વિખ્યાત સોશ્યલ નેટવર્ક ફેસબુક ઉપર મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સત્તાવાર ફેનપેજને હવે નવો દેખાવ આપવામાં આવ્યો છે. નવા રંગરૂપ સાથે હવે આ પેજને વધુ યુઝર-ફ્રેન્ડલી બનાવવામાં આવ્યું છે અને સાથે જ તેમાં સંખ્યાબંધ નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીશ્રી વિશાળ ચાહકવર્ગ ધરાવે છે. તેમના ફેસબુક પર ત્રણ લાખ જેટલા યુઝર્સ જોડાઈ ચુક્યા છે અને રોજેરોજ બીજા હજ્જારો ચાહકો તેમાં જોડાઈ રહ્યા છે.
ફેનપેજનાં આ નવસંસકરણમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીનાં મંત્રમુગ્ધ કરી દે તેવાં વક્તવ્યો, બ્લોગ, સમાચાર અને તેની સાથે જોડાયેલી ઘટનાઓની માહિતી વણી લેવામાં આવી છે, જે મુખ્યમંત્રીશ્રીનાં પ્રતિભા સંપન્ન વ્યક્તિત્વની ઝલક મેળવવાનો અવસર આપશે. આ ઉપરાંત, નવી ડિઝાઈનને કારણે ફેનપેજ ઉપર ચાહકો વધુ સરળતાથી પોતાનાં અભિપ્રાયો વ્યક્ત કરી શકશે. જુદા જુદા વિભાગોમાં જઈને સર્ચ કરવાને બદલે, હવે પેજ ઉપર એક ઈન્ડેક્ષ આપવામાં આવી છે જેનાં દ્વારા સરળતાથી વિવિધ માહિતી સર્ચ કરી શકાશે. ફેનપેજમાં વાઈબ્રન્ટ અને હળવા રંગોનાં સંયોજનથી વાંચનને આરામદાયક બનાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીશ્રી કામકાજની સતત વ્યસ્તતા છતાં પણ ટ્વીટર અને ફેસબુક જેવી સોશિયલ નેટવર્કીંગ સાઈટ્સ ઉપર સક્રિય રીતે પોતાના મંતવ્યો આપે છે. તેમનાં ચાહકો તેમની વાતો અને નિવેદનોને દુનિયાભરમાં ટ્વીટ કરતાં રહે છે. ભૌતિક જગત ઉપરાંત સાયબર જગતમાં પણ તેમનો મોટો ચાહકવર્ગ છે. રાજ્યવહીવટમાં નવો ચીલો પાડવા માટે જાણીતા મુખ્યમંત્રીશ્રીએ ફેસબૂકના આ નવા ફેજપેજ દ્વારા સાયબર જગતમાં પણ નવો ચીલો પાડ્યો છે. તેમનાં પોર્ટલ www.narendramodi.in ને વર્ષ ૨૦૧૦માં “બેસ્ટ સોશિયલ મિડિયા ઈનિશિયેટીવ” નો ઈ-ગવર્નેન્સ એવોર્ડ પણ મળી ચુક્યો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો