૩૫ કુમાર અને ૪૮ કન્યા મળી કુલ ૮૩ બાળકોને પુનઃ પ્રવેશ અપાયો
૧૬૦૧ કુમાર અને ૧૩૭૯ કન્યા મળી કુલ ૨૯૮૦ વિદ્યાથીઓએ ધોરણ ૮માં પ્રવેશ મેળવ્યો
લોક સહકારથી રૂ. ૬.૧૦ લાખથી વધુની રકમનું રોકડ સાધન-સહાયના રૂપમાં દાન પ્રાપ્ત થયું
સુરેન્દ્રનગર,તા.૧૭/૬- સમગ્ર રાજયની સાથે તા.૧૬ જુનથી સુરેન્દ્રનગર જિલ્લામાં શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ- કન્યા કેળવણી મહોત્સવના ગઇકાલે બીજા દિવસ દરમિયાન જિલ્લાની ૨૪૫ ગામોની ૨૫૮ શાળાઓમાં ૩,૩૮૬ કુમાર અને ૩૧૭૬ કન્યા મળી ૬૫૬૨ બાળકોને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો છે, જયારે ૩૫ કુમાર અને ૪૮ કન્યા મળી કુલ ૮૩ બાળકોને પુનઃ પ્રવેશ કરાવવામાં આવ્યો છે તથા ૧૨૬૩ કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવ્યા છે.
આ ઉપરાંત બીજા દિવસે ધોરણ ૮ માં ૧૬૭૧ કુમાર અને ૧૩૭૯ કન્યા મળી ૨૯૮૦ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.
જિલ્લામાં આરંભાયેલ આ શાળા પ્રવેશોત્સવ કારણે લોકોમાં પણ જાગૃતિ આવી છે, અને શાળાના બાળકો માટે લોકોએ પણ રોકડ-ભેટ સ્વરૂપે તેમનો સહયોગ આપ્યો છે. જિલ્લામાં બીજા દિવસ દરમિયાન અંદાજીત રૂ. ૮૮,૧૮૫ ની રકમ રોકડ સ્વરૂપે અને અંદાજીત રૂ. ૫,૨૨,૦૦૯/-ની કિંમતની ચીજ-વસ્તુના સ્વરૂપમાં લોક સહયોગરૂપે દાન પ્રાપ્ત થયું હતું.
કન્યા કેળવણી રથયાત્રાના બીજા દિવસ દરમિયાન સમગ્ર જિલ્લામાં મંત્રીશ્રી તથા મહાનુભાવોએ શાળાઓની મુલાકાત લઇ બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો. શાળા પ્રવેશોત્સવ દરમિયાન ધોરણ ૧ ની સાથે આંગણવાડી-બાલમંદિરમાં પણ બાળકોનું નામાંકન કરવામાં આવ્યું છે, તેમ જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડીનેટરશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો