ડેનિશ વોટર ફોરમના કાર્યમથકનું ઉદઘાટન કરતાં પાણી પુરવઠા મંત્રીશ્રી બાબુભાઇ બોખીરીયા
ગુજરાત સરકારે સ્થાપેલી પાણી પુરવઠા ગ્રીડના ફળસ્વરૂપે ફ્લોરાઇડયુક્ત પાણી મેળવતી વસાહતોની સંખ્યા ૪,૧૮૭થી ઘટીને ૪૦ થઇ: મંત્રીશ્રી બાબુભાઇ બોખીરીયા
ડેનિશ વોટર ફોરમે ભારતમાં સૌપ્રથમ કાર્યમથક સ્થાપવા ગુજરાતની પસંદગી કરી
રાજ્ય સરકાર શુધ્ધ પીવાનું પાણી લોકો સુધી પહોંચાડવા અને પાણીનો થતો બગાડ અટકાવવા કટિબધ્ધ છે. વિશ્વ જળ દિવસની ઉજવણી નિમિત્તે પાણીનાં સ્ત્રોત, ગુણવત્તા અને પાણીનું લીકેજ અટકાવવાનાં ઉદ્દેશ્યથી ગુજરાતના પાણી પુરવઠા મંત્રીશ્રી બાબુભાઇ બોખીરીયાએ આજે ગુજરાત વોટર સપ્લાય એન્ડ સ્યુએજ બોર્ડના સંકુલમાં ડેનિશ વોટર ફોરમના કાર્યમથકનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ડેન્માર્કના ભારત ખાતેના રાજદૂત શ્રીયુત ફ્રેડી સ્વેન ઉપસ્થિત રહ્યાં હતાં. તાજેતરમાં યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત સમીટમાં મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની હાજરીમાં આ અંગેનો સમજૂતીકરાર થયો હતો. ડેનિશ વોટર ફોરમે સમગ્ર ભારતમાં સૌપ્રથમવાર ગુજરાતમાં પોતાનું કાર્યમથક સ્થાપવાનું નક્કી કર્યું તે ઘણી નોંધપાત્ર બાબત છે.
આ પ્રસંગે શ્રી બાબુભાઇ બોખીરીયાએ જણાવ્યુ હતું કે રાજ્યના પ્રત્યેક ગામડાઓ અને શહેરોમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનો રાજ્ય સરકારનો નિર્ધાર સફળ રહ્યો છે. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના કાર્યક્ષમ નેતૃત્વ હેઠળ ગુજરાતમાં રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડનું નેટવર્ક ઉભું કરવામાં આવ્યું છે, જેને પરિણામે ફ્લોરાઇડયુક્ત પાણી મેળવતી વસાહતોની સંખ્યા છેલ્લાં થોડા વર્ષોમાં ૪,૧૮૭થી ઘટીને માત્ર ૪૦ જેટલી રહેવા પામી છે એમ તેમણે જણાવ્યું હતું.
શ્રીયુત ફ્રેડી સ્વેને પાણી પુરવઠાક્ષેત્રમાં ડેનિશ વોટર ફોરમની નિપુણતા, જ્ઞાન અને કાર્યપ્રણાલીના ઉચ્ચ ધારા-ધોરણોની ભુમિકા આપી હતી.
રાજકોટના મેયરશ્રી જનકભાઇ કોટકે કહ્યું હતું કે ડેનિશ વોટર ફોરમે રાજકોટ શહેરમાં પાણીનું લીકેજ અટકાવવા અને ઘરેલુ પાણી પુરવઠા વ્યવસ્થાને મજબૂત બનાવવા અંગે એક પાયલોટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે, જે અંતર્ગત અત્યાધુનિક ટેકનોલોજી અને આંતરરાષ્ટ્રીય અનુભવનો ઉપયોગ કરીને વોટર ઓડિટ હાથ ધરવામાં આવશે અને પાણીના લીકેજ અંગેનો અંદાજ કાઢીને નોન-રેવન્યુ વોટર (એનઆરડબલ્યુ) ઘટાડવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે.
ડેનિશ વોટર ફોરમના પ્રવક્તા શ્રી અંશુલ જૈને જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના કુશળ નેતૃત્વ હેઠળ ગુજરાતમાં રાજ્યવ્યાપી વોટર ગ્રીડ સ્થાપવામાં આવી છે, જે દુનિયાભરમાં આ પ્રકારની સૌથી મોટી વોટર ગ્રીડ છે. આ કારણોસર ડેનિશ વોટર ફોરમે પોતાનું કાર્યમથક સ્થાપવા માટે ગુજરાતની પસંદગી કરી છે.
ઉલ્લેખનીય છે કે ડેનિશ વોટર ફોરમ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયકક્ષાએ પીવાના શુદ્ઘ પાણી, વેસ્ટ વોટર અને જળસ્ત્રોતોના વિષયમાં જ્ઞાનના આદાન-પ્રદાન દ્વારા પાણી પુરવઠાક્ષેત્રને મજબૂત બનાવવાના પ્રયાસોમાં કાર્યરત છે.
આ પ્રસંગે અગ્રસચિવ અને ગુજરાત રાજ્ય પાણી પુરવઠા બોર્ડનાં ચેરમેન ડો. રાજીવકુમાર ગુપ્તા, મેનેજિંગ ડિરેક્ટર શ્રી મહેશ સિંઘ, જીયુડીસીનાં એમ.ડી શ્રી એસ.જે.હૈદર ઉપસ્થિત રહ્યા હતા અને વિશ્વ જળ દિન નિમિત્તે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
રાજયના ત્રીજા નાણાંપંચની વેબસાઇટને ખુલ્લી મુકતા પંચાયત મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા
ગુજરાત રાજય ત્રીજા નાણાંપંચની વેબસાઇટને પંચાયત મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ખુલ્લી મુકવામાં આવી હતી. આ પ્રસંગે શ્રીચુડાસમાએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના સર્વાંગી વિકાસ માટે મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ભાજપા સરકારે દિશાસૂચક કામ કર્યું છે અને આશા વ્યકત કરી હતી કે, રાજય નાણાં પંચ રાજયની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓનો અભ્યાસ કરીને નાગરિકોને તેમના દ્વારા અપાતી સેવાઓ વધુ સુદૃઢ બને તેવા સૂચનો કરશે આ વેબસાઇટના માધ્યમથી રાજયના નાગરિકો નાણાં પંચને પોતાના સૂચનો કરી શકશે.
પંચની વેબસાઇટને ૧૪મું કેન્દ્રીય નાણાં પંચ કેન્દ્ર તથા રાજય સરકારના સબંધિત મંત્રાલયો, રાજયની તમામ જીલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, મ્યુનિસિપલ કોર્પોરેશનો તેમજ નગરપાલિકાઓની સાથે જોડવામાં આવશે આ પ્રસંગે પંચાયત મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા રાજય કક્ષાના પંચાયત મંત્રીશ્રી જયંતીભાઇ કવાડીયા, નાણાંપંચના ચેરમેન ર્ડા. ભરીત ગરીવાલા, પંચના સભ્યશ્રી યમલ વ્યાસ, સભ્ય સચિવશ્રી ડી.એન. પાંડે પંચાયત વિભાગના અગ્ર સચિવશ્રી પી.કે. પરમાર તથા વરિષ્ટ અધિકારીઓ હાજર રહયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજય નાણાં પંચની રચના ફેબ્રુઆરી-ર૦૧૧માં ર્ડા.ભરત ગરીવાલાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. પંચના અન્ય બે નિષ્ણાત સભ્યોશ્રી યમલ વ્યાસ તથા શ્રી દિનેશ ચોકસી છે અને સભ્ય સચિવ તરીકે સનદી અધિકારીશ્રી ડી.એન. પાંડે છે.
નાણાં પંચ રાજયની પંચાયતી રાજ સંસ્થાઓ તથા શહેરી વિસ્તારની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની નાણાંકીય કામગીરીનો અભ્યાસ કરીને તેમને નાણાંની ફાળવણીને લગતી ફોર્મ્યુલાનું સૂચન કરશે તેમજ વહીવટી અને ટેકનીકલ કામગીરી સંદર્ભે યોગ્ય સૂચનો કરશે.
૧૨ હજાર ગામડાં અને ૧૨૧ નગરોને ગુણવત્તાલક્ષી પાણી પહોંચાડવાનો રાજ્ય સરકારનો ભગીરથ પ્રયાસ
સરફેસ વોટરના સહારે ૨૫૦૦ કિમીનું બલ્ક પાઇપલાઇન નેટવર્ક ઉપરાંત ૧ લાખ ૨૦ હજાર કિમીની વિતરણ લાઇનો તથા ૨૦ હજાર સ્ટોરેજ ટેન્ક દ્વારા રાજ્યવ્યાપી ગ્રીડ તૈયાર કરાઇ
૭ હજાર થી વધુ વસાહતોમાં ગુણવત્તાલક્ષી પાણીની સમસ્યાનું નિરાકરણઃ
૪૦ વસાહતોની સમસ્યાના ઉકેલ માટેનું આયોજન
ગુજરાત સરકારે પીવાના પાણીની ગુણવત્તા સંબંધિત સમસ્યાઓનો ઉકેલ લાવવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે. રાજ્યમાં જ્યાં ગુણવત્તાલક્ષી પીવાનું પાણી પહોંચતું નહતું તેવા વિસ્તારોમાં પણ સરફેસ વોટરના સહારે ગુણવત્તાલક્ષી પાણી પહોંચાડવા રાજ્ય સરકારે ૨૫૦૦ કિમીની બલ્ક પાઇપલાઇન નેટવર્ક અને રાજ્યવ્યાપી ગ્રીડ સ્થાપીને પ્રસંશનીય કામગીરી કરી છે.`
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૩-૦૪માં કેન્દ્ર સરકારે પાણીની ગુણવત્તા ચકાસવા માટે સર્વે હાથ ધર્યો હતો, જેમાં રાજ્યમાં ૭,૦૦૦ કરતાં વધુ વસાહતોમાં પીવાના પાણીની ગુણવત્તાને લગતી સમસ્યાઓ જોવા મળી હતી. જેમાં ફ્લોરાઇડ, નાઇટ્રેટ અને ખારાશયુક્ત પાણીની સમસ્યાઓ મુખ્ય હતી. પીવાનું પાણી જમીનમાંથી ખેંચવાને લીધે તથા દરિયો નજીક હોવાને લીધે આવી સમસ્યાઓ ઉદભવતી હતી. રાજ્ય સરકારે આ સમસ્યાઓના નિવારણ માટે પીવાનું પાણી જમીનના પેટાળમાંથી મેળવવાને બદલે સરફેસ વોટર મેળવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને આ માટે રાજ્ય સરકારે ૨,૫૦૦ કિમીનું બલ્ક પાઇપલાઇન નેટવર્ક અને ૧,૨૦,૦૦૦ કિમીની વિતરણ લાઇનો તથા ૨૦,૦૦૦ સ્ટોરેજ ટેન્ક દ્વારા પીવાના પાણીના વિતરણની રાજ્યવ્યાપી ગ્રીડ તૈયાર કરી હતી. અત્યાર સુધીમાં આ ગ્રીડના માધ્યમથી રાજ્યના ૧૨,૦૦૦ ગામડાઓ અને ૧૨૧ નગરો સુધી સરફેસ વોટર પહોંચાડાઇ રહ્યું છે. પરિણામે પીવાના પાણીની ગુણવત્તામાં ભારે સુધારો આવ્યો છે અને સમસ્યાયુક્ત પાણી મેળવતી વસાહતોનું પ્રમાણ ઘટીને માત્ર ૪૦ જેટલું જ રહ્યું છે. હાલની પાણીની અછતની પરિસ્થિતિમાં પણ રાજ્યની ૩૪,૦૦૦ જેટલી વસાહતો માટે માત્ર ૪૦૦ ટેન્કરની જ જરૂર પડી છે, જે રાજ્ય સરકારના પ્રયત્નોની સફળતા દર્શાવે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો