જાખણ ખાતે જિલ્લા કલેકટરશ્રી અનુપમ અને સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષશ્રી દેવજીભાઇ વાઘેલાની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો : ૯ ભૂલકાંઓને પ્રવેશ
જાખણ ઉપરાંત નાના ટીંબલા, મોટા ટીંબલા, ધાધોસર અને કટારીયા ગામોએ પણ કલેકટરશ્રીના હસ્તે ભૂલકાંઓને શાળા પ્રવેશ અપાયો
સુરેન્દ્રનગર, તા.૧૮/૬ઃ- જિલ્લા કલેકટરશ્રી અનુપમ તથા જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષશ્રી દેવજીભાઇ વાઘેલા તેમજ લીંબડી તાલુકાના અગ્રણીશ્રી ગોવંદભાઇ લકુમની ઉપસ્થિતિમાં ગઇકાલે લીંબડી તાલુકાના જાખણ ગામે યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ધોરણ-૧ માં પ્રવેશપાત્ર ૯ ભૂલકાંઓને કુમકુમ તિલક કરી રંગેચંગે શાળા પ્રવેશ કરાવાયો હતો.
જિલ્લા કલેકટરશ્રી અનુપમે ગઇકાલે લીંબડી તાલુકાના નાના ટીંબલા, મોટા ટીંબલા, ધાધોસર, કટારીયા ગામોમાં પણ બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો. શ્રી અનુપમે તેમના સંબોઘનમાં જણાવ્યું હતું કે, બાળકોના શિક્ષણ માટે ચિંતા કરતી સરકારના અથાક પ્રયાસોમાં વાલીઓનો સહયોગ પણ એટલો જ જરૂરી છે. બાળક શાળાએથી ઘેર આવે ત્યારે શાળામાં તેને શું શીખવવામાં આવ્યું અને તેમાં તેને શું મુશ્કેલી પડે છે તેવી વાલીઓ તરફથી પૃચ્છા થાય અને વિશેષ કાળજી રાખીને શાળાના ગુરૂજનોની સમયાંતરે મુલાકાત લઇ પોતાના સંતાનના અભ્યાસ સંદર્ભે પરામર્શ થાય તો તેમાં ધાર્યું પરિણામ ચોકકસ મેળવી શકાશે.
સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષશ્રી દેવજીભાઇ વાઘેલાએ ઉપસ્થિત વિદ્યાર્થી-વાલીઓ અને ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક પણ બાળક અભણ ન રહે અને તમામ બાળકો ખૂબ સારો અભ્યાસ કરે તે માટે રાજય સરકાર તરફથી રાજયભરની તમામ શાળાઓમાં મંત્રીશ્રીઓ, વરિષ્ઠ પદાધિકારીશ્રીઓ અને સનદી અધિકારીઓને ગામે ગામ મોકલીને ભૂલકાંઓને એક ઉત્સવના રૂપમાં શાળા પ્રવેશ કરાવાઇ રહયો છે, જેની છેલ્લાં ૮ વર્ષથી આ દિશામાં પરિણામલક્ષી અસરો જણાઇ રહી છે.
શ્રી દેવજીભાઇ વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવને લીધે હવે વાલીઓ તેમની દિકરીઓને ઉચ્ચ શિક્ષણ મેળવીને ઉંચી ટકાવારી સાથે હવે અગ્રસ્થાન મેળવી રહી છે, ત્યારે તેમાંથી પ્રેરણા લઇને વાલીઓએ પણ તેમના બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે પૂરતી કાળજી લઇને રાજય સરકારના આ અભિયાનમાં પૂરક સહયોગ આપવો પડશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
લીંબડી તાલુકાના અગ્રણી શ્રી ગોવિંદભાઇ લકુમે તેમના પ્રાસંગિક ઉદ્દબોઘનમાં જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ અગાઉ વાલીઓ તેમના બાળકોને શાળામાં બેસાડી જતાં હતાં પરંતુ હવે મહાનુભાવો અને સમગ્ર ગ્રામજનોની હાજરીમાં બાળકોને હસતા મુખે રંગેચંગે શાળા પ્રવેશ કરાવાઇ રહયો છે ત્યારે ભૂલકાંઓ પણ હવે શાળામાં ખુશી-ખુશી આવતા થયાં છે, જે આ કાર્યક્રમની ફલશ્રુતિ છે.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બાળકોને શૈક્ષણિક કિટ્સ તેમજ ગત વાર્ષિક પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર પ્રથમ ત્રણ વિજેતાઓને પ્રોત્સાહન ઇનામો એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતાં તદ્ઉપરાંત આંગણવાડીની બહેનોને પણ ભૂલકાંઓ માટે રમકડા આપવામાં આવ્યા હતાં
આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીશ્રી રાજન, શાળાના આચાર્યશ્રી પ્રાગજીભાઇ પટેલ, તાલુકા અને ગામના અગ્રણીઓ, વાલીઓ –વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયાં હતાં
પ્રારંભમાં શાળાની બાલિકાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગતગીત બાદ બાળકો દ્વારા યોગ નિદર્શન કરાયું હતું.
અંતમાં શાળાના આચાર્યશ્રી પ્રાગજીભાઇ પટેલે આભારદર્શન કર્યું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો