અનુયાયીઓ

રવિવાર, 19 જૂન, 2011

દયાપરમાં પ્રવેશોત્‍સવમાં જોડતા ખનિજ નિગમના એમ.ડી.શ્રી વી.એસ.ગઢવીઃ

સીમાવર્તી લખપત તાલુકામાં ખનિજ નિગમ શિક્ષણ, આરોગ્‍ય અને રોજગારી માટે પૂરક બનશેઃ
ગયા વર્ષે ૭.૩૩ કરોડ છેવાડાના તાલુકામાં નિગમે આપ્‍યાઃ

ભુજ, શનિવારઃ કચ્‍છના સીમાવર્તી લખપત તાલુકાનો દબદબો પુનઃ હાંસલ કરવા રાજય સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. ત્‍યારે તેની સાથે પૂરક બળ તરીકેની ભૂમિકા અદા કરી ખનિજ નિગમ આ છેવાડાના પંથકમાં શિક્ષણ, આરોગ્‍ય અને રોજગારીની તકો વધે તે માટે પ્રયત્‍નશીલ છે.
આ સરહદી તાલુકામાં પ્રવેશોત્‍સવની ઉજવણી દ્વારા બાળકોને શાળાએ મોકલવા આવેલા ખનિજ નિગમના મેનેજિંગ ડિરેકટરશ્રી વી.એસ.ગઢવીએ કહયું કે, એકલા ગયા વર્ષે જ રૂ.૭.૩૩ કરોડ જેટલી રકમ તાલુકાના વિકાસ માટે વિવિધ ક્ષેત્રે સહાય કરવા ખનિજ નિગમનું યોગદાન રહયું છે.
તેમણે કહયું કે, લખપત તાલુકામાં પાણી સંગ્રહની વિપુલ ક્ષમતા છે. જિલ્‍લા વિકાસ અધિકારી સાથે ખાસ બેઠક બોલાવી જળસ્‍ત્રાવ (વોટરશેડ) ની યોજના દ્વારા ખનિજ નિગમ આ વિસ્‍તારને હરિયાળું બનાવવા તૈયારી કરી લીધી છે. આ ઉપરાંત પીવાના પાણી માટે પણ આવશ્‍યક સુવિધા આપવા નિગમે આયોજન કર્યુ છે.
ગયા વર્ષે નિગમે તાલુકાના વિકાસ માટે આપેલા રૂ.૭.૩૩ કરોડમાંથી ૩ કરોડ જેટલી રકમ ટપક સિંચાઇ પધ્‍ધતિ માટે લખપત અને અબડાસા તાલુકામાં ૨૫ ટકા સહાય પેટે આપી છે. રૂ.૨.૬૨ લાખ રકમ માળખાગત સુવિધા માટે ૨૪ લાખ રૂ.શાળાઓમાં ૧૩૨ કોમ્‍પ્‍યુટર તેમજ અન્‍ય શૈક્ષિણક સુવિધાઓ માટે આપી છે.
આરોગ્‍ય માટે ૪૯ ગામોમાં ફરતી એમ્‍બ્‍યુલન્‍સ જેવી સેવા અને બીજી સગવડો માટે ૨૫ લાખ રૂપિયા આપ્‍યા છે. આ ઉપરાંત રમતગમત, પીવાનું પાણી અને ૨.૬૨ લાખ જેવી રકમ લખપત તાલુકાના ગામોમાં માળખાગત સુવિધા ઉભી કરવા આપવામાં આવી છે. અને હજુ પણ વિકાસ માટે ખૂટતી કડી ચકાસી આગામી વર્ષોમાં સુવિધાનો વ્‍યાપ વધારવામાં આવશે. એમ ખનિજ નિગમ કચ્‍છના બંને વહીવટી અધિકારીઓ પાન્‍ધ્રોના એસ.ડી.ડવ અને ગઢશીશાના એચ.ડી.પઢેરિયાએ જણાવ્‍યું હતું.
દરમિયાન દયાપર ખાતે શાળામાં બાળકોને પ્રવેશ અપાવતા એમ.ડી.શ્રી વી.એસ.ગઢવીએ જણાવ્‍યું હતું કે, ખનિજ નિગમ લખપત તાલુકામાં શિક્ષણના વ્‍યાપ વધારવા રાજય સરકારનું હમકદમ બનીને કાર્ય કરશે. નિગમે ૧૨૫૦ સ્‍કૂલ બેગ અને કિટ બાળકોને આપી છે પાંચ ગામોમાં કોમ્‍પ્‍યુટર આ વર્ષે આપ્‍યા છે અને દયાપર શાળામાં નવરાત્રિ પહેલા લાયબ્રેરી શરૂ કરવાની પણ ખાતરી આપી હતી.
આ પ્રસંગે લખપત તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અલીભાઇ, જિ.પં.ના સભ્‍યશ્રી જાડેજા તથા તાલુકાના અગ્રણીઓશ્રી સુરૂભા જાડેજા અને હસમુખ પટેલ, જિલ્‍લા પ્રા.શિક્ષણાધિકારીશ્રી એ.કે.છાયા ઉપસ્‍થિત રહયા હતા.
ઉપરાંત નિગમના મેનેજિંગ ડિરેકટરશ્રી વી.એસ.ગઢવીએ નિગમની સહાયથી રૂ.અંદાજે ૯૫ લાખના ખર્ચે નવી બનતી તાલુકા પંચાયત કચેરીની મુલાકાત લઇ કામમાં ઝડપ લાવવા અધિકારીઓને જણાવ્‍યું હતું અને બીજી તરફ દયાપર ખાતે નિગમ અનુદાનિત અનુ.જાતિ કુમાર છાત્રાલયની મુલાકાત લઇ, વધુ ૩ નવા રૂમ બનાવવાના કાર્યની સમીક્ષા કરી હતી. શ્રી ગઢવીએ શિક્ષણનું ધોરણ જાળવવા, છાત્રાલયના સંચાલક અર્જુન બલિયાને અનુરોધ કર્યો હતો.

ટિપ્પણીઓ નથી: