માળીયામીયાણા તાલુકામાં ચાલો તાલુકા કાર્યક્રમ સંપન્ન માળીયા તાલુકાના સરપંચો અને પદાધિકારીઓની ઉપસ્થિતિ
ગુજરાત અરબન ડેવલપમેન્ટ કોરપોરેશનના મેનેજીંગ ડીરેકટરશ્રી એસ.જે.હૈદરની વિશેષ ઉપસ્થિતિ
રાજકોટ
ગ્રામ્ય વિસ્તારના લોકોની સુખાકારીમાં વૃધ્ધી લાવવાના અભિગમ સાથે રાજય સરકારે તાલુકાને વધુ સત્તાઓ સોંપીને વિકાસને ગતિશીલ બનાવવાનો અભિગમ રાખ્યો છે એમ કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીએ જણાવ્યુ હતું.
માળીયા(મીં) તાલુકાના રાસંગપર ખાતે ‘‘ચલો તાલુકે’’ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી બોલતા મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે આજે ગુજરાત સમગ્ર દેશમાં દરેક ક્ષેત્રે મોડેલ રાજય બની રહ્યું છે. ખેતી, પશુપાલન અને ઉદ્યોગના ક્ષેત્રોમાં ગુજરાતની પેટ્રન અપનાવવા દેશના અનેક રાજયો આગળ આવ્યા છે.
રાજય સરકારે ગામડાઓને શહેર જેવા જ બનાવવા શહેર જેટલી જ સુવિધાઓ ગામડાને આપવાની સાથે તાલુકાને જિલ્લાકક્ષાની વહિવટી સત્તા સોંપવાનું આયોજન હાથ ધર્યુ છે. તેના ભાગરૂપે આજે ‘‘ચલો તાલુકે’’ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો હોવાનું જણાવી મંત્રીશ્રી સંઘાણીએ ઉમેર્યુ હતુ કે તાલુકાના અધિકારીઓને સત્તામાં વધારો કરીને ગામડાના લોકોને તેનાજ તાલુકામાં વહિવટી બાબત માટે સરળતા ઉભી કરવામાં આવી છે.
મંત્રીશ્રી સંઘાણીએ જણાવ્યુ કે તાલુકા મથકે દરેક સરપંચ અને અન્ય હોદેદારોને એક સ્થળે એકઠા કરી વિકાસની યોજનાઓની જાણકારી અને તેમના ગામની વિકાસ જરૂરીયાતો જાણવાનો પ્રયાશ કરવામાં આવે છે. ગામડાના વિકાસ માટે સરપંચો અને પદાધિકારીઓને સામુહિક મંથન કરવા તેમણે જણાવ્યુ હતું.
મંત્રીશ્રીએ વધુમાં લોકતાંત્રિક ઢબે ચુંટાયેલી સરકાર સામે થતા આક્ષેપોમાં પ્રજા સત્ય જાણી શકે તેવા ઉદેશથી રાજય સરકારે સર્વોચ્ચ અદાલતના નિવૃત ન્યાયધીશશ્રી એમ.બી.શાહના અધ્યક્ષપદે તપાસ પંચની નિમણુંકનો ઉલ્લેખ કરી જણાવ્યુ હતું કે દેશના સાર્વજનિક જીવનમાં શાસનની પારદર્શિતા માટે ગુજરાત સરકારની આ ઐતિહાસિક પહેલ છે.
ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોરપો.ના મેનેજીંગ ડીરેકટરશ્રી એસ.જે.હૈદરે જણાવ્યુ હતુ કે ભારતના સંવિધાનમાં વિકાસના વિકેન્દ્રીકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે. ત્યારે રાજય સરકારે સત્તાને ગામડા સુધી પહોંચાડીને વિકાસ પ્રક્રિયાને ઝડપી બનાવવાનો સાચો પ્રયાસ કર્યો છે. શ્રી હૈદરે પુ. મહાત્માં ગાંધીજીને યાદ કરી તેમના ગામડા પ્રત્યેના લગાવ અને વિકાસની અપેક્ષાઓ આ કાર્યક્રમ દ્વારા સાર્થક થાય છે તેમ જણાવ્યુ હતું.
તેમણે વધુમાં જણાવ્યુ કે ચલો તાલુકે કાર્યક્રમ દ્વારા આપણે પોતેજ આપણા ગામના વિકાસનું આયોજન કરીશુ અને તેની અમલવારી પણ આપણેજ કરીશું. આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો અંગે સમજાવતા કહ્યું હતુ કે આપણી સ્થાનિક વ્યવસ્થામાં શું છે ? અને શુ ઘટે છે તેમજ આપણી સામે કેવા ભયસ્થાનો અને પડકારો છે તે તમામ બાબતોને આવરી લેવાશે. તાલુકાકક્ષાએ સંકલન અને ફરિયાદ સમિતિની રચનાઓ સહિતની જનસેવાઓ આ કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવી છે. તાલુકા મથકે જ ગામડાના પ્રશ્નો હલ થઇ શકે અને યોજનાઓનું સરળીકરણ સહિતની બાબતો આમાં આવરી લેવામાં આવેલ છે. જે આગામી સમયમાં વિકાસને વધુ વેગ આપશે.
રાજકોટ જિલ્લા કલેકટરશ્રી ડો. રાજેન્દ્રકુમારે ચાલો તાલુકે કાર્યક્રમનો ઉદેશ દરશાવતી ‘‘વિકાસની પરિભાષા’’ સી.ડી.નું પ્રેઝન્ટેશન કર્યુ હતું. ચાલો તાલુકા કાર્યક્રમનો ઉદેશ તાલુકાસ્તરની ટીમને સશકત કરવાનો છે અને આગામી વર્ષોના વિકાસ કામોનું લક્ષ્યાંક નકકી કરવામાં પણ આ કાર્યક્રમ મહત્વનો બની રહે છે. રાજય સરકારનો આ કાર્યક્રમ માટેનો અભિગમ ગામડાના સાર્વત્રીક વિકાસનો હોવાનું અને ગ્રામીણ વિસ્તારના લોકોનું જીવનધોરણ ઉચુ કઇ રીતે આવ તે ચાલો તાલુકાનો અભિગમ છે. તેમણે ગ્રામીણ વિસ્તારોમાં કુપોષણથી પીડાતા બાળકોની કાળજી લેવા તેમજ કન્યા કેળવણીનો દર વધે તે માટે ધ્યાન આપવા તાલુકા ટીમને જણાવ્યુ હતું.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી નલિન ઉપાધ્યાયે રાજકોટ જિલ્લાના વિકાસ અંગેની વિગતો આપતા જણાવ્યુ હતુ કે ગુજરાતનો વિકાસ સમગ્ર દેશમાં મોડેલ સમો છે. જેમાં ગામડાના વિકાસને પ્રાધાન્ય આપવામાં આવેલ છે. આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો વિકાસનું વિકેન્દ્રીકરણ દર્શાવે છે. જિલ્લામાં કૃષિ મહોત્સવના કારણે કૃષિ ઉત્પાદન અને ખેડૂતોની આવકમાં ખુબ મોટો વધારો જોવા મળ્યો છે. ઇ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજના હેઠળ મોટાભાગના ગામડાઓને આવરી લેવામાં આવ્યા છે. ખેલ મહાકુંભ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જિલ્લામાં રમતગમતનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે રૂરબન યોજનાની વાત કરતાં જણાવ્યુ કે પડધરી-ટંકારા કોટડાસાંગાણી જેવા ગામો ભૂગર્ભ ગટર યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. તેમણે સીડમની યોજનાની વાત કરતા જણાવ્યુ કે આ યોજનામાં રૂ. ૭૯૦ લાખ રાજય સરકારે રાજકોટ જિલ્લાને ફાળવ્યા છે. જે અંતર્ગત ગામડામાં વિકાસ કામો હાથ ધરવમાં આવશે. તેમણે ગોકુળગ્રામ યોજના, તીર્થ ગ્રામ યોજના, પાવન ગ્રામ યોજના, સમરસ ગામ યોજના, પંચવટી યોજના અને ગ્રામ વાટીકા યોજનાઓના વિસ્તૃત વિગતો આપી હતી.
મોરબીના પ્રાંત અધિકારીશ્રી એસ.છાકછૂઆકે માળીયામીયાણા તાલુકામાં વિકાસની ક્ષમતા, ઉપલબ્ધ માળખાકીય સુવિધાઓ અને ભવિષ્યમાં ઔદ્યોગિક અને કૃષિ ક્ષેત્રે રહેલી તકોનું ચિત્ર રજુ કર્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે તાલુકામાં સરામીક ઉદ્યોગો, નવલખી બંદર વિસ્તૃતીકરણ, કૃષિ વાવેતરની તકો, જામનગર રોડ તરફ રાજ ધોરી માર્ગની આવશ્યકતા, પૂર્ણ થતા વેપાર ઉદ્યોગ વધે, પવન ઉર્જાના પ્રોજેકટો, મીઠા ઉદ્યોગોમાં અગરીયાઓને રોજગારી, ઝીંગા ઉછેર વગરે તકો પ્રાપ્ત બને તેમ હોવાનું જણાવ્યુ હતું.
માળીયામીયાણાના તાલુકા વિકાસ અધિકારીશ્રી વાઘેલાએ તાલુકાનો કલસ્ટર અહેવાલ રજુ કર્યો હતો.
આ કાર્યક્રમમાં મોરબી માળીયાના ધારાસભ્યશ્રી કાંતિભાઇ અમૃતિયા તેમજ રાજકોટના ધારાસભ્યશ્રી ભાનુબેન બાબરીયા, ગુજરાત ગોપાલક વિકાસ બોર્ડના ઉપાધ્યાક્ષશ્રી દિનેશભાઇ ટોળિયા, રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારધી, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી નાગદાનભાઇ ચાવડા, માળીયામીંયાણા તાલુકા પંચાયત પ્રમુખશ્રી જેસંગભાઇ હૂંબલ તેમજ તાલુકા પંચાયતના પદાધિકારીઓ તથા તાલુકાની ગ્રામ પંચાયતોના સરપંચો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. માળીયા મીયાણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી નીશાબેન કૈલા સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં રાજકોટના નિવાસી અધિક કલેકટરશ્રી એ.બી.ગોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી વાગડીયા સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આભારદર્શન મામલતદારશ્રી ભોજાણીએ કર્યુ હતું.
રાજકોટ લોકમેળામાં ‘‘ગુજરાત’’ પાક્ષિકનું લવાજમ ભરી શકાશેઃ પ્રદર્શન સ્ટોલમાં ખાસ વ્યવસ્થા
રાજકોટમાં રેસકોર્સ મેદાન ખાતે આગામી તારીખ ર૦ થી ર૪ ઓગષ્ટ સુધી કૃષિ સહકાર વિભાગ અને રાજકોટના પ્રભારી મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી અને રાજયના નાણા મંત્રીશ્રી વજુભાઇ વાળાના વરદ હસ્તે ઉદધાટન પામનાર ભાતીગળ લોકમેળામાં પ્રાદેશિક માહિતી કચેરી-રાજકોટ દ્વારા ‘પ્રગતિના પંથે ગુજરાત’ વિષયક વિકાસલક્ષી તસવીર પ્રદર્શન પણ યોજાનાર છે.
આ જ પ્રદર્શન સ્ટોલમાં રાજયના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ‘ગુજરાત’ પાક્ષિકનું લવાજમ પણ સ્થળ પર સ્વીકારી શકાય તેવી વ્યવસ્થા, પ્રાદેશીક માહિતી કચેરી-રાજકોટ દ્વારા ગોઠવવામાં આવી છે.
આ લોકમેળાના ચાહકો-મુલાકાતીઓને આ પ્રદર્શન સ્થળે માત્ર રૂ. પ૦/(પચાસ) ભરી બાર માસ સુધી ‘ગુજરાત’ પાક્ષિક ઘરે બેઠા મેળવવાની આ ઉત્તમ તકનો બહોળા પાયે લાભ લેવા, સંયુકત માહિતી નિયામક-રાજકોટ શ્રી એન.એ.પરમારે જાહેર અપીલ કરી છે.
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આગામી તરણેતર મેળામાં યુવાન ભાઇ-બહેનો માટે જુદી જુદી સ્પર્ધાઓ યોજાશે
રાજકોટ
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ચાલુ વર્ષે ર૦૧૧-૧૨માં તરણેતર જી.સુરેન્દ્રનગર ખાતે તા. ૩૧ ઓગસ્ષ્ટથી ર સપ્ટે-૨૦૧૧ સુધી યોજાનાર લોકમેળા દરમ્યાન આઠમા ગ્રામીણ ઓલિમ્પિકસનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ સ્વર્ણિમ ગ્રામીણ ઓલિમ્પિકસમાં ભાઇઓ માટે ટુંકી દોડ, લાંબી દોડ, ઉંચી કૂદ, લાંબી કૂદ, ગોળા ફેંક, નારીયેળ ફેંક, કુસ્તી, વોલીબોલ, ગેડીદડો, લંગડી, કબડ્ડી, રસ્સાખેંચ, લાકડી ફેરવવી, સ્ટ્રોન્ગેસ્ટમેન, ખાંડના લાડવા ખાવાની હરીફાઇ, અશ્વ દોડ, બળદગાડા દોડ, ઉંટ દોડ, અશ્વ શણગાર હરીફાઇ, અશ્વ હરીફાઇ રેવાલ અને બહેનો માટે ટુંકી-દોડ, લાંબી દોડ, લાંબી કૂદ, ગોળા ફેક, વોલીબોલ, લંગડી, કબડ્ડી, માટલાદોડ જેવી પરંપરાગત રમતોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે તેમજ વિજેતા ખેલાડીઓને આકર્ષક રોકડ પુરસ્કાર આપવામાં આવનાર છે. સ્વર્ણિમ ગ્રામીણ ઓલિમ્પિકસમાં ભાગ લેવા ઇચ્છતી જિલ્લાની ટીમોની તેમજ ઇચ્છુક રમતવીરોની એન્ટ્રીઓ ‘‘શ્રી કે.કે.આચાર્ય, સહાયક નિયામક (યોજના), સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, બ્લોક નં. ૧૪/૩જો માળ, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરને તા. ર૦-૦૮-૧૧ સુધીમાં સમયસર મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. આ અંગેના એન્ટ્રી ફોર્મ દરેક જિલ્લાના સિનીયર કોચશ્રી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતેથી ઉપલબ્ધ થશે તેમ સિનીયર કોચ, ડીસ્ટ્રીકટ સ્પોર્ટસ કોચિંગ સેન્ટર, રાજકોટની યાદીમાં જણાવાયું છે.
ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટીની ગવર્નીંગ બોડીની બેઠક યોજાઇ
જિલ્લામાં થઇ રહેલી આરોગ્ય કામગીરીની સમીક્ષા કરતા કલેકટર ડો. રાજેન્દ્રકુમાર
રાજકોટ
રાજકોટ જિલ્લા કલેકટર ડો. રાજેન્દ્રકુમારે આજે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટીની ગવર્નીંગ બોડીની બેઠકમાં જિલ્લામાં થઇ રહેલી આરોગ્ય કામગીરીની સમીક્ષા કરી હતી.
અધ્યક્ષસ્થાનેથી કલેકટર ડો. રાજેન્દ્રકુમારે તમામ આરોગ્ય અધિકારીઓ તથા કર્મચારીઓએ લક્ષ્યાંક આધારિત કાર્યવાહી પર ભાર મુકવા જણાવ્યુ હતું. અને અન્ય રાજયોની સરખામણીમાં ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે થઇ રહેલી કામગીરીમાં મહતમ ગ્રામ્ય વિસ્તારોને આવરી લેવા અનુરોધ કર્યો હતો.
રીપ્રોડકટીવ ચાઇલ્ડ હેલ્થ, ટી.બી.(ક્ષય), અંધત્વ નિવારણ, કુટુંબ કલ્યાણ, એઇડઝ પ્રીવેન્શન કમિટી તથા એન્ટી રેટ્રો વાઇરલ ટ્રીટમેન્ટ સેન્ટરમાં થઇ રહેલી આરોગ્યલક્ષી કાર્યવાહી અને તેના જુલાઇ-૨૦૧૧ સુધીના અહેવાલો સબંધિત અધિકારીઓએ આ બેઠકમાં રજુ કર્યા હતા. જેને જરૂરી સુધારા વધારા સાથે આ બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી નલિન ઉપાધ્યાય, જિલ્લા આર.સી.એચ.અધિકારી ડો. કતીરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સંઘવી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આચાર્ય, જિલ્લા એપીડેમી ઓફિસર ડો. રાઠોડ,જિલ્લા ક્ષય નિવારણ અધિકારી ડો. લક્કડ, જિલ્લા પંચાયત કવોલિટી મેડીકલ ઓફિસર ડો. ભંડેરી, વિભાગીય નાયબ નિયામક ડો. રૂપાલી મહેતા, જનાના હોસ્પિટલના ઇન્ચાર્જ ડો. મહેતા, જીલ્લા આઇ.ઇ.સી અધિકારી શ્રી એમ.એમ.ઝાલા, બ્લોક હેલ્થ ઓફિસર તથા આરોગ્ય કર્મચારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
ઇશ્વરીયા પાર્ક જન્માષ્ટમીના તહેવારો દરમિયાન ખુલ્લો રહેશે.
રાજકોટ
રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા નિર્મિત વેલી ઓફ વાઇલ્ડ ફલાવર-ઇશ્વરીયા ગાર્ડન, માઘાપર, રાજકોટ શ્રાવણ માસ દરમ્યાન જન્માષ્ટમીના તહેવારો નિમીતે તા. ર૦/૮/૧૧ થી તા. ર૪/૮/૧૧ દરમ્યાન સવારના ૯-૦૦ થી રાત્રીના ૯-૦૦ દરમ્યાન મુલાકાતીઓ માટે ખુલ્લો રાખવામાં આવશે જેની જાહેર જનતાએ નોંધ લેવા રાજકોટના નાયબ કલેકટરશ્રી દિક્ષીતની યાદીમાં જણાવાયું છે.
રાજકોટમા ફરસાણ રૂ. ૧૨૦ના બદલે ૧૦૦ રૂ. કિલ્લો લેખે વેચવા વેપારીઓનો નિર્ણય
રાજકોટ
રાજકોટ શહેરના ફરસાણના વેપારીઓની મીટીંગમાં ફરસાણમાં સ્વૈચ્છિક ભાવ નિયમન માટે બેઠક યોજવામાં આવેલ જેમાં ખાદ્યતેલના તથા અન્ય ચીજવસ્તુઓના ભાવો ધ્યાને લઇ સ્વૈચ્છિક રીતે ગ્રાહકોના હિતમાં ફરસાણના ભાવોમાં ધટાડો કરવા ચર્ચા વિચારણા કરવામાં આવેલ. ચર્ચા વિચારણાના અંતે ફરસાણના વેપારીઓએ ગરમ ગાંઠીયા/ફાફડાના એક કિલોના ભાવો રૂ. ૧૬૦ (ગરમ ગાંઠીયા મરચા,સંભારા સાથે) લેવાતા હતા તેના ભાવો ધટાડી પ્રતિ કિલોએ રૂ. ૧૨૦ અને ફરસાણના પ્રતિ કિલોએ રૂ. ૧૨૦ લેવાતા હતા તેના ભાવ ધટાડી પ્રતિ કિલ્લોએ રૂ. ૧૦૦ લેવા સહમત થયેલ અને તે મુજબ રાજકોટ શહેરમાં અમલવારી કરવાની ખાતરી આપવામાં આવેલ છે. જે બાબતે જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે. આ સ્વૈચ્છિક બાંધણાનો અમલ તા. ૧૮/૮/૧૧થી કરવાનો રહેશે તેમ જિલ્લા પૂરવઠા અધિકારી રાજકોટની યાદીમાં જણાવાયું છે.
રાજકોટના સાંસ્કૃતિક લોકમેળા-૨૦૧૧નું ઉદઘાટન શનિવારે નાણાંમંત્રીશ્રી વજુભાઇ વાળા કરશે.
રાજકોટ
રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર સાંસ્કૃતિક લોકમેળા-૨૦૧૧નું ઉદઘાટન શનિવારે સવારે ૯.૦૦ વાગ્યે નાણાંમંત્રીશ્રી વજુભાઇ વાળા કરશે. રેસકોર્સના ઓપન એર થીયેટર ખાતે યોજાનારા આ ઉદઘાટન સમારંભ પ્રસંગે રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજયના કૃષિ સહકાર અને પશુપાલન મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી મુખ્ય મહેમાન પદે અને અતિથિવિશેષપદે રાજકોટના મેયરશ્રી જનકભાઇ કોટક ઊપસ્થિત રહેશે.
રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે તા.૨૦ થી તા.૨૪ ઓગસ્ટ દરમ્યાન જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પાંચ દિવસનો લોકમેળો યોજાશે. આ મેળાના ઉદઘાટન સમારંભમાં સંસદસભ્યોશ્રી વિજયભાઇ રૂપાણી, શ્રી વિઠ્ઠલભાઇ રાદડિયા, શ્રી કુંવરજીભાઇ બાવળિયા અને સુશ્રી પુનમબેન જાટ, ધારાસભ્યો શ્રીમતિ ભાનુબેન બાબરિયા અને શ્રી ગોવિંદભાઇ પટેલ, રાજકોટ શહેર પોલિસ કમિશ્નર શ્રીમતિ ગીતા જૌહરી, રાજકોટ જિલ્લા પોલિસ અધિક્ષકશ્રી પ્રેમવીરસિંહ યાદવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નલિન ઉપાધ્યાય, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી અજય ભાદુ ઉપસ્થિત રહેનાર છે. રાજકોટની ઉત્સવપ્રેમી જનતાને પાંચ દિવસના આ લોકમેળાનો શાંતિથી લાભ લેવા કલેકટર ડો. રાજેન્દ્ર કુમારે અનુરોધ કર્યો છે.
સેન્ટર ફોર એકસેલન્સ યોજના માટે ટેબલ ટેનિસ, લોન ટેનિસ, સ્વીમીંગ અને સ્કેટીંગની રમતોના ખેલાડીઓ જોગ
રાજકોટ
ગુજરાત રાજયના ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિધ્ધિ મળે, તે માટે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સેન્ટર ફોર એકસેલન્સ યોજના અમલમાં મુકાનાર છે.
આ યોજના હેઠળ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે ટેબલ ટેનિસ, લોન ટેનિસ, સ્વીમીંગ અને સ્કેટીંગની રમતોમાં રાષ્ટ્ર કક્ષાની શાળાકીય સ્પર્ધાઓ તથા જુનિયર નેશનલ ચેમ્પીયનશીપ સુધીની સ્પર્ધાઓમાં મેડલ મેળવી ઉચ્ચ કક્ષાની સિધ્ધિઓ મેળવનાર મેડલીસ્ટ ખેલાડીઓની વર્ષ ૨૦૦૯ અને ૨૦૧૦ના વર્ષની સંપૂર્ણ બાયોડેટા સાથેની માહિતી તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના કોચીઝની સંપૂર્ણ બાયોડેટા સાથેની માહિતી એકત્રિત કરીને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરને મોકલવાની રહેશે. આ યોજનાનો લાભ લેવા માગતા રાજકોટ જિલ્લાના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિધ્ધિ પ્રપ્ત કોચીઝ ખેલાડીઓએ પોતાના સંપૂર્ણ બાયોડેટા સાથેની માહિતી સત્વરે સીનિયર કોચશ્રી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, બ્લોક નં- ૩/૭મો માળ, બહુમાળી ભવન, રાજકોટને મોકલવાની રહેશે, તેમ યાદીમાં જણાવાયું છે.
રાજય સરકારના પ્રોત્સાહનથી ગામડાંઓમાં પ્રાથમિક સુવિધાઓનાં તમામ કામો અને લાભો પ્રાપ્ય બન્યા
માળીયા-મીંયાણા ખાતે ચાલો તાલુકે કાર્યક્રમમાં સરપંચોના પ્રતિભાવો
રાજકોટ
માળીયા-મીંયાણા ખાતે ‘‘ચાલો તાલુકે’’ કાર્યક્રમમાં તાલુકાના ગામોના સરપંચોએ તેમના પ્રતિભાવોમાં જણાવ્યું હતું કે, છેલ્લા દશેક વર્ષ દરમ્યાન રાજય સરકારના પ્રોત્સાહનને પરિણામે ગામોમાં તમામ પ્રાથમિક સુવિધાઓના લાભો પ્રાપ્ત થયા છે, અને ગામડાંઓ સમૃધ્ધિ તરફ આગળ વધી રહયા હોવાના પ્રતિભાવો વ્યકત કર્યા હતા.
રાસંગપર ગામના સરપંચશ્રી મનસુખભાઇએ પોતાના ગામની સિધ્ધિ વર્ણવતા જણાવ્યુ કે ગામમાં તમામ પ્રાથમિક સુવિધાઓ છે. ગામને તિર્થ ગ્રામનો એવોર્ડ મળેલ છે.
કુંતાશી ગામના સરપંચશ્રી ચતુરભાઇ કુંડારીયાએ જણાવ્યુ હતુ કે ગામ લોકો માટે ઘેર ઘેર નળકનેકશન, રોડ રસ્તા તેમજ શિક્ષણ માટે શાળા સંકૂલ સહિત વિકાસ કામો થયેલ છે. ગામને ગોકૂળગ્રામ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. હરિયાળી પ્રોજેકટને કારણે ખેડૂતોને સિંચાઇની સુવિધા પ્રાપ્ત થયેલ છે.
આ ઉપરાંત લક્ષ્મીવાસ ગામના તેમજ અન્ય ગામોના સરપંચોએ પણ પ્રતિભાવોમાં ગામની વિકાસગાથાની ઝલક રજુ કરી હતી.
સરવડ ગામના સરપંચશ્રી મણીભાઇ સરડવાએ જણાવ્યુ હતુ કે છેલ્લા દશ વર્ષમાં મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગામડા બેઠા થયા છે. મારા ગામમાં પ્રાથમિક શિક્ષણથી ઉચ્ચ શિક્ષણની સુવિધા, તથા સો ટકા વિજળીકરણ થયું છે. જયોતિ ગ્રામ બન્યુ છે. પાણી અને રોડ રસ્તાની સુવિધા છે. અત્યાર સુધીમાં ગામમાં પ૦ લાખના વિકાસ કામો કર્યા છે. ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ હેઠળ તળાવના કામો માટે રૂ. રપ લાખના કામો કર્યા છે. ગામ નજીક બંધાતો મચ્છુ-૩ ટુંક સમયમાં પૂર્ણ થશે.
રાજય સરકારે સૌના સાથ સાથે સૌના વિકાસનો મહાયજ્ઞ આરંભ્યો છે
- મંત્રીશ્રી વજુભાઇ વાળા
છેલ્લા દસકામાં થયેલા વિકાસના કારણે સ્વર્ણિમ ગુજરાતનો સ્વર્ણિમ સૂર્યોદય થયો છે
-કાર્યવાહક અધ્યક્ષ શ્રી આઇ.કે. જાડેજા
ચોટીલા તાલુકામાં ‘‘ચલો તાલુકે’’ કાર્યક્રમ યોજાયો
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આજરોજ રાજયના નાણામંત્રીશ્રી અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી વજુભાઇ વાળા તથા સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષશ્રી આઇ. કે. જાડેજાની ઉપસ્થિતિમાં ‘‘ચલો તાલુકે‘‘ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે નાણામંત્રીશ્રી વજુભાઇ વાળાએ જણાવ્યું હતું કે, રાજય સરકારે સમગ્ર ગુજરાતમાં સૌના સાથ સાથે સૌના વિકાસનો મહાયજ્ઞ આરંભ્યો છે. વિકાસની સાથે રાજયમાં શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી કાર્યક્રમ દ્વારા ગુજરાતનું પ્રત્યેક બાળક સુ-સંસ્કારિત શિક્ષણ મેળવે તે માટેનું સામાજીક કાર્ય પણ થયુ છે. સરકારે સ્ત્રી સ-શકિતકરણના કાર્ય દ્વારા સમગ્ર સમાજને સંસ્કારિત બનાવવાનું ઉમદા કાર્ય કર્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાજય સરકારે સત્તાનું વિકેન્દ્રીકરણ કરીને ગામડાઓના વિકાસ માટે તાલુકાને સત્તાઓ આપી છે, ત્યારે પ્રત્યેક વ્યકિતઓએ પણ લોકસેવાના આ યજ્ઞ કાર્યમાં જોડાવું પડશે.
મંત્રીશ્રી વાળાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના પ્રત્યેક ગામ પ્રાથમિક - પાયાની સુવિધાઓથી સભર બને તે માટે ગામડાઓમાં જરૂરિયાત મુજબના કામો પૂર્ણ કરી રાજય સરકારે ગામડાઓને વિકાસથી ધબકતા બનાવ્યા છે. તેમણે ઉપસ્થિત લોકોને ચેકડેમ બનાવવા આહવાન કરતાં જણાવ્યું હતું કે, તમે ચેકડેમ બનાવો જેટલા થાય તેટલા વધુ ચેકડેમ બનાવો આના માટે જેટલા નાણાંની જરૂરિયાત પડશે તે તમને સરકાર આપશે.
આ કાર્યક્રમમાં સ્વર્ણિમ ગુજરાત ૫૦- મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષશ્રી આઇ. કે. જાડેજાએ જણાવ્યું હતું કે, વિકાસ કાર્યો માટે પ્રત્યેક ગામ, પ્રત્યેક તાલુકો એક ટીમ બની કાર્ય કરે અને તેના થકી ગામ-તાલુકો વિકાસની દિશામાં વધુ ઝડપથી આગળ ધપે તેવા શુભ આશય સાથે સમગ્ર ગુજરાતમાં ‘‘ચલો તાલુકે‘‘ કાર્યક્રમ આરંભાયો છે.
કાર્યવાહક અધ્યક્ષશ્રી જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતનો તમામ ક્ષેત્રોમાં થયેલો વિકાસ એ દેશ-દુનિયા માટે મોડેલરૂપ બન્યો છે, રાજયમાં છેલ્લા એક દસકામાં થયેલા વિકાસના કારણે સ્વર્ણિમ ગુજરાતનો સ્વર્ણિમ સૂર્યોદય થયો છે, ત્યારે પ્રત્યેક લોકોએ વિકાસ કાર્યોના ઉપભોકતા ન બનતા તેના પૂરક બનવું પડશે. તેમણે આ તકે પ્રત્યેક ગામ સમરસ બની વિકાસની દિશામાં અગ્રેસર બને તે માટે અધિકારી-પદાધિકારીશ્રીઓને એક ટીમ બની કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરશ્રી પ્રદીપ શાહે જિલ્લામાં થયેલા વિકાસ કાર્યોની પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા રજુઆત કરી વિકાસની વિસ્તૃત સમજણ આપી હતી. તેમણે પ્રત્યેક વ્યકિતઓને રાજય સરકારે આર્થિક વિકાસની સાથે આરંભેલા સામાજીક વિકાસના કાર્યમાં સહયોગી બની ગામ-તાલુકાને વિકાસની દોડમાં આગળ ધપાવવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.પી. પટેલે રાજય સરકારે સમગ્ર ગુજરાતમાં આરોગ્ય - શિક્ષણ સહિતના અનેકવિધ ક્ષેત્રોમાં કટિબધ્ધ બની કાર્ય કર્યું છે, તેમ જણાવી વધુમાં ઉમેર્યું હતુ કે, સમગ્ર સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે સામાજીક ઉત્થાનના કાર્યોની સાથે સરકારે છેવાડાના માનવીઓની ચિંતા કરી છે. તેમણે આ તકે પ્રત્યેક ગામના લોકોને સંપ-સહકારથી ગામ સમરસ બને તે માટે કાર્ય કરી ગ્રામ વિકાસમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.
‘‘ચલો તાલુકે‘‘ ના આ કાર્યક્રમમાં ચોટીલાના પ્રાંત અધિકારીશ્રી જે. કે. પટેલે તાલુકાનું અને કલસ્ટર ઇન્ચાર્જ શ્રી કે.બી. રાણાએ કલસ્ટરના વિકાસ આયોજનનું પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું. જયારે ચોટીલા તાલુકાના પિયાવાના સરપંચશ્રી અશોકભાઇ ખાચર, મોણપરના સરપંચશ્રી રમેશભાઇ સુરાણી તથા ભેટસુડા ગામના સરપંચશ્રી ભીખુભાઇ કુકડીયાએ તેમના ગામમાં થયેલા વિકાસ કાર્યોની રૂપરેખા આપી હતી.
કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે આંગણવાડીના ભૂલકાંઓ માટે દાતાઓ તરફથી પ્રાપ્ત થયેલ ફળોનું વિતરણ આંગણવાડીની બહેનોને કરવામાં કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લાની આંગણવાડીઓના ભૂઇકાંઓને ફળફળાદિ આપવા માટે ચોટીલા તાલુકાના પ્રાથમિક શિક્ષકો તથા ચોટીલા તાલુકાના તલાટી – કમ – મંત્રીશ્રીઓ તરફથી સહાયના ચેક તેમજ કન્યા કેળવણી નીધિ માટેના ચેક મંત્રીશ્રીને અર્પણ કરાયાં હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાઘવેન્દ્ર વત્સ, ધારાસભ્યો સર્વશ્રી વર્ષાબેન દોશી, ભરતભાઇ ખોરાણી, રાકેશભાઇ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બચુભાઇ પટેલ, ઉપપ્રમુખ શ્રીમતી કલ્પનાબેન ધોરીયા, ચોટીલા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી આંબાભાઇ પટેલ, અગ્રણીઓ સર્વશ્રી પી. કે. સિંધવ, રતિલાલ યાદવ, અલકાબેન મોદી, હરદેવસિંહ પરમાર, અનિરૂધ્ધ પઢિયાર, સહિત જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો, અધિકારી - પદાધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં સરપંચશ્રીઓ ઉપસ્થિત રહયાં હતાં.
દ્વારકા ખાતે જન્માષ્ટમી નિમિત્તે જગતમંદિરમાં શ્રીજી દર્શનનો સમય
ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને વધાવવા દ્વારકાવાસીઓ દ્વારા ખાસ તૈયારીઓ કરાઇ છે. ઘરે-ઘરે લીલા તોરણ સાથે મહેમાનોના સ્વાગત માટે દ્વારકાવાસીઓ સજ્જ થયા છે.
જન્માષ્ટમી નિમિત્તે દ્વારકા જગતમંદિરમાં શ્રી દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિ દ્વારા તા. ૨૨/૮/૨૦૧૧ ના રોજ જન્માષ્ટમી ઉત્સવ દર્શનની કરાયેલ વ્યવસ્થા મુજબ શ્રીજીની મંગલા આરતી સવારે ૬-૦૦ કલાકે, મંગલા દર્શન ૬ થી ૮, શ્રીજીના ખુલ્લે પડદે સ્નાન ૮ કલાકે, અભિષેક દર્શન શ્રીજીના સ્નાન ભોગ ૧૦ કલાકે, શ્રીજીનો શ્રૃંગાર ભોગ ૧૦-૩૦ કલાકે, શ્રીજીની શૃંગાર આરતી ૧૦-૪૫ કલાકે, ગ્વાલભોગ ૧૧-૧૫, રાજભોગ ૧૨, અને ૧૨-૪૫ થી સાંજના ૫ કલાક સુધી મંદિર બંધ રહેશે.
શ્રીજીના દર્શન સાંજના સમયમાં ઉથાપન દર્શન ૫, ઉથાપન ભોગ ૫-૩૦ થી ૫-૪૫, સંધ્યાભોગ ૭-૩૦ થી ૭-૪૫, સંધ્યા આરતી ૭-૪૫, શયનભોગ ૮ થી ૮-૧૦ કલાક, શયન આરતી ૮-૩૦ કલાકે અને શયન અનોસર(બંધ) ૯ કલાકે.
શ્રીજીનો જન્મોત્સવ રાત્રે ૧૨ કલાકે ધામધૂમપૂર્વક યોજાશે અને રાત્રીના દર્શન ૨-૩૦ કલાક સુધિ ચાલુ રહેશે.
નોમ ને તા. ૨૩/૮/૨૦૧૧ ના રોજ શ્રીજીના પારણા ઉત્સવ ૭-૦૦ કલાકે, અનોસર(બંધ) ૧૦-૩૦ કલાકે, શ્રીજીના દર્શન સાંજે ઉત્થાપન દર્શન ૫-૦૦ કલાકે, નિત્યક્રમ મુજબ દર્શન ૫ થી ૬ કલાક, દર્શન બંધ શ્રીજીના અભિષેક પૂજા(બંધપડદે) ૬ થી ૭, શ્રીજીના દર્શન ૭ થી ૭-૩૦ સંધ્યા આરતી ૭-૪૫ કલાકે, શયનભોગ ૮-૧૦ કલાકે, શયનઆરતી દર્શન ૮-૩૦ કલાકે, શયન(બંધ) ૯-૪૫ કલાકે થશે.
ઉપરોકત કાર્યક્રમમાં દરેક ભોગ ધરાવવાના સમય દરમિયાન શ્રીજીના દર્શન બંધ રહેશે.
જન્માષ્ટમી નીમીતે દ્વારકા અને બેટ સહીત ૪ સ્થળોએ આરોગ્ય કેન્દ્રો શરૂ કરાશે.
જન્માષ્ટમી નીમીત્તે દ્વારકા આવતા યાત્રિકોને જરૂર પડયે ત્વરીત પ્રાથમિક સારવાર ઉપલબ્ધ બનાવવા ૪ ખાસ આરોગ્ય કેન્દ્રો શરૂ કરાશે.
દ્વારકા ખાતે દ્વારકાધીશ મંદિર ચોક, નાગેશ્વર, ઓખા જેટી પર તથા બેટ મંદિર ખાતે તા. ૨૧, ૨૨ અને તા. ૨૩/૮/૨૦૧૧ ના રોજ મેડીકલ ઓફીસર સાથે આરોગ્ય ટીમ જરૂરી દવાઓ તથા આરોગ્યના સાધનો સાથે ત્રણ દિવસ સુધી તબિબિ સેવાઓ આપશે તેમ દ્વારકાના બ્લોક હેલ્થ ઓફીસર ડો. બી.સી.જેઠવાએ જણાવેલ હતું.
ધ્રોલમાં જિલ્લા માહિતી કચેરી દ્વારા નિબંધ સ્પર્ધા યોજાઇ
જિલ્લા માહિતી કચેરી, જામનગર દ્વારા શ્રી ઉમિયાજી મહિલા પી.ટી.સી. કોલેજ ધ્રોલમાં નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં કુલ ૨૮ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ. ’’ગુજરાતનો કૃષિ વિકાસ’’ પર યોજાયેલ સ્પર્ધામાં રામોલીયા પ્રિતીબેન પ્રથમ તથા નિર્મળ ગુજરાત વિષય પર અનુક્રમે ભીમાણી મયુરી અને કગથરા મીતલ દ્વિતિય અને તૃતિય રહેલ. આમ જિલ્લા માહિતી કચેરીના પ્રયાસને આ બહેનોએ ઉત્સાહભેર આવકારેલ અને ભવિષ્યમાં પણ આવા અન્ય કાર્યક્રમો યોજાય એવી અપેક્ષા રાખેલ. આ ત્રણેય વિજેતા બહેનોને સરકારશ્રી તરફથી રોકડ પુરસ્કાર આપવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવામાં આચાર્યશ્રી બી.જી.કાનાણી તથા અધ્યાપકોએ જહેમત ઉઠાવેલ હતી.
યુવાનો માટે રાષ્ટ્ર સેવામાં જોડાવા અનેરી તક
ભાવનગરમાં તા. ૨૨ થી ૨૮ સપ્ટે. સુધિ આર્મી ભરતી મેળો
યુવાનો માટે રાષ્ટ્ર સેવામાં જોડાવા અનેરી તક છે. આ માટે ભાવનગર ખાતે તા. ૨૨ થી ૨૮ સપ્ટે. સુધિ જામનગરના આર્મી ભર્તી કાર્યાલય ધ્વારા ભરતી મેળો યોજાશે.
જેમાં સોલ્જર જનરલ ડયુટી, સોલ્જર ટેકનીકલ, સોલ્જર નર્સિંગ આસિસ્ટંટ, કલાર્ક, સ્ટોરકિપરની ભરતી કરવા માટે ભાવનગર યુનિવર્સિટી ગ્રાઉન્ડ અથવા સ્ટેડીયમમાં તા.૨૨/૯/૧૧ થી તા.૨૮/૯/૧૧ ના સવારે ૪.૩૦ થી ભરતી મેળો યોજાશે.
જેમાં તા.રર ના સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લાના ઉમેદવારો, તા.૨૩ ના ભાવનગર અને દિવ, તા.૨૪ ના જૂનાગઢ, તા.૨૬ રાજકોટ તા.૨૭ જામનગર, પોરબંદર અને કચ્છ તથા તા.૨૮ ના સર્વિસમેન પુત્ર, માજી સર્વિસમેન પુત્ર, સૈનિક, વિધવા પુત્રને ઉપસ્થિત રહેવાનું રહેશે.
સોલ્જર જનરલ ડયુટી માટે મેટ્રીક પાસ અને સાડાસત્તરથી ૨૧ વર્ષની ઉંમર અને અન્ય કેટેગરી માટે સાડાસત્તરથી ત્રેવીસ વર્ષની વય રહેશે. ઉમેદવારે ધો.૧૦ અને ૧૨નું સર્ટીફિકેટની પ્રમાણિત નકલ, ૮ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફસ, એનસીસી, રમતગમત વગેરેના પ્રમાણપત્રની નકલ પણ આપવાની રહેશે.
તા. ૨૩ ઓગષ્ટના રોજ ધ્વારકા ખાતે રોજગાર માર્ગદર્શન કેમ્પ
તા. ૨૩ ઓગષ્ટના રોજ નગર પંચાયત કચેરી ધ્વારકા ખાતે રોજગાર માર્ગદર્શન કેમ્પ યોજાશે. જિલ્લા રોજગાર કચેરી જામનગર આયોજીત આ કેમ્પમાં નામ નોંધણી, રીન્યુઅલ, વ્યવસાય માર્ગદર્શન, સ્વરોજગાર માર્ગદર્શનની કામગીરી સવારે ૧૦.૩૦ કલાકથી યોજાશે.
તા.૨૪-૦૮-૨૦૧૧ના રોજ યોજાનાર તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં
જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે
અમરેલી
લોકોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ થાય અને લોકોને ઝડપથી અને સરળતાથી ન્યાય મળે તે હેતુથી રાજ્ય સરકારે ફરિયાદ નિવારણ માટેનો સ્વાગત કાર્યક્રમ અમલમાં મૂકેલ છે. લોકોને જિલ્લા કે રાજ્ય સુધી ન જવું પડે તે માટે તાલુકા કક્ષાએ પણ દર મહિનાના ચોથા બુધવારે સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. તાલુકામાંથી કાર્યક્રમ અંગેની બહોળી પ્રસિધ્ધિ કરીને પડતર પ્રશ્નોના નિકાલ માટે સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્નો રજુ કરવા અનુરોધ પણ કરવામાં આવે છે.
તાલુકા કક્ષાએ યોજાતાં સ્વાગત કાર્યક્રમને વધુ અસરકારક બનાવી સફળ બનાવવા વહીવટી તંત્રએ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકપ્રશ્નોનો નિકાલ કરવાની કામગીરી હાથધરી છે. જે અંતર્ગત આગામી તા.૨૪ ઓગષ્ટને બુધવારના રોજ યોજાનાર ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં બાબરા ખાતે કલેક્ટરશ્રી ડી. એ. સત્યા, લીલીયા ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી આલોકકુમાર પાંડે લાઠી ખાતે જિલ્લા પોલિસ અધિક્ષકશ્રી એચ.આર. મુલિયાણા, બગસરા ખાતે નાયબ કલેકટર (અમરેલી) શ્રી જે.બી. બારૈયા, અમરેલી ખાતે નાયબ કલેકટર (સાવરકુંડલા) શ્રી એ.જે. પટેલ, ખાંભા ખાતે નાયબ કલેકટર(લાઠી) શ્રી બી.વી. કોટડ ઉપસ્થિત રહેશે.
જયારે સાવરકુંડલા ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.એમ.સમનીવાલા, વડીયા ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.એસ.ખેડીયા, રાજુલા ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ. એલ. પુંજાણી, ધારી ખાતે નાયબ વન સંરક્ષકશ્રી જે. કે. મકવાણા અને જાફરાબાદ ખાતે નાયબ વન સંરક્ષક(ધારી)શ્રી મુનિશ્વર રાજા ઉપસ્થિત રહેશે.
આથી સંબંધિત તાલુકાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ સબ ઇન્સ્પેકટર, નાયબ કાર્યપાલક ઇજનેર, સી.ડી.પી.ઓ., બ્લોક હેલ્થ ઓફિસર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર તથા જે કચેરીનો પ્રશ્ન હોય તેવા તાલુકાના અને જિલ્લા કક્ષાના અધિકારીઓએ અચૂક હાજર રહીને પ્રશ્નોના નિકાલ માટેની કાર્યવાહી કરવા કલેકટરશ્રી અમરેલીની યાદીમાં જણાવાયું છે.
હોટલ અને ગેસ્ટહાઉસના માલિકોએ રાજયબહારના મુસાફરો અંગે તેમજ મકાન માલિકે ભાડુઆત અંગેની જાણ પોલીસ સ્ટેશનને કરવી
અમરેલી,
વિશાળ દરીયા કિનારો ધરાવતાં અમરેલી જિલ્લામાં પ્રવાસ-પર્યટન અને ધાર્મિક સ્થળો ઘણા આવેલા છે જયાં વિશાળ પ્રમાણમાં દેશ-વિદેશના પ્રવાસીઓ, યાત્રાળુઓ આવે છે. આજ રીતે જિલ્લામાં આવેલ ઔદ્યોગિક એકમોમાં પરપ્રાંતના માણસો કામ-ધંધાર્થે આવે છે.
આવા સંજોગોમાં ત્રાસવાદી પ્રવૃતિ સાથે સંકળાયેલ કોઇ વ્યકિત હોટલમાં આશરો લઇને કે ભાડેથી મકાન લઇને સ્થાનિક માણસો સાથે ભળી જઇ બદઇરાદો પાર ન પાડે તે માટે જાહેર જનતાની સલામતી તથા સુરક્ષા માટે અમરેલીના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.જી. જાડેજાએ જાહેરનામું બહાર પાડેલ છે. આ જાહેરનામુ અમરેલી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૧૨.૮.૨૦૧૧ થી તા.૧૦.૧૦.૨૦૧૧ સુધી અમલમાં રહેશે.
જાહેરનામામાં હોટલ/ગેસ્ટહાઉસના માલિકે અથવા ભાડાથી, રાહતદરે ચાલતી કે સખાવતથી ચાલતી તમામ સરકારી, ધાર્મિક કે ટ્રસ્ટની ધર્મશાળા અને ખાનગી સંસ્થાઓના માલિકે અગરતો માલિકે ખાસ સતા આપેલ વ્યકિતએ રાજય બહારથી આવતા પ્રવાસી/મુસાફરને રૂમ ભાડે આપે ત્યારે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનને નિયત પત્રકમાં પ્રવાસીની સંપૂર્ણ માહિતી આપવાની રહેશે.
જયારે મકાન માલિક અથવા મકાન માલિકે ખાસ સતા આપેલ વ્યકિત જયારે મકાન ભાડે આપે ત્યારે તેની સંબધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઇ વ્યકિતને મકાન ભાડેથી આપી શકશે નહીં. ભાડે આપેલ મકાનની વિગત ભાડુઆત અને સંબધિત દલાલ કે જેઓએ ભાડુઆતની ઓળખાણ આપેલ હોય તેની સંપૂર્ણ જાણ જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનને કરવાની રહેશે. આ ઉપરાંત દર માસે પોલીસ અધિક્ષકશ્રી અમરેલીને પણ માહિતી મોકલવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.
મજૂર કે કારીગરોનું રજીસ્ટર નિભાવી પોલીસ સ્ટેશનને જાણ કરવી
અમરેલી,
બહારના રાજય કે નેપાળ જેવા દેશમાંથી પુષ્કળ પ્રમાણમાં મજૂરો આવીને અમરેલી જિલ્લામાં કામ ધંધો વ્યવસાય કરે છે. પરંતુ માલિકો દ્વારા મજૂર કે કારીગરોની કોઈ પ્રકારની હકિકત કે પુરેપુરી વિગતો રાખવામાં આવતી ન હોવાથી ગુન્હો કરી નાસી છૂટેલ ગુન્હેગારને પકડવા મૂશ્કેલ બની જાય છે.આવા સંજોગોમાં અસામાજિક તત્વો શહેરોમાં તેમજ ગીચ વસ્તીવાળા વિસ્તારમાં ગુપ્ત આશરો લઇને જાહેર જનતાની સલામતી તથા શાંતીનો ભંગ ન કરે તેમજ જાહેર સંપતિને નુકશાન ન પહોંચાડે તે હેતુસર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.જી.જાડેજાએ જાહેરનામું બહાર પાડેલ છે. આ જાહેરનામુ અમરેલી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૧૨.૮.૨૦૧૧ થી તા.૧૦.૧૦.૨૦૧૧ સુધી અમલમાં રહેશે.
અમરેલી જિલ્લાના કારખાના, ઈન્ડસ્ટ્રીઝ, જીનીંગ મીલો, પોર્ટ વિસ્તાર, શીપ યાર્ડ વિસ્તાર, હોટલો અને જમીન માલિકોએ મજૂરી કામે રાખેલ મજૂર/કારીગરનું નામ, વતનનું પુરેપુરૂ સરનામુ, નજીકના પોલીસ સ્ટેશનની વિગત, સહિ સાથેનો ફોટોગ્રાફ, શારીરિક વર્ણન અને મોબાઈલ નંબર, ગુજરાતમાં કેટલા સમયથી કામ કરે છે, તેમજ કોની ઓળખાણથી કામે રાખેલ છે તેની સંપૂર્ણ માહિતીનું નિયત રજીસ્ટર નિભાવવાનું જાહેરનામાથી ફરજીયાત કરેલ છે. આ ઉપરાંત જાહેરનામાથી મજૂરી કામે રાખેલ મજૂર/કારીગરની માહિતી ૨૪ કલાકમાં સંબંધિત પોલીસ સ્ટેશનને કરવાની તેમજ દર મહિને પોલીસ અધિક્ષકશ્રી અમરેલીને પણ માહિતી મોકલવા જણાવેલ છે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.
ગામડાઓમાં જનભાગીદારી થકી પર્યાવરણલક્ષી અભિગમ સાથે ભૌતિક માળખું તૈયાર થશે
પ્રભારી મંત્રી શ્રીમતિ વસુબેન ત્રિવેદી
ગુજરાતમાં અપેક્ષિત વિકાસ થતાં ઉડીને આંખે વળગે તેવી સિધ્ધીઓ હાંસલ થઇ છેઃ
શ્રમ અને રોજગાર મંત્રીશ્રી લીલાધરભાઇ વાઘેલા
ખાંભા ખાતે યોજાયેલ ચલો તાલુકે કાર્યક્રમ
અમરેલી,
પ્રજાપતિ જ્ઞાતિની વાડી-ખાંભા ખાતે પ્રભારી મંત્રી શ્રીમતિ વસુબેન ત્રિવેદીની ઉપસ્થિતિમાં ચલો તાલુકે કાર્યક્રમ સંપન્ન થયો હતો.
રાષ્ટ્રીય વિકાસના પાયામાં ગ્રામ્ય સ્તરેથી થયેલ વિકાસકામો છે. રાજ્ય સરકાર પણ ગ્રામોત્થાન માટે ચિંતિત છે આથી રૂર્બન યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં ભૂગર્ભ ગટરોના કામો હાથ ધરવામાં આવ્યા છે. હવે ગુજરાતના દરેક ગામડાઓમાં સ્વચ્છતાની સાથોસાથ સુવિધામાં વધારો થશે. આ ઉપરાંત આપણા ગામડાઓમાં જનભાગીદારી થકી પર્યાવરણલક્ષી અભિગમ સાથે ભૌતિક માળખું તૈયાર થશે. આમ વિવિધલક્ષી યોજનાઓની સિધ્ધીઓએ સ્વર્ણિમ ગુજરાતની યશોગાથામાં ઉમેરો કર્યો છે. ત્યારે વિકાસની ગતિને વેગ આપવા કદમથી કદમ મિલાવવાના રહે છે, તેમ ઉચ્ચ ટેક્નિકલ, મહિલા અને બાળ આરોગ્ય વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તથા જિલ્લા પ્રભારી મંત્રી શ્રીમતિ વસુબેન ત્રિવેદીએ જણાવ્યું હતું.
વધુમાં મંત્રીશ્રીએ ઉર્મેયુ હતું કે, રાજ્ય સરકારે સમયની માંગ મુજબ વૈવિધ્યસભર અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાવી ડીગ્રીધારી બેકારોનું કારખાનું બનવાને બદલે તાલીમો દ્વારા કુશળ કારીગરો તૈયાર કર્યા છે. આનું જ ઉદાહરણ, ટેમ્પલ મેનેજમેન્ટનો અભ્યાસક્રમ કરેલ મેનેજમેન્ટ કર્મીઓ વિદેશમાં સેવા બજાવી રહ્યા છે. ગુણોત્સવ કાર્યક્રમ થકી શિક્ષણક્ષેત્રે પરિવર્તન લાવવામાં આવ્યું છે. પરિક્ષાઓ યોજીને શાળાઓમાં તાલીમબધ્ધ શિક્ષકોની નિમણૂંક કરવામાં આવી છે.
શ્રમ અને રોજગાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી લીલાધરભાઇ વાઘેલાએ જણાવ્યું હતું કે, ૨૧મી સદી એ ગુજરાતની સદી છે. ગુજરાતમાં છેલ્લા દાયકા દરમ્યાન અપેક્ષિત વિકાસ થતાં ઉડીને આંખે વળગે તેવી સિધ્ધીઓ હાંસલ થઇ છે. આથી અન્ય રાજ્યો ગુજરાતના વિકાસની પેટર્નને અનુસરે છે. ગુજરાતમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં સમતોલ વિકાસનું સૂત્ર મૂર્તિમંત થવા જઇ રહ્યું છે.
મુખ્ય વન સંરક્ષક શ્રી બી.એ. શુક્લાએ ખાંભા સાથે વણાયેલી સ્મૃતિ તાજી કરી રાજ્યભરમાં શરૂ થયેલ વનીકરણની પ્રવૃત્તિની વાત કરી હતી. રક્ષિત જંગલ વિસ્તાર સિવાય વૃક્ષ વાવેતર કરવામાં આવતાં ગ્રીન ગુજરાતનું સ્વપ્ન સાકાર થશે. માળખાકીય સુવિધા ઉભી કરવાની સાથોસાથ તેનો સદઉપયોગ થાય તો વિકાસની પરિભાષા પૂર્ણ થાય છે તેમ જિલ્લા કલેક્ટરશ્રી સત્યાએ કાર્યક્રમનો ઉદેશ્ય અને રૂપરેખા સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું.
નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ખેડિયાએ કુપોષણ અટકાવવા લીધેલ પગલાઓ અને આંગણવાડી કેન્દ્રો તથા મિશન મંગલમ થકી સ્ત્રીસશક્તિકરણના ખ્યાલો દ્રઢ બનતાં હોવાનું ઉર્મયું હતું. આ તકે આંગણવાડીના બાળકોને મંત્રી શ્રીમતિ ત્રિવેદીના હસ્તે ફળ તથા મીઠાઇ વિતરણ કરવામાં આવેલ.
માહિતી ખાતા દ્વારા નિર્મિત ગુજરાત એક ટીમ વીડિયો સી.ડી.નું પણ નિદર્શન કરવામાં આવેલ.
પચપચીયા ગામના સરપંચશ્રી ડાહ્યાભાઇ ઘાસકટા, ગોરાણાના સરપંચશ્રી ભીખાભાઇ સરવૈયા, મોટા સમઢિયાળાના ઉપસરપંચશ્રી હિંમતભાઇ ચુડાસમાએ ગ્રામસ્તરે થયેલ સી.સી. રોડ, નાળાના કામો, સ્મશાન ફરતે દિવાલ અને ચેકડેમ થકી જળસ્તર ઉંચું આવ્યા હોવાની વિગતો રજૂ કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા ખાંભા તાલુકાની સમગ્રલક્ષી વિગતો ધારી પ્રાંત અધિકારીશ્રી ડી.બી. ચોરેરા રજૂ કરી હતી. શરદભાઇ લાખાણી દ્વારા મનુષ્ય તું બડા મહાન હૈ પ્રાર્થના ગીન રજૂ કરનાર વૃંદને રોકડ ઇનામ આપેલ.
આ તકે ગૌ સેવા અધ્યક્ષ શ્રી વલ્લ્ભભાઇ કથીરિયા, ધારાસભ્ય સર્વ શ્રી મનસુખભાઇ ભુવા, હિરાભાઇ સોલંકી, રખિયાલ-અમદવાદના વલ્લભભાઇ કાકડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભૂપતભાઇ માયાણી, ઉપપ્રમુખ શ્રી વઘાસિયા, ટીડીઓશ્રી રાજ્યગુરૂ, જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ, તાલુકાના સરપંચ અને ઉપસરપંચશ્રીઓ, તથા કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.
છાટબાર
અબડાસાએ એક દાયકામાં કપાસ ઉત્પાદનમાં ૨૩૭ ટકા છલાંગ લગાવીઃ
કચ્છમાં સાક્ષરતાનો દર સો ટકા કરવા બધું જ કરી છૂટાશેઃ
નલીયા ખાતે યોજાયેલા ચલો તાલુકે કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીશ્રી રમણલાલ વોરાએ આપેલું માર્ગદર્શનઃ
ભુજ
શિક્ષણમાં ભષ્ટાચાર થાય નહી; અને સંપૂર્ણ પારદર્શિતા જળવાય એ માટે વિધાસહાયકોની ભરતી કેન્દ્રિયકૃત ધોરણે થઇ રહી છે અને આવતા મહિને વધુ નિમણુંકો અપાશે તેવો નિર્દેશ રાજયના શિક્ષણમંત્રીશ્રી રમણલાલ વોરાએ વીર અબડાની ભૂમિ ઉપર નલીયા ખાતે યોજાયેલા ચાલો તાલુકે કાર્યક્રમમાં આપ્યો હતો.
ચાલો તાલુકાના ત્રીજા તબકકાના પ્રથમ ચરણમાં નલીયા મુકામે આયોજિત આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રીએ ગુણવત્તાસભર, સંસ્કારયુકત શિક્ષણ આપવાની રાજય સરકારની પ્રતિબધ્ધતા દોહરાવીને કહયું કે, કચ્છમાં સો ટકા સાક્ષરતા દર થાય તે માટે બધું જ કરી છૂટાશે, હજુ પણ આ સરહદી જિલ્લામાં નિર્ધારિત માળખામા; જેટલી હાઈસ્કૂલ કે ઊચ્ચતર માધ્યમિક શાળાઓ જોઇએ તો અધિકારીઓ-પદાધિકારીઓને આગળ આવવા રમણલાલ વોરાએ હાકલ કરી હતી.
ભૌતિક વિકાસની સાથે સામાજિક ઉત્થાનની દિશામાં કામ થાય તો જ કચ્છની કાયકલ્પ થશે તેવો વિશ્વાસ વ્યકત કરીને શિક્ષણમંત્રીશ્રીએ બેટીબચાવો, કૂપોષણ સામે જંગ, શિક્ષણ પરત્વે જાગૃતિ લાવવા દરેક નાગરિકને સાબદાં બનવા હાકલ કરી હતી. આ તબકકે તેમણે ચિલ્ડ્રન યુનિ., રક્ષા યુનિ. અને કામઘેનુ યુનિ.ની પરિભાષા રજુ કરી હતી અને ઊમેર્યુ કે, ગોવંશના બચાવ અને પશુપાલકોના લાભ માટે રાજય સરકારે લીધેલાં પગલાંની માહિતી આપી હતી.
રાજયના સંસદીય સચિવશ્રી સુંદરસિંહજી ચૌહાણે ગ્રામ પંચાયતો સમરસ થાય તેવા પ્રયત્નો કરવા અનુરોધ કરી ગામના વિકાસ માટે અમલીકૃત યોજનાઓનો વિસ્તૃત ખ્યાલ આપ્યો હતો.
અબડાસા તાલુકાની ચાલો તાલુકે કાર્યક્રમમાં અનેક વિકાસની યોજના સાથે કૃષિ ઉત્પાદકતામાં થયેલા વધારાની વિગતોનું નિદર્શન કરતાં જણાવાયું હતું કે, છેલ્લા એક દાયકામાં મેઘરાજાની કૃપા અને કૃષિ મહોત્સવને કારણે મગફળી, એરંડા અને ઘઉંની ઉત્પાદકતા અને વિસ્તાર વધ્યા છે, પરંતુ કપાસમાં ૨૩૭ ટકાની છલાંગ આ તાલુકાએ લગાવી છે. ૨૦૦૧-૨૦૦૨ માં ૬૧૫૬ હેકટરને બદલે ૨૦૧૦માં તે વધીને ૧૧,૫૦૦ હેકટર જેટલો વિસ્તાર વધ્યો છે જયારે ૫૩૫ હેકટર દીઠ ઉત્પાદનને બદલે ૧૮૦૪ જેટલું હેકટર દીઠ ઉત્પાદન વધુ લેવાય છે. આ નિદર્શન પ્રાંત અધિકારી ડી.ડી.જાડેજાએ કર્યુ હતું.
રાજયના નાણાં વિભાગ સચિવ એસ.અર્પણાએ કહ્યું કે, ગુજરાતનો દરેક નાગરિક સ્વસ્થ, સુરક્ષિત અને શિક્ષિત થાય તે માટે સરકારે પહેલ કરી છે ત્યારે આ માનવીય વિકાસની યાત્રામાં દરેક અધિકારી અને પદાધિકારીઓને જોડાવવાનો અનુરોધ કરતાં સચિવશ્રીએ કહયું કે, કોઇપણ આયોજનમાં સજાગતા સમજ, સક્રિયતા, સહિયારો પરૂષાર્થ અને સાર્થક જેવા પાંચ શબ્દોને ધ્યાનમાં રાખી આયોજન અને તૈયારી કરાશે તો લોકોને મોટો લાભ થશે પણ વ્યકિતગત સંતોષની મોટી મૂડી આયોજકો માટે ઉભી થશે, એમ તેમણે ઊમેર્યુ હતું.
પ્રારંભમાં જિલ્લા કલેકટર એમ.થેન્નારસન અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ પટેલે જિલ્લાના વિકાસ અંગે નિદર્શન કર્યુ હતું. નલીયાના સરપંચશ્રી સતિષભાઇ ઠકકર, મોથાળાના સરપંચશ્રી વીરેન્દ્રસિંહ, કોઠારાના સરપંચશ્રી ચાંપશીભાઇ, કેરવાંઢના સરપંચશ્રી સિધ્ધિકભાઇએ પોતાના ગ્રામ વિસ્તારની છેલ્લા દસ વર્ષમાં થયેલી સિધ્ધિઓનું વર્ણન કર્યુ હતું. સી.ડી.પી.ઓ એચ.વી.રાજશેખાએ કલ્સટર અંગે માહિતી આપી હતી.
આ પ્રસંગે સરદાર સહભાગી સિંચાઇ યોજનાના કચ્છ સૌરાષ્ટ્રના ચેરમેનશ્રી અનંતભાઇ દવે, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ત્રિકમભાઇ છાંગા, ધારાસભ્યશ્રી જયંતીભાઇ ભાનુશાળી, મુન્દ્રા વિસ્તારના રમેશભાઇ મહેશ્વરી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી મૂળરાજ ગઢવી, કિસાન અગ્રણી બટૂકસિંહ જાડેજા, એસ.ટી. નિગમના ડિરેકટર અરજણભાઇ રબારી, તાલુકાના અગ્રણીઓ ઉમરશીભાઇ ભાનુશાળી, અનુભા જાડેજા, પ્રધ્યુમનસિંહ જાડેજા, કે.ડી.સી.સી.ના ચેરમેન સામજીભાઇ કેસરાણી, આરોગ્ય સમિતિના ચેરમેન જયંતિભાઇ ઠકકર, હકુમતસિંહ જાડેજા મહેન્દ્ર દામા, જિલ્લા પોલીસ વડાશ્રી જીતેન્દ્ર રાજગોર, વિગેરે ઉપસ્થિત રહયા હતા.
દરમિયાન પ્રબુધ્ધ નાગરિકોની બેઠકને સંસદીય સચિવશ્રીએ ઉદબોધન કરી માર્ગદર્શન આપ્યું હતું અને કે.ડી.સી.સી.બેંક દ્વારા તાલુકાના લાભાર્થીઓને ટ્રેકટરની લોન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઔધોગિક એકમો મજૂરોની તમામ વિગતો રાખે તે જરૂરી જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડયું
ભુજ
જિલ્લામાં લુંટ, ધાડ અને ચોરીના બનાવો ઉપર અંકુશ આવે અને રાજય અને જિલ્લા બહારથી આવતા અસામાજિક તત્વો ઉપર પુરતી વોચ રહે તેમજ પોલીસ તપાસ માટે વિગતો ઉપલબ્ધ બને તે માટે કચ્છ જિલ્લામાં આવેલ તમામ ઔધોગિક એકમો તરફથી જે લેબર કોન્ટ્રાકટરો પાસેથી મજુરો મેળવવામાં આવે છે, તેઓને કામે રાખતા પહેલા તેઓ બાબતે નામ, સરનામા સહની જરૂરી વિગતો રખાય, તે સુનિચિત કરવું ખુબજ જરૂરી હોવાથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એમ.થેન્નારસન કચ્છ જિલ્લાની મહેસુલી હદમાં આવેલ તમામ ઔધોગિક એકમોએ લેબર કોન્ટ્રાકટર પાસેથી મેળવેલ મજુરો બાબતે કાર્ય પધ્ધતિ મુજબ અમલ કરવાનું જાહેરનામું બહાર પાડયું છે. આ જાહેરનામું સમગ્ર જિલ્લામાં ૨૦/૦૮/૨૦૧૧ થી ૧૮/૧૦/૨૦૧૧ સુધી અમલમાં રહેશે.
દરેક ઔધોગિક એકમોના લેબર કોન્ટ્રાકટરોએ પ્રથમ મદદનીશ મજુર કમિશનરશ્રી, ગાંધીધામ અથવા ભુજ (જેનો વિસ્તાર લાગુ પડે તે પ્રમાણે) પાસેથી નોંધણી કરાવી લેવાની રહેશે. ત્યારબાદ વણ નોંધાયેલ લેબર કોન્ટ્રાકટરોઓ, મજુરો પુરા પાડવાની કામગીરી કરી શકશે નહીં. આ તારીખ પછી લેબર કોન્ટ્રાકટરોએ મજુર પુરા પાડતા પહેલા સબંધિત મદદનીશ મજુર કમિશનરશ્રી, પાસેથી નોંધણી કરાવી લેવાની રહેશે.
ઔધોગિક એકમોએ રોકેલ લેબર કોન્ટ્રાકટરોની માહિતી દર માસે પોલીસ અધિક્ષકશ્રી, કચ્છ-ભુજ/મદદનીશ મજુર કમિશનરશ્રી, ગાંધીધામને આપવાની રહેશે. લેબર કોન્ટ્રાકટરોએ કામે રાખેલ મજુરોની સંપૂર્ણ વિગતે તથા ફોટા સાથેનું રજીસ્ટર નિભાવવાનું રહેશે. તે મદદનીશ મજુર કમિશનરશ્રી, ગાંધીધામ પાસેથી સહી, સિકકા કરાવેલ હોવું જોઇએ. જિલ્લા/રાજય બહારથી પુરા પાડેલ મજુરોનું જે તે જિલ્લા/રાજયનું પુરૂં સરનામું ફોટો સહિત રજીસ્ટરમાં પુરાવાના આધારે નોધવું જોઇએ. કોઇપણ લેબર કોન્ટ્રાકટરો નોંધણી કરાવ્યા સિવાય ઔધોગિક એકમોને મજુરો પુરા પાડી શકશે નહીં. તેવી જ રીતે ઔધોગિક એકમ પણ નોંધણી સિવાયના લેબર કોન્ટ્રાકટરોથી મજુરો મેળવી શકશે નહીં.
નોંધણી મેળવેલ લેબર કોન્ટ્રાકટરોએ જુદા જુદા ઔધોગિક એકમોને પુરા પાડેલ મજુરોની યાદી મદદનીશ કમિશનરશ્રી, ગાંધીધામ તથા પોલીસ અધિક્ષકશ્રી, કચ્છ-ભુજને દર માસે પુરી પાડવાની રહેશે. તેમાં મજુરોના નામ, પાકા સરનામા તથા ફોટા સાથે ઉંમર સહિતની વિગતો આપવાની રહેશે. પુરા પાડેલ મજુરોની ઓળખ સાબિત કરવા માટે ફોટા સાથેના ઓળખપત્રની નકલ લેબર કોન્ટ્રાકટરે પોતાની કચેરીમાં રાખવાની રહેશે. અને માંગણી થયે રજુ કરવાની રહેશે. કામે રાખેલ મજુરો પૈકી મજુરો છુટા થાય તો તેની વિગત તથા નવા ઉમેરાયેલા નામોની યાદી દર ત્રણ માસે મદદનીશ મજુર કમિશનરશ્રી, ગાંધીધામ તથા પોલીસ અધિક્ષકશ્રી, કચ્છ-ભુજને આપવાની રહેશે.
તા.૧૯/૮/૨૦૧૧ માંડવી અને તા.૨૦/૮/૨૦૧૧ના મુન્દ્રા ખાતે ચલો તાલુકે કાર્યક્રમ
કચ્છના માંડવી ખાતે તા.૧૯ ઓગષ્ટના રોજ ૯ કલાકે દરજીવાડી, નાગનાથ મંદીરની બાજુમાં ચલો તાલુકે કાર્યક્રમનું આયોજન કરાએલ છે અને તા.૨૦મી ઓગષ્ટના રોજ ૯ કલાકે મુન્દ્રામાં અહિંસાધામ, પ્રાગપર ચાર રસ્તા પાસે, પ્રભારી મંત્રીશ્રી પરબતભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર ચલો તાલુકે કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી એમ.થેન્નારસન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ પટેલ, મુન્દ્રા, માંડવી, નાયબ કલેકટર, ધારાસભ્યો સર્વશ્રી ધારાસભ્યો, જયંતીભાઇ ભાનુશાળી, રમેશભાઇ મહેશ્વરી, ધનજીભાઇ સેંધાણી, બાબુભાઇ મેઘજી શાહ, ડો.નીમાબેન આચાર્ય, સહિત પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ બંને તાલુકાના સરપંચશ્રીઓ ઉપસ્થિત રહેશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો