોનીઓની માફક મની લૉન્ડરિંગ એક્ટની નવી જોગવાઈઓનો શિકાર બની શકે છે. તેમણે પણ મિલકતની લે વેચના દરેક સોદાઓનો રૅકોર્ડ ૧૦ વર્ષ સુધી સાચવી રાખવો પડશે. ગુનાઈત કામ કરીને મેળવેલા પૈસા પ્રોપર્ટીની ખરીદીમાં નાખવામાં આવ્યા હશે તો તે લેનાર પણ ગુનેગાર ગણાઈ શકે છે. પ્રીવેન્શન ઑફ મની લૉન્ડરિંગ એક્ટમાં કરેલા નવા સુધારાને પરિણામે સામાન્ય ફ્લેટ ધારક પણ ફ્લેટ વેચવામા રોકડાના વહેવારો કરશે તો ફસાઈ શકશે. આ પૈસો ગુનાઈત પ્રવૃત્તિ કરીને મેળવ્યો હોવાનું અને મિલકત વેચનારે જાણી સમજીને તે પૈસા લીધા હોવાનું પ્રસ્થાપિત થાય તો તેવા સંજોગોમાં તે નાણાં જપ્ત કરી લેવામાં આવશે. વેચનારે આ ડેલિબ્રેટલી એટલે કે જાણીબૂઝીને કર્યું હશે તો તે પણ ગુનેગાર ગણાશે. દ્રષ્ટાંત આપીને વાત કરવામાં આવે તો કોઈ વ્યક્તિ જમીન કે ફ્લેટ વેચવા માટે કાઢે છે. આ જમીન કે ફ્લેટ કોઈ પોલીસ કે સરકારી અધિકારી ખરીદે છે. આ ફ્લેટ ક જમીન ખરીદવા માટે તેણે ભ્રષ્ટાચાર કરીને નાણાં મેળવ્યા હશે અને તે રોકડેથી ચૂકવીને ફ્લેટ કે જમીન ખરીદી હશે તો તેના સંદર્ભમાં જમીન કે ફ્લેટ વેચનારને ત્યાં તપાસ થઈ શકે છે. તેની સામે પોલીસ કે સરકારી અધિકારીને બ્લેકના નાણાં વ્હાઈટમા રૃપાંતરિત કરી આપવામાં મદદ કરવાનો આક્ષેપ થઈ શકે છે. બિનહિસાબી નાણાંને વ્હાઈટના નાણાંમાં રૃપાંતરિત કરવામાં મદદગારી કરવાનો આરોપ મની લૉન્ડરિંગ એક્ટના છેલ્લામાં છેલ્લા સુધારાને કારણે લાગી શકશે. આ મદદગારી કરવા બદલ ફ્લેટ કે જમીન વેચનાર પણ દસ વર્ષની જેલની સજાને પાત્ર બની શકે છે. પ્રીવેન્શન ઑફ મની લૉન્ડરિંગ એક્ટની કલમ ૧૨માં જણાવવામાં આવ્યું છે કે આ અંગેનો રૅકોર્ડ રાખવો પડશે અને આ સોદો કોણે ક્યારે કેવા સંજોગોમાં અને કઈ રીતે કર્યો તેની દરેક વિગતો બિલ્ડરોએ સાચવી રાખવી પડશે. તેની સાથે કાગળની થયેલી દરેક આપ-લેની વિગતો દસ વર્ષ સુધી સાચવી રાખવી પડશે. સીધી કે આડકતરી ગુનાઈત પ્રવૃત્તિમાંથી કરેલી આવકને પ્રોસિડ ફ્રોમ ક્રાઈમ- ગુનાઈત પ્રવૃત્તિમાંથી કરેલી આવક ગણવામાં આવશે. આ આવકનો રોકડ વહેવાર કરવામાં સામેલ થનાર દરેક વ્યક્તિ ગુનેગાર ગણાશે. પ્રોપર્ટી ડીલ કરનારા બિલ્ડરોને બેથી ત્રણ વધારાના ફોર્મ ભરાવીને વર્ષો સુધી સાચવી રાખવાની ફરજ પડશે. જોકે આ માટેના નિયમો આગામી એપ્રિલના પ્રથમ પખવાડિયામાં જાહેર થયા પછી પરિસ્થિતિ ક્લિયર થશે. ફાઈનાન્સ એક્ટની સેક્શન ૬૫ હેઠળ રિયલ એસ્ટેટ એજન્ટને રિપોર્ટિંગ એજન્ટ બનાવી દેવામાં આવ્યા છે. રિયલ એસ્ટેટ એજન્ટ તરીકે કામ કરનારાઓએ પણ આ રૅકોર્ડ સાચવી રાખવો પડશે. જે કોઈ વ્યક્તિ સીધી કે આડકતરી રીતે જાણતા કે અજાણતા અથવા તો વાસ્તવમાં (ગુનામાંથી મેળવેલી આવકને છુપાવવામાં, કબજામાં રાખવામાં, હસ્તગત કરવામાં અથવા તો વપરાશ કરવામાં અથવા તો પ્રોજેક્ટ કરવામાં કે દાવો કરવામાં) સંકળાયેલો હશે અને તે આવકને હિસાબી આવક તરીકે દર્શાવવાનો પ્રયાસ કરશે તો તે વ્યક્તિને મની લૉન્ડરિંગના ગુના માટે ગુનેગાર ગણવામાં આવશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો