રાજકોટ તા. ૧૮ જુનઃ રાજયભરમાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવ ઉજવણીના ભાગ રૂપે રાજકોટ જિલ્લાના ટંકારા તાલુકા બંગાવડી અને ખાખરા ખાતે સર્વ શિક્ષા અભિયાન પ્રોજેકટના ડાયરેકટર શ્રી મનોજ અગ્રવાલના હસ્તે આજ રોજ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ સંપન્ન થયો હતો.
આ પ્રસંગે શ્રી મનોજ અગ્રવાલે રાજય સરકારના શૈક્ષણીક સ્તર ઉંચુ લાવવાના પ્રયાસોને સાકાર કરવા વાલીઓને અનુરોધ કર્યો હતો. તેમણે આજના યુગમાં બાળકોનો શૈક્ષણીક પાયો મજબુત હોય તે બાબત અતિ મહત્વની ગણાવી, બાળકો શિક્ષણની ઉંચાઇને સર કરે તે માટે માતાઓ અને શિક્ષકો તથા વાલીઓને શાળામાં પ્રવેશ મેળવનાર કે અભ્યાસ ચાલુ હોય તેવા બાળકોને ભણવા માટે પ્રોત્સાહિત કરવા સહિયારો પ્રયાસ કરવા જણાવ્યું હતું.
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ પ્રસંગે ટંકારા તાલુકાના બંગાવડી ખાતે ધો-૧ માં ૩૪ બાળકોએ પ્રવેશ મેળવ્યો છે જેમાં ર૩ કુમાર અને ૧૧ કન્યાઓનો સમાવેશ થાય છે જ્યારે આંગણવાડીમાં ૧૩ કુમાર અને ૩ કન્યાઓ મળી ૧૬ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો.
આ પ્રસંગે ધોરણ-૩ થી ૭માં પ્રથમ આવનાર બાળકોને પ્રોત્સાહક ઇનામો તથા આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર બાળકોને રમકડાં વગેરેનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું તથા દાતાઓનું પુસ્તક અર્પણ કરી સન્માન કરાયું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગોચિત પ્રવચનો કર્યા હતા જ્યારે બાળકો દ્વારા યોગ, સ્વાગત ગીતો રજૂ કરી, સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત પ્રતિજ્ઞાપત્રનું વાંચન કરવામાં આવ્યું હતું.
આ કાય્રક્રમમાં પશુપાલન નિયામક શ્રી જે.ડી પરડવા, ટંકારા મામલતદાર શ્રી જિજ્ઞાસાબેન ગઢવી, પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી શ્રી બારૈયા, શ્રી દિનેશભાઇ દેસાઇ, શ્રી પરેશભાઇ દલસાણીયા, બી.આર.સી. શ્રી ભરતભાઇ, દાતા શ્રી અમૃતભાઇ દેત્રોજા, શ્રી રઘુવીરસિંહ, શ્રી કૃષ્ણસિંહ જાડેજા, સરપંચશ્રી, ગામ આગેવાનો, માતાઓ, આંગણવાડીના બહેનો, શિક્ષકગણ વગેરે ઉપસ્થિત રહયા હતા.
બાદમાં સર્વ શિક્ષા અભિયાન પ્રોજેકટના ડાયરેકટર શ્રી મનોજ અગ્રવાલ તથા મહાનુભાવોના હસ્તે ટંકારા તાલુકાના ખાખરા ગામે પ્રવેશપત્ર ત્રણ બાળકોનો શાળાપ્રવેશ સંપન્ન થયો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ શાળાના બાળકોએ કરી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો