અનુયાયીઓ

રવિવાર, 19 જૂન, 2011

લીંબડી તાલુકામાં શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ યોજાયો

શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમને ઉત્સવના રૂપમાં ઉજવી
પ્રત્યેક બાળક શિક્ષિત બને તે માટે કટિબધ્ધ બની કાર્ય કરવા સુરેન્‍દ્રનગર જિલ્લા કલેકટરશ્રી અનુપમનો અનુરોધ

સુરેન્‍દ્રનગર,તા.૧૮/૬- સુરેન્‍દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભલગામડા, ઘાઘરેટીયા, નટવરગઢ, શિયાણી અને લક્ષ્‍મીસર ગામો ખાતે સુરેન્‍દ્રનગર જિલ્લા કલેકટરશ્રી અનુપમે આજરોજ શાળામાં પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક કિટ્સ આપી શાળાપ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી અનુપમે જણાવ્‍યું હતુ કે, વિદ્યાધામ રૂપી શાળાઓમાં પ્રત્યેક બાળક પ્રવેશ મેળવે અને સુ-સંસ્‍કારીત શિક્ષણ દ્વારા સમગ્ર સમાજ સંસ્‍કારીત બને તેવા ઉદ્દેશ સાથે સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાઈ રહયો છે. ત્યારે પ્રત્યેક શાળામાં પ્રવેશ મેળવતું બાળક અધવચ્ચેથી શાળા છોડીને ન જાય તે માટેની કાળજી શાળાના શિક્ષકોની સાથે સમાજના આગેવાનોએ પણ લેવી પડશે.
તેમણે વધુમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને ઉત્‍સવના રૂપમાં ઉજવી તેમાં લોકભાગીદારીને જોડી પ્રત્યેક બાળક શિક્ષિત બને તે માટે કટિબધ્ધ બની કાર્ય કરવા અનુરોધ કર્યો હતો. તેમણે આ તકે ગુણોત્સવ કાર્યક્રમનો ઉલ્લેખ કરી પ્રત્યેક શાળાને મળેલી ગ્રેડમાંથી વધુ સારા કાર્ય દ્વારા તે શાળાની ગ્રેડમાં સુધારો આવે તેવું કાર્ય કરવા પણ જણાવ્યું હતુ.
આ પ્રસંગે તાલુકા પંચાયતના ઉપ પ્રમુખશ્રી કૃષ્‍ણસિંહ રાણાએ ઉપસ્‍થિત સર્વેને ગામના પ્રત્યેક શાળામાં પ્રવેશપાત્ર બાળકો નિયમિત શાળાએ જાય તે માટે આગળ આવી કાર્ય કરવા જણાવ્યું હતુ.
શાળા પ્રવેશોત્‍સવના આજના ત્રીજા દિવસ દરમિયાન જિલ્લા કલેકટરશ્રી તથા ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે શાળાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ, તથા ગામના પ્રવેશપાત્ર બાળકોને પુસ્‍તકો – દફતર આપીને શાળાપ્રવેશ કરાવવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે આંગણવાડીના બાળકો માટે રમકડાં આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં અગ્રણીઓ સર્વશ્રી જીતુભા, બેચરભાઈ, સરપંચ અર્જુનસિંહ રાણા સહિત અધિકારી-પદાધિકારીશ્રીઓ તથા મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહયા હતાં.

ટિપ્પણીઓ નથી: