વાસણી, આંબલીયારા અને જીતપુરના ૪૪ કુમાર તથા ૩૯ કન્યા સહિત કૂલ ૮૩ બાળકોનો શાળાપ્રવેશ
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અંતર્ગત શાળા પ્રવેશોત્સવના ત્રીજા દિવસે બાયડ તાલુકાના વાસણી, આંબલીયારા અને જીતપુર ખાતે ગૃહ રાજય મંત્રીશ્રી પ્રફુલભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ૪૪ કુમાર અને ૩૯ કન્યા સહિત કૂલ ૮૩ બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો.
પ્રાસંગિક પ્રવચનમાં મંત્રીશ્રી પ્રફુલભાઇ પટેલે સરસ્વતી સાધના યાત્રાની શરૂઆત કરનાર ચરણાર્થીઓ એવા બાળકોને ઉજજ્વળ ભાવિ માટે શુભકામના પાઠવી માતા-પિતા તથા વડીલોને તેના બાળકને પ્રાથમિક શિક્ષણના મૂળભૂત અધિકારથી વંચિત ન રાખવા અનુરોધ કર્યો હતો. નબળી આર્થિક પરિસ્થિતિને લીધે અભ્યાસ ન કરાવી શકતા માતા-પિતાને હવે પોતાના બાળકના શિક્ષણ માટે ચિંતા કરવાની આવશ્યકતા રહેતી નથી, કારણ કે, રાજ્ય સરકાર દ્વારા મફત શિક્ષણ સુવિધા, ગણવેશ અને શિષ્યવૃત્તિ તથા વિદ્યાલક્ષ્મી બોન્ડ અને અન્ય સહાય પૂરી પાડવામાં આવે છે. પ્રાથમિક શિક્ષણ એ જ્ઞાન પ્રાપ્તિનું પ્રથમ પગથિયું છે ત્યારે પ્રવેશપાત્ર બાળકોના માતા-પિતાએ ઉપસ્થિત રહી ઉત્સાહ દાખવ્યો તે બદલ અભિનંદન મંત્રીશ્રી પ્રફુલભાઇ પટેલે પાઠવ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો