અનુયાયીઓ

રવિવાર, 19 જૂન, 2011

અક્ષર જ્ઞાન આપવું એ પુણ્યનું કામ છેઃ - જળ સંપત્તિ મંત્રીશ્રી કનુભાઇ ભાલાળા ધોરાજી તાલુકાના ભાદાજાળિયા, નાની મારડ, પાટણવાવ, હડમતિયા, નાગલખડામાં શાળા પ્

રાજકોટ તા. ૧૮ જુનઃ ગુજરાતને સો ટકા સાક્ષર બનાવવાની નેમ સાથે રાજ્યભરમાં યોજાઇ રહેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી યાત્રાની આજ ત્રીજા દિવસે પૂર્ણાહુતિ થઇ હતી. રાજકોટ જિલ્લાના ગોંડલ, જેતપુર અને ધોરાજીમાં મહાનુભાવોના હસ્તે પ્રવેશપાત્ર ભૂલકાઓનું નામાંકન કરવામાં આવ્યું હતું. જળસપંત્તિ રાજ્ય મંત્રી કનુભાઇ ભાલાળાએ ધોરાજી તાલુકાના ભાદાજાળિયા, નાની મારડ, પાટણવાવ, હડમતિયા, નાગલખડામાં કૂલ મળી ૫૩૦ ભૂલકાઓને પ્રવેશ અપાવ્યો હતો.
આ બાળકોનું નામાંકન કરતા રાજ્ય મંત્રી શ્રી કનુભાઇ ભાલાળાએ કહ્યું હતું કે, સમાજના સદ્ધર વર્ગના લોકોની હવે જવાબદારી બને છે કે તે પોતાના ગામ કે આસપાસના પછાત વર્ગના લોકોના બાળકોના શિક્ષણ માટે પણ કાળજી લે. રાજ્ય સરકાર ગુજરાતને સો ટકા સાક્ષર કરવા પ્રયત્નો કરી રહી છે. આ માટે રાજ્યની ૩૩ હજાર પ્રાથમિક શાળાઓમાં તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ આપી રહી છે. ઘટતા શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. શાળાઓમાં નવા ઓરડા બનાવવામાં આવ્યા છે. ત્યારે, હવે આપણે તમામ બાળકોને શિક્ષિત કરવાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવું પડશે.
તેમણે ઉમેર્યું હતું કે, આપણે સૌ ભાગ્યશાળી છીએ કે ગુજરાત, ભારતમાં જન્મ લીધો છે. આપણને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો મળ્યો છે. તેનું આપણે જતન કરવું પડશે અને સમયની સાથે તાલ મેળવવો પડશે. આ માટે શિક્ષણ જરૂરી છે. એટલે, બાળકને ભણાવવા સિવાય આપણી પાસે કોઇ વિકલ્પ નથી. તેમ તેમણે અંતમાં ઉમેર્યું હતું.
ઉપલેટાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઇ માંકડિયાએ જણાવ્યું હતું કે, ગામડામાં રહેતો બાળક પણ શહેરકક્ષાનું શિક્ષણ મેળવે એવી તમામ સુવિધાઓ રાજ્ય સરકારે પ્રાથમિક શાળામાં ઉભી કરી છે. ધોરણ આઠ સુધીનું શિક્ષણ હવે પ્રાથમિક શાળામાં મળશે. આવા તમામ મહત્વના નિર્ણય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગામડાના બાળકને નજરમાં રાખી લીધા છે. એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તેની તકેદારી રાખવાની રહે છે. બાળક ભણશે તો જ ભવિષ્‍યમાં ભારતને શ્રેષ્‍ઠ નાગરિકો મળશે.
ધોરાજી તાલુકા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રી રાજુભાઇ ડાંગરે કહ્યું કે ગુજરાતનો વિકાસ અને પરિવારે પોતાનો વિકાસ સાધવો હોય તો આજે આપણે બાળકોને ભણાવવા પડશે. શિક્ષણ વિના બાળક સમય સાથે ચાલી શકશે નહીં.
મધ્યાહ્ન ભોજન વિભાગના નાયબ કલેક્ટર શ્રી કેતન નાયકે પ્રસંગોચિત પ્રવચનમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે આવતા બાળકોને શ્રેષ્‍ઠ શિક્ષણ આપવા કહ્યું હતું.
ધોરાજી તાલુકાના ઉક્ત ગામોમાં વાજતેગાજતે કન્યા કેળવણી યાત્રા કાઢવામાં આવી હતી. નવઆગંતૂક બાળકોનું કુમકુમ તિલક કરી શાળામાં સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના મોં મીઠા કરાવવામાં આવ્યા હતા. દાતાઓના સહકારથી મળેલી શૈક્ષણિક કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સંદેશાનું વાંચન કરવામાં આવ્યું હતું. આંગણવાડીમાં યોજાયેલી તંદુરસ્ત બાળકની સ્પર્ધામાં વિજેતા બાળકોને ઇનામો આપવામાં આવ્યા હતા. લાભાર્થી છાત્રોને શિષ્‍યવૃત્તિ આપવામાં આવી હતી. નાની મારડમાં ધોરણ આઠના વર્ગ ખંડનું મંત્રીશ્રી ભાલાળાના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
ભાદાજાળિયામાં ૨૦, નાનીમારડમાં ૧૧, પાટણવાવમાં ૭૦, હડમતિયામાં ૯ અને નાગલખડામાં ૪ મળી કૂલ ૧૧૪ બાળકોને રાજ્યમંત્રીશ્રી કનુભાઇ ભાલાળાના હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ ત્રણ દિવસ દરમિયાન ધોરાજી તાલુકામાં ૧૫૬૯, જેતપુર તાલુકામાં ૧૬૬૬ અને ગોંડલ તાલુકામાં ૨૭૨૩ બાળકોનું નામાંકન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અગ્રણી શ્રી ઇશ્વરભાઇ વડાલિયા, રાજશીભાઇ હુમ્બલ, રૈયાભાઇ ભરવાડ, તાલુકા વિકાસ અધિકારી શ્રી વસાવા, લલીતભાઇ વ્યાસ, ભગવાનજીભાઇ સહિત ગ્રામજનો, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ટિપ્પણીઓ નથી: