રાજકોટ તા. ૧૮ જુનઃ રાજકોટ તાલુકાના પરાપીપળીયા ગામે શાળા પ્રવેશોત્સવના ત્રીજા અને અંતિમ દિવસે કૃષિ અને સહકાર વિભાગના સંયુકત સચિવશ્રી એમ.એ.નરમાવાલાએ દીપ પ્રાગટય કર્યા બાદ ૧૯ કુમારો અને રર કન્યાઓ મળી કૂલ ૪૧ બાળકોને ધો.૧માં શાળા પ્રવેશ અપાવ્યો હતો.
શ્રી નરમાવાલાએ આજના હરિફાઇના યુગમાં બાળકો પડકાર ઝીલી શકે તેવું શિક્ષણ શિક્ષકો દ્વારા આપવામાં આવે તેવી હિમાયત કરી હતી. તેમણે ઉમેર્યુ કે ખાનગી શાળામાં બાળકોના અભ્યાસ પ્રત્યે વાલીઓમાં લગાવ વધુ જોવા મળે છે, પરંતુ સરકારી શાળાઓમાં સારા તાલીમવાળા શિક્ષકો ઉપલબ્ધ છે ત્યારે ગુણવત્તાવાળુ શિક્ષણ બાળકોને પ્રાપ્ત થાય તેવા પ્રયાસો હાથ ધરવા જોઇએ જેથી ખાનગી શાળાઓનો મોહ ખાળી શકાય.
આ પ્રસંગે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના નિયામકશ્રી પટેલે પ્રાસંગિક પ્રવચનમાં પ્રવેશ મેળવનાર બાળકો પ્રાથમિક શિક્ષણ અચૂક પૂર્ણ કરે તે માટે વાલીઓ જાગૃત થાય તેમજ અઠવાડીયામાં એક વાર બાળકની પ્રગતિ અંગે શિક્ષકો સાથે વિચાર વિમર્શ કરે તે આવશ્યક હોવાનું જણાવ્યુ હતું.
શાળાના બાળકો દ્વારા સ્વાગત ગીત, યોગના આસનો, ધો.૩ થી ૭માં પ્રથમ આવેલા બાળકોને ઇનામો દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા. દાતાઓનું સન્માન પણ આ તકે કરાયું હતું. વાંચે ગુજરાત અંતર્ગત પુસ્તક તરતું મુકવામાં આવ્યું હતુ. આ તકે સંકલ્પપત્રનું પણ વાંચન થયું હતું.
શાળા પ્રાંગણમાં આવેલી આંગણવાડીમાં ૧૧ કુમારો અને ૧૪ કન્યાઓ મળી કૂલ રપ બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા અને રમકડા, ત્રણ પૈડાવાળી સાયકલ વગરે મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયા હતા.
આ પ્રસંગે મામલતદારશ્રી ચેતન ગણાત્રા, શ્રીમતિ નરમાવાલા, ગામના સરપંચ શ્રી દાનાભાઇ ગોવિંદભાઇ શિયાળ, સી.આર.સી. શ્રી જાગૃતિબેન જોષી, આચાર્યશ્રી સુભાષભાઇ વૈશ્નાણી, વાલીઓ, આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો