અનુયાયીઓ

રવિવાર, 19 જૂન, 2011

લીંબડી તાલુકાના પાંચ ગામોની શાળાઓમાં બાળકોને શાળા પ્રવેશ કરાવતાં ગુજરાત રાજ્યના નાગરિક પુરવઠા નિગમના મેનેજીંગ ડિરેક્ટર શ્રીમતી સંગીતાસીંઘ

શિક્ષણની સાથે બાળકોમાં વાંચનની ટેવ કેળવાય તેવા વાતાવરણનું પ્રત્યેક શાળાઓ અને ઘરોમાં નિર્માણ કરવું પડશે
- મેનેજીંગ ડીરેક્ટર શ્રીમતી સંગીતાસીંઘ

સુરેન્‍દ્રનગર, તા. ૧૮/૬ :- સુરેન્‍દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના આવેલ નળકાંઠા વિસ્‍તારના ફુલવાડી, રાણાગઢ, મુળબાવળા, ધલવાણા અને રોજાસર ગામોની પ્રાથમિક શાળાઓમાં રાજ્યના નાગરિક પુરવઠા નિગમના મેનેજીંગ ડિરેક્ટર શ્રીમતી સંગીતાસીંઘે આજરોજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહીને શાળામાં પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક કિટ્સ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે મેનેજીંગ ડિરેક્ટર શ્રીમતી સંગીતાસીંઘે પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં જણાવ્‍યું હતુ કે, ઓછો સ્‍ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામના આગેવાનોએ કન્‍યા કેળવણી માટે ચિંતન કરી પોતાના ગામની પ્રત્યેક દિકરીઓ શિક્ષિત બને તે માટેનું કાર્ય કરવું પડશે. બાળકને શાળામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે બાળક શાળામાં નિયમિત જાય તે જરૂરી છે તેમ જણાવી શ્રીમતી સંગીતાસીંઘે વધુમાં ઉમેર્યું હતુ કે, શાળામાં પ્રવેશ પામેલ બાળક અધવચ્ચેથી શાળા છોડીને ન જાય તેની ચિંતા આપણે સૌએ કરીને શિક્ષણ રૂપી સામાજીક જવાબદારી અદા કરવી પડશે.
મેનેજીંગ ડિરેક્ટરશ્રીએ આ તકે સમગ્ર રાજ્યમાં શિક્ષણ અર્થે હાથ ધરાયેલા કાર્યોનો ઉલ્લેખ કરી ઉપસ્‍થિત શિક્ષકો તથા ગ્રામજનોને શાળામાં આવતા બાળકોમાં શિક્ષણની સાથે વાંચનની ટેવ કેળવાય તેવા વાતાવરણનું પ્રત્યેક શાળા અને ઘરોમાં નિર્માણ કરવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં અગ્રણી શ્રી જગદીશભાઇ મકવાણાએ જણાવ્‍યું હતુ કે, ગુજરાતનું એકપણ બાળક નિરક્ષર ન રહે તે માટે મુખ્યમંત્રીશ્રીએ શાળા પ્રવેશોત્સવ રૂપી મહા અભિયાન આરંભ્યું છે, ત્યારે પ્રત્યેક વ્યક્તિએ તેમના બાળકો શિક્ષણ થકી સંસ્‍કારીત બને તે માટેના કાર્યમાં સહયોગી બનવું પડશે.
શાળા પ્રવેશોત્‍સવના કાર્યક્રમ દરમિયાન મેનેજીંગ ડિરેક્ટર શ્રીમતી સંગીતાસીંઘ તથા ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે શાળાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ તથા આંગણવાડીના બાળકો માટે રમકડાં આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના પ્રારંભમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સ્‍વાગત ગીત તથા યોગ નિદર્શનનો કાર્યક્રમ રજુ કર્યો હતો.
આ કાર્યક્રમમાં લીંબડીના મામલતદારશ્રી વાળા, અગ્રણીઓ સર્વશ્રી ફૂલજીભાઈ, પુંજાભાઈ, લક્ષ્‍મણભાઈ, અરજણભાઈ સહિત અધિકારી - પદાધિકારીશ્રીઓ તથા મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહયા હતાં.

ટિપ્પણીઓ નથી: