અનુયાયીઓ

રવિવાર, 19 જૂન, 2011

પાટડી તાલુકાના માલણપુર-કોચાડા-બામણવા અને સુરજપુરા ગામે શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ યોજાયો

સારા શિક્ષણ દ્વારા બાળકો ઉત્તરોત્તર પ્રગતિ સાધે તેવા પ્રયાસો થકી શાળા પ્રવેશોત્‍સવને સફળ બનાવવા રાજય મંત્રીશ્રી કિરીટસિંહ રાણાનો અનુરોધ

સુરેન્‍દ્રનગર,તા.૧૮/૬- ગુજરાતના વન અને પર્યાવરણ રાજય મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ રાજયમાં ગઇ તા. ૧૬ મી થી ત્રણ દિવસ માટે શરૂ થયેલા શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવના આજના ત્રીજા દિવસે સુરેન્‍દ્રનગર જિલ્‍લાના પાટડી તાલુકાના માલણપુર, કોચાડા, બામણવા અને સરજપુરા ગામોએ ઉપસ્‍થિત રહીને બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્‍યો હતો.
રાજય મંત્રીશ્રી રાણાએ તેમના સંબોધનમાં જણાવ્‍યું હતું કે, ૨૧ મી સદીના શૈક્ષણિક પડકારો ઝીલવા બાળક સક્ષમ બને તે માટે બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળે તેવો રાજય સરકારનો પ્રયાસ છે. બાળકો સારૂં ભણે અને ઉત્તરોત્તર પ્રગતિ સાધે તેવા પ્રયાસો થકી શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમને સફળ બનાવવા તેમણે અનુરોધ કર્યો હતો.
રાજય મંત્રીશ્રી રાણાએ જણાવ્‍યું હતું કે, પહેલાં શાળાઓમાં આટલી સુવિધાઓ ન હતી હવે નાના નાના ગામમાં પણ અદ્યતન ઓરડા અને શૈક્ષણિક સાધનો તથા પૂરતા શિક્ષકગણની સુવિધાઓ ઉપલબ્‍ધ છે. વળી ગુણોત્‍સવ કાર્યક્રમ દ્વારા શાળાના શૈક્ષણિક સ્‍તરની પણ ચકાસણી કરવામાં આવે છે. આથી અધવચ્‍ચેથી શાળા છોડી જનારની સંખ્‍યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
આ પ્રસંગે પાટડીના ધારાસભ્‍યશ્રી શંભુપ્રસાદ ટુંડીયાએ જણાવ્‍યું હતું કે, શિક્ષણ માણસમાં જીવન ઘડતરનું કામ કરે છે. બાળકમાં અપાર ક્ષમતાઓ પડેલી છે જેને બહાર લાવવા શિક્ષણ એકમાત્ર સાધન છે. તેઓએ જૂની માનસિકતામાંથી બહાર આવીને દિકરીઓને ઉચ્‍ચ શિક્ષણ આપવા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.
શિક્ષણ પ્રત્‍યેની પોતાની સંવેદનાઓ વ્‍યકત કરતાં જિલ્‍લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્‍યક્ષશ્રી રતિલાલ યાદવે જણાવ્‍યું હતું કે, કુટુંબમાં ગામમાં શિક્ષણ પ્રત્‍યે રુચિ ઉભી થાય અને સામુહિક પ્રયાસ થાય તો બાળકને શિક્ષણ પ્રત્‍યે કયારેય અરૂચિ ન થાય. તેઓએ આ તકે પ્રત્‍યેક ગામ ૧૦૦ ટકા સાક્ષર બને તેવા પ્રયાસો કરવા ગામના આગેવાનોને હ્રદયસ્‍પર્શી અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રીના હસ્‍તે વાંચે ગુજરાત કાર્યક્રમ અન્‍વયે પુસ્‍તક તરતું મૂકવામાં આવ્‍યું હતું આ ઉપરાંત નવા પ્રવેશેલા બાળકોને શૈક્ષણિક કિટ્સ તથા દફતર તથા ધોરણ ૩ થી ૭ ના તેજસ્‍વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્‍યું હતું તથા દાતાઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ તકે મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્‍તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખશ્રી મુકેશભાઇ દેસાઇ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી દર્શનાબેન પટેલ, જિલ્‍લા પંચાયતના સભ્‍યશ્રી ઉદુભા, તાલુકા પંચાયતની કારોબારી સમિતીના પ્રમુખ શ્રીમતી કોકીલાબેન મહેતા, પૂર્વ નગરપાલિકા પ્રમુખશ્રી રશ્‍મિભાઇ રાવલ, તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેનશ્રી મહેન્‍દ્રભાઇ, જિલ્‍લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન શ્રી દિલીપભાઇ પટેલ, અગ્રણીશ્રીઓ સુરાભાઇ રબારી, સુરેશભાઇ ભાવસાર, શ્રીમતી મીનાબેન, શ્રી કે.પી. પરમાર મામલતદારશ્રી નિયતિબેન ઉત્‍સવ, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત વિદ્યાર્થીઓ અને ગ્રામજનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયાં હતાં.

ટિપ્પણીઓ નથી: