અનુયાયીઓ

બુધવાર, 1 મે, 2013

નવસારી ખાતે રાજય સ્‍થાપના દિન-ગુજરાત ગૌરવ દિનની રાજયકક્ષાની થનારી ઉજવણી :

રાજયકક્ષા  ગુજરાત ગૌરવદિવસ ઊજવણી

મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની ઉપસ્‍થિતિમાં

નવસારી ખાતે રાજય સ્‍થાપના દિન-ગુજરાત ગૌરવ દિનની રાજયકક્ષાની થનારી ઉજવણી :

નવસારીઃ ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદી તા.1 લી મે-2013 ને બુધવારના રોજ નવસારી ખાતે રાજય સ્‍થાપના દિન- ગુજરાત ગૌરવ દિનની થનારી રાજયકક્ષાની ઉજવણીના ભાગરૂપે યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્‍થિત રહેશે.

તદ્‌અનુસાર મુખ્‍યમંત્રી શ્રી મોદી તા.1 લી ના રોજ સવારે 9-50 કલાકે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના દાંડી ખાતે ગાંધી સ્‍મારક સ્‍થળની મુલાકાત લઇ, રાષ્‍ટ્રપિતા પૂ. મહાત્‍મા ગાંધી બાપુને પુષ્‍પાંજલિ અર્પશે. ત્‍યારબાદ પ્રાર્થના સભા સ્‍થળની પણ તેઓ મુલાકાત લેશે. મુખ્‍યમંત્રીશ્રી મોદી સવારે 11-00 કલાકે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ઇનોવેટીવ ફાર્મર્સ મીટના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્‍યારબાદ બપોરે 12-40 કલાકે ટાટા હોલ ખાતે આયોજિત યુવા સંમેલનમાં તેઓશ્રી હાજરી આપશે.

મુખ્‍યમંત્રી શ્રી મોદી સાંજે 4-00 કલાકે નવસારીની સંસ્‍કાર ભારતી હાઇસ્‍કુલ ખાતે યોજાનારા ગ્રામહાટ ખાદી હસ્‍તકલા મેળાના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહ્યા બાદ સાંજે 5-30 કલાકે નવસારીના લુન્‍સીકુઇ મેદાન ખાતે પરેડ શો અને ગુજરાત ગૌરવ યાત્રાના કાર્યક્રમમાં હાજરી આપશે. સાંજે 6-05 કલાકે સ્‍વામીનારાયણ મંદિર જમાલપોર ખાતે નેવી બેન્‍ડ અને પુસ્‍તિકાના વિમોચન કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓશ્રી રાત્રે 7-55 કલાકે લુન્‍સીકુઇ મેદાન ખાતે ગુજરાત ગૌરવ દિવસ-2013 ના કાર્યક્રમમાં હાજરી આપશે.

સખીમંડળ ટ્રેડફેરનો પ્રારંભ :

વંશ પરંપરાંગત કલાને જીવંત રાખવા પ્રયાસ : મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલ

ફુડકોર્ટ અને ગ્રામહાટની મુલાકાત લેવા શહેરીજનોને અપીલ :

નવસારીઃ ગુજરાત રાજયકક્ષા ગુજરાત ગૌરવ દિવસ ઉજવણી અવસરે સંસ્‍કાર ભારતી ખાતે યોજાયેલા સખીમંડળ ટ્રેડફેર અને ગ્રામહાટને રાજયના મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ખુલ્લો મૂકયો હતો. મંત્રીશ્રી સહિત નવસારી ધારાસભ્‍ય શ્રી પિયુષભાઇ દેસાઇ, ગણદેવી ધારાસભ્‍ય શ્રી મંગુભાઇ પટેલ, નવસારી જિલ્લા પ્રભારી સચિવ શ્રી એ.કે.રાકેશ, કલેકટર શ્રી જયપ્રકાશ શિવહરે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ.પટેલે ગ્રામહાટ અને સખીમંડળ ટ્રેડફેરની મુલાકાત લીધી હતી. ગ્રામહાટ બે દિવસ ચાલશે.

આ અવસરે યોજાયેલા સમારંભને સંબોધતા મહેસૂલ મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, છેલ્લા દશ વર્ષથી સખીમંડળ ગ્રામહાટ ઘ્‍વારા ગ્રામ્‍ય હસ્‍તકલા પ્રવૃત્તિમાં ઉત્તરોત્તર વધારો થયો છે. બજારની માંગને અનુરૂપ ઉત્‍પાદન થઇ રહ્યું છે. વર્તમાન માંગ પ્રમાણે ડીઝાઇન કરી શકે તે માટે એનઆઇડી મારફતે ફેશન ડિઝાઇનની તાલીમ આપવામાં આવે છે. ગ્રામિણ હસ્‍તકલાને જીવંત રાખવા પ્રયાસ સરકારે કર્યો છે. જેના થકી આવા કલા ધારકોના દિકરા-દિકરીઓને પણ ભણાવી શકશે. ગુજરાત  કલા માટે ખૂબ જ જાણીતું છે. સમાજે પણ આવી કલાને પરંપરાને જાળવી રાખવા મદદરૂપ થવું પડશે.

સંસ્‍કાર ભારતી ખાતે યોજાયેલ સખીમંડળ ટ્રેડફેર અને ગ્રામહાટ પ્રદર્શનીમાં જીવન ઉપયોગી વિવિધ ચીજવસ્‍તુઓ ઉપલબ્‍ધ બનશે. માટીકલાની ચીજવસ્‍તુઓ, બાંધણી, માટીના ઘરેણા, સુશોભન ચીજવસ્‍તુઓ, હસ્‍તકલા તોરણ, દોરીના ઝુલા, મોતીકામ-તોરણ, નખચિત્ર સહિત નવી નવી વેરાયટીઓ ખરીદવાનો અવસર શહેરીજનોને મળશે. કચ્‍છી ભરતકામ, પિફોરા પેઇન્‍ટિંગ જોવા અને ખરીદવાનો તક શહેરીજનોને મળશે.

સખીમંડળ ફુડ કોર્ટમાં નાગલીના રોટલા, ડાંગીકજુ સાથે ગરમાગરમ, ખીચડી-કઢી વગેરેનો આસ્‍વાદ માણવા મળશે. આ પ્રસંગે શ્રી આર.એસ.કિશોરી નિયામકશ્રી, ગ્રામ વિકાસ એજન્‍સીએ સૌનો આભાર વ્‍યકત કર્યો હતો

મહામહિમ રાજયપાલશ્રીનો પ્રવાસ કાર્યક્રમ :

નવસારીઃ ગુજરાતના મહામહિમ રાજયપાલ ડૉ. શ્રીમતી કમલા નવસારી ખાતે યોજાનારા ગુજરાત ગૌરવ દિવસ ઉજવણી કાર્યક્રમમાં હાજરી આપશે.

નિયત કાર્યક્રમ અનુસાર રાજયપાલશ્રી આજે તા.1/5/2013 ના રોજ હેલીકોપ્‍ટર મારફતે બપોરે 2-00 વાગે કૃષિ યુનિવર્સિટીના હેલીપેડ ખાતે આવશે અને 2-15 વાગે નવસારી સરકીટ હાઉસ આવશે. સાંજે 7-50 વાગે સરકીટ હાઉસથી નીકળી સાંજે 8-00 વાગે લુન્‍સીકુઇ નવસારી ખાતે ગુજરાત ગૌરવ દિવસ ઉજવણી કાર્યક્રમમાં હાજરી આપી, રાત્રિરોકાણ સરકીટ હાઉસ ખાતે કરશે. તા.2/5/2013 ના રોજ સવારે 11-00 વાગે કૃષિ યુનિવર્સિટી જઇ, હેલિકોપ્‍ટર મારફતે ગાંધીનગર જવા રવાના થશે.

સામાજીક અને ન્‍યાય અધિકારીતા વિભાગના મંત્રીશ્રીનો નવસારી જિલ્લાના પ્રવાસ કાર્યક્રમ :

નવસારીઃ રાજયના સામાજીક અને અધિકારીતા, રમત-ગમત, યુવા સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના મંત્રી શ્રી રમણલાલ વોરા નવસારી જિલ્લાના પ્રવાસે આવી રહ્યાં છે. તેઓના નિર્ધારિત પ્રવાસ કાર્યક્રમ અનુસાર આજે તા.1/5/2013 ના રોજ બપોરે 12-40 વાગે ટાટા હોલ ખાતે ગુજરાત રાજય સ્‍થાપના દિવસની ઉજવણી નિમિત્તે સ્‍વામી વિવેકાનંદ યુવા સંમેલન, બાલ પ્રતિભાશોધ ઉત્‍સવના પ્રદર્શન અને સ્‍પર્ધાઓના વિજેતાઓને ઇનામ વિતરણ કાર્યક્રમ, સાંજે 17-30 વાગે લુન્‍સીકુઇ, ચાર પુલ પોલીસ ચોકી નવસારી ખાતે પરેડ તથા ગુજરાત ગૌરવ યાત્રા કાર્યક્રમમાં તથા રાત્રે 22-00 વાગે લુન્‍સીકુઇ ખાતે ગુજરાત ગૌરવ દિવસ સન્‍માન સમારો અને નિત્‍ય નૂતન નવસારી મુખ્‍ય સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે અને રાત્રિમુકામ નવસારી ખાતે કરશે. 

નવસારી જિલ્લામાં હથિયારબંધીનો અમલ :

નવસારીઃ નવસારી જિલ્લામાં પ્રવર્તમાન પરિસ્‍થિતિને અનુલક્ષીને કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતી જળવાઇ રહે અને લોકોમાં સુલેહ-શાંતિ રહે તે જરૂરી છે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટ શ્રી બી.કે.કુમારએ મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા ધ્‍વારા સમગ્ર નવસારી જિલ્લામાં તા.30/4/2013 થી તા.13/05/2013 સુધી શષાો, દંડા, તલવાર જેવા હિંસા પહોચાડી શકે તેવી ચીજવસ્‍તુઓ, સ્‍ફોટક પદાર્થો લાવવા લઇ જવા તેમજ સુરૂચિનો ભંગ થાય તેવા કોઇ પણ કૃત્‍યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્‍યો છે. આ જાહેરનામાનો ભંગ કરનારને કેદ અને દંડની સજા થઇ શકે છે. 

સૂરતઃ

ગુજકેટ પરીક્ષાનું એડમીશન કાર્ડ શાળાઓએ 2જી મે સુધીમાં મેળવી લેવું:

સૂરતઃ ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદીમાં જણાવ્‍યા મુજબ તા. 9મી મેના રોજ ગુજરાત રાજ્‍યમાં મેડીકલ અભ્‍યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટેની લેવાનારી ગુજકેટ 2013 ની પરીક્ષાનું એડમીશન કાર્ડ( ફી રસીદ) ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર બોર્ડના વિદ્યાર્થીઓ સિવાયના વિદ્યાર્થીઓને ટપાલ દ્વારા મોકલી આપવામાં આવી છે. ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડના વિદ્યાર્થીઓના એડમીશન કાર્ડ(ફી રસીદ) વિજ્ઞાન પ્રવાહની ઉ.મા. શાળાઓએ તા. 2જી મે ગુરૂવારના રોજ સવારે 11:00થી સાંજે 4:00 વાગ્‍યા દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતેથી મેળવી લેવા જણાવ્‍યું છે. જે ઉમેદવારની હોલ ટીકીટ મળી ન હોય કે ખોવાઇ ગઇ હોય તેવા ઉમેદવારોએ બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી હોલ ટીકીટ( પ્રવેશપત્ર)ની પ્રિન્‍ટ લઇ શકાશે અને તે હોલ ટીકીટ તરીકે માન્‍ય રહેશે.

વ્‍યારા ખાતે અનુસૂચિત જનજાતિના યુવક-યુવતિઓ માટે સ્‍પર્ધાત્‍મક પરીક્ષા અંગેનો તાલીમવર્ગનો શુભારંભઃ

સૂરતઃ તાપી જિલ્લાના મુખ્‍યમથક વ્‍યારા ખાતે અનુસૂચિત જનજાતિના સ્‍નાતક યુવક-યુવતિઓ માટે ટ્રાયબલ સબ પ્‍લાન-વ્‍યારા અંતર્ગત વર્ગ-1 અને 2ની સીધી ભરતી અંગેની પૂર્વતૈયારી રૂપે બે મહિનાના સુધી ચાલનારા તાલીમવર્ગનું ઉદ્દધાટન તાજેતરમાં પ્રાયોજના વટીવટદારશ્રી એ.ડી.બાગુલના વરદહસ્‍તે થયું હતું.

ર.ફ.દાબુ કેળવણી મંડળ સંચાલિત  જે.બી. એન્‍ડ સાર્વજનિક હાઈસ્‍કુલ ખાતે તા.14/6/2013 સુધી એમ બે માસ ચાલનારા અભ્‍યાસક્રમમાં શ્રીજી કેળવણી મંડળ-અમદાવાદના વિષય નિષ્‍ણાત-અનુભવી ફેકલ્‍ટીઝ દ્વારા આદિવાસી ઉમેદવારોને માહિતી અને માર્ગદર્શન પુરુ પાડવામાં આવશે.

આ પ્રસંગે પ્રાયોજના વહીવટદારશ્રીએ આદિવાસી સમાજના યુવક-યુવતિઓ પણ સ્‍પર્ધાત્‍મક પરીક્ષામાં ઉત્‍કર્ષ દેખાવ કરે તે માટે પ્રોત્‍સાહન પુરુ પાડયું હતું. ડિરેકટરશ્રી જગદીશ પટેલે સરકારના ઉચ્‍ચ હોદ્દાઓમાં મળતી સમાજસેવા-પ્રતિષ્‍ઠા અને આત્‍મસંતોષની લાગણીઓ થકી કુંટુબ, સમાજ અને દેશ માટે કામે લાગી જવાનું પ્રેરક ઉદ્દબોધન કર્યું હતું.

આ પ્રસંગે હાઈસ્‍કુલના આચાર્યશ્રી એ.કે.પટેલ તેમજ મોટી સંખ્‍યામાં જિલ્લાના યુવક-યુવતિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

સીટીએસ સ્‍કીમના જુલાઈ 2004 સુધીમાં પાસ થનારા તાલીમાર્થીઓએ પ્રમાણપત્ર લઇ જવુઃં

સૂરતઃ સૂરતની ઔદ્યોગિક તાલીમ સંસ્‍થાના આચાર્યના જણાવ્‍યા પ્રમાણે સીટીએસ સ્‍કીમના જુલાઈ 2004 સુધીમાં પાસ જાહેર થયેલા તાલીમાર્થીઓ પૈકી મોટા ભાગ તાલીમાર્થીના અસલ પ્રમાણપત્ર આવી ગયા છે. સબંધિત તાલીમાર્થીઓ ને તેઓની અસલ પ્રોવિ. માર્કશીટ તથા ફોટો ઓળખકાર્ડ તથા રૂા. 50 સર્ટીફીકેટ ઇશ્‍યુ ફીના રૂબરૂમાં કચેરીમાં કામકાજના દિવસે બપોરે 12થી સાંજે 4ના સમયે રજુ કરી અસલ પ્રમાણપત્ર સાત દિવસમાં લઇ જવા જણાવાયું છે.

સૂરત મહાનગરપાલિકાના ગાર્ડનોમાં ટ્રાફીક શિક્ષણ અપાશેઃ

સૂરતઃ પ્રાદેશિક વાહનવ્‍યવહાર કચેરી દ્વારા Team (Traffic Education & Awareness Mobile) ટ્રાફીક શિક્ષણને લગતી વાન મારફતે ડોક્‍યુમેન્‍ટ્રી ફિલ્‍મ શો તથા ટ્રાફીકને લગતા સાહિત્‍યો થકી ટ્રાફીકના નિયમોની જાણકારી મળે તેવું આયોજન કરવામાં આવ્‍યું છે. રોડ પર જાનહાની, રોડ અકસ્‍માતો નિવારી શકાય તેવા શુભ હેતુથી શહેરના મુખ્‍ય ગાર્ડનોમાં માર્ગ સુરક્ષાના કાર્યક્રમો મે- જુનમાં અનુકૂળ એક દિવસે સાંજે 5:30થી 7:00 વાગ્‍યા દરમિયાન  દરેક બાગ ( ગાર્ડન) માં કાર્યક્રમ આપવામાં આવ્‍યા છે.

સૂરતના સાઉથ વેસ્‍ટ ઝોન વિસ્‍તારમાં આવેલા જવાહર લાલ નહેરૂ ઉદ્યાન, અઠવા ગેટ ખાતે સોમવારે, વેસ્‍ટ ઝોન વિસ્‍તારમાં આવેલા જ્‍યોતીન્‍દ્ર દવે ઉદ્યાન, અડાજણમાં મંગળવારે, નોર્થ ઝોન વિસ્‍તારમાં ડો. શ્‍યામા પ્રસાદ મુખર્જી લેક ગાર્ડન, કતારગામ ખાતે બુધવારે, ઇસ્‍ટઝોનમાં મહારાણા પ્રતાપ ઉદ્યાન, નાના વરાછામાં ગુરૂવારે, સાઉથ વેસ્‍ટ ઝોનમાં ટ્રાફીક ચિલ્‍ડ્રન માર્ક, મજુરાગેટ ખાતે શુક્રવારે  અને સાઉથ વેસ્‍ટ ઝોનમાં સ્‍વ. શેઠ શ્રી નવિનચંન્‍દ્ર મફતલાલ ઉદ્યાન, ભેસ્‍તાન ખાતે શનિવારે આયોજન કરવામાં આવ્‍યું છે.

6ઠ્ઠીએ સંચારી રોગની અટકાયત માટે જિલ્લા સર્વેલન્‍સ અને સંકલન સમિતિની બેઠકઃ

સૂરતઃ સંચારી રોગની અટકાયત માટેની જિલ્લા સર્વેલન્‍સ અને સંકલન સમિતિ અને લેપ્‍ટોસ્‍પારોસીસ અંગેની બેઠક તા. 6ઠ્ઠી મેના રોજ સાંજે 5:00 વાગ્‍યે કલેક્‍ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્‍ટરના અધ્‍યક્ષસ્‍થાને યોજાશે. જેમાં વર્ષ 2012માં નોંધાયેલા પાણીજન્‍ય રોગચાળાની સમીક્ષા, લેપ્‍ટોસ્‍પારોસીસ અટકાયત અને નિયંત્રણ બાબતે ચર્ચા. એન્‍ટી રોડેન્‍ટ એક્‍ટીવીટી બાબતે, નગરપાલિકા અને પા.પુ.બોર્ડ હસ્‍તકની પાણી પુરવઠા યોજનાનાં ક્‍લોરીનેશન, પાઇલાઈન લીકેજની શોધખોળ અને દુરસ્‍તીકરણની ચર્ચા કરવામાં આવશે.

ડાંગ-આહવા

ડાંગ જીલ્લા નાયબ જીલ્લા વિકાસ અધિકારીશ્રી યુ.બી.વસાવા એ ચાર્જ સંભાળ્‍યો..

ગ્રામ્‍ય વિસ્‍તારના વિકાસ માટે કટીબધ્‍ધ..

આહવા : ડાંગ જીલ્લા નાયબ જીલ્લા અધિકારી શ્રી યુ.બી.વસાવા એ આજરોજ વિધિવત ચાર્જ સંભાળી લીધો છે. રાજ્‍ય સરકારશ્રી દ્વારા નાયબ જીલ્લા વિકાસ અધિકારી તરીકે તેમને બઢતી મળેલ છે. ડાંગ જીલ્લાના અંતરિયાળ એવા ગ્રામ્‍ય વિસ્‍તારના વિકાસ માટે તેઓ કટીબધ્‍ધ હોવાનું વ્‍યક્‍ત કર્યું હતું.

શ્રી વસાવા તાલુકા વિકાસ અધિકારી તરીકે ઉમરગામ,હાંસોટ,પંચમહાલ,બનાસકાંઠા , નસવાડી અને છેલ્લે ઉચ્‍છલ તાલુકામાં 1.1/2 વર્ષથી ફરજ બજાવતા હતા. ખૂબ જ ઉત્‍સાહિત એવા વસાવા ડાંગ જીલ્લામાં સેવાની તક મળી હોવાનું જણાવી આદિવાસી વિસ્‍તારમાં ફરજ બજવણી માટે ધન્‍યતાની લાગણી અનુભવી હતી.

ડાંગ જીલ્લાની ભોૈગોલિક પરિસ્‍થિતિની વિગતો મેળવી ગ્રામસભાઓના પ્રશ્નો હલ કરવા,જીલ્લાના પછાત વિસ્‍તારની મુલાકાત લઇને આદિવાસી વિસ્‍તારમાં લોકોને મદદરૂપ બનવાની ખેવના તેમણે વ્‍યક્‍ત કરી હતી. જીલ્લા પંચાયત ના અધિકારી,પદાધિકારી સહિત કર્મચારીઓએ નાયબ જીલ્લા વિકાસ અધિકારીને શુભકામનાઓ પાઠવી હતી.

 

 

 

ટિપ્પણીઓ નથી: