રાજકોટ:ગુજરાતની મહિલાઓ માટે રાજય સરકારે સેવેલી ચિંતા અને ખેવનાનો પુરાવો ખાતમૂહૂર્ત કરાયેલ મલ્ટી એકિટવિટી સેન્ટર છે એમ રાજયના મહિલા, બાલવિકાસ અને શિક્ષણ રાજયમંત્રીશ્રી વસુબેન ત્રિવેદીએ જણાવ્યું હતું.
નાના મવા ચોકડી ખાતે યોજાયેલા સૌજન્યપૂર્ણ સમારોહમાં ૧૯૩૫ ચોરસ મીટરમાં બનનારા મહિલાઓ માટેના મલ્ટી એકિટવિટી સેન્ટરનું ખાતમૂહુર્ત મંત્રીશ્રી વસુબેને કર્યું હતું. આ પ્રસંગે તેમણે અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યું હતું કે, ગુજરાત સ્થાપના દિન નિમિત્તે રાજયમાંથી ગરીબી, કુપોષણ, નિરક્ષરતાને હટાવી નિર્મળ અને આરોગ્યપ્રદ ગુજરાતનું નિર્માણ કરવાની રાજય સરકારની નેમ છે. વીતેલા વર્ષોમાં કરેલા સંકલ્પોને ફળીભૂત કરવા સકારાત્મક પગલા લઇ રહેલી રાજય સરકારને સહયોગ આપવા તેમણે સુજ્ઞ નાગરિકોને અનુરોધ કરતાં ઉમેર્યું હતું કે, ખાતમુહૂર્ત કરેલા કામોનું લોકાર્પણ પણ રાજય સરકારના શાસન કાળમાં જ થાય તે માટે રાજય સરકાર સદા પ્રયત્નશીલ રહી છે. આ મલ્ટી એકિટવિટી સેન્ટરના આયોજન બદલ મંત્રીશ્રી વસુબેને મહાનગરપાલિકાને અભિનંદન આપ્યા હતાં.
પૂર્વ સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આ પ્રસંગે જણાવ્યું હતું કે, જયાં માનવી ત્યાં સુવિધાના અભિગમને વરેલી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બહેનોના ઉત્કર્ષ માટે બનનાર મલ્ટી એકિટવિટી સેન્ટર થકી રાજકોટની બહેનો માટે જિમ્નેશિયમ, લાઇબ્રેરી, આંગણવાડી, મેરેજ હોલ વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ બનાવાશે. રાજકોટ મહાનગરપાલિકાની યશ કલગીમાં ઉમેરાયેલું આ નવું પીછું છે એમ જણાવતા શ્રી રૂપાણીએ આ મલ્ટી એકિટવિટી સેન્ટરના નિર્માણ માટે મહાનગરપાલિકાને અભિનંદન પાઠવ્યા હતાં. અને બહેનોને આ સેન્ટરનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
મંત્રીશ્રી વસુબેન ત્રિવેદીએ રૈયા ચોકડી ખાતે અર્બન રીસોર્સ સેન્ટરનું લોકાર્પણ અને નાના મવા ચોકડી ખાતે તકતી અનાવરણ કર્યું હતું.મ્યુનિસિપલ કમિશ્નરશ્રી અજય ભાદુ,મેયરશ્રી જનકભાઇ કોટક અને ધારાસભ્ય શ્રીમતિ ભાનુબેન બાબરીયાએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતાં.
આ પ્રસંગે પૂર્વ શહેર ભાજપ પ્રમુખશ્રી ધનસુખભાઇ ભંડેરી, શિશુ કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી બીબબેન સમા, બાંધકામ સમિતિના ચેરમેનશ્રી અરવિંદભાઇ રૈયાણી, શહેર ભાજપ પ્રમુખશ્રી ભીખાભાઇ વસોયા, અગ્રણીશ્રી વલ્લભભાઇ દુધાત્રા, ભીખાભાઇ વસોયા, બીનાબેન આચાર્ય, દંડકશ્રી શામજીભાઇ ચાવડા, પૂર્વ મેયર સુશ્રી સંધ્યાબેન વ્યાસ, વિવિધ વોર્ડના કોર્પોરેટરશ્રીઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહયા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી સંજયભાઇ કામદાર તથા આભારદર્શન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. જૈમનભાઇ ઉપાધ્યાયે કર્યુ હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો