અનુયાયીઓ

રવિવાર, 19 જૂન, 2011

ખાદી માત્ર કાપડ નથી બલ્‍કે લાખો લોકોને રોજગારી આપનારૂં અને સ્‍વતંત્રતા સંગ્રામનું પ્રતિક છે - મહામહિમ રાજ્યપાલ ડૉ. શ્રીમતિ કમલા ખડસલી ખાતે કુંડલા તાલુ

અમરેલી તા. ૧૮ જુન,૨૦૧૧ લોકશાળા-ખડસલી ખાતે કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ,સાવરકુંડલાના હીરક જયંતી મહોત્‍સવ નું દીપ પ્રગટાવી ઉદઘાટન કરતાં મહામહિમ રાજયપાલ ડૉ.કમલાએ કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળને ૭૫ વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતાં જણાવ્‍યું હતું કે, પૂ. ગાંધીજીના વિચારોને ઝીલીને સ્‍વરાજની સાથે ગ્રામીણ ક્ષેત્રે સામાજીક પરિપેક્ષમાં સ્‍વરોજગારી અને સ્‍વાવલંબનનું શ્રેષ્‍ઠ ઉદાહરણ ગ્રામ સેવા મંડળ પૂરૂં પાડ્યુ છે. ખાદી ગ્રામોદ્યોગ દ્વારા છેલ્‍લા ૭૫ વર્ષથી તાલુકા ગ્રામ સેવા મંડળે પૂજ્ય બાપુના સ્‍વરોજગારી અને સ્‍વાવલંબન થકી ગ્રામોત્‍થાનના સિધ્ધાંત સાથે શિક્ષણની જ્યોત સતત ઝળહળતી રાખ્યાનું જણાવી ડૉ.કમલાએ આનંદની લાગણી વ્‍યક્ત કરી હતી.
ખાદી પ્રત્યેની લાગણીઓ વ્‍યક્ત કરતાં રાજયપાલ ડૉ. કમલાએ ખાદી માત્ર કાપડ નથી બલ્‍કે લાખો લોકોને રોજગારી આપનારું અને સ્‍વાવલંબન સાથે સ્‍વમાનભેર જીવન જીવવાનું તેમજ અને સ્‍વતંત્રતા સંગ્રામનું પ્રતિક હોવાનું જણાવ્‍યું હતું. આથી દરેક ભારતીયોને ખાદીનું મહત્‍વ સવિશેષ છે, ત્યારે યુવાપેઢી પણ ખાદી તરફ વળ્યાનો આનંદ વ્‍યક્ત કરી ખાદીની સાથે ગાંધી વિચારધારાને પણ અનુસરવા અનુરોધ કર્યો હતો.
સામાન્‍ય માનવી પણ ગરિમાપૂર્ણ જીવન જીવે તેવા પૂ.બાપુના સ્‍વપ્‍નને સાકાર કરવા તાલુકા ગ્રામ સેવા મંડળ દ્વારા વિવિધ અભિયાનોમાં સક્રિય ભાગ લઈને સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે રચનાત્‍મક કામગીરી કરી સુર્વણ ઇતિહાસ રચ્યો છે, ત્‍યારે આજની યુવાપેઢીમાં પણ નવચેતના જાગૃત કરવા સંસ્‍થા શાશ્વત કાર્યરત રહે તેવી રાજયપાલ ડૉ. કમલાએ શુભકામના પાઠવી હતી.
કાર્યક્રમમાં ખાદી ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષ શ્રી કુમુદબેન જોષીએ તાલુકા ગ્રામ સેવા મંડળ દ્વારા કરવામાં આવતી ખાદી-ગ્રામોદ્યોગ અને લોકશાળાના શિક્ષણથી સામાજીક સ્‍તરને ઉંચુ લાવવાના સરાહનીય પ્રયાસોની સમાજે નોંધ લેવા જણાવ્‍યું હતું. સંસ્‍થાની કામગીરી આવનારી પેઢીઓ માટે ભાથું બની રહેશે અને બુનિયાદી વિચારધારાનો પ્રવાહ આવી જ સંસ્‍થાઓએ હંમેશા વહેતો રાખ્‍યો હોવાનો મત વ્‍યક્ત કર્યો હતો.
રાજ્યસભાના સાંસદશ્રી પુરૂષોત્તમભાઇ રૂપાલાએ પ્રાસંગિક પ્રવચન કરતાં સંસ્‍થા સ્‍થાપનાર મનિષીઓને ભગવદગીતાના કર્મ, ભક્તિ અને જ્ઞાનયોગના ખરાં અર્થમાં અનુનાયી હોવાનું જણાવી તેમના દીર્ધદ્રષ્‍ટિપણાનો ચિત્તાર આપ્‍યો હતો. આઝાદીના સમયના ઉષાકાળને પારખી આઝાદીના લડવૈયાઓએ ગ્રામોત્‍થાન અને સ્‍વરોજગારીનો રાહ ચીંધી નવી ક્રાંતિ સર્જી હતી. આ ઉપરાંત નિરક્ષરતા નાબૂદ કરવા ગામોગામ ગ્રામસેવા તથા લોકસેવાના દીપક પ્રગટાવેલ તેમાંનું એક એટલે ગ્રામસેવા કેન્દ્ર ખડસલી. આ તકે શ્રી રૂપાલાએ ખર્ચાળ શાળાઓના શિક્ષણને બદલે શિસ્‍ત અને અનુશાસનના પાઠ ભણાવતી ગાંધી વિચાર પ્રેરિત સંસ્‍થાઓમાં પોતાના બાળકોને અભ્યાસ કરાવવા અનુરોધ કર્યો હતો.
લોકસભાના સાંસદશ્રી નારણભાઇ કાછડિયાએ પ્રાસંગિક પ્રવચન કરી સંસ્‍થાનો ઇતિહાસ તાજો કર્યો હતો. જયારે ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના ચેરમેન શ્રી વાડીભાઇ પટેલે ખડસલીની સંસ્‍થાને સંસ્‍કારી નગરી ગણાવી, ખાદી ગ્રામોદ્યોગમાં જોડાઈને સુરાજયની કલ્‍પનાને સાકાર કરવા આવનારી પેઢીને આહવાન કર્યું હતું.
કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળના પ્રમુખ શ્રી મનુભાઇ મહેતાએ શાબ્‍દિક સ્‍વાગતમાં સંસ્‍થાની પ્રવૃત્તિની રૂપરેખા આપી હતી અને આભારવિધિ લોકશાળાના આચાર્યશ્રીસંજયભાઈ ભાવસારે કરી હતી.
આજના પ્રસંગે મહામહિમ રાજ્યપાલ ડૉ. શ્રીમતિ કમલાના હસ્‍તે સંસ્‍થાની કન્‍યા છાત્રાલયમાં સંસદ સભ્‍યશ્રીની ગ્રાન્‍ટમાંથી મળેલ સૂર્યઉર્જાના ઉપકરણોનું ઉદઘાટન અને સંસ્‍થાના ૭૫ વર્ષની ગાથા વર્ણવતાં પુસ્‍તક ‘‘સંભારણું’’નું વિમોચન કરવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત સંસ્‍થામાં અભ્યાસ કરતાં અને પ્રથમ નંબર મેળવેલ ધોરણ ૮ થી ૧૨ના વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્‍તે ઇનામ વિતરણ કરવામાં આવેલ.
કાર્યક્રમમાં ધારાસભ્‍યશ્રી કાળભાઈ વિરાણી, જિલ્‍લા પંચાયત ઉપપ્રમુખ શ્રી વી.વી. વઘાસિયા, જિ.પં.આરોગ્‍ય સમિતિના ચેરમેનશ્રી કમલેશ કાનાણી, સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ શ્રી કેશુભાઇ વાઘેલા, કલેકટરશ્રી પી.આર.સોમપુરા, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી આલોકકુમાર પાંડે, પોલીસ અધિક્ષક શ્રી એચ.આર.મુલીયાણા, સૌરાષ્‍ટ્ર રચનાત્‍મક સમિતિ-રાજકોટના પ્રમુખશ્રી દેવેન્‍દ્રભાઇ દેસાઇ, ખાદી ગ્રામોદ્યોગ સંઘ સમન્‍વય-રાજકોટના શ્રી બળવંતભાઇ દેસાઇ, ખાદી ગ્રામોદ્યોગ સંસ્‍થાના અગ્રાણીઓ, સંસ્‍થા સાથે ખાદી કામમાં રોકાયેલા, કાંતનાર, વણકર અને સ્‍વસહાય જૂથની મહિલાઓ સહિત વિદ્યાર્થી તથા વાલીગણ વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યાં હતાં.

1 ટિપ્પણી:

bloch imrankhan કહ્યું...

ખાદી દેશ ની આબાદી છે.