પોરબંદર,તા.૧૮ઃ- આજે પોરબંદર તાલુકાના પાંડાવદર ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના યોજાયેલ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી સંબોધતા જિલ્લા કલેકટરશ્રી ગિરિશ શાહે બાળકોમાં પડેલ વિવિધ સુષૃપ્ત શકિતઓને ઉજાગર કરવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો.
આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ધો.૧ માં ૧૧ અને આંગણવાડી કેન્દ્રોમાં ૯ બાળકોનું નામાંકન કરવામાં આવ્યું હતું મહાનુંભાવોએ નામાંકન થયેલ બાળકોને કુમકુમ તિલક કરીને મોં મીઠુ કરાવ્યું હતું
જિલ્લા કલેકટરશ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે વિકાસ માટે શિક્ષણ એ પાયાની જરૂરીયાત છે. તેમણે વાલીઓને બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે અંગત રસ લેવા અને બાળકોને ઉચ્ચ શિક્ષણ મેળવીને સનદી અધિકારી બનવા સહિત વિવિધ ક્ષેત્રે પ્રગતિ સાધીને જિલ્લા અને ગામનું નામ રોશન કરવા જણાવ્યું હતું.
ગાંધીનગરના ગૃહ વિભાગના ઇન્ટેલીઝન્સ શાખાના પોલીસ અધિક્ષકશ્રી એસ.કે.દવે. એ જણાવ્યું હતું. કે શિક્ષણ દ્વારા વ્યકિતનો સર્વાંગી વિકાસ થાય છે. નિરક્ષર માનવીનું જીવન ઓસીયાળુ બની જાય છે.
તેમણે આ તકે ગુણવત્તાયુકત શિક્ષણ પર ભાર મુકીને નબળા વિધાર્થીઓના શૈક્ષણીક ઉતકર્ષમાં શિક્ષકોને અંગત લક્ષ આપવા જણાવ્યું હતું. કન્યા કેળવણીના વ્યાપ પર ભાર મુકયો હતો તેમજ વ્યસન મુકિત માટે અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મહાનુંભાવોના હસ્તે નામાંકન થયેલ બાળકોને શિક્ષણની કિટસ અને આંગણવાડીના બાળકોને રમકડા અપાયા હતા. તેમજ ધો.૧ થી ૭ માં પ્રથમ આવનાર હોંશિયાર વિધાર્થીઓનું દાતાઓ અને વિશિષ્ટ સિધ્ધીમાં વાંચે ગુજરાત માં જિલ્લા કક્ષાએ પ્રથમ આવનાર વિધાર્થી શ્રી રાજન મોઢાનું સન્માંન કરવામાં આવ્યું હતું. પ્રારંભમાં સ્વાગત પ્રવચન આર્ચાયશ્રી વલ્લભાઇ દવે તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક શ્રી અભય પંડિત અને આભારદર્શન શિક્ષકશ્રી મોઢાએ કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખશ્રી નિલેશભાઇ ઓડેદરા, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી મધુરીકાબેન ઓડેદરા, સરપંચશ્રી લખધિરસિંહ જેઠવા, મામલતદારશ્રી ભડાણીયા, શ્રી સાજણભાઇ વિગેરે ઉપસ્થિત રહયા હતા.
આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો. શાળાના પટાંગણમાં મહાનુભાવોના તથા બાળકોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો