રાજકોટ તા. ૧૮ જુનઃ સમાજ, ગામ, રાજય કે રાષ્ટ્રનો વિકાસ ફકત શિક્ષણથી જ થઇ શકે. તેના વગર થયેલ વિકાસ ક્ષણિક હશે, જેથી શિક્ષણ મેળવવું અનિવાર્ય છે, તેમ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ શ્રી જી.વી.વાદીએ જસદણ તાલુકાના પારેવાળા અને કમળાપુર ગામે યોજાયેલ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં જણાવ્યું હતું.
શાળા પ્રવેશોત્સવના ત્રણ દિવસના કાર્યક્રમના આજના છેલ્લા દિવસે તેમણે વધુમાં ઉમેર્યુ હતુ કે શિક્ષણનો વ્યાપ વધારવા અને પ્રાથમિક શાળામાંથી વચ્ચે શાળા છોડી જતા બાળકોનો ડ્રોપ આઉટ રેશીયો ઘટાડવા રાજય સરકાર છેલ્લા ૧૦ વર્ષથી શાળા પ્રવેશોત્સવ જેવા શિક્ષણના વિકાસને ઉત્તેજન આપતા કાર્યક્રમો થકી પ્રયાસો કરી રહી છે જેને શિક્ષકો, વાલીઓ શાળા પ્રવેશપાત્ર તમામ બાળકોને શાળામાં નામાંકન કરાવી આ તમામ બાળકો પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે તેની પુરતી તકેદારી રાખી આ સરકારના મહામીશનમાં સહયોગી બને તેમ જણાવી તેમણે કન્યા કેળવણી ઉપર ભાર મુકયો હતો.
વન સરંક્ષકશ્રી જી.વી.વાદી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જસદણ તાલુકાના પારેવાળા શાળામાં કુમાર-૨૧, કન્યા ૧૭, કમળાપુરમાં કુમાર-૩૩ કન્યા-૪૮, મદાવા-કુમાર ર૩ કન્યા-૧૯, કડુકા કુમાર-૨૯ કન્યા-૩૧ અને ખડકાણા પ્રાથમિક શાળામાં કુમાર-૦૧ કન્યા-૦૪ મળી કૂલ રર૬ બાળકોને કુમકુમ તિકલ કરી મોં મીઠા કરાવી શૈક્ષણિક કીટ અર્પણ કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે ધોરણ ૩ થી ૭ના તેજસ્વી બાળકોને પુરસ્કાર અને શિષ્યવૃત્તિ અર્પણ કરાઇ હતી તથા વિવિધ હરિફાઇમાં વિજેતા થનાર બાળકોને પુરસ્કાર અર્પણ કરાયા હતા.
વન સંરક્ષકશ્રી જી.વી.વાદીએ પારેવાળા પ્રાથમિક શાળાના રૂ ૪ લાખના ખર્ચે બનાવેલ નવનિર્મિત ઓરડાનું ઉદઘાટન કર્યુ હતું અને શાળાના બાળકો દ્વારા તૈયાર કરાયેલ શૈક્ષણિક પ્રદર્શન પણ નિહાળ્યું હતું.
શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનો અને વાલીઓને સર્વશિક્ષા અભિયાન અંતર્ગત સંકલ્પપત્રનું વાંચન કરી શિક્ષણનો વ્યાપ વધારવા સંકલ્પબધ્ધ કરાયા હતા.
ઉપસ્થિત અધિકારીઓ, મહાનુભાવોના હસ્તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
શાળા પ્રવશોત્સવના આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદૂષણ બોર્ડના શ્રી જોષીએ શિક્ષણની અગત્યતા સમજાવી હતી.
કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ ભવન રાજકોટના શ્રી વિપુલ મહેતા, રેન્જ ફોરેસ્ટ ઓફીસર શ્રી મારવાણીયા, તાલુકા ન્યાય સમિતિના ચેરમેનશ્રી લક્ષ્મણભાઇ મકવાણા, અગ્રણીશ્રી રવજીભાઇ સરવૈયા, સી.આર.સી. કોઓર્ડીનેટર શ્રી હરેશભાઇ વ્યાસ, શાળાઓના આચાર્યો, સરપંચો, તલાટી મંત્રીશ્રીઓ, શિક્ષકો, ગ્રામજનો અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો