અમરેલી, તા.૧૮
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લામાં રાજયના નાણા, શ્રમ અને રોજગાર મંત્રીશ્રી અને પ્રભારી મંત્રીશ્રી વજુભાઈ વાળાએ બગસરા તાલુકાના સમઢિયાળા, માણેકવાડા અને જુની હળિયાદ પ્રાથમિક શાળામાં બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો. ૪૯ કુમાર અને ૪૦ કન્યા સહિત ૮૯ બાળકોએ શાળામાં પ્રવેશ લીધો હતો જ્યારે ૧૮ કુમાર અને ૧૦ કન્યા સહિત ૨૮ બાળકોએ આંગણવાડીમાં પ્રવેશ મેળવ્યો હતો.
નાણામંત્રીશ્રી અને પ્રભારી મંત્રીશ્રી વજુભાઈ વાળાએ બાળકોને ઉજજ્વળ ભાવિ માટે શુભકામના પાઠવી માતા-પિતા તથા વડીલોને તેના પોતાના બાળક જ નહિ પરંતુ સમાજના કોઇપણ વર્ગનું બાળક પ્રાથમિક શિક્ષણના મૂળભૂત અધિકારથી વંચિત ન રહે તે અંગે ખાસ કાળજી લેવી જોઇએ. ગામડાઓમાં શિક્ષણનું સ્તર ઉંચું લાવવા રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. જેમાં મફત શિક્ષણ સુવિધા, સાયકલ, ગણવેશ અને શિષ્યવૃત્તિ જેવી અનેક સહાય પૂરી પાડવામાં આવે છે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આજે સમાજમાં કન્યાઓએ દરેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સિધ્ધીઓ હાંસલ કરી છે ત્યારે આપણી દીકરી પણ તેવી જ સિધ્ધીઓના શિખરો સર કરે તે માટે પાયો એટલે કે પ્રાથમિક શિક્ષણ જ મજબૂત બનાવવું જોઇએ. કન્યાઓ બે કુળની પ્રતિનિધી છે ત્યારે તેના અભ્યાસ માટે તો ખાસ કાળજી લેવી જ જોઇએ. જો આપણી આપણી દીકરીને જ નહિ ભણાવીએ તો આગામી પેઢીનું ભાવિ શું હશે?
જિલ્લા પંચાયત સદસ્ય શ્રી મનોજભાઇ મહિડાએ જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવના કારણે આજે માતા-પિતા પણ પોતાના બાળકોના શિક્ષણ માટે જાગૃત થયા છે. રાજ્ય સરકારના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના દીર્ધદ્રષ્ટિપૂર્ણ પગલાને લીધે શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો છે. રાજ્ય સરકારના આ શિક્ષણ યજ્ઞમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.
તાલુકા પંચાયત સદસ્ય શ્રી રમેશભાઇ સતાસિયાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક શિક્ષણની ગુણવત્તામાં પરિવર્તનો આવ્યા છે. જે બાળકોએ અધવચ્ચે અભ્યાસ છોડી દીધો હોય તેમને પણ આ કાર્યક્રમ થકી પુનઃપ્રવેશ આપી પુનઃઅભ્યાસની તક પૂરી પાડવામાં આવે છે. પરંતુ સરકારના આ કાર્યક્રમો અને અનેક સહાયને લીધે બાળકોને અધવચ્ચેથી શાળા છોડવાની પરિસ્થિતિ રહી નથી.
આ તકે નગરપ્રમુખ શ્રી છગનભાઇ હિરાણી, બગસરા-મામલતદારશ્રી અને વાલીગણ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો